Wednesday, August 4, 2010

`મસ્કા કા ચસ્કા`

`મસ્કા કા ચસ્કા`

" मुफ़त का  चंदन, घस बे लालिया..!!
 आफ़त का  वंदन,  कर  बे वालिया..!!



અર્થાતઃ- મફતના ભાવે મળેલા ચંદનને, આખા શરીરે રગડી, સાધુનો વેષ ધારણ કરીને, સ્વાર્થી, વાલિયા લૂંટારા, પોતાનો સ્વાર્થ સાધવાના, મલિન ઈરાદા સાથે, કુશળ મસ્કાબાજની માફક, ખુશામદ કરતું વંદન કરે  ત્યારે, ચેતી જઈને, તેને આફતનું આમંત્રણ માનવું ડહાપણભર્યું છે.

==============

પ્રિય મિત્રો,

લૅબેનોન,બૈરુતમાં સન - ૧૯૫૦માં જન્મેલા, પત્રકાર અને નૉવેલિસ્ટ, `હસન દાઉદ - Hassan Daoud `એ, સન ૧૯૭૯ થી ૧૯૮૮ સુધી, લૅબેનોનમાં ચાલેલી,સિવિલ વૉર દરમિયાન, 'Alsafir Daily. 'નામના દૈનિક  અખબારમાં,અને ત્યારબાદ ઈન્ટરનેશનલ  આરબ  ન્યૂઝપેપર, 'Al-Hayat. 'ની  કૉલમમાં, સિવિલ વૉરના અનુભવ અંગે, અનેક લેખ લખ્યા.

ત્યારબાદ,સન ૧૯૯૯માં, આજ અનુભવના આધારે, તેઓએ,પોતાની પ્રથમ નવલકથા,  'The House of Mathilde'ની અંગ્રેજી ઍડિશન બહાર પાડી, તેમાં પણ, લૅબેનોન,બૈરુતમાં ચાલેલી,  સિવિલ વૉર દરમિયાન, મુસ્લિમ અને ક્રિશ્ચીયન પરિવારોએ, પોતાના શરણે આવેલા, એકમેકના ધર્મના, શરણાર્થીઓને (`Refugee`ને),   સંતાઈ જવામાં  અને તેમની જાન બચાવવામાં કરેલા, માનવીય  સદવર્તન તથા સંઘર્ષગાથાનું, અદભૂત  વર્ણન,  કોઈપણ પ્રકારની ધાકધમકી કે ખુશામદથી, પોતાની જાતને અલગ રાખીને, પોતાના `લેખ - WRITE UP` ને, પ્રભાવિત થવા દીધા વગર, તેઓએ બેધડક, સત્ય અને કેવળ સત્યને વળગી રહીને  આલેખ્યું.

સવાલ એ છેકે, આજે  આપણા દેશમાં, આવું બને છે ખરું?  અને  ખરેખર બન્યું હોય તો તેને, યોગ્ય માત્રામાં, પ્રકાશિત,પ્રચારિત કરાય છે ખરું?

અત્યંત દુઃખ સાથે, જવાબ છે,` કદાચ....ના`..!! આપણે ત્યાં આ, કે, તે; ઓલા કે પેલા, પક્ષની ખુશામદ (ચાંપલૂસી) કરવાની જાણે હોડ જામી છે.

સામાન્ય જીવનમાં પણ આપણને મસ્કા નો એવો તો ચસ્કો લાગી ગયો છે કે, તેને કારણે, આપણી  આંખની પાંપણ,   ખુશામદના મસ્કાની ચરબીના જાડા, લબડતા પડથી, આખેઆખી, આંખને ઢાંકી દઈ,  આપણને પ્રજ્ઞાચક્ષુ બનાવી દે છે.

આપણે ત્યાં સત્ય કરતાં, ખુશામદ અને વફાદારીના (સદ..!! કે દુઃ..ર!! ) ગુણને મહત્વ આપી આપણા જ પગ પર કુહાડો મારતાં,આપણે સહેજપણ ડરતા નથી.

