Friday, January 22, 2010

`Rahul Dulhania Le Jayenge!`

પ્રિય મિત્રો,

NDTV Imagine ચેનલ પર `રાખીકા સ્વયંવર` માં,આશરે એક ડઝન જેટલા મુરતિયાઓની વચ્ચે,સાતતાળીની રમત રમાડીને,પ્રેક્ષકોને એક નંબરના મૂર્ખ બનાવ્યા બાદ,હવે ફરીથી રાખી સાવંત જેવા જ, છાપેલા કાટલાં જેવા, બીજવર રાહુલ મહાજન ભૈયા (કે સૈંયા !!) ને તાલેમાલે શણગારી, તૈયાર કરીને, ,`Rahul Dulhania Le Jayenge!` નામનો સ્વયંવર-૨, કાર્યક્રમ, તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૦.થી ઑન ઍર થઈ રહ્યો છે.(કે આપણા માથે મરાઈ રહ્યો છે?)\

જોકે,૧૬૫૫૫ કન્યાઓમાંથી પસંદ થયેલી, આ સોળ કન્યાઓમાં રાહુલની,પૂર્વપત્ની શ્વેતાસિંઘ,પાયલ રોહીતગી કે મૉનિકા,વગેરે વગેરે સામેલ નહીંજ હોય.તેની સહુને ખાત્રી છે.

મને એક સત્ય ઘટના યાદ આવે છે.

અમારા ગામના મંદિરમાં એક પૂજારીજી હતા,તેમને મંદિર સિવાય, ખાસ આવક નહીં તેથી,તેઓ ચાળીસ વરસની ઉંમરે,સાવ કાચા કુંવારા રહીને, રાત દિવસ, લગ્ન ન થયાનો,અફસોસ કર્યા કરતા હતા.ગામના ઘણા માણસો,આ ભોળા પૂજારીજીને,લગ્ન કરાવી આપવાના નામે ઘણીવાર છેતરતા હતા.

તેવામાં એક દિવસ,બહારગામથી થોડા વટેમાર્ગુઓ, મંદિરની ઓરડીઓમાં રાત રોકાયા, આ સાવ ગરીબ માણસોની સાથે, ચીંથરે વીંટ્યા રતન જેવી,ત્રીસ-બત્રીસ વરસની,એક સુંદર કન્યા પણ હતી. રાત્રે વાતમાંથી વાત નીકળતાં,પૂજારીજીએ ભોળા ભાવે,આ લોકોને, કોઈ પરણાવવા લાયક કન્યા હોય તો તેમના માટે, બતાવવા વિનંતી કરી.

તરત જ, તેમાંના એક જણે મમરો મૂક્યો," અરે! બાપુ, બોલતા શું નથી, કન્યા તો એક કરતાં એકવીસ છે, બોલો આ મારી સાથે કન્યા છે તે તમને ગમે છે ? એય કુંવારી છે, અમે તેના માટે છોકરો જોવા જ નીકળ્યા છે,પણ ગરીબ માણસને થોડા રૂપિયાની લાલચ હોય,તે તો જાણો છો ને?"

આ સુંદર કન્યા સાથેના લગ્નની,વાતમાં પૂજારીજીને ખૂબ રસ પડ્યો,પુછ્યું"કેટલા રૂપિયા આપવા પડશે ?"

પેલા માણસે કહ્યું," પચાસ હજાર તો જોઈએ જ."

પૂજારીજીએ કહ્યું," મારી પાસે એટલા બધા રૂપિયા તો નથી,પણ હું ત્રીસેક હજાર કરી આપું."

પેલા માણસે,સાથે આવેલા,બીજા લોકો સાથે મસલત કરીને,હા પાડી.તે દિવસે, મીઠાં,ગલગલિયાંવાળા વિચારોમાં,પૂજારીજીને તો આખી રાત ઊંઘ ના આવી.

બીજા દિવસે વહેલી સવારે, ગામના થોડા માણસોને ભેગા કરી,તેમની પાસેથી ઉછીના-પાછીના કરીને અને થોડા પોતાના કટાઈ ગયેલા પટારામાંથી ભેગા કરીને, કન્યાનાં સગાંને રૂપિયા ત્રીસ હજાર ચૂકવી,આ સુંદર કન્યા સાથે,પૂજારીજીએ મંદિરમાં જ ઘડીયાં,ગાંધર્વ વિવાહ કરી લીધા.

સાંજ ઢળતાં તો,પેલા ગરીબ લોકો પૂજારીજીએ આપેલા, રૂપિયા લઈ,કન્યા પરણાવીને,વરઘોડિયાઁને સુખી થવાના આશીર્વાદ આપી, પોતાના રસ્તે પડ્યા.

