Saturday, July 31, 2010

પ્રથમ દિન

પ્રથમ દિન


" સંતાનનાં, સહુ લક્ષણ, પારણેથી જ,  વરતાય  છે.
  સપૂત  હો,  તો  ભક્ષક, આંગણેથીજ,  ભરમાય છે..!!"


==========

( પ્રિય મિત્રો, આ  આખો લેખ કાલ્પનિક છે, તેમાં ઉલ્લેખ થયેલાં, નામ-ઠામ પણ, કાલ્પનિક છે. પ્લીઝ..!! કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)

==========

મારું  નામ  પંકજ  શર્મા  છે. મારી ઉંમર  આજે,  ૫૮ પુરાં  કરીને, ૫૯ વર્ષની થઈ.

મારા બાપદાદા,  રાજસ્થાનના રહેવાસી, પરંતુ મારો જન્મ, અમદાવાદ - ગુજરાતમાં થયો અને તેથીજ, આમ  જુવો  તો,  હું  નખશિખ  ગુજરાતી છું.

આજે મને, મારા જીવનના દરેક, અગત્યના પ્રસંગના અનુભવને, આપ સહુની વચ્ચે, વહેંચવાનું મન થયું છે. હું  કોઈ લેખક  કે  કવિ નથી, તેથી રજુઆતમાં કોઈ ખામી લાગે તો, મને માફ કરજો.

પ્રથમ, મારા જન્મનો દિવસ -

હું  પાંચ વર્ષનો થયો, ત્યાં સુધીના પ્રસંગોનું,  જ્ઞાન, સ્વાભાવિકપણે, મને  ન જ  હોય,..!!

પરંતુ, મારી મમ્મીની  વાતો પરથી,મને ખબર પડી  છેકે,  હું   જન્મતાંની સાથે, બીજાની  માફક  રડ્યો  ન  હતો  અને  મને  રડાવવાના અથાક પ્રયત્નોમાં, લૅડી ડૉક્ટર અને  નર્સ  રડવા જેવાં થઈ ગયાં હતાં તથા  મને રડાવવા, તેમને ઘણા જ `પાપડ`  વણવા  પડ્યા  હતા..!!

મારું, પ્રથમ સ્તનપાન -

મને જાણવા મળ્યું  છેકે, મેં રડવાનુ શરૂ કર્યું પછી, રડતા બંધ થવાની રીત, હું વારંવાર ભૂલી જતો, જેથી થોડી-થોડી વારે, મને  માઠું  લાગ્યું  હોય  તેમ, આખુંય ઘર ગજવતો,  રડ્યા જ કરતો.

આ  જ કારણે, મને ભૂખ લાગી હોય અને મારી મમ્મી, મને  ખોળામાં લેતી, છતાંય  કેવીરીતે  દૂધ પીવું ? તેય, હું  વારંવાર ભૂલી જતો  અને મને વળી  પાછા રડવાનું એક નવું બહાનું મળી જતું..!!

મારી, પ્રથમ પા-પા પગલી -  

રડવામાં હું જેટલો હોશિયાર હતો તેટલોજ, ફક્ત  એકજવાર  પપ્પાની આંગળી પકડીને, ચાર ડગલાં ચાલ્યો ત્યારથી, આજ સુધીમાં, લોકોએ  મને દોડતાંજ જોયો છે,  ચાલતાં   નહીં..!!

પપ્પા ઘણીવાર ટોકે છેકે, " બહુ  ના  દોડીશ  નહીંતર  તું,  કદાચ  મારા  કરતાંય  આગળ   થઈ  જઈશ?"  ( તે વાત, છે..ક, ૫૮ વર્ષે,  હ્યદયરોગનો હુમલો આવ્યા પછી, આજે  મને  સમજાય છે.)

મારું, પ્રથમ શાળાપ્રસ્થાન -

મને  જ્યારે બાલમંદિરમાં મૂક્યો અને પ્રથમ દિવસે, શાળાએ મૂકવા ગયા ત્યારે   હું,  સહેજ પણ  રડ્યા વગર જ,  શાળાએ ગયો  હતો. ત્યાં બાકીનાં બાળકોને રડતાં જોઈ, મને તો  નવાઈ લાગતી..!!