આપણે આપણી, હાલની ગુજરાત સરકારનોજ દાખલો લઈએ તો, સોહરાબુદ્દીન મામલે, સત્ય-અસત્ય, નામદાર કૉર્ટ દ્વારા જ્યારે બહાર આવશે ત્યારે ખરું..!!

પણ સહુ પોતાને આવડે તેવી, આ, કે, તે; ઓલા કે પેલા, પક્ષની ખુશામદ (ચાંપલૂસી) કરતી, `ગાજરની પીપૂડી`, વગાડી, પોતાનો મત વ્યક્ત કર્યાનો સંતોષ મેળવે છે.

* શું ગાંસડા અને જીપ ભરીને, રજુ થતી ચાર્જશીટ્સના ગંજ, નામદાર અદાલતના કિમતી સમય અને પ્રજાના નાણાંના વ્યયને પણ ન ધ્યાને લઈએ તોય, શું આ કાંડ સિવાય, દરરોજ રાજ્યકે કેન્દ્ર સરકારના, અણઘડ આયોજનને કારણે, આપણા `રામભરોસે` ચાલતા દેશમાં,  સોહરાબુદ્દિન સિવાય, અન્ય કેટલાય નિર્દોષ નાગરિકો, આતંકવાદ, નક્સલવાદ, રૉડ અકસ્માત, છાશવારે થતા  રેલ્વે અકસ્માતમાંકે મોંઘવારી જેવા અનેક કારણોસર,આપઘાત કરીને, દરરોજ મરતા જ નથી?

બસ, આવા એકલદોકલ કથિત કાંડના, અગાઉ અસંખ્યવાર, રજુ થયેલા, વારંવાર ચવાઈ ગયેલા સમાચારોથીજ, આપણે ગ્રાહક તરીકેનો હક્ક ગુમાવીને,અખબારોકે મિડીયાને, સહન કર્યા કરવાનાં?

આપણે ત્યાં, કોઈપણ પક્ષની, વિચારધારામાં, ન જોડાયેલા, સામાન્ય મતદારને, શ્રી ન.મો.ની વ્યક્તિગત, પ્રામાણિકતા અંગે, સવાલ કરવામાં આવે તો, કદાચ, શ્રીન.મો.ને,  ૧૦ / ૧૦ (દસ માંથી દસ) પુરા માર્ક્સ મળે..!! આ બાબતે, કદાચ વિરોધીઓ પણ મૌન છે..!!

પરંતુ..!!  આપણે કોઈનીય ટીકાટીપ્પણીમાં પડ્યા વગર, તટસ્થભાવથી,એક જાગૃત મતદાર અને નાગરિક તરીકે, એમ વિચાર કરવાની જરૂર છે કે..!!

માનનીય મૂખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ, ગુજરાતની જનતાને વચન આપતાં, લલકારેલા, પ્રખ્યાત,  સૂત્ર.`હું ખાઈશ નહીં, ખાવા દઈશ  નહીં..!!` બાદપણ આવા, `ખંડણીખોર સરકાર`,ના ગંભીર આક્ષેપ શા માટે થયા?

* શું શ્રીન.મો.ને, આ સમગ્રકાંડ અંગે અંધારામાં રખાયા હશે? તેમ શક્ય છે ખરું?

* શું શ્રીન.મો.એ, એકજ સ્થાન પર, કોઈ એક જ ખાતામાં, કૅબિનેટ મિનિસ્ટરને, સતત વર્ષો સુધી, જારી રાખવાની ભૂલ કરી છે?

* શું શ્રીન.મો. અને ગુજરાતની જનતા સાથે, અપ્રતિમ સત્તા ધરાવતાં,  કેટલાંક સ્વાર્થી, લાલચી તત્વોએ, વિશ્વાસઘાત કર્યો છે?

