Wednesday, August 11, 2010

" વીમો છે?"

" વીમો  છે?"    

" કૌન  કહેતા  હૈ , નસીબ, યહાઁ લીખા હોતા  હૈ?
    ઐસેં   ભી   હૈં,    બેમૌત, જહાઁ મીટા દેતા હૈ..!! "


=======

પ્રિય મિત્રો,

એકવાર મારી ઑફિસમાં, એક ભાઈ, કોઈ મિત્રની ઓળખાણ લઈને, મને મળવા આવ્યા.

હકિકતમાં તેઓ, કોઈ  એક નવીસવી વીમા કંપનીના એજન્ટ હતા  અને મારો વીમો ઉતારવાના ઈરાદે આવ્યા હતા. મેં તેઓને, હાલ `પ્રોવિઝન નથી` તેમ કહીને, વિવેકપૂર્વક ના પાડી તો  તેઓ, મારા બીજા મિત્રોને ભલામણ કરવા માટે, વિનંતી  કરવા  લાગ્યા.

હાલમાં,  વૈશ્વિક આર્થિક ઉદારીકરણના વાયરામાં, દેશની-વિદેશની, કેટલીય વીમા કંપનીઓ, આપણા ભારતમાં, બીલાડીના ટોપની જેમ, ફૂટી નીકળી છે..
ત્યારે, જેમ કાર, મોબાઈલ, હાઉસીંગ અને ફર્નિચર ખરીદવા ઉદાર સ્કીમ નીકળી છે, તેવીજ રીતે, વીમા કંપનીઓની સંખ્યા, અચાનક વધી જવાથી, લોકોની ઉંમર, સ્વાસ્થ્ય વગેરેની, યોગ્ય તપાસ કર્યા વગરજ,  ઈન્સ્યોરન્સ પ્લાન ઑફર કરતા, અનેક વીમા ઍજન્ટ, ગલી-ગલી અને ગામે-ગામ રખડતા નજરે પડે છે.

જોકે, આવી રીતે,  ઉતાવળે વીમો ઉતારવાથી, ઘણા ક્લાયન્ટ, ગેરવ્યાજબી ફાયદો પણ મેળવી લે છે.

એકવાર, એક લૉયર અને એક એંન્જિનિયર, એક ફાઈવસ્ટાર હૉટલમાં, ભેગા મળ્યા. વાતવાતમાં, લૉયર બોલ્યો," હું આજે ફાઈવ સ્ટાર હૉટલમાં રહી શકું છું, કારણકે, મારો વિશાળ બંગલો ફર્નિચર અને અંદર સૂઈ રહેલી, મારી પત્ની, અચાનક લાગેલી આગમાં, બળી / ગુજરી જવાથી, વીમા કંપનીએ મને મસમોટી રકમનું વળતર આપ્યું છે."

આ સાંભળીને, એન્જિનિયર બોલ્યો," મારે  પણ એમજ   છે. મારો પણ, વિશાળ બંગલો અને અંદર સૂઈ રહેલી મારી પત્ની, અચાનક આવેલા  પૂરમાં, નાશ / મૃત્યુ પામવાથી, વીમા કંપનીએ મને, મસમોટી રકમનું વળતર આપ્યું છે."

જોકે, આ સાંભળીને, લૉયરે, ભોળાભાવે, પેલા એન્જિનિયરને સવાલ કર્યો," હેં..!! તમે  પૂર કેવી રીતે  લાવ્યા?

ઘણીવાર, વીમો ઉતરાવતા પહેલાં, કરાવવી પડતી તબીબી તપાસ, ઘણાને ત્રાસદાયક લાગતી હોય છે.  વીમા કંપનીઓ પણ, પોતાની સલામતી માટે, વીમાધારકના, યુરિન થી લઈને હ્યદય સુધીના ટેસ્ટ કરાવે છે.

જોકે, કેટલાક ચાલક વીમા એજન્ટ્સ, તબીબી પરિક્ષણ કરનારા ડૉક્ટર સાથે `સેટીંગ`(..!!) કરીને, સબસલામતનું સર્ટી. મેળવી આપે છે.

આવીજ, એક  વીમા કંપનીએ,. જે  ક્લાયન્ટનો વીમો ઉતાર્યો હોય, તેનું  યુરિન, નાની બોટલમાં, લાવવાનો હુકમ, એક એજન્ટને, ફરમાવ્યો, ત્યારે, એક દિવસ,  તે એજન્ટ,   વીમાની ઑફિસમાં, ચાર મોટા  કૅરબા ભરીને, યુરિન  ઉઠાવી લાવ્યો. આખી ઑફિસ ગંધાઈ ઉઠી..!!