મારા મમ્મી-પપ્પાએ  સાથે આવીને, આખી શાળાનાં, બઘાં જ  બાળકોને ચોક્લેટ વહેંચી તોય, કોઈ  રડતું  છાનું  ના રહ્યું. જોકે, રડતાં રડતાં ય, બધાં છોકરાં, ચોક્લેટ આરામથી ખાઈ ગયાં હતાં.

તે સમયે, મને આપેલી નાની ચોપડી અને નોટબુકની સુગંધ બહુ ગમતી. હું  તો વારંવાર તેને, કોઈના જુવે તેમ,  સુંઘ્યા જ કરતો. છેક, સાતમા ધોરણ સુધી આવી ટેવ રહી, પછી આ ટેવ  ભૂલી ગયો.

મારો, પ્રથમ હાઈસ્કૂલનો દિવસ-

હાઈસ્કૂલમાં જવાના આગલા દિવસેજ, મેં પપ્પા - મમ્મીને, કાળજું કઠણ કરીને કહી દીધુંકે, `કાલથી હું  રિક્ષામાં,ઘેટાંબકરાંની જેમ, ઠાંસોઠાંસ, બેસીને નથી જવાનો. મને સાયકલ લાવી આપો.` મારો આગ્રહ જોઈને, પપ્પાએ તેમની સાયકલ મને આપીને તે, બસમાં નોકરી પર ગયા.

તે દિવસે   હું,   ઠાઠથી, સીટ ઉપરથી ઉભો થઈ થઈને, સાયકલ ભગાવતો, શાળાએ ગયો હતો.

મારી સાથે રિક્ષામાં, રોજ આવતા, મિત્રોને, રિક્ષામાંથી  ઠલવાતા જોઈને, તેમની લાચારી પર, તે  દિવસે, મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી થઈ હતી.

મારો પ્રથમ કૉલેજનો દિવસ -

મારા કૉલેજના પ્રથમ દિવસે, હું કૉલેજ ગયો ત્યારે, અમારી નબળી  આર્થિક સ્થિતિને કારણે, પપ્પાએ, નવાં વસ્ત્ર લઈ આપેલાં નહીં હોવાથી, મારી હમણાંજ ત્યજેલી  શાળાના,  સિમ્બોલવાળા શર્ટનો, મારો  હાઈસ્કૂલનો  ગણવેશ પહેરીને હુ  કૉલેજ પહોંચ્યો,  તે  જોઈને, મારી  કૉલેજનો આખો વર્ગ, મારી ઉપર દાંત કાઢતો હતો. મને  ઘણોજ  ક્ષોભ  થયો.

જોકે, કૉલેજના પ્રોફેસરસાહેબ  વર્ગખંડમાં, દાખલ થયા, ત્યારે તેમના માનમાં, શાળાના વિધ્યાર્થીઓની માફક, આખો વર્ગ, પોતાના સ્થાન પર ઉભો થયો, તે સમયે, મારો  ક્ષોભ  થોડો  ઓછો  થયો.

પછી તો  પપ્પા, દેવું કરીને પણ, મને સારાં  વસ્ત્રો, પેટ્રોલનો ધુમાડો ઉડાડતાં વાહનો, વગેરે  લાવી  આપતા ગયા અને  હું   મિત્રોમાં  વટ  મારતો  રહ્યો..!!

જોકે,  હું   ભણવા અને  નાટક-ચેટકમાં અવ્વલ રહેતો  તેથી, આખીય  કૉલેજમાં  હીરો  તરીકે  પ્રખ્યાત  પણ  થયો.

મારો સ્ટેજ  પરફોર્મન્સનો પ્રથમ દિવસ -

મને  યાદ  છે,  કૉલેજના  વાર્ષિકોત્સવમાં ,  `હું -તું  અને સંપેતરાં.` નામના એક  નાટકમાં, હું  હીરો  અને  કૉલેજની ચૂલબૂલી કન્યા `અંજલી` હીરોઈન તરીકે, રૉલ ભજવતાં હતાં.

નાટકમાં કચાશ ન  રહે તેથી અમે,  નાટકનાં  ડાયલોગ્સનાં એટલા બઘાં રિહર્સલ કર્યાં કે, તે  બધા જ પ્રેમસંવાદે છેવટે, અમારા બંનેના જીવનમાં, વાસ્તવિક રૂપ ધારણ કર્યું.