* શું ખરેખર શ્રીન.મો.ને, આ કથિત, ખંડણીકાંડની જાણ ન હતી તો, પછી શું સરકારી તંત્રએ, સરકારના વડાની ઉપરવટ જઈને, આ કથિત કૃત્ય, અંગત સ્વાર્થ માટે કોઈએ આચર્યું છે?

*શું  કોઈપણ પક્ષ કરતાં પહેલાં, મૂખ્યમંત્રી પરત્વે, સતત વફાદારી દર્શાવવી અથવા આ  તમામ, કથિત ખંડણી કાંડની વિગતોથી જ્ઞાત હોય તેવા અન્ય તમામ  મંત્રીઓએ `આંખ આડા કાન` કરીને, મૂખ્યમંત્રી સાથે, એક જાતની, મસ્કાબાજી નથી કરી?

* જો ખરેખર ઉપરના, સવાલમાં જરા પણ, તથ્ય હોય તો, કોઈપણ પક્ષની સરકાર, ગુજરાતમાં હોય, `કાગડા બધા કાળા`, તે ન્યાયે, આવા રાજકારણીઓને કારણે, ગુજરાતના, સામાન્ય મતદાર, નાગરિક, જનતાને, વારંવાર, દેશની સામે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈને, ભોંઠા પડવાનું?  

ખેર, આપણે ન્યાયતંત્ર પર ભરોસાને કાયમ રાખીને, આખીય બાબતને, નામદાર ન્યાયાલય પર છોડી દઈએ..!!

બાકીતો, જેને જેમ તારણ કાઢીને, (અખબારો અને મિડિયા સહિત..!!),  `વહેતી ગંગામાં, પોતાના હાથ ધોવા`, હોય તો, ભલે ધોઈ લે..!!

પરંતુ સામાન્ય, મતદાર અને જનતાના એક અદના માનવી તરીકે, આપણે આ  ગંભીર  બાબતને, હળવાશે વિચારવાનો પ્રયત્ન કરીએ તો, માલુમ પડશેકે,  આ   અને આવા બીજા અનેક   રાજ્યોકે,   પ્રદેશોમાં  થતા, આવા પ્રકારના, સત્તાના દુર ઉપયોગના, તમામ  કાંડનું  મૂળ,  ઉચ્ચસ્થાને   બેઠેલા    માણસોની, `મસ્કાબાજીના ગુલામીપણા` ( મસ્કા કા ચસ્કા )ની,  માનવસહજ  નબળાઈમાં રહેલું  છે.

ફોગટમાં, માણવા મળતો, આ  `મસ્કાનો ચસ્કો` , બધાયને,  એવો  તો દાઢે વળગે છે? કે, તેની ઝપટમાંથી, ભલભલા રાજા - મહારાજા, સંત - ફકીર પણ બાકાત નથી રહી શકતા..!! 

લેખની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો તે મુજબ, લૅબેનોનના, પત્રકાર-લેખક, શ્રીહસન દાઉદ, જેવી સત્યને આલેખવાની હિંમત બધામાં નથી હોતી. દરેકને પોતાનાં સીધા કે આડકતરા, પરસ્પર જોડાયેલા, સ્વાર્થને કારણે, મસ્કાબાજીનો,  ક્યારેક તો  સહારો લેવો જ પડે છે, જેમાં હંમેશા સત્યને શૂળી પર ચઢવું પડે છે.

આમેય , માનવ જાત, અહંકારી, દંભી, સ્વાર્થી, પાક્કી ગણતરીબાજ   અને  કાંચીડાની માફક, વારંવાર, રંગ બદલીને, ઉપકારના  બદલામાં અપકાર આચરનારી છે.  આજ કારણસર,  સાવ બાળપણથી કામ કઢાવવા, ખોટાં વખાણ (મસ્કો) અને લાલચની ગળથૂંથી,દરેક માનવીને આકંઠ પીવડાવાય છે.

