Monday, February 15, 2010

લિજ્જતદાર મૃત્યુ - joyful Death

લિજ્જતદાર મૃત્યુ - joyful Death"ચહેરો વઁકાયો મરણનો? લેને, આ મૂક્યો, જીવ પડતો..!!
બાકી જગતનો હવે, ભલે ને, ભડભડ થૈ ભવ બળતો..!!"

=============

પ્રિય મિત્રો,


આપણે, રવિવારની રજાના આનંદના મૂડમાં, શનિવારની રાત, કોઈ `મનોરંજક કાર્ય` માં, મી...ઠ્ઠા ઊજાગરે વીતાવી હોય.
રવિવારે સવારે, પણ ઘણા મોડા ઉઠીને, હજુ હાથમાં અખબાર લઈને, પહેલું પાનું જોઈ,સુંદર મઝાની, ગરમાગરમ ચ્હા-કૉફીનો મગ હોઠે લગાવી, પહેલાજ ઘૂંટનો ધમધમાટ જ્યાં, મગજને ઝણઝણાટીનો સુખદ અનુભવ કરાવે.

ત્યાં તો પાડોશી આવીને, સમાચાર આપે કે," ચાલો સ્મશાને આવો છો ને ? છેલ્લી લાઈનમાં રહેતા, ફલાણા ભાઈ ગુજરી ગયા છે."

અરે..!! તમારી ભલી થાય ?

તરતજ, અખબાર ઝડપથી વાળીને, ડાયનીંગ ટેબલ ઉપર મૂકાઈ જાય, ઉતાવળે-ઉતાવળે, અડધી ચ્હા-કૉફી પાડોશીને પધરાવીને, બાકીની અડધી, ચ્હા-કૉફી સ્વાદ માણ્યા વગર જ, આપણા ગળા નીચે ઘટઘટ ઉતરી જાય..!!

ધર્મપત્નીનો હુકમ છૂટે, " થોડું પેટમાં, કૈંક નાંખી લો ને, ત્યાંથી પાછા આવતાં બપોરે બાર-એક વાગી જશે.તમને પાછુ ભૂખ્યા પેટે ચક્કર આવશે."
કહીને, નાસ્તાના ડબ્બા - ડૂબ્બીઓમાંથી, એક પ્લેટમાં, ખાખરા-ચવાણું વગેરે, જે કાંઇ પડ્યું હોય તે, નીકળવા માંડે.

આપણે, ભોળા મહાદેવની જેમ, મૂંઝવણમાં પડીએ, આવા દુઃખદ સમાચાર સાંભળ્યા પછી, પડોશીના દેખતાં, નાસ્તો કરાય કે નહીં..!!

વળી, આપણી પાસે બેઠેલા પાડોશી મિત્રના ચહેરાના હાવભાવ જોઈને આપણને એજ સમજ ના પડે કે, તેમને આ નાસ્તાની વાત સાંભળીને, આપણા ઉપર અણગમો ઉપજ્યો છે ? કે, " હટ..!! સા...!! પેલો કે પેલી મરી ગઈ છે ને, તારા ગળે ધાન કેમ ઉતરે છે..!! નિર્દય કહીં નો?"

કે પછી, પાડોશીને, આપણી પત્ની ( પોતપોતાની) ઉપર માન ઉપજ્યું છે ? કે," વાહ, ભાભી, વાહ..!! કેવું ધ્યાન રાખે છો ધણીનું ..!!

ત્યાંતો, નાસ્તાની પ્લેટ, ડાઈનીંગ ટેબલ ઉપર પટકાઈ જાય, સાથેજ પાડોશીને કરવામાં આવતો, ઉપરછલ્લો વિવેક પણ, " તમારાં વાઈફ કહેતાં હતાં,તમને સવારે નાસ્તો કરવાની આદત નથી......!!.......તમેય થોડો નાસ્તો કરશો ?"

આપણને, બકરાની માફક પરાણે, કષ્ટદાયક રીતે, સૂકાઈ ગયેલા ખાખરા, ચાવતા જોઈને, ડાઈનીગ ટેબલની ખુરશી, પરથી ઉઠવાનો પ્રયત્ન કરતાં, પાડોશી પોતાની અડધી - તસરીફ ઉંચી કરે અને તેમની ભાભીએ કરેલા ઉપરછલ્લા વિવેકને, સાચા હ્યદયથી વિવેકપૂર્વક નકારે.

