Saturday, January 16, 2010

Sex- Scandal - Narayan Dutt Tiwari

Sex- Scandal - Narayan Dutt Tiwari
========================================

નામઃ-શ્રીનારાયણ દત્ત તિવારી

જન્મઃ- ૧૮ ઑક્ટોબર ૧૯૨૫. (ઉંમર ૮૫ વર્ષ)

જન્મસ્થળઃ-બલુતી,જિલ્લો,નૈનિતાલ.

લગ્નઃ- ૧૯૫૪-પત્ની શ્રીમતી સુશીલા તિવારી.

અભ્યાસઃ- M.A.-L.L.B. (-૧૯૪૭-પોલિટીકલ સાયન્સ) અલ્હાબાદ યુનિવર્સિટી.યુ.પી.

પિતાઃ-શ્રીપૂર્ણાનંદ તિવારી.(એક્સ ફૉરેસ્ટ ઑફિસર)

મેમ્બરઃ- ઈન્ડીયન નેશનલ કૉન્ગ્રેસ

રાજકીય કૅરીયર ગ્રાફઃ-
૧. સન-૧૯૪૨.`ભારત છોડો આંદોલન`માં ભાગ લઈ.તા.૧૪-ડિસેમ્બર ૧૯૪૨ના રોજ `બ્રિટીશ હકૂમતની સામ્રાજ્યવાદી પોલિસી`, વિરુદ્ધ પત્રિકાઓ વહેચતાં,પકડાઈ જતાં,નૈનિતાલની જેલમાં, જેલવાસ ભોગવ્યો હતો, જ્યાં તેમના પિતા શ્રીપૂર્ણાનંદ તિવારી અગાઉથીજ જેલવાસ ભોગવી રહ્યા હતા.આ હિસાબે પિતા-પુત્ર બંને સ્વાતંત્ર્ય સેનાની છે.

૨.બ્રિટીશ જેલવાસમાંથી માર્ચ-૧૯૪૪માં છૂટ્યા બાદ,અલ્હાબાદ યુનિવર્સિટી.યુ.પીમાંથી,પોલિટીકલ સાયન્સ સાથે ,M.A.-L.L.B.નો અભ્યાસ પૂર્ણ કર્યો.

૩. અભ્યાસ દરમિયાન,૧૯૪૭માં વિદ્યાર્થી યુનિયનના પ્રમૂખ તરીકે ચૂટાયા અને ત્યારબાદ `ઑલ ઈંડિયા સ્ટુડન્ટ્સ કૉન્ગ્રેસ `ના સેક્રેટરીપદે પણ ૧૯૪૯ સુધી કાર્ય કર્યું.

૪. ૧૯૫૨માં, ઉત્તર પ્રદેશની નૈનિતાલ વિધાનસભા ક્ષેત્રમાંથી, પ્રજા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બની , M.L.A.તરીકે ચૂટાઈ આવી,વિરોધપક્ષના નેતા બન્યા.

૫.૧૯૬૩માં,ઈન્ડીયન નેશનલ કૉન્ગ્રેસમાં જોડાયા.૧૯૬૫માં કાશીપુરક્ષેત્ર-ઉત્તરાખંડમાંથી ફરીથી, M.L.A.તરીકે ચૂંટાઈને,ચૌધરી ચરણસિંગની, યુ.પી.સરકારમાં, નાણાં અને સંસદીય બાબતોના પ્રધાન (1979-1980) બન્યા.૧૯૭૯ થી ૧૯૮૧ દરમિયાન,તેઓ ભારતીય યુવા કૉન્ગ્રેસના પ્રથમ પ્રમૂખ બન્યા.