ભાગ્યયોગે પ્રાપ્ત થયેલી,આ સુંદર કન્યા સાથે,રમણીય સુહાગરાતનાં શમણાં જોતા જોતા, રાત્રે ઉત્સાહભેર સુહાગરાત માણવા ગયેલા, પૂજારીજી બીજે દિવસે સવારે ઘણા જ ગભરાયેલા લાગ્યા.

સવારે મંદિરમાં ભગવાનની આરતી પણ,મન વગર, ઠેકાણા વગરની ગાતા જોઈ,આરતી ટાણે રોજ આવતા, કેટલાક આત્મીય ગામવાળાઓએ પૂજારીજીને કારણ પુછ્યુ.

તો વિગત બહાર આવીકે, મંદિરમાં ઉતરેલા માણસો ઠગ હતા અને ત્રીસ હજાર રૂપિયાના બદલામાં,પૂજારીજીને સુંદર કન્યાને બદલે `સુંદર ફાતડો` પધરાવી ગયા હતા.

આ લ્લે કર વાત..!! જો થઈ છે? કોઈએ ટીખળમાં પૂજારીજીને પુછ્યું," હવે શું? "

પૂજારીજીએ મનને મનાવતાં જવાબ આપ્યો,"કાંઈ નહીં ભાઈ,બીજું બઘું (??) તો ઠીક મારા ભાઈ,પણ મારે રોટલા ઘડવાનું દુઃખ તો ટળ્યું."

સાલું,મને ચિંતા એ વાતની થાય છે કે, પેલા સાવ કાચા કુંવારા પૂજારી સાથે જો આવું બની ગયું તો પછી, રાહુલને પસંદ પડેલી, કોઈ સુંદર કન્યા, સુહાગરાતે જો `બૉબી ડાર્લિંગ` જેવી નીકળશે તો?

જુઓને,સ્વયંવર -૧ માં,રાખી સાવંતે જેને,પસંદ કર્યો,તે ઈલેશ પરજનવાલા,જાણે ચીકણી સુંદર કન્યા હોય ( વાળ વગરની? ) અને રાખી તેનો પતિ હોય તેમ , બંનેના વાણી-વર્તન ઉપરથી નથી લાગતું.કદાચ એટલે જ બંનેના, બ્રેક-અપના સમાચાર આવ્યા હોય, તેમ પણ બન્યું હોય?

હી..હી..હી..!! આપ કહેશો એવું તે કાંઈ બનતું હશે?

કેમ ભાઈ? કેમ ના બને ?

પુરાવો જોઈએ છે? `UTV Bindaass` ઉપર આવતા `ઈમૉશનલ અત્યાચાર` નામના શૉ માં,તા.૨૨-૦૧-૨૦૧૦ ને શુક્રવારે એટલેકે આજરોજ સાંજે સાત વાગે (IST), ખરેખર, `બૉબી ડાર્લિંગ` ઉર્ફે પંકજ શર્માના `ગૅ``, બોયફ્રેંડ સાથેનો ભવાડો, આવવાનો છે,રસ હોય તો જોઈ લેજો...!!

જો એમ બને તો, તો, આ...હા...હા...હા..!!

કમાલ ખાન ( ના ઓળખ્યા? બીગબોસ-૩ વાળા, K.R.K.) જેવા કેટલાય ફિલ્મ નિર્માતાઓને, એક નવી ફિલ્મ અને કેટલાય સિરિયલ નિર્માતાઓને, ૫૦૦ ઍપિસોડની, એક સિરિયલનો મસાલો મળી જશે..!!

હકિકતમાં તો, સ્વયંવર-૨ના નિર્માતા- SOL Productions Pvt Ltd. ખૂબ સમજૂ છે.

તેઓ એ ઈલેશ જેવા,એક ડઝન, અક્કલના ઓથમીરનો મીસ-યુઝ કર્યા પછી, ઈડીયટ બોક્ષની પ્રસિદ્ધિ ભૂખી, સોળ કન્યાઓને યુઝ (મીસ??) કરીને, નર અને નારીના સરખા અધિકારનું સમતોલપણું જાળવ્યું છે.

સ્વયંવર-૧માં, પુરુષો (??) બેવકૂફ બન્યા? હવે સ્વયંવર-૨માં સ્ત્રી શક્તિનો વારો ? સ્ત્રીઓને પણ સરખી તક મળવી જોઈએ કે નહીં.!!

અરે ઓ,અમારી સોળ બહેનો, રાહુલ સાથે લગ્ન થાયકે ન થાય,પરંતુ ટીવી ઉપર પુરેપુરી પબ્લિસિટી એકઠી કરવા,પહેલાજ ઍપિસોડથી, એકબીજાના ચોટલા પકડીને, ધોબીપછાડ કુસ્તી સહિતના, તમામ દાવ તમે અજમાવી લેજો, બહેનો..!! જોજો, સહેજે કસર ના છોડતાં પાછાં..!! રાહુલ માટે જેટલો ઝઘડો વધારે કરશો,તેટલું તમારું ભવિષ્ય ઉજળું બનશે..!!

