Wednesday, July 7, 2010

તમે આવા છો?

તમે આવા છો?

" તમારા મનમાં મારા વિષે સ્વર્ગ જેટલો ઉંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો,
તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં,
પછી ગમે તેવો, એજ વિચાર તમને મારૂં અભિમાન રખાવવાને બસ છે એમ, હું અભિમાનથી કહું છઉં 
ને તમે  એ અભિમાન ઉપર હસશો જ   -   હસો હવે."


-  કવિ નર્મદ  ( નર્મદાશંકર લાલશંકર સ.દ. પોતે)

=============

પ્રિય મિત્રો,

આપ જાણો છો? આપણી, આખીય મહાભારતની મહા કથા ( કે મહા વ્યથા? ),  કછારી કડવી જીભને કારણે રચાઈ હતી.

જોકે, આપણી જિંદગીમાં પણ,

શું બોલવું?

કેટલું બોલવું?

ક્યારે બોલવું?   નો વિવેક ચૂકી જનારના, જીવનમાં, મહાભારત રચાઈ જાય છે.

અત્યારે પાછી મહા વ્યથાએ છેકે,આ કળકળતા, હળાહળ કળીયુગમાં, આપણી વહારે ધાઈને કોઈ, કૃષ્ણ આવવા તૈયાર નથી થતો. ( આમેય, તેના પર કોઈને શ્રદ્ધા જ ક્યાં છે..!! )

ઘણા કુટુંબમાં, કછારી કડવી જીભ ધરાવતું, આવું એકાદ, અણમોલ પાત્ર તો હોય છે જ..!! 
આપણા ગ્રંથોને ટાંકીને, આપણા વડીલો, સંતો- મહંતોની  જીભનો, સાવ કૂચો વળી ગયો.

પણ આપણે સાંભળીએ તો ને..!! આદરણી સંત પૂજ્ય પુનીતજી દ્વારા તો વળી, " લૂલીને વશમાં રાખો " જેવું અણમોલ ભજન પણ રચાયું છે. પણ આવાં ભાષણ અને ભજન બંનેનું, આપણે, ઓડકાર લીધા વગર, ભોજન કરી જાણ્યું છે..!!

આવા સ્વભાવના, માણસના મગજનો, પારો કાયમ સાતમા આસમાને રહેતો હોય તેમ, તે સામે મળે અને તમે તેને, " કેમ  છો?" પૂછો તો, તેનો જવાબ હોયકે, "તેરા ચલે તો, માર ડાલિયો..!! "

આ બાબતે, આવાજ એક મિત્રને, તેમના સ્વભાવ અંગે, મેં જરા શિખામણ આપતાં,
તેઓ મારા પર, "તેરા ચલે તો માર ડાલિયો..!! " ની સ્ટાઈલમાં  ભડક્યા,
" સાવ વાયડા થાવ છો તે ?  કોઈની જીભને, હાડકું થોડું  જ   હોય   છે?  
કહેવત નથી સાંભળી,` બોલે તેનાં જ બોર વેચાય`..!!"

હવે આમને મારે શું કહેવું, મને બીજી  કહેવત યાદ આવી ગઈ, " ન બોલ્યામાં નવ ગુણ. "
હું ચૂપ રહ્યો, પણ ચિંતન કરવા લાગ્યોકે,

" આવા માણસો, આવા કેમ હશે? " (કછારી કડવી જીભવાળા)

* કદાચ, પાંચ માણસ વચ્ચે, પોતાની હાજરીનું જ્ઞાન કરાવવા મથતા હશે?

* કદાચ, સહુના માટે, `તેમની વાત કોઈ સાંભળતું નથી`, તેવી ફરીયાદ હશે?

* કદાચ,તેઓ કાયમ, ` હું  જ સાચો` ના ભ્રમ - અભિમાનમાં રાચતા હશે?

* કદાચ, બીજાને આ  રીતે તરત, ચૂપ કરાવી દઈ, પોતાનું ધાર્યું કરાવનારા જીદ્દી હશે?