૬.જાન્યુઆરી ૧૯૭૬ થી એપ્રિલ ૧૯૭૭ ; ઑગસ્ટ ૧૯૮૪ થી ડિસેમ્બર ૧૯૮૮ અને જૂન ૧૯૮૮ થી ડિસેમ્બર ૧૯૮૮,એમ ત્રણ વાર, તેઓ ઉત્તર પ્રદેશમા મૂખ્યમંત્રી બન્યા,એટલું જ નહીં આ દરમિયાન સમગ્ર ઉત્તરપ્રદેશનો નોંધપાત્ર વિકાસ કર્યો.

૭. ૧૯૮૦માં સાતમી લોકસભામાં, ચૂંટાઈ આવી, પ્લાનિંગ કમિશનના ચૅરમેન ઉપરાંત યુનિયન મિનિસ્ટર પણ બન્યા.૧૯૮૫ થી ૧૯૮૮ સુધી રાજ્યસભાના સદસ્ય બન્યા.જેમાં સપ્ટે.૧૯૮૫-૧૯૮૬ સુધી ઉદ્યોગ અને પેટ્રોલિયમ મંત્રી બન્યા.ઑક્ટો.૧૯૮૬ થી જુલાઈ ૧૯૮૭ સુધી નાણાં અને વાણિજ્ય મંત્રી બન્યા.

૮. ૧૯૯૪માં,લોકસભાની ચૂંટણી માત્ર ૮૦૦ વૉટથી હારી જતાં,તેઓ દેશના વડાપ્રધાન બનતાં-બનતાં રહી ગયા.તેઓના સ્થાને સ્વ.શ્રીનરસિંહ રાવ વડાપ્રધાન બન્યા.

૯.૧૯૯૪માં ચૂંટણીમાં હાર બાદ, ૧૯૯૫માં કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપી,શ્રી અર્જૂનસિંગ સાથે મળી,પોતાની અલગ પાર્ટી, `ઑલ ઈંડિયા ઈંન્દિરા કૉન્ગ્રેસ (તિવારી) બનાવી. પરંતુ બે વર્ષ બાદ સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસ ની બાગડોર હાથમાં સંભાળતાં,તેઓ કૉન્ગ્રેસમાં જોડાઈ ગયા.૧૧ મી અને ૧૩મી લોકસભામાં,તેઓ ફરી ચૂંટાયા.

૧૦.સન. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી, શ્રીનારાયણ દત્ત તિવારી, ઉત્તરપ્રદેશમાંથી અલગ રચાયેલા રાજ્ય, ઉત્તરાખંડના મૂખ્યમંત્રી બન્યા.તેઓએ પોતાની વૃદ્ધાવસ્થા,ઉંમરના કારણે તા.૫ માર્ચ ૨૦૦૬ના રોજ રાજીનામાની ઑફર કરી અને માર્ચ ૨૦૦૭માં તેઓએ મૂખ્યમંત્રીની કચેરી છોડી દીધી.

૧૧.તા.૧૯ ઑગસ્ટ ૨૦૦૭ના રોજ આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમાયા.

૧૨. તા.૨૬ ડિસેમ્બર ૨૦૦૯. ના રોજ આ ઉંમરે, વિવાદાસ્પદ કારણોસર, આંધ્રપ્રદેશનું, રાજ્યપાલનું પદ અને હૈદરાબાદમાં, ભવ્ય રાજ્યભવન છોડવાનો વારો આવ્યો.
========================================

પ્રિય મિત્રો,

એક ગામમાં એક ગધેડો રહેતો હતો,તેને એક શિયાળ સાથે ,મિત્રતા બંધાઈ.એકવાર શિયાળના અતિશય આગ્રહને કારણે, ગધેડો, શિયાળ સાથે,રાત્રીના અંધારામાં, શેરડીના એક ખેતરમાં શેરડી ખાવા પેસીગયો. બંને મિત્રોએ પેટ ભરીને શેરડી ખાધી,એવામાં ગધેડાને ગીત ગાવાનું મન થયું,

શિયાળની, અવાજ નહીં કરવાની, ચેતવણીને અવગણીને,ગધેડાએ શિયાળને જીદ્દ કરીને કહ્યું," ના હું તો ગાઈશ.જ.!!", એમ કહીને, ગધેડો હોંચીઁ-હોંચીઁ કરીને જોરથી ગાવા લાગ્યો ગધેડાનો અવાજ સાંભળી,ખેતરનો માલિક,માણસોને લઈ લાકડીઓ સાથે, દોડતો આવી પહોંચ્યો. તેમને જોતાં જ શિયાળ તો કૂદીને ભાગી ગયું,પણ ગીત ગાવામાં,તલ્લીન ગધેડો માર ખાઈ-ખાઈને અધમૂવો થઈ ગયો.