માનવી વયસ્ક થતાંજ,આ જ કુસંસ્કાર  દ્રઢ થઈને,  `યુદ્ધ,પ્રેમ અને ધંધામાં, બધુંજ  યોગ્ય (જાયજ)  છે`, તેમ માનીને, પોતાનો સ્વાર્થ સાધવા, મસ્કાબાજીથી કામ કઢાવી લેનાર, નિષ્ણાત વ્યક્તિનું નિર્માણ કરે છે. 

અત્યારે ચાલતા, આ કથિત ખંડણીકાંડમાં, પોતાના મસ્કાબાજીના હથિયારની સફળતા પરનો  આંધળો આત્મવિશ્વાસ કે, " સાહેબ બધું સાચવી લેશે."   તેજ,  આ મસ્કાબાજ, ઑફિસરો, સત્તાધિશોને, જેલના સળીયા ગણતા કરવા માટેનું,  નિમિત્ત બન્યો  હશે?

આક્ષેપથી ઘેરાયેલ, દરેક  સતાધીશ, `પડશે તેવા દેવાશે`, તેમ માનીને, અત્યારે તો, ઉપરી સત્તાધીશ કહે તેમ કરીને, તેને રાજી કરીને, (મસ્કો મારીને?) સાથે સાથે, ` પોતાનો સ્વાર્થપણ સાધી લેવો`, તેવી ગણતરીપૂર્વકની, મેલી મૂરાદ સાથે, આ કાંડના ઉંડા કળણમાં, ઉતરીને, હવે  ઊગરવા હવાતિયાં મારતા  હોય તેમ, સ્પષ્ટ જણાય છે?

એક અમેરિકન, ઍડિટર,લેખક,` Richard Stengel`, તો વળી, તેમના પુસ્તક,` Power, Money, Fame, Sex.` માં, “How to flatter, without getting caught.”ના  ઉપાય બતાવે છે.

*  ખુશામદ કરતાં પહેલાં તમારા સ્વાર્થ માટે સ્પષ્ટ રહો. અસ્પષ્ટ ખુશામત કરવાથી શક્કરવાર નહીં વળે.

*  ખુશામદ કરવા માટેનો અસરકારક રસ્તો, સાચા  અંત:કરણપૂર્વક  શોધી કાઢો. ઉપરછલ્લી કે મન વગર કરેલી, ખુશામત કામ નહીં લાગે.

* એકજ સમયે, એક સાથે, ખુશામત અને તમારો સ્વાર્થ (માંગણી), એકજ  વાર્તાલાપમાં, સમાવી ન લેશો. આવી ખુશામદ આયોજનબદ્ધ, હોવાનું જણાઈ આવવાનો, સંભવ છે.

* ખુશામદની માત્રાનું પ્રમાણ  ભાન   રાખો. તેને,  (બનાવટી હોવા છતાં..!! ) વાસ્તવિક અને  વિશ્વાસપાત્ર  બનાવો.

* ખુશામદ કરવા માટે, જેની ખુશામદ કરો છે તેને, જાણ ન હોય તેવી પદ્ધતિ અપનાવી, ખુશામદના સકંજામાં લો. માન્યામાં ન આવે તેવા અથવા સાવ ચવાઈ ગયેલાં, લોકપ્રચલિત, સુપ્રસિદ્ધ વાક્યો, ધારી અસર નહીં જ  કરે.

* યાદ રાખો, જેની ચોવીસે કલાક, ખુશામદ થતી હોય તેમને, ખુશામદના અતિરેકનો આફરો, ક્યારેય ચઢતો નથી.માટે, લધુતાગ્રંથી ના અનુભવશો.

આવાને તો, ખુશામદ સહુથી વધારે પ્યારી હોય છે. આવા માનવીઓની ખુશામદ કરવાથી, તેમને સતાવતા અસલામતભાવના, વાતાવરણમાંથી પેદા થયેલા, શંકાના દાયરામાંથી, તમે, તેમના વફાદારોના લીસ્ટમાં, આપોઆપ આવી જાવ છો.