* કદાચ, ઈર્ષાને કારણે,  કડવાં વેણથી, બીજાને હીણા ચીતરી, તેમને છૂપો પિશાચી આનંદ મળતો હશે?

કદાચ...કદાચ...કદાચ...નો તો અંત નથી..!!

પણ  સત્યએ છે કે, આવા સ્વભાવને, પંપાળીને, મોટો કરવાથી તે એક દૂઝતા, દૂણાતા,  કોઈ પીડાદાયક ગૂમડા જેવો, વકરી જઈને,  સરવાળે પોતાને, સ્નેહીઓને તથા સમાજને નુકશાન કરે છે.

મને એક ભાઈ ગર્વપૂર્વક કહે," આપણે તો,  જે હોય તે, તડને ફડ,  મોંઢામોંઢ કહી દેનારા..!! 
આપણે કોઈની પીઠ પાછળ બોલતા નથી. કોઈને ખોટું લાગે તો, ઘેર જઈને, બે રોટલી વધારે ખાય...!!"

લે, કર વાત...રોટલીને અને ખોટું લાગવાને, શો સંબંધ..!!

આપ જાણો છો?  આપણા આવા સ્વભાવને કારણે,

* આપણે, જો  ઘરના વડીલ હોઈએ તો, આપણાં આશ્રિતોનો વિકાસ રુંધીએ છે?

* આપણે, જો  નોકરી-ધંધે, જવાબદાર સ્થાન પર હોઈએ તો, સહકાર્યકરોનો વિશ્વાસ અને સંબંધનો લાભ ખોઈએ છે?

* આપણી આસપાસના તમામને, આપણી સાથે, સત્ય હકિકતોને છૂપાવવા મજબૂર કરી, જુઠ્ઠું બોલવા પ્રેરીએ  છે ?
(  જવા દોને, પાછું ઉંધું સમજી ગમે તેમ બોલશે..!!  )

* ઘરમાં,  સર્વેના અળખામણા અને સમાજમાં અસ્વીકાર્ય બનીએ છે?

* આપણે સ્નેહી કે મિત્ર વગરના, એકલા પડી જઈએ છે?

જોકે, આવા સ્વભાવની વ્યક્તિઓને, ગમે તે પરિણામ આવે તો પણ, પોતાના આવા સ્વભાવ પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છેકે,
તેને બદલવા ભાગ્યેજ તૈયાર થાય છે..!!

તેઓને, આર્થિક, શારીરિક અને સામાજિક, ગમે  તેટલું નુકશાન થાય તેની પણ તેમને પરવા હોતી નથી.

આપણને, ઘણીવાર એમ થાય કે," ભેંસનાં શિંગડાં ભેંસને ભારે" આપણે કોઈનો સ્વભાવ બદલવાનો ઠેકો લીધો છે?

પણ સમજો, ચોવીસ કલાક આપણી સાથે રહેતાં, પતિ-પત્ની, માતા-પિતા,ભાઈ-બહેન, કે પછી સંતાનોમાંથી કોઈની જીભ આવી હોય તો શું કરશો?
શાહમૃગની માફક, રેતીના ઢગલામાં મોં છૂપાવીને, નુકશાન સહન કરશો?

સામાન્યપણે, આવા સ્વભાવના, સ્નેહી - મિત્ર સાથે, કજિયો,  ઝઘડો,  ટંટો કે કંકાસ થવાના ડરથી, આપણે જીભાજોડી કરતા નથી.
અને ત્યાંજ તેને ફાવતું જડી જાય છે.

કડવી જીભ ઘરાવનારને,. મનમાં દ્રઢ થતું જાય છે કે,"  જો, હું કડવું બોલ્યો તો, કેવો ફાવી ગયો..!! મારું ધાર્યું, બધાંએ જખ મારીને કરવું પડ્યુંને..!! "

બહુ ધ્યાન આપીને વિચારશો તો,કોઈ વ્યક્તિમાં, આવો સ્વભાવ દ્રઢ થવાનું કારણ, બાળપણના ઉછેર અને લાડથી કરેલાં, લાલનપાલનમાં, જણાશે..!!