વીમા ઑફિસરે, ઍજન્ટને, આમ કરવા પાછળનું કારણ  પૂછતાં, આવા ફતવાઓથી કંટાળેલા, પેલા એજન્ટે, અકળાઈને કહ્યું, " સાહેબ, આજે. ત્રણ હજાર બાળકોની સંખ્યા ધરાવતી, એક શાળાના, તમામનો, મેં   ગ્રુપ વીમો ઉતાર્યો છે..!!"

જોકે, પરદેશમાં  તો, વીમો ઉતારવા અને વળતર મેળવવા, અજબ-ગજબના દાવા નોંધાય છે.  દા.ત;

* " સાહેબ, મારી કાર લઈને, હું ખોટા મકાનમાં, પેસી ગયો અને મેં જે વાવ્યુંજ  નથી, તેવા ઝાડ સાથે અથડાઈ ગયો. મને  યોગ્ય વળતર મળવું જોઈએ..!!"

* "સાહેબ, મારી બાજુમાં  બેઠેલી, મારી બટકબોલી  પત્નીની, કચકચથી કંટાળીને, મારાથી અકસ્માત થઈ ગયો. મને  યોગ્ય વળતર મળવું જોઈએ..!!"

* "સાહેબ, મેં એટલો બધો દારૂ પીધો નહતો. હું ખાત્રીપૂર્વક કહું છુંકે, મારી કાર સાથે, આકાશી ઉલ્કા જ અથડાઈ છે, ગાય નહીં..!! મને  યોગ્ય વળતર મળવું જોઈએ..!!"

* " સાહેબ, ટેલિફૉનના થાંભલા સાથે અથડાઈને, મારી કારને ગોબો ન પડે તેથીજ મેં, રાહદારીને કાર ભટકાવી છે.મને  યોગ્ય વળતર મળવું જોઈએ..!!"

કેટલીકવાર, કેટલાય ક્લાયન્ટ દ્વારા,  વીમા કંપનીના પુરા નિયમ જાણ્યા વગર,  અદભૂત (?) છબરડા થતા જોવા મળે છે.

દા.ત. એક મૅડમે, વીમા કંપનીને પત્ર લખીને, જણાવ્યુંકે, " મારા પતિ, એક વર્ષ અગાઉ ગુજરી જવાથી, અત્યારે, મારી કોઈજ આવક નથી, જેથી મારા પતિના વીમાનું, આ  છેલ્લું પ્રિમિયમ, હું ભરું છું.  હવે પછી, મારાથી તેમણે  ઉતરાવેલા વીમાનું, પ્રિમિયમ ભરી શકાય તેમ નથી..!!"

આપને,  એક સરકારી પોલીસ અમલદાર, `પાંડેજી` યાદ છે?

હા, એજ, એજ, પેલા માથે, ઓઢણી ઓઢીને, રાધાની જેમ, કૃષ્ણને પતિ માનીને, જાહેરમાં, જાતજાતના રાસ લેતા હતા..એજ..!!

આવાજ, શ્રીકૃષ્ણભક્તિમાં ઘેલા થયેલા એક  ભાઈ, એકવાર બીમાર પડ્યા. ફકીરી દશામાં, જીવનનિર્વાહ કરતા, આ `પાંડેજી`ને, ડૉક્ટરે બીલની ચૂકવણી માટે, કોઈ  મૅડીક્લેઈમ, ઉતરાવ્યો   હોયતો,  તેનાં  પેપર્સ  આપવા  કહ્યું.

ભક્તિઘેલા, `પાંડેજી`એ, તેઓ કોઈજ   ઈન્સ્યોરન્સથી `કવર` ન  હોવાનું  જણાવ્યું,  ત્યારે બીજા વિકલ્પ તરીકે, ડૉક્ટરે  રોકડેથી  બીલ  ચૂકવણીનું  પૂછ્યું, તો પણ તેઓએ ના પાડી.

ડૉક્ટરે કંટાળીને, તેમના કોઈ સગા હોય તો, તેમના વિષે પૂછ્યું. આપણા, આ  `રાધા - ઉર્ફે - પાંડેજી" એ, ડૉક્ટરને કહ્યું. " મારા પતિ કૃષ્ણને, બીલ મોકલી આપો..!!"

કેટલીકવાર, એવા પણ ઉદાહરણ જોવા મળ્યાં   છેકે,  જીવનની અંતિમ ઘડીઓ ગણતા, કોઈ વૃદ્ધ  માણસે, પોતાનો લાખોનો વીમો ઉતરાવેલો છે, તેવી જાણ થતાંજ,  કોઈ  ભોળી, નાની ઉંમરની કન્યાના, લાલચી પિતા, તેની દીકરીને, પેલા વૃદ્ધ સાથે પરણાવતા હોય છે?