જોકે, મારા અને અંજલીના સબંધને, એક  સલામત અંતર સાથે, અમે  જાળવતા રહ્યા.

કૉલેજના છેલ્લા વર્ષની, ઍક્ઝામ  પૂર્ણ થતાંજ, કોઈનેય જાણ કર્યા વગર જ, મેં અને અંજલીએ,  પ્રેમ લગ્ન કરી લીધાં.

અમો, લગ્ન કરીને તરતજ,  મિત્રોએ  આપેલાં નાણાંથી, માઉન્ટ આબુ, હનીમૂન માટે ઉપડી ગયાં.

મારા હનીમૂનની પ્રથમ રાત -  

મિત્રોએ  ઉછીનાં આપેલાં નાણાં, કરકસરથી ખર્ચ કરવા, હું અને અંજલી, માઉન્ટ આબુની, એક સાવ સસ્તી હૉટલમાં ઉતર્યા.

ફીલ્મો કે સિરીયલ્સમાં, દર્શાવે છે, તેવી કોઈ  ફૂલોથી સજાવેલી પથારી નહીં,  ન તો  બાજુના ટેબલ પર  દુધનો ભરેલો ગ્લાસ,  ન કોઈ `લાઈટ એન્ડ શૅડો` નું માદક વાતાવરણ..!!

કૉલેજમાં જાળવેલા, સંયમની  પાળને આજે, ઓળંગવાની  ઉતાવળમાં, આખી રાત, સવાર સુધી,  મહત્ત્વના  `એક`   સિવાયના, અન્ય તમામ અત્યંત ઉત્તેજીત, ધૂજતા  શરીરના, અંગો  સાથે   હું,  અંજલીમાં, સમાઈ  જવાની નિષ્ફળ  કોશિશ,  કરતો રહ્યો.

છેવટે થાકીને, વહેલી સવારે, બધાજ પ્રયત્ન પડતા મૂકીને, જોરથી નસકોરાં ગજવતો, ( એવું અંજલીએ, બીજે દિવસે મને કહ્યું..!!) ઘસઘસાટ ઉંઘી ગયો.

જોકે, પ્રથમ રાત્રીની કારમી ઘાત, બાકીના એક સપ્તાહના દિવસોએ  ( કે રાતે? ), ટળી ગઈ.

અંજલીના, સમજદારીપૂર્વકના, સહકારથી, હું  દિવસ -રાત વ્યસ્ત રહ્યો અને  તેના ચહેરા પર સંતોષ અને  ઉછળતી નદીની માફક, આનંદ ઉભરાઈ આવ્યો.

મારા લગ્ન પછીના ગૃહપ્રવેશનો દિવસ -

માઉન્ટ આબુથી, હું  અને અંજલી, પરત ફર્યા અને એક મિત્રને ત્યાં રોકાઈ, ભાડાનું મકાન શોધતા હોવાનું જાણતાંજ, મારાં મમ્મી-પપ્પાએ, અમને શોધી કાઢીને, આ લગ્નને મંજૂરી આપી, ઘેર પર પરત ફરવા આગ્રહ કર્યો.

મારે તો દોડવું હતું અને ઢાળ મળી ગયો. મેં અને અંજલીએ, અમારા ઘરના રીતરિવાજ અને યથાસત્કાર સાથે, પોતાનાજ  ઘેર, ગૃહપ્રવેશ  કર્યો. 

જોકે, ત્યારથી આજ દિન સુધી અંજલી, દુધમાં સાકર ભળે તેમ, મારા ઘરના વાતાવરણમાં, જાણેકે ઓગળી ગઈ.

મારો  નોકરીનો પ્રથમ દિવસ -

મારા પપ્પા  નોકરી કરતા હતા તે,  કેંપનીની ફૅક્ટરીમાંજ, તેમના શેઠે, મને  સારા પગારથી, સુપરવાઈઝર, તરીકે કામે  રાખી લીધો.