તે ઉપરાંત, અત્યારની, ફાસ્ટ લાઈફ, થોડા સમયમાં, ઘણું મેળવી લેવાની,લાલચભરી, સ્વાર્થી દાનત અને બાકી  હતું તે, પ્રેરણાદાયી પુસ્તકો ના વાંચનને બદલે, આવાજ સ્વભાવ થકી,  પકડાવાના ડર વગર, મોં ફાટ કડવું બોલીને, ધાર્યું કરાવવાની કથા-વાર્તાતત્વ ધરાવતી સિરિયલ્સ અને ફીલ્મ્સનો પણ, યુવાનો પર પડેલો પ્રભાવ,. કારણભૂત માની શકાય..!!

આવો કડવો સ્વભાવ દ્રઢ થવાનું એક કારણ, જીવનમાં, મનગમતી ચીજવસ્તુ વગર, ચલાવી લેવાની વૃત્તિનો થયેલો હ્રાસ. પણ, એક મહત્વનું કારણ છે.

ઘણીવાર તો, આવા કડવા સ્વભાવના ધણી, નાનાં મોટાં સહુને, પોતાની વાત મનાવવા, કડવાં વેણથી ના બને તો, આપઘાત કરવાના ,સફળ-નિષ્ફળ પ્રયાસ કરવા સુધીનું, ત્રાગું કરતાં અચકાતા નથી..!!

તો પછી, આવી `ના થૂંકાય કે ના ગળાય` જેવી સ્થિતિમાં, આ સ્વભાવનો સતત ભોગ બનનારે શું  કરવું? 
 

બસ આખી જિંદગી,મૌન -સજ્જન બની, સહન કરવું?

હરગિજ નહીં. આ રહ્યા ઉપાય.

* સમાજ માટેઃ- આવા માણસોને,ચતુરાઈપૂર્વક, એવી સ્થિતિમાં, મૂકી દો કે તેનું ધ્યાન, જેતે જીદ્દ પરથી, હટી જાય.

*વ્યવસાયીઓ માટેઃ-  તેમના પર, પ્રભાવ પડી શકતા હોય..!! તેવી વ્યક્તિને, તમારો કેસ સોંપી દો.

*અંગત મિત્રો માટેઃ-  વારંવાર કડવું બોલવાની ટેવવાળી વ્યક્તિને, અન્ય લાભનું નુકશાન થયું હોય તો તેની સમજ આપો.

* વડીલો માટેઃ-  સંતાન આવું કરતું હોય તો, તેની પૉકેટ મનીમાં કાપ મૂકી, તેને અભ્યાસ સાથે ટ્યુશન કે, અન્ય આવક, જાતમહેનતથી, ઉભી કરવા મદદ કરો.
( નો - કરી =નોકરી. ગમ ખાતાં શીખવી દેશે. )

* યુવાઓ માટેઃ- તમારા વડીલ વાતે-વાતે,તમને કડવાશથી,ઉપદેશ આપતા હોય તો, તમારા જીવનવિકાસમાં તેમના ફાળાનો,નમ્રપણે સ્વીકાર કરી, તેમને પ્રેમથી વર્તવા મજબૂર કરો.

યાદ રાખોઃ-

જરૂર પડે આવી વ્યક્તિને, કડવી વાણીને કારણે, તાત્કાલિક મળતા લાભ  આપવાનું, સદંતર બંધ કરી, મક્કમતા દર્શાવો.

( મોટા ભાગે તો, વારંવાર આવી, ખોટી ઉલ આપનારા, સાવ ડરપોક અને લાલચુ હોય છે, તેથી સુધરવાના ૧૦૦% ચાન્સ છે.)

" No one can make you inferior without your consent. "

- ELEANOR ROOSEVELT (1884-1962) U.S. Writer and Lecturer.

* આવા માણસ, જાહેરમાં આપ્રકારે વર્તન કરવા ટેવાયેલા હોય તો, તેને એવા સંજોગોમાં મૂકી દો કે,
તેને, કડવા વેણની કળા દર્શાવવાની, કોઈ તક જ ન મળે..!!

