Wednesday, July 28, 2010

લમણાંફોડ આત્મકથા.

લમણાંફોડ આત્મકથા.

"  મનના મોનિટરની   સાઈઝ,   શાને    કાપે છે ?
  દુનિયામાં, બધી  ઉપાધિ  જ,     આને  પાપે છે..!!


==============

પ્રિય મિત્રો,

હું    કમ્પ્યૂટરનું  `Key Board - કીબોર્ડ`  છું. મારે   આજે   તમને   મારું   આત્મકથાનક   કહેવું છે. આપ  સહુ  આપના  કુટુંબ  સાથે  સમય  નથી  ગાળતા, તેનાથીય વધારે  સમય  મારી  સાથે  ગાળો  છો, તે  બદલ ધન્યવાદ.

પરંતુ...!!

હું   તો    સાવ  નિર્જીવ   છું   છતાંય, તમારા  ખોળામાં  બેસીને, તમારી   સાથે   રમવા  ઈચ્છતા  નાનકડા  દીકરા - દીકરીને,  તમે ગુસ્સાથી હડસેલીને, જ્યારે મને ખોળામાં લઈ મારી `Key - કી` ને આંગળીઓથી સહેલાવો છો, પંપાળો છો, ત્યારે સાચું કહું છું, મને ખૂબ  દુઃખ થાય છે.

મને તો ઘણીવાર, માણસ જાત પર, તેની અવળચંડાઈ પર ગુસ્સો  કરવો, તેની હરકતો પર  રડવું કે પછી, તેની મૂર્ખામી પર હસવું, તેજ સમજાતું નથી?

કારણકે,  વામણી માણસજાત, પોતાના જ  મનમાં ભરાઈ ગયેલા, લોભ, લાલચ, કામ, ક્રોધ, મોહ, માયા કે અભિમાન જેવા, આખાય વ્યક્તિત્વને ખોખરું કરતા,  દુર્ગુણ નામના, `Virus - વાયરસ` ને,  જડમૂળથી સાફ કરવાને બદલે, મારા  જ હ્યદય સમી, `Hard Disk - હાર્ડડિસ્ક` ના સામાન્ય વાયરસને, સાફ કરવા વારંવાર  `Format - ફૉરમેટ` કરી  સાવચેતી દર્શાવે છે.

લોભ, લાલચ, કામ, ક્રોધ, મોહ, માયા કે અભિમાન જેવા દુર્ગુણોથી, જ્યારે તમે પીડાવા લાગો અને પછી ભરાઈ પડો ત્યારે,  તમને કાંઈ ન સૂઝે  તો હાથ ખંખેરી, બીજાના માથે જવાબદારી નાંખીને છટકી જાવ છો..!!

પણ, મારી, `Escape - ઍસ્કેપ` નામની `કી` નો ઉપયોગ એક, કાર્યથી બીજા કાર્યમાં, જવા-આવવા માટે તમે, વારંવાર-અનેકવાર, એટલી ખૂબીપૂર્વક  કરો છોકે, જો તેમાંથી પ્રેરણા લઈને, તમારા જીવનમાં પણ  ક્યારે, `Escape - ઍસ્કેપ` થવું  કે  ન  થવું..!! તેનું જ્ઞાન આવી જાય તો, તમે દુનિયાના સહુથી વધારે સફળ માનવી બની શકો.

હા, એટલું ચોક્કસ કહીશ  કે, જીવનનાં કાર્યમાં, માણસ જાતને ક્યારે `Escape - ઍસ્કેપ` કરવું  તે ભલે ન આવડતું હોય,પણ  `લાલો લોભે લોટવા માંડે.` તેમ તેને, જ્યાં લાભ દેખાય ત્યાં, પોતાનું  સ્વમાન ગીરવી મૂકીને પણ,  કોઈને ખબર પણ ન પડે તેમ,  સાચવીને,  `Enter - ઍન્ટર` થતાં જરૂર આવડે છે.

વાત અનૈતિક સંબંધોની હોયકે, પોતાને થતા નુકશાનના આગોતરા અણસારની હોય, પણ માણસ જાત આવા સમયે, બીજાનું શું થશે તેની પરવા કર્યા વગરજ, પોતાનો સ્વાર્થ પુરો  થતાંજ,  પોતાનો હાથ, કોઈ ભારે વસ્તુ નીચે  દબાયો હોય ને જેમ હળવેથી સેરવી લે..!! તેમ જ  `Back Space - બેકસ્પેસ` દબાવીને, નુકશાન કરતા સંબંધોને, `Delete -  ડિલીટ` કરતાં, એક ક્ષણની પણ વાર નથી લગાડતો.

અરે..!! મેં તો ધ્યાનથી એ પણ નોધ્યું છેકે, કેટલાક મૂર્ખાઓને બાદ કરતાં, મોટાભાગના ચતુર માણસોને, પોતાને નુકશાન કરી શકે તેવા સંબંધોમાં,  કોની સાથે, કેટલું અંતર, `Space bar - સ્પેસબાર`ને વખતોવખત, દબાવતા જઈને  રાખવું?   તે પણ  મારા  સહવાસમાં રહીને, માણસને  આવડી ગયું છે.

ટૂંકમાં, પોતાના દુર્ગુણોના, `Virus - વાયરસ` ને જ, હથિયાર બનાવીને,  અવનવા સબંધોની વચ્ચે, `Shift - શીફ્ટ` કરતાં તેને ફાવી ગયું છે.