શ્રીનારાયણ દત્ત તિવારીની ૮૫વર્ષની, સન્યાસાશ્રમની ઉંમર સુધી, હોદ્દાઓનો મોહ રાખી,પેલા ગધેડાએ કરેલી ખરાબ જીદ્દ કે," ના હું તો ગાઈશ જ ." જેવી જીદ્દ કરીને,સમયસર, માનભેર, નિવૃત્ત ન થયાનું, આ વિપરિત ,ક્ષોભજનક પરિણામ છે.

આપણા શાસ્ત્રોમાં, જીવનનું, આશરે ૮૦ વર્ષનું સરેરાશ આયુષ્ય માનીને, તેનાચાર વિભાગ પાડીને, સાવ સરળ ભાષામાં,બાલ્યવસ્થાશ્રમ,ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, અને સન્યાસાશ્રમ,એમ ચાર આશ્રમ દ્વારા માનવને, દરેક ઉંમરના પડાવ પર, તેણે કરવાના કર્મનું માર્ગદર્શન કરી, નવી પેઢીના સંસારની ગતિ સુપેરે જળવાઈ રહે, તે માટે વય-વ્યવસ્થા ગોઠવી છે.

અત્યારે,આજે આ લખું છું,ત્યારે ઈંડિયા ટીવી ઉપર રજત શર્માનો` જનતા કી અદાલત` નામનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.તેમાં આમ જનતામાંથી, એક બહેને લાલુજીને હમણાંજ સવાલ કર્યોકે," રાજકારણમાંથી, આપ ક્યારે નિવૃત્તિ જાહેર કરવાના છો?", લાલુજીનો નફ્ફટ જવાબ છે, "હમારે, રાજકારણવાલેં લોંગોં કી જિંદગી, સાઠ સાલકે બાદ શુરુ હોતી હૈ,યે આપ લોંગોં સે અલગ હોતી હૈ.ચૂનાવ કી ઘોષણા હોતે હી, હમ ખટીયામેં બિમાર પડે હોતેં હૈં, તબ ભી ખડે હો કર ભાગને લગતેં હૈં."

બોલો હવે આમનું શું કરવું ?

विषयामिलोभेन मनः प्रेच्यतीन्दियम।
तन्निरुन्धयात प्रयत्नेन जिते तस्मिज्जितेन्दियः॥

अर्थातः-" મનરુપી શિકારી,વિષયરુપી માંસના લોચામાં ને મોહમાં, વિવિધ ઈન્દ્રિયોને પ્રેરે છે.ઉશ્કેરે છે, માટે પ્રયત્નપૂર્વક મનને રોકો, મન જીતવાથી મનુષ્ય મહાન બને.

કોઈપણ માનવી જ્યારે,મન-મરકટથી દોરવાઈ જઈ, મોહમાયાને વશ થઈ, આપણા શાસ્ત્રોમાં ઉપર દર્શાવેલા, ચાર આશ્રમની ઉપેક્ષા કરી, સંસારના નિયમનો ભંગ કરે,ત્યારે તેને શ્રીનારાયણ દત્ત તિવારીની માફક, અપમાનજનક સ્થિતિમાં મૂકાઈને, છેલ્લે બદનામી સાથે, નિવૃત્તિ જાહેર કરવાનો વારો આવે છે.