દા.ત. લગ્નપ્રસંગ બગાડવાની મરજી સાથે આવેલાને, લગ્નમાં આવેલા, જેમની શરમ ભરવી પડે તેવા, મોભાદાર માણસો, ની સરભરા સોંપવી.
( આમ કરવાથી, આવી વ્યક્તિઓનો, અહમ સંતોષાય, તે વળી નફામાં..!! )

* આવા સ્વભાવની વ્યક્તિઓ, સામાને,  ક્ષણમાં જ,  માપીને, તે મુજબ નરમ - ગરમ વાણી ઉચ્ચારવા ટેવાયેલી હોય છે.

તમે, સાવ સજ્જનની છાપ છોડીને, પ્રથમ મુલાકાતે જ, દાખલા-દલીલ અને દ્રષ્ટાંત કથા કે પછી, અગાઉ તમારા પનારે પડેલા, આવા કડવી જીભવાળાને કેવા સીધાદોર કરી નાંખેલા છે, તે બેધડક જણાવી દો.
( શ્રીમહાવીર ભગવાને પણ, `ફૂંફાડો` રાખવાનું જણાવેલું નથી?)

" अयुक्तं यत्कृतं चोक्‍तं न  वक्ष बलाद्वेतुनौद्वरेत।
दुर्गुणस्य च वक्‍तारः प्रत्यक्षं विरला जनाः॥
लोक्तः शास्त्रतो ज्ञात्वा ह्यतस्याज्यांस्त्यजेत्सुघीः
अनयं नयसंका शं मनसापि न चिन्तयेत॥ "


અર્થાતઃ- કોઈએ કરેલા અનુચિત વર્તન કે અનુચિત જાહેરાતની ખોટી દલીલો કરી પુષ્ટિ ન આપવી. મોંઢામોંઢ સામાના દુર્ગુણ કહેનાર, સ્પષ્ટવક્તા વીરલા સંસારમાં કોઈક જ હોય છે. માટે ન્યાય સમાન લાગતા અન્યાયને પણ લગીરે સમર્થન ન આપવું.

આજથી મનોમન નક્કી કરોકે,  તમારી આસપાસ, કોઈની કડવી વાણીથી ઉત્પન્ન થતું,  આવું દુષિત વાતાવરણ, કદાપી, નહીં જ ચલાવી લઉં..!!
આમેય, આવું કરનારા `ખાલી ચણો, વાગે ઘણો..!!" જેવા અંદરથી સાવ પોલા હોય છે.

યાદ રાખો, " દુનિયામેં હમ આયેં હૈં તો જીના હી પડેગા, જીવન હૈ ઝહર તો પીના હી પડેગા..!!" ( આ વાત, ફક્ત કાબૂ બહારના, સંજોગો માટેજ બરાબર છે.)

બધા કાંઈ કવિશ્રીનર્મદ જેવા, ડંકાની ચોટ પર,`ડાંડિયો` પીટનારા થોડા જ હોય..!! તેવા તો, લાખે એકાદ-બે નીકળે.

જોકે, એ પણ નોંધવા જેવું છે કે, શ્રીનર્મદ જેવા મહાનુભવને, કડવું સત્ય બોલતા, અટકાવવા, તે સમાજના હિતમાં નથી.  સાજા થવા કડવી દવા પણ પીવી પડે..!! પણ તે શ્રીનર્મદ જેવી કંપનીની ગેરંટેડ જોઈએ.  આપણી આસપાસ, રખડ્યા કરતી, નકલી કંપનીની દવા, મીઠી હોય તોય ના ખપે..!!


મારો આ લેખ, કડવું બોલનાર સ્વભાવ ધરાવનારને, ન ગમ્યો હોય તો...!!... તો, " તેરા ચલે તો, માર ડાલિયો..!!"

ભાઈ - સહુ કોઈ, હસો હવે..!! (હી..હી..હી..હી..!!)


માર્કંડ દવે. તાઃ- ૦૭ -જુલાઈ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.