કેટલાક ચાલાક માણસો તો વળી, બીજા મૂર્ખ માણસોના, અભિમાનને, `Caps Lock -  કૅપ્સ લૉક અને શીફ્ટ `, બંને એક સાથે દબાવી, તે  મૂર્ખને, થોડા સમય માટે,  `Capital letters - કૅપિટલ લેટર્સ`, જેવા,  `મોટા`ભા` બનાવીને, પોતાનું કામ કઢાવી લેતા જોવા મળે છે.

ત્યારબાદ તે લોકો, `Tab - ટૅબ` દબાવીને, સબંધના `Courser - કર્સર`  ને, ખસેડીને, એટલા દૂર પહોંચી જાય છેકે, `Recycle - રિસાયકલ બીન` માં પણ, શોધ્યા જડતા નથી.

આવા માણસોને, હંમેશાં સાચી સલાહ આપતો, આત્માનો અવાજ, પોતાના હ્યદયની, `Window - વિન્ડો` માં, અંદર ઘૂસે તે, તેમને પસંદ નથી હોતું.

તેથીજ, આવા લોકો, પોતાની લાગણીઓને,  ` Num Lock - નમ લૉક ` ના ઉપયોગથી, સાવ જડ, બુઠ્ઠી કરી નાંખે છે  અને  બીજાને કાયમી `મોટા`ભા` નું સ્થાન ન મળી જાય તે માટે, આવા ધૂર્ત માણસો, `Upper Case - અપરકૅસ` ની `કી` ક્યારેય વાપરતા નથી. 
    
કેટલાક ચાલાક માણસો, પોતે કશું નથી કરતા,પણ તેમના આશરે હોય તેવા,ગરજવાન માણસોનો, અત્યંત હોશિયારીથી, `Alt - ઍલ્ટ` ની સાથે, F1 ઍફ - ૧  થી F12 ઍફ - ૧૨`, સુધીની અથવા, `Ctrl -  સીટીઆરએલ   કી` નો ઉપયોગ કરીને, એક જ તીરથી, અનેક સફળ કાર્યસાધક  શિકાર, કરતા જોવા મળે છે.                                                                                   
મને ઘણીવાર એ બાબતની નવાઈ થાય છેકે, ધૂર્ત માણસો, પોતાના મીઠા શબ્દોના,  `Word processing programs - વર્ડ પ્રોસેસીંગ પ્રોગ્રામ` ની માયાજાળની  ભીતર, સાકરને એટલા હદે `Insert - ઈન્સર્ટ` કરે છેકે, સામાને ડાયાબિટીસ થઈ જાય.

યાદ રાખો, ઈશ્વરને ત્યાં પણ, મારો,  `Key Board - કી બૉર્ડ` નો ઉપયોગ  કરીને,  તમારા  સારા - નરસા  બધાજ   કાર્યોની ` History - હીસ્ટ્રી` નોંધાય  છે.

જરા  જોજો,  તે  `History - હીસ્ટ્રી` ની `Print - પ્રિન્ટ` કાઢીને, `Scroll Lock - સ્ક્રોલ લૉક`, જે દિવસે, ઈશ્વર તમારા હાથમાં પકડાવી દે ત્યારે, તે વાંચીને, તમે પોતે  આખેઆખા, `Hang - હૅંગ` ના થઈ જતા..!!  
    
બસ, મને લાગે છેકે, એક નાચીજ એવા મેં,  `Key Board -  કી બૉર્ડ` એ, મારી આત્મકથા રજુ કરવાના બહાને, મારી હેસિયત કરતાં, કદાચ વધારે લવારો કરી નાંખ્યો છે.

બસ, કેટલીક છેલ્લી મનનીય વાત કરવાનું મન થાય છેકે, મારો  દુરઉપયોગ કરીને, તમારા મનના `Monitor - મૉનિટર` પર  `Porn site  - પૉર્ન સાઈટ` ના દુર્ગુણોની ગંદકીને, રેલાવા ન દેશો.                      
    
વહેલી તકે, મારા ચાર `Arrows - ઍરૉ` ની મદદથી, ઉપર-નીચે, ડાબે-જમણે,  યોગ્ય સ્થાન પર,  તમારા વિચારોને  માર્ગદર્શન આપીને, માણસાઈને યાદ રાખીને,  `સવારે ભૂલો પડેલો,  સાંજે હેમખેમ ઘેર આવે` તેમ  તમે  પણ  `Home - હોમ`  પર  પરત  આવતાં  શીખો.  

તા.ક. આજની તારીખે, ૧૪" - ૧૭" -૧૯" ની સાઈઝના મોનિટર પરથી, મોબાઈલ ફૉનના મીની સ્ક્રીન `મોનિટર` થવા લાગ્યા છે.

આપણા મનનું `મોનિટર` પણ,  વિશાળ સાઈઝ પરથી, માઈક્રો  સાઈઝનું થવા લાગ્યું હોય, તેમ આપને નથી લાગતું?


માર્કંડ દવે. તાઃ ૨૮  - જુલાઈ - ૨૦૧૦.

1 comment:

  1. લેખનકલાનું મર્મ તો તમારી પાસે છે જ, અને કમ્પ્યુટરના મર્મનો અંતરંગ જાણી તેને જીવંત જગત સાથે જોડી તમે કમાલ કરી છે. આજનો બ્લૉગ ઘણો ગમ્યો.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.