* ખુશામદપ્રિય માનવીને, તેના મોંઢામોંઢ કરેલી ખુશામદ કરતાં, તેની પીઠ પાછળ કરાયેલી ખુશામદની સત્યતા પર, વધારે ભરોંસો બેસે છે.આવા માનવીની સાવ નજીકની વ્યક્તિની પાસે પણ,  ખુશામદ  કરતા જ રહો. મહેનત વ્યર્થ નહીં જાય.

* ખુશામદપ્રિય  વ્યક્તિ  દ્વારા, ઘણીવાર, સ્પષ્ટ  મંતવ્ય કે અભિપ્રાય ( Honest opinion), માંગવામાં આવે ત્યારે, જોજો ભરમાઈ  ન  જતા. 

આ બાબત, તમોએ કરેલી ખુશામદનું, તે વ્યક્તિ દ્વારા, એક પ્રકારે વૅરિફિકેશન (ખાત્રી) કરવાનો જ, અક્કલભર્યો પ્રયાસ છે, તેમ માનજો.

તમે આપેલા, સ્પષ્ટ અભિપ્રાયમાં, સહેજ પણ ટીકાત્મક કથન આવશે તો, તમારી ખુશામદની મહેનત, સાવ એળે જવાનો, ભારે સંભવ છે.

* ખુશામદ કરો ત્યારે તેમાં, તમને, ખુશામદપ્રિય વ્યક્તિની ઈર્ષા થતી હોવા છતાં, તે ભાવને કુશળતાપૂર્વક છૂપાવતા  શીખો. નહીંતર, ખુશામદ કરવાનું જ ટાળો.

દા.ત. " તમે અક્કલથી તો, સાવ નમાલા લાગતા હતા, પણ કહેવું પડે..!! તમે અપ્રતિમ સફળતા મેળવીને સાબિત કર્યું કે,  હું સાવ  ખોટો હતો."

આવી ખુશામદ કરવાથી તો, ફાયદાને બદલે નુકશાન જ થવાનો સંભવ વધારે છે.

ચાલો, અત્યારે તો આપણે, અરણ્ય રૂદન કરી રહ્યા હોય તેમ ભાસે છે અને એક પ્રશ્ન રહી રહીને દરેકના મનમાં ઉઠે છેકે ?

* શું શ્રીન.મો.ને મસ્કાબાજી ગમે છે? શું તેમને પણ મસ્કા નો ચસ્કો લાગ્યો છે? શું તેજ કારણે  આ આખા કથિત કાંડે જન્મ લીધો છે?

કહેવાય છેને કે, `ખુશામદ તો ભગવાનને,  ખુદાને, પણ પ્યારી છે.` તો પછી, માયાથી લલચાયેલા, અપાર સત્તા ધરાવતા, સત્તા પર બેઠેલા, પામર માનવીનું તો શું ગજું?

છોડોને, ચાલો, આપણે સામાન્ય માનવી, `મસ્કાના ચસ્કા`ના દુષણમાંથી કેવીરીતે, બહાર આવીએ, તેના ઉપાય વિચારવાનું  શરૂ  કરીશું?

આપ આવા ખુશામદખોરોના આક્રમણથી, જીવનમાં કેવીરીતે બચ્યા? તેવા, બધાની સાથે, વહેંચવા લાયક  ઘટનાઓના અનુભવ, આપના  ધ્યાનમાં આવે તો, બધા  સાથે  જરૂર, `SHARE` કરવા, મારૂં હાર્દિક આમંત્રણ  છે.

બાય ધ વૅ, મારી આવી ઉદાર ઑફરને આપ, `પાઠકશ્રીની હું  ખુશામદ કરું છું..!!`, તેમ,  નહીંજ સમજો..!!   તેમ સમજવાની, મને  રજા આપો છો?

માર્કંડ દવે. તા.૦૪ ઑગસ્ટ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.