કારણકે, એમ કરતાંય કોઈ બીજા નિર્માતા,પોતાની ચોઈસ સાથે `કોમ્પ્રોમાઈઝ` કરીને પણ,દર ત્રીજા દિવસે, `ક-ખ-ગ`થી શરુ થતી ફાલતુ સિરિયલ્સ માં હિરોઈન કે વૅમ્પનો મૂખ્ય રોલ ઑફર કરે..!! તમારે તો બેય હાથમાં લાડુ છે..!! લાઈફ બની જશે..યા..ર..!!

રાહુલભૈયાની પ્રથમ પત્ની, શ્વેતાસિંઘે,ભલે રાહુલ પર પોતાને ઢોર માર મારવાના આક્ષેપ સાથે,ડિવોર્સ પેપર્સ ફાઈલ કર્યા હોય, પરતુ ધારોકે, રાહુલનો સ્વયંવર -૨ કાર્યક્રમ પતી ગયો. તેને સુંદર કન્યાના રુપે કોઈ ` ડાર્લિંગ બૉબી` મળી ગઈ. રાહુલભૈયા કહે તે મૂજબ તેઓએ વચન પાળવા, સ્ટેજ પર કૅમેરાઓની સામે, તેની સાથે લગ્ન પણ કરી લીધાં,પછી....!!

આ..હા..હા..હા...!! મારો લેખક જીવ ઝાલ્યો નથી રહેતો..!! મારી કલ્પનાઓને જો મુક્તપણે ઉડવા દઉં તો....!!

ફરીથી,`પતિ-પત્ની ઔર વોહ-પાર્ટ-ર` નામનો કાર્યક્રમ શરુ થાય,જેમાં રાખી અને ઈલેશની માફક રાહુલ અને તેની નવપરણિત દુલ્હન,` ડાર્લિંગ બૉબી`એક કપલ તરીકે ભાગ લે..!!

આ વખતે, છૂટાછેડા ફાઈલ કરેલી,પૂર્વપત્ની, શ્વેતાસિંઘનું પાત્ર ભજવતી કોઈ રહી ગયેલી દુલ્હન, રાહુલને છૂટાછેડા બદલ માફ કરી, નવપરણિત જોડીને,ફૂલોથી સજાવેલા સુહાગરાત માણવાના ઓરડા સુધી મંથર પગલે લઈ જાય..!!

રાહુલભૈયા બંને ગલોફામાં, દેશી વાયેગ્રા મિશ્રિત કલકત્તી પાન દબાવીને,મરક-મરક હસતા રુમમાં પ્રવેશી,દરવાજો બંધ કરે.

ફૂલોથી સજાવેલી બેડ પર,હળવેથી સ્થાન ગ્રહણ કરી,હાથેક લાંબો ઘૂંઘટ તાણીને, શરમાતી બેઠેલી, નવી દુલ્હન, `ડાર્લિંગ બૉબી`નો ઘૂંઘટ ઉઠાવી,જમણો હાથ આગળ કરી,પ્રથમ આંગળી લાંબી કરી, હળવેથી નવી દુલ્હનની દાઢી પકડી,( `ડાર્લિંગ બૉબી`ને દાઢી હોય ?) તેનો ચહેરો ઉંચો કરે..!!

ત્યારબાદ ખિસ્સામાં હાથ નાંખી,`ઘૂંઘટ ઉઠાવ્યા`નું દાપું કાઢીને આપે. પછી હળવેથી લાઈટ બંધ કરીને,જ્યાં...જ્યાં...જ્યાં...!!

ત્યાં...ત્યાં...ત્યાં...જ..!! અચાનક રાહુલભૈયાનો ચિત્કાર...!! "ચીટીંગ.. ચીટીંગ..." (કટ..કટ..!!)

" ઉઈ`મા..!! કાજળ ભૂંસાયું તોય,સાવ કોરી રહી ગઈ..!!
હાય રે..!! જોતી રહી તને, તો રાત આખી વહી ગઈ..!!"

સુહાગરાતના ઓરડાની બહાર ઉભેલા બધા,પ્રેમાળ રસિકોને ફાળ પડે કે, ઍક્સ્પાયર ડેટના બીજવર રાહુલભૈયાને, લેભાગુ કૅમીસ્ટે દેશી વાયગ્રા, ઍક્સ્પાયરી ડેટની પધરાવી દીધી કે શું ?

પણ અરે આ શું..!! રાહુલને ઓરડામાં વિદાય કરી,સુહાગરાતના ઓરડાની બહાર, શ્વેતાબહેન,મરક-મરક હાસ્ય સાથે, હજી કેમ ઉભા છે ? પોતાના પતિનું પૂનર્લગ્ન કરાવીને તે ઘણીજ ખૂશ છે ? શા માટે ?