ખરેખર તો, દરેકે, પોતાનું બાળક સાવ નાનું હોય ત્યારથીજ, વીમા કંપનીના વિવિધ ચાઈલ્ડ પ્લાનને સમજી, તેના ઉછેરથી લઈને, ઉચ્ચ અભ્યાસ સુધીનો વીમો ઉતરાવી લેવો જોઈએ. નાના બાળકનું પ્રિમિયમ પણ ઓછું હોય છે તથા તે વીમો પાકતા  સમયે, યુવાન થયેલા સંતાનના, ખર્ચને આસાનીથી પહોંચી વળાય છે. વળી, ઈન્કમટેક્સ બૅનિફીટ મળે તે, લટકામાં..!!

આજરીતે, એક ભાઈએ, પોતાનાં ત્રણ સંતાનોનો, વીમો ઉતરાવ્યો હતો. ત્રણે સંતાન સરસ રીતે અભ્યાસ કરીને, ડૉક્ટર, વકીલ અને ઈન્કમટેક્સ પ્રેક્ટિશ્નર બન્યા.

છેલ્લે, આ ત્રણે સંતાનના, પિતાએ, ગુજરી જતા પહેલાં, ઈચ્છા જાહેર કરીકે," આવા આગોતરા, ઈન્સ્યોરન્સ ઈન્કમ પ્લાનિંગને કારણેજ, તમે, ત્રણેય દીકરાઓ, આટલી જ્વલંત  સિદ્ધિઓ મેળવી શક્યા છે તેથી, પોતાની મૃત્યુબાદની, સજ્જા વિધિ ( ખાટલા વિધિ) સમયે, તે પોતાનું આ કરજ ચૂકવવા, દરેક પૂત્ર, વધારે નહીં તો, એક - એક હજાર રુપિયા, વિધિના ખાટલામાં, જરુરથી મૂકે. જે રકમ,  વિધિ કરાવનાર બ્રાહ્મણને મળવાથી, તેના આશિર્વાદથી, પોતાની સદગતિ થાય..!!"

ડાહ્યાં સંતાનોએ, મૃત પામેલા પિતાની ઈચ્છા પૂર્ણ કરી. મૃત પિતાની અંતિમ ઈચ્છા મુજબ, ડૉક્ટર દીકરાએ, ખાટલામાં, રોકડા રૂપિયા એક હજાર મૂક્યા,  એજ પ્રમાણે, વકીલ દીકરાએ પણ, રોકડા રૂપિયા એક હજાર મૂક્યા,

જોકે, ઈન્કમટેક્સ પ્રેક્ટિશ્નર દીકરાએ, રોકડાને બદલે, રૂપિયા એક હજારની રકમ લખેલો,  ચેક ખાટલામાં મૂક્યો  અને સાથેજ, આટલાં વર્ષ, પિતાને  ટેક્સ પ્લાનિંગ કરી આપવાના બીલ પેટે,  રુપિયા ત્રણ હજારનું બીલ મૂકી, બાકીના બંને ભાઈએ,  વિધિના ખાટલામાં મુકેલા, બે હજાર રૂપિયા ઉઠાવી લઈને,  બાકીની નીકળતી, પોતાના બીલની રકમ પેટે, વસૂલ કર્યા.

એકવાર મારા, એક મિત્ર, મને કહે," તને ખબર છે, આ વીમા કંપનીના મેનેજર અને માફિયા ડૉન વચ્ચે શું તફાવત છે?"

મારા જવાબની રાહ જોયા વગરજ, તેમણે  મને  કહ્યું, " વીમા કંપનીનો મેનેજર, આ વર્ષે, કેટલા માણસ ગુજરી જશે? તેનો અંદાજ લગાવી શકે છે. જ્યારે, માફિયા ડૉન, તેનાથીય એક ડગલું આગળ વધીને, આ વર્ષે મરનારના નામનું લીસ્ટ બનાવી શકે છે..!!"

ક્યારેક તો,  વીમા કંપનીની, કેટલીક ઑફર રમૂજ પમાડે તેવી હોય છે.

દા.ત. એક વીમા કંપનીએ, કાર ઍન્ટી થેફ્ટનું વીમા પ્રિમિયમ, રૂપિયા ૧૦૦૦ જાહેર કર્યું,  ઍન્ટી ફાયર પ્રિમિયમ રૂપિયા ૧૦૦૦ જાહેર કર્યું.

જ્યારે  ઍન્ટીફાયર અને ઍન્ટીથેફ્ટ, બંનેનું એક સાથે પ્રિમિયમ, માત્ર રુપિયા ૫૦૦ જાહેર કર્યું. કોઈએ વીમા કંપનીને પત્ર લખીને, આમ કરવાનું કારણ પૂછ્યું, તો જવાબ મળ્યો," બળેલી કાર, ગમે ત્યાં, રેઢી પડી હોય, તેને  ક્યો કાકો ચોરવાનો છે..!!"