આમેય, આંધ્રમાં અલગ તેલંગાણા મુદ્દે અત્યારે અલગતાવાદની તરફેણ અને વિરુદ્ધમાં આક્રોશનો અગ્નિ એવો પ્રગટ્યો છેકે,તેને બૂઝાવવા જતાં, કેન્દ્ર સરકારના હાથ પણ બૂરીરીતે દાઝે તેમ છે.ત્યારે, આપણે આશા રાખીએકે, આવાજ કોઈ રાજકારણના ગંદા ખેલના એક ભાગ રુપે, શ્રીતિવારીજીને આંધ્રમાંથી હટાવવા, કોઈએ ઘડેલું, આ એક અત્યંત નિમ્ન, અધમ કક્ષાનું, ખોટું ષડયંત્ર હતું,તેમ સાબિત થાય.જોકે, શ્રીએન.ડી.તિવારી ઉપર લાગેલા આક્ષેપ-આરોપ સાચા-ખોટા છે,તે નક્કી કરવા માટે, આપણી તપાસસંસ્થાઓ અને ન્યાયપદ્ધતિ,સર્વથા સક્ષમ છે,તેમાં બેમત નથી.

આપણા ગુજરાતની, હાલની વિધાનસભાની ચૂંટણીમાં, કેટલાક માર્ગ ભૂલેલા, ભાજપમાંથી નારાજ થઈ, અલગ ચોકો બનાવેલા, રાજકારણી મિત્રોએ, જ્યારે શ્રીનરેન્દ મોદીજીના અંગત જીવન ઉપર,એક ગુજરાતીને શોભે નહી તેવા,અત્યંત ગલીચ અને નિમ્ન કક્ષાના,શબ્દ-પ્રહાર કર્યા હતા,ત્યારે તેનાથી દુઃખી થયેલા શ્રીમોદીજીએ,આંખમાં ઝળઝળીયાં સાથે,ભાજપના રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં, વિજેતા ધારાસભ્યોને, એક સવાલ પૂછ્યો હતોકે," શું રાજનીતિ આટલી નિષ્ઠુર ક્યારેય હોઈ શકે ?",ત્યારે તો સહુ,તેમના સવાલમાં છૂપાયેલા દર્દમાં સહભાગી થઈ ચૂપ હતા.

પરંતુ આજે ભારતના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત,દેશના સર્વોચ્ચપદ રાષ્ટ્રપતિજીના સીધા પ્રતિનિધી,એવા આદરને પાત્ર અને ગૌરવશાળી હોદ્દા પર બેઠેલા, રાજ્યપાલને આવા,ગલીચ અને નિમ્નકક્ષાના સેક્સ-કાંડ જેવા,આક્ષેપોમાં ફસાયેલા જોવા,તે આપણા સહુનું માથું શરમથી નીચું થાય તેવી બાબત છે.

મહાન દાર્શનિક,ચાણક્ય ના જાણીતા કથન પ્રમાણે," રાજા હંમેશાં શંકાથી પર હોવો જોઈએ." તે ન્યાય, શ્રીતિવારીજીના કેસમાં સાચો પડ્યો નથી,તે અત્યંત દુઃખદાયક બાબત છે.

વર્ષો સુધી, ધરાઈને, ખાઈપીને તગડા થઈ, હવે નિવૃત્તિની વય છતાં, આરામદાયક ઉચ્ચ હોદ્દાની લાલસામાં, જીવવા માંગતા,ભ્રષ્ટાચારના આક્ષેપોથી હજુ મૂક્ત ન થયા હોય,છતાં કેન્દ્રની સરકારની કદમબૉસી કરે તેવા,કહ્યાગરા રાજ્યપાલનું પદ ખેરાત કરવાનું,કેન્દ્રસરકારોને પણ માફક આવી ગયું છે.કેન્દ્રસરકાર આવા કહ્યાગરા રાજ્યપાલ દ્વારા,રાજ્યસરકારોને અંકૂશમાં રાખે તે તો વળી, બૉનસરુપે ગણી શકાય.