" શું શ્વેતાને અગાઉથી જાણ હતીકે,નવવઘુ, `ડાર્લિંગ બૉબી`, ખરેખર તો `બૉબી ડાર્લિંગ` છે..!!"

"શું શ્વેતાએ જ સ્વયંવર-૨ માં,`ડાર્લિંગ બૉબી`ને પ્લાન્ટ કરી,રાહુલ સાથે બદલો લીધો હતો?"

" શું `ડાર્લિંગ બૉબી`ને રાહુલ,માર મારીને છૂટાછેડા આપશે.? શું ચેનલ ઉપર માનહાનીનો દાવો માંડશે?કે પછી પેલા પૂજારીજીની માફક, રોટલા ઘડવાનું સુખ થયું, માનીને મન મનાવશે?"

" દેખતે રહીએ, રહસ્ય,રોમાંચ ઔર સનસનીસે ભરપૂર,હમારા નયા કાર્યક્રમ, `પતિ-પત્ની ઔર વોહ-પાર્ટ-ર`,Only on NDTV Imagine"

મિત્રો, TRP માં ટોપ ઉપર રહે તેવી,કથા મેં સ્વયંવર-૨, શરુ થતા પહેલાંજ આપની સમક્ષ પ્લાન્ટ કરી છે, મારી આ કથાની ઉંઠાંતરી, `પતિ-પત્ની ઔર વોહ-પાર્ટ-ર`, માટે થાય તો,આપ મારા સાક્ષી રહેજો.

`ચેતન ભગત`ની માફક મને પણ થોડી પબ્લિ(ક)સિટી મળી જાય..!! હા..આ તો વહેતી ગંગા છે સાહેબ, સમયસર .હાથ ધોઈ લેવા સારા?

દોસ્તોં,આ લેખ ઑન ઍર કરતાં પહેલાં,મેં મારી મોટી દીકરીને વંચાવ્યો તો, તેણે મારી આકરી ટીકા કરતાં કહ્યું, "ડેડી,તમે આવો સાવ ફાલતુ લેખ શા માટે લખ્યો? આવો લેખ કોઈને નહીં ગમે..!!"

જોકે,મેં તેને પ્રેમથી સમજાવી,"બેટા..!! ગમશે.તું જોજે ને બધાને ગમશે..!! જે લોકોએ, ટીવી પર બીગબોસ-૨માં, રાહુલને પાયલ અને મૉનિકા સાથે ફ્લર્ટ કરતો જોવાની મઝા લીધી હશે, તે સઘળા જ, મારા જેવા નવરાધૂપ પ્રેક્ષકો-શ્રોતાઓ-વાચકો, મારા આવા ફાલતુ લેખની પણ જરુર મઝા માણશે."

દોસ્તોં, હવે તો મારી આબરુનો સવાલ છે ? લેખ ગમે તો પ્રતિભાવ બ્લોગઃ- પર જરુર આપજો, નહીંતર મારી દીકરી આવો લેખ મને ફરી લખવા નહીં દે.

આ લેખ અંગે મેં ,કેટલાક મિત્રોના, મંતવ્ય જાણવાં માંગ્યા,ત્યારે તેમણે આવી વિકૃત સિરિયલ અંગે,કાંઈ લખીને સમય ન બગાડવા સલાહ આપી,

જોકે મેં તે મિત્રોને સમજાવ્યુંકે," અત્યારે ઘણા વિદ્યાર્થીઓ,મોંઘવારીથી ત્રસ્ત,અસલ જિંદગીની વાસ્તવિકતાથી, જોજનો દૂર, આવી કાલ્પનિક દુનિયાની,સાવ જૂઠી જાહોજલાલીભરી, વિકૃત સિરિયલોથી ભરમાઈને, હતાશામાં આત્મહત્યા કરતા હોય ત્યારે આપણે ચેનલના નાણાં ખરચીને,ગ્રાહકની વ્યાખ્યામાં આવતા હોવાથી, આવી વિકૃતીનો વિરોધ કરવાની પ્રકૃતિ આપણે કેળવવી જ પડશે."

આપણે આ શૉ કેટલો માણવા લાયક હશે ? તે પળોજણમાં ન પડીએ તોય, રાખીને રાહુલની સરખામણી કરીએ તો બંનેમાં,ઘણું સામ્ય છે.બૉસ શાંતિથી વિચારીને મને કહેજો. ઉતાવળ નથી. બાય ધ વૅ.મને તો, કથિત `N.D.Tivaari સેક્સકાંડ` અને `N.D.TV .` નું `Imagination` એક સરખું કેમ ભાસે છે?

` રામ જાણે..!! `

હૅવ અ ગૂડ ડૅ.

માર્કંડ દવે.તા.૨૨-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.