અને કહે, "ના ભાભી, હોં..!! નાસ્તો રહેવા દો, આમ તો હું સવારે નાસ્તો કરતો નથી, પણ તમે લેડીઝો લીધી વાત મૂકો નહીંને..!! હું ય ઘેરથી પેટમાં થોડું નાંખીને નીકળ્યો. ભાઈ, એમ કરો તમે, શાંતિથી નાસ્તો કરીને આવો હું ત્યાં તમારી રાહ જોઉં છું." કહીને ઉતાવળે પગલે ચાલતા થાય.

પાડોશીની આ અનૂકુલાત્મક, હકારાત્મક વાત સાંભળીને, સાવ ખોટ્ટે - ખોટી ચિંતા કરીને, આપણે જાણે સાચે જ બકરા બન્યા હોય તેમ અનુભવીએ...!!

લસલસ, ઊતાવળે, નાસ્તો, પેટમાં ઠૂંસીને, આપણે સોસાયટીની છેલ્લી લાઈનમાં મરણવાળા બંગલે, જઈને સાવ ખોટે-ખોટું ગંભીર મોંઢું કરીને, બધાને અડકીએ, અભડાઈએ, ત્યાંતો મરણ પામેલા, મહાભાગ્યશાળી માનવનાં, સગાંવહાલાં, મૉબાઈલ ફૉનને, કાન ઉપર લગાવીને, આમ તેમ, કલાક સુધી, આસપાસ રગડતા, રઝળતા, અથડાતા જોવા મળે..!!.

" હેં, માસીને ખબર આપ્યા ? અને રાજકોટ ? રાજકોટ મામાને ત્યાં ખબર કરી કે નહીં ? અરે...યા..ર, પહેલાં બોલોને, ફૉન નંબર હું આપું. એમ કરો, તમે રહેવા દો, હું જ ફૉન કરું છું. તમે અમદાવાદ આવવા જલ્દી નીકળી જાવ."

હવે, આપણને ફાળ પડે અને આપણું મોંઢું સાચેસાચ ગંભીર થઈ જાય. આસપાસ ઉભેલા, આપણી સોસાયટીના, બીજા રહીશ મિત્રો, દયામણા ચહેરે, આપણી સામે જોઈને, `કેટલા વાગશે ?` તેમ સવાલ કરતા લાગે..!!

આપણું, આઠમા ધોરણનું, જૂનું લાકડાવાળાનું, અંક-ગણીત, ફરીથી પાકું થવા માંડે, " જુવોને, મામા (તેમના) ગમે તેટલી ઉતાવળ કરે,તોય રાજકોટથી અમદાવાદ આવતાં, સહેજે ચાર-પાંચ કલાક તો સાચા..!! અહીં આ લોકો બપોરે બાર-એક પહેલાં તો ના જ પહોંચે..!!"

આ સાંભળીને, જેમની પત્નીઓએ, જે પતિઓને, નાસ્તાનો આગ્રહ કર્યા વગર, પરાણે ધકેલી મૂક્યા હોય, તે સહુ, બળોતિયાના બળેલા, ભૂખાળવા ડાઘુઓના, દયામણા ચહેરાના ભાવ, અચાનક અતિશય ક્રોધમાં પલટાઈને, આપણા ઉપર જાણે અગ્નિ વરસાવતા લાગે,

" કેમ, કઈ નિશાળમાં ભણ્યો`તો ? તારો સાહેબ, આવું ગણીત ભણાવતો`તો ? બાર વાગે સ્મશાનમાં આને કાઢશે તો, પાછા ઘેર કેટલા વાગે અવાશે ?
ભાન - બાન છેકે, વેચી ખાધું છે ? "

આપણે ગભરાઈને ગળચવાં ખાતાં-ખાતાં, લાકડાવાડાનું આખું ગણીત, નવેસરથી સુધારીને, બીતાં-બીતાં, અડધો કલાક - કલાક આઘોપાછો કરીએ.
પણ, " રે..રે..શ્રદ્ધા ગત થઈ પછી, કોઈ કાળે ન પાછી આવે ?" તે ન્યાયે, હવે આપણા પર કોઈને વિશ્વાસ ના હોય તેમ, ચહેરા ઉપર, ક્રૂરતા ભરેલા ભાવ સાથે, બધાજ ડાઘુઓ, જેમ શ્રીરામે - સીતાજીનો વિના વાંકે, ત્યાગ કર્યો હતો, તેમ આપણો ત્યાગ કરી, બીજાના ઓટલે સાવ અલગ જ ચોકો, જમાવીને બેસે.