આપ તો, જાણતા જ  હશોકે, વીમાકંપનીઓની  જાહેરાતનાં બજેટના આંકડાઓ, આપણી, આંખ ફાટી જાય તેટલી, અ..ધ..ધ..ધ.. રકમનાં હોય  છે..!!

ઘણીવાર, આવી લેભાગુ, વીમા કંપનીઓની જાહેરાત પણ, પાછી માન્યામાં ન આવે તેવી, અતિશયોક્તિથી ભરેલી હોય છે

આવી દરેક કંપનીઓ, પોતાની, `Excellent Service..!!`, અંગે, હોય તેના કરતાં વધારી-વધારીને જાહેરાત કરતી હોય છે. જોકે, ખરેખર, જ્યારે કોઈનો ક્લેઈમ પાસ કરવાનો હોય ત્યારે તેના વારસદારના ચંપલ, ઘસાઇ જવા છતાં, તેને હક્કની રકમ ન મળવાથી   છેવટે, અદાલતનાં ચક્કર શરૂ થઈ જાય છે. અદાલતમાં, આવા લાખો કેસ, દર વર્ષે,  નવા ઉમેરાતા જ  જાય  છે.

આખાય વિશ્વમાં, ક્યારેય કોઈ વીમાકંપનીએ, પોતાના ક્લાયન્ટ્સને, વળતર ચૂકવવાના  કારણે, નાદારી નોંધાવી હોય તેવા કિસ્સા, કદાચ આંગળીના વેઢે ગણાય તેટલા પણ નહીં મળે?

એક વીમા કંપનીએ, જાહેરાત કરતાં પોતાની, કંપનીની,`Excellent Service..!!`, અંગે દાવો કર્યોકે,

" અમારી કંપનીનો લાઈફ ઈન્સ્યોરન્સ લેનાર, જે દિવસે, ગુજરી જાય કે તરતજ, અમે બધીજ ફૉર્માલિટી, ફક્ત ચોવીસ કલાકમાં પૂર્ણ કરીને, તેને  વળતરની રકમનો ચેક, રૂબરૂ પહોંચતો કરીએ છે."

આ જોઈને, બીજી વીમા કંપનીએ, પોતાની જાહેરાતમાં, દાવો કર્યોકે,

" અમારી કંપનીનો લાઈફ ઈન્સ્યોરન્સ લેનાર, જે જે દિવસે, ગુજરી જાય કે તરતજ, અમે બધીજ ફૉર્માલિટી, ફક્ત  બે જ  કલાકમાં પૂર્ણ કરીને, તેને  વળતરની રકમનો ચેક,  રૂબરૂ  પહોંચતો  કરીએ  છે."

આ બંને કંપનીની જાહેરાત વાંચીને, હવે ત્રીજી વીમા  કંપનીએ, પોતાની જાહેરાતમાં, દાવો કર્યોકે,

" અમારી કંપનીની ઑફિસ,  ૨૦  માળના બિલ્ડીંગમાં, ચોથા માળ પર આવેલી છે.

એક દિવસ,  અમારી કંપનીનો લાઈફ ઈન્સ્યોરન્સ ધરાવનાર, કાચ સાફ કરનાર  કામદાર,  બિલ્ડીંગના કાચ સાફ કરતાં, પગ લપસી પડતાં, અચાનક  ૨૦મા માળ પરથી નીચે ગબડી પડ્યો"

" ખાસ નોંધઃ- અમારી વીમાકંપની વળતર ચૂકવવામાં, સહુથી વધારે ઝડપી કંપની હોવાથી, ૨૦મા માળથી નીચે તરફ પડતા, તે  કામદારને, અમે ચોથા માળની અમારી ઑફિસની બારીમાંથીજ, વળતરનો ચેક, રૂબરૂ  હાથોહાથ  આપી  દીધો."

જોકે, બધા ક્લાયન્ટ, કાચ સાફ કરનારા જેવા, નસીબદાર (..!! ) નથી હોતા..!!

ઘણીવાર માનવી લાલચવશ થઈને,રાતોરાત પૈસાદાર બનવા માટે, વીમા કંપનીને છેતરવા માટે, કોઈ એક વ્યક્તિનો મોટી રકમનો વીમો ઉતરાવી, તે રકમ પોતાનેજ વારસામાં મળે તે માટે, કાયદો હાથમાં લઈને, સફળ - નિષ્ફળ પ્રયત્ન કરે છે.

સન- ૨૦૦૧માં, ઈન્સ્યોરન્સ પદ્ધતિમાં, રહેલાં છીડાંને ઉજાગર કરતી, એક સુંદર