ખરી બાબત તો એ છેકે,હવે નેતાઓ ઉપર અવારનવાર થતા, નાનામોટા ભ્રષ્ટાચારના આક્ષેપો અને આરોપોને,કૉર્ટ કચેરીના, થકવી નાંખનારા અને વર્ષો સુધી કાયદાના દાવપેચમાં ઉલઝાવી નાંખવામાં આવે છે.

ત્યારબાદ, આવા સફેદપોશધારી પિંઢારાઓ, પોતાની સત્તાનું સમીકરણ ફીટ બેસતાંની સાથે જ, આરોપોને રફેદફે કરાવી નાંખે છે. આવા નફ્ફટ લોકોથી, ત્રસ્ત જનતામાંથી જ, કેટલાંક તત્વ, પોતાને નડતા નેતાઓના, સેક્સ-કાંડનું સાચું ખોટું, સ્ટીંગ ઑપરેશન કરી,જેતે નેતાને, વિરોધીપક્ષનો ઉહાપોહ અને જનમતના આક્રોશના બહાના હેઠળ,નૈતિકતાના ધોરણોના આધારે,તેમને રસ્તામાંથી હટાવી દે છે.

`જેણે મૂકી લાજ,તેનું નાનું સરીખું રાજ`,એ ન્યાયે આવા નાગા-પૂંગાઓના તમાશા-ભવાડાઓને આપણે દિવસો સુધી,આનંદદાયક, સ્વાદિષ્ટ ચ્યૂંઈંગમની માફક, ચગળ્યા કરી, છેવટે નિંદારસમાંથી કસ ઉડી જતાં, તેને થૂકીં નાંખીએ છીએ.

આવા આક્ષેપો, છેવટે અદાલતમાં સાબિત કરવા અઘરા પડતા હોવાથી,તથા ઉપર દર્શાવ્યું તેમ, કથિત આરોપીની, સેક્સ કાંડ જેવાં ઑપરેશનથી, બદનામી તત્કાળ થઈ જતી હોવાનો ઉદ્દેશ્ય સધાઈ જતો હોવાથી, અદાલતનાં ચક્કરમાં અટવાયેલા આવા કેસોનું છેવટે બાળમરણ થાય છે,અને તેના સમાચાર ક્યારેય, `BREAKING NEWS` ગણાતા નથી.

હવેના સમયમાં, પોતાનું સાચું કાર્ય સાધવા માટે પણ, સાધન ચોખ્ખાં હોવાની,તકેદારી રાખવાની તમા કોઈ રાખતું નથી.
" વિષયભોગ એ ઝેરનું પણ ઝેર છે." શંકરાચાર્ય.

અનેક સંતો,મહંતો,મોટા હોદ્દા ઉપર બિરાજેલા અધિકારીઓ,નેતાઓ ઉપર, આવા આક્ષેપો આજથી નહીં,છેક મૅરેલિન મનરોના સમયથી લઈને, ક્લિંટન અને મૉનિકા લૅવેન્સ્કીના સેક્સ-સ્કૅન્ડલ, કરતાં પણ અગાઉ યુગોથી થતા આવ્યા છે.
જૂના રાજા-રજવાડાઓના કાળની વાર્તાઓમાં વિષકન્યાઓના ઉપયોગની કથાઓ આવતી હતી.બાળપણથી ધીમું ઝેર આપી કોઈ સુંદર કન્યાને ખાસ વિષકન્યા તરીકે તૈયાર કરવામાં આવતી,જેની સાથે શારીરિક સબંધ બાંધતાંની સાથેજ,શરીરમાં ઝેર પ્રસરી જવાથી, દુશ્મન રાજા મૃત્યુ પામતો.

હવે કોઈનું ચારિત્ર-હનન કરવા માટૅ આવી વિષકન્યાઓનો રાફડો ફાટ્યો છે.જેની આખી જમાત કુશળતાથી સાચા-ખોટા સ્ટિંગ ઑપરેશન કરી, ગમે તેને તત્કાળ બદનામ કરી, સચોટ નિશાન તાકે છે.