નોકરીના પ્રથમ દિવસેજ , પ્રથમ ક્ષણથીજ, આમતેમ ટહેલવાને બદલે, નિષ્ઠાપૂર્વક કામે લાગીને, ઑવરટાઈમની આશા વગરજ, રાત્રે છેક મોડે સુધી, ફૅક્ટરીમાં રોકાઈ, બગડેલા એક મશીનને, ઠીક કરાવી, મારી મહત્ત્વાકાંક્ષા અને કાર્ય પ્રત્યેની લગનનો પરિચય, મારા શેઠને, મેં કરાવી દીધો.

મારા શેઠે, મારા પપ્પા પાસે, બીજા દિવસે, મારાં અત્યંત વખાણ કર્યાં, ત્યારે પપ્પાના ચહેરા પર, એકસાથે, આનંદ, ગૌરવ અને અપાર શાંતિના ભાવને, જોઈને હું ખૂબ રાજી થયો.

ત્યારપછી તો, પાંચજ વર્ષ નોકરી કરીને, આ ધંધાની, બધીજ આંટીઘૂંટી  જાણી લઈને, મેં  પણ નાના પાયા પર મારો પોતાનો ધંધો શરૂ કર્યો. જેમાં મારા જુના શેઠે, આશિર્વાદ આપી મને, ઘણીજ મદદ કરી.

મારી માતા અને પિતાની વિદાયના દિવસ -

મારા ધંધામાં, મને માત્ર એકજ વર્ષ થયું તે દરમિયાનજ,  યાત્રાએથી  પરત  ફરતાં,  કાર અકસ્માતમાં, મારાં મમ્મી-પપ્પ્પાએ  આ  દુનિયામાંથી, વસમી વિદાય લીધી.

જોકે, મારે તેમને કહેવું હતુંકે, " અત્યાર સુધી, મારા નિઃસંતાનપણા ને કારણે,  જાત્રા-પખાત્રા,   ભૂત-ભૂવાનો  સહારો લેતાં   તમે,  હવે  દાદા-દાદી બનવાનાં છો."

પણ કુદરતે મને તેમ કહેવાનો  મોકોજ ન આપ્યો.

મારા પપ્પા બનવાનો પ્રથમ દિવસ -

હૉસ્પિટલમાં દાખલ કરેલી, અંજલીને  લૅબરરૂમમાં લઈ ગયા ત્યારે, મને અત્યંત મૂંઝવણ થતી હતી.પરંતુ સ્વસ્થ , તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યાના સમાચાર મને મળ્યા ત્યારે, હું  ખૂબ રાજી થયો અને મારાં મમ્મી પપ્પાને, મેં સાચા દિલથી યાદ કર્યા.

બસ, હવે મારા બાકીના દિવસ -

ભાઈ, મારે ત્યાં સંતાન તો આવ્યું, પણ બાધા આખડી અને ખોટનો એકજ દીકરો, હોવાથી બધા જે ભૂલ કરે તે મેં કરી છે. અત્યારે મારા, મોટા થઈ ગયેલા, લાડમાં સાવ વંઠી ગયેલા, તે દીકરાએ,  એક માઁસાહારી, છકી ગયેલા,  કુટુંબની કન્યા સાથે  પ્રેમલગ્ન કર્યાં છે.

તે આઘાત અને દુઃખ જીરવી ન શકવાને કારણે, અંજલી પણ, મારા મમ્મી-પપ્પાની માફક, મોટાગામતરે ચાલી ગઈ છે. અત્યારે, હું સાવ એકલો અટૂલો જીવું છું.

ચાલો ત્યારે, હું વિરમું છું.  હું  નહી જાઉં તો, મારે ભૂખ્યા રહેવાનો દિવસ આવશે,  આ  `ઘરડા ઘર`ની કેન્ટીન બંધ થવાનો સમય થઈ ગયો છે..

અને મારા ભૂખ્યા રહેવાના દિવસની વાત, તમને કરવાની મારા હૈયામાં હવે હામ બાકી નથી રહી.

અસ્તુ.

=============

મિત્રો, પોતાના જીવનના, સારા નરસા પ્રસંગના, પ્રથમ દિવસ, કેટલા માણસોને યાદ રહેતા હશે?

જોકે, આપને તો જરૂર યાદ હશે. ખરૂંને?

માર્કંડ દવે. તાઃ ૩૧ જુલાઈ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.