ત્યાં વળી તે અલગ ચોકામાંથી બેઠેલો કોઈ જાણકાર, આપણાથી દુભાયેલા, તે અભાગીયા, ભૂખ્યા, ડાઘુ જીવોને, સાંત્વના આપવા કે પછી,
આપણને બાળવા જોરથી બોલે,

" બાર- એક તો નહીં,પ....ણ, હમણાંજ દોઢેક કલાકમાં પહોંચ્યા સમજોને ? આમના મામાનો છોકરો તો, પ્લૅનની માફક ગાડી ભગાવે છે..!!"

પરંતુ, હવે બધા ડાઘુઓ સમજી ગયા હોય કે, છેક બપોરના ત્રણ-ચાર વાગ્યા સિવાય, સ્મશાનેથી, આજે ઘેર પાછા આવવા મળવાનું નથી,
તેથી ઘેરથી ઉતાવળે, પોતાને નાસ્તાનો આગ્રહ કર્યા વગર, ધકેલી દેનારી ધર્મપત્ની ઉપર, મનમાં ગરમાટો અનુભવીને, ત્યાં કારણ વગર,
આંટાફેરા મારતા, શેરીના કૂતરાને, ખીજાઈને જોરદાર લાત ઠોકી, તે લોકો, પોતાની પત્નીને, સજા કર્યાના ભાવ ચહેરા ઉપર ધારણ કરે..!!

જોકે ત્યારે, આપણને લાગે કે, " હાશ...!! આ લોકોના, ગુસ્સાનો ગેસ, આખરે રીલીઝ થયો ખરો..!!"

એટલામાંજ, મૃતદેહને, અંતિમધામમાં લઈ જવા માટેની તમામ સામગ્રી આવી જાય. સામગ્રી લાવનારા પાછા, કોઈને ચઁદ્રયાનમાં, બેસાડી, ચાઁદ ઉપર મોકલવા અધીરા થયા હોય તેવા, વૈજ્ઞાનિક જેવા ગંભીર લાગે..!!

હવે, આવા કામના, કેટલાક કાયમી નિષ્ણાત માણસોની એક ટીમ, ત્વરા અને સ્ફૂર્તિથી, પેલા મૃતદેહની દયામાયા ખાધા વગર, એવો તો કચકચાવીને બાંધેકે, મૃતક, જાણે પાછો જીવતો થઈને બધાને ફરીથી કનડવા બેઠા થવાનો ભય ના હોય ? પાછા ચારે બાજૂ, લટકામાં નાળીયેળ લટકાવે અને ઉપસ્થિત દરેક જણ, બે-બે પાંદડી ફૂલની, ઊભાઊભાં જ નાંખીને, સાચું-ખોટું રડે...!!

એટલામાં, રાજકોટથી, `મામા આવ્યા, માસી આવ્યા` ની બૂમાબૂમ થાય, તેય આવીને વળી પાછા,નાનાંમોટાં સહુ ઘરવાળાંને,ભેટીને, રડતાંને છાનાં રાખી, ફૂલ - અર્પણની વિધિ પતાવે. આ સમયે ખરેખર, સાચા હ્યદયની, થોડી રડારોડ સંભળાય.

હવે મૃતકના ઘરમાં, ચહલપહલ અને કોલાહલ વધતાંજ, અત્યાર સુધી, સુષુપ્તાવસ્થામાં, અમીબાની માફક સંકોચાઈને, એક ખૂણે બેઠેલો,સોસાયટીના રહીશ, સ્થાનિક, ડાઘુઓનો ડાયરો, હવે હુડૂડૂડૂડૂ કરતોક ને બેઠો થાય અને એકબીજાને છાનામાના અવાજે પૂછે,

" ક્યાં લઈ જવાના છે? સપ્તર્ષિના આરે ? એક કામ કરો, મારી કાર હું લઈ આવું ? બીજા ય બે-ચાર આવી જશે." આટલું કહીને, આપણી સામે જોઈને, આપણનેય વિવેક કરે, " તમે શેમાં આવો છો ? એમ કરો મારી સાથે, મારી કારમાં બેસી જજો."

આપણને હાશ થાય અને વિચારીએ કે,

" આ બધું પેલા પરોપકારી કૂતરાએ, જાતે લાત ખાઈને, રીલીઝ કરી આપેલા ઊકળાટ પછી થયેલા, શાંત મન નું પરિણામ લાગે છે..!!"

આપણને થાય, " કાંઈ નહીં ચાલો, આપણને બધાએ, છેવટે માફ તો કર્યા ? "

સ્મશાનયાત્રા ચારરસ્તા સુધી ચાલે, પછી શબવાહિનીમાં, વાહન વગરના, બધાય ડાઘુઓ હકડેઠઠ , દબાઈ-દબાઈને ભરાઈ જાય.

છેવટે સપ્તર્ષિનું સ્મશાનગૃહ આવતાંજ, સ્મશાનના દરવાજેથીજ, અત્યાર સુધી ચૂપ રહેલા તથા બાકીનો રવિવાર હજુ પણ રંગેચંગે, મનાવવાની એષણા ધરાવનારા, કેટલાક ઊતાવળીયા ડાઘુઓ, જાણે મૃતકના ઘરવાળાનું ઘ્યાન દોરવા માટે, જોરથી બોલતા હોય તેમ સંભળાય,

" અરે ભાઈ,ખબર તો છે ને ? અહીં ઈલેક્ટીક ભઠ્ઠીની સગવડ પણ છે, કલાકમાં તો, ચપટી વગાડતાંજ બધું ફી...ની...શ..!!"

ઘણું મોડું થયું હોવાથી, ભૂખ અને થાકથી, અકળાઈ ગયેલા, નનામી ઉંચકનારા, બધાજ ડાઘુઓ, આવો અપ્રતિમ પ્રસ્તાવ મૂકનાર, ડાઘુભાઈને, સર્વાનુમતે ટેકો જાહેર કરતા હોય તેમ, પેલા મૃતકની નનામીને, ઈલેક્ટીક ભઠ્ઠી પાસે, નીચે ઉતારવાની તૈયારી કરે.

ત્યાંતો મૃતકના, કોઈ વજનદાર વડીલનો હુકમ છૂટે, " ના, ના, અહીં નહીં, અહીં નહીં..!! મરનારની છેલ્લી ઈચ્છા, કાષ્ટદાહની ( ચિતાગ્નિ ) હતી."

નનામીને નીચે મૂકવા, અડધા વાંકા વળેલા, ડાઘુઓ પાછા સીધા થઈ, પેલા મૃતકને, લોખંડના સ્ટેન્ડ પાસે લઈ જાય.

આપણને એ સમજ ના પડે કે, નનામી ઉંચકનારા, એકાદ બે ડાઘુઓએ, પેલા વડીલ ઉપર, આવો વટહૂકમ બહાર પાડવા બદલ, ગુસ્સાથી દાંત કચકચાવ્યા કે પછી મૃતદેહના અસહ્ય, ભાર કે વજનને કારણે દાંત આપોઆપ ભીંસાઈ ગયા ?

સ્મશાનગૃહનો કર્મચારી, જાણે બધાને કાયમી ઓળખતો હોય તેમ, મધમીઠું હસતો-હસતો, બધાની સેવામાં હાજર થઈ જાય..!!

હવે નનામી બાંધનારા નિષ્ણાત, ડાઘુઓની ટોળકી ફરીથી, હરકતમાં આવી જઈ અત્યંત કુશળતાપૂર્વક, લાકડાંને, આડાંઅવળાં, ઊભાં-સીધાં ગોઠવવા, કામે લાગી જાય અને આવડે તેવા મંત્રોચ્ચાર સાથે મૃતકને સાચવીને, ચિતા ઉપર મૂકે, વધેલું ઘી, ઘાસના પૂળા વગરે, ગોઠવીને જ્યાં કે, ચિ્તાગ્નિ પ્રગટે,

ત્યાંતો, ઘેર જવા અધીરો થયેલો, કોઈક ઉતાવળીયો ડાઘુ, સ્વજન ગુમાવ્યાના, સાચા દુ;ખથી, ખરેખર લાગણી અનુભવી રડતા, એકદમ નિકટના સગાવહાલાંને ( દીકરાઓને ? ), રડતા છાના રાખવાનો, બનાવટી અભિનય કરીને, બાકીના બધા ડાઘુઓ વચ્ચે, ઢસડી લાવીને, બે હાથ જોડાવીને, આભાર માનીને, સ્મશાનેથી, વિદાય થવાની રજા આપતો સંકેત-સંદેશ વહેતો કરે.

ત્યારે આપણે ઘેર પરત જવા, પેલા ભાઈની ફરીથી ગાડી શોધીએ તો, માલૂમ પડે કે, તેઓને ઑફિસેથી, રજાના દિવસે, પણ અગત્યનો કૉલ આવતાં,
ક્યારનાય ઘેર જવા નીકળી ગયા છે..!!

આપણે સપ્તર્ષિ સ્મશાનના દરવાજે, રિક્ષાની રાહ જોઈ ઊભા રહીએ, ત્યારે આપણું સમય સામે ધ્યાન જતાં, ત્રણ વાગ્યા હોવાથી, એ સમજ ના પડે કે, અત્યારે,આપણી આંખ અને મોંઢામાં, અતિશય પાણી છૂટ્યાની જે ભીનાશ જેવું લાગે છે તે, ચિતામાં થી ઉઠેલો ધૂમાડો, આંખ અને મોંઢામાં જવાથી, થાય છેકે પછી, સ્મશાનના દરવાજે, સુંદર, તાજાં, રસદાર ફળોની, હાથલારીઓ જોઈને ભૂખ યાદ આવવાને કારણે ?

છેવટે સ્મશાનવૈરાગ્યના ભાવથી પેલી કહેવત યાદ આવે, " છોડને યાર...!! દુનિયા છોડીને, આ ગયો, તેને હવે ભૂખ લાગશે ? એમ સમજને , આપ મુવા પીછે, ડૂબ ગઈ દુનિયા..!!"

ઘણીવાર તો મનેય લાગે છેકે,સાલું, ખરેખર જ જો આજ સત્ય છે તો, હું વળી માઁસાહારી-શાકાહારી ના લેખ શું કામ લખું છું ? બ્લોગના ઝોળી-ઝંડા શું કામ પાળું છું ?
આ શી જંજાળ..!! કહી દઉં મરણનેય,

"ચહેરો વઁકાયો મરણનો? લેને, આ મૂક્યો, જીવ પડતો..!!
બાકી જગતનો હવે, ભલે ને, ભડભડ થૈ ભવ બળતો..!!"

પણ પછી, એમ લાગે છેકે, ભગવાને મને, જે પાત્ર ભજવવા મોકલ્યો છે,તેને મારાથી અન્યાય કેવી રીતે કરાય ? મારે ભગવાનને એક દિવસ મોં બતાવવું નહીં પડે?

હું તો, મારા પછીની પેઢીના, નવા વછેરા જેવા, હણહણતા શાકાહારી ઘોડાઓને, માઁસાહારી આક્રમણકારી, ગધેડાઓ સાથે, પરાણે બંધાવું પડે તો, ત્યાંથી ડરીને, ભાગી જવાને બદલે, ગધેડાઓની માફક ભૂંકતાં ના આવડે તો કાંઈ નહી, પણ લાત મારતાં શીખવાની સલાહ, મારા છેલ્લા શ્વાસ સુધી અવશ્ય આપીશ..!!

શી ખબર..!! કદાચ, ભગવાને આપણને, આજ કાર્ય માટે, આ જગતમાં મોકલ્યા હશે ?

આપને પણ, ભાવી પેઢીને સાથ આપવા, ભગવાને મોકલ્યા હોય તેમ, આપને લાગતું નથી?

યાર..!! આ જિંદગીમાં, મરવાનું એકજ વાર હોય તો લિજ્જતદાર મોત ના માંગીએ? ખરૂંને ..!!

માર્કંડ દવે.તા.૧૫-૦૨-૨૦૧૦.

1 comment:

  1. Excellent humor-Very good observation--Nicely written article-
    By the way in America-there is always a full dinner in retaurant after funeral for the guests.-some times in the home.
    In India ,at my father;s funeral-I distributed Tea,Bhusu and Jalebi to all the people who came ,in Shmashaana.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.