એ બાબત પણ રસપ્રદ છેકે, કોઈ ચેનલ,કે અખબારમાં આવી કોઈપણ ખબર આવતાં જ,પોતાને ચોખલિયા અને નૈતિકતાના પ્રહરી,ઠેકેદાર ગણાવતી,બીજી એક જમાત,તેમાં ચાલતી ગાડીએ ચઢી,સમાજના ઉશ્કેરાયેલા એક વર્ગને સાથે રાખી,વહેતી ગંગા (..!!)માં પોતાના સ્વાર્થી હાથ ધોઈ લે છે.

સેક્સની ઉંમર-અમર ??

એક આડ વાત.,કેટલાક સેક્સોલોજીસ્ટોના મતાનુસાર,'જ્યાં સુધી અન્નનો દાણો,પેટમાં જાય ત્યાં સુધી માનવીમાં જાતિયતાનો ભાવ જાગૃત રહે છે.તેને ઉંમર સાથે કોઈજ લેવાદેવા નથી હોતી."

એકવાર હું મારા એક મિત્ર સાથે,તેમના ઓળખીતાને ત્યાં કામ અંગે ગયો હતો. તેમના, તે ઓળખીતાની ઉંમર આશરે ૬૦ની આસપાસ હતી તેથી સ્વાભાવિકપણે મારા મિત્રએ,તેમને `કાકા` કહીને સંબોધ્યા.

એ ઓળખીતા ભાઈતો ગમ ખાઈને કશું ન બોલ્યા,પણ બાજૂમાં ઉભેલાં તેમનાં પત્ની (કાકી?) ગુસ્સે થઈ ગયાં.અમને કહ્યું, "આમને કાકા નહીં કહેવાનું,ભાઈ કહો."

પેલા મારા મિત્રને બહુ જ ખોટું લાગ્યું,મને બહાર આવીને કહે," દવેભાઈ, આ કાકી તો જૂવો ? કાકાની ઉંમરનાને કાકા ન કહેતો બીજું શું કહે..!!"

મેં તેમને સાંત્વના બંધાવતાં કહ્યું," ભાઈ,મને તો,તેમની વાત સાવ સાચી લાગી, કાકા ખરેખર કાકા થઈ ગયા છેકે, નહીં..!! તે,તેમનાં પત્ની વધારે જાણે કે પછી આપણે ? હવેથી કોઈને ઉંમર જોઈ સંબોધન ના કરતા."

પેલા ભાઈને કાંઈ સમજાયુ ન હોય તેમ મારી સામે જોઈને નકારમાં, માથું ધુણાવ્યું,જોકે મારી વાત આપનેય કદાચ મોડી સમજાય એમ બને..!!

શ્રીતિવારીજીના સેક્સ-કાંડની ABN Andhra Jyothi news channel, ની વિડિયો ક્લિપીંગ્સ, જેમણે પણ જોઈ હોય,તેને એ ખ્યાલ આવે તેમ છેકે, આ ક્લિપીંગ્સ,એટલી આબેહૂબ અને સાચી લાગે છે ? કે જો તે ખોટી, સાબિત થાય
તો,તેનું નિર્માણ કરનારા કેમેરામેન, ટેકનિશ્યનો રાષ્ટ્રીય ઍવોર્ડ લઈ જાય ?

આમતો સેક્સ-કાંડની, આ ક્લિપીંગનું સાઈટ ઍડ્રેસ, પોર્ન પ્રકારનું હોવાથી મર્યાદાભંગ થાય તેમ હોવાથી,અહી દર્શાવ્યું નથી.

ચાલો,ત્યારે આપ પણ મારી સાથે બોલો,"નારાયણ....નારાયણ...!!!"

માર્કંડ દવે.તા.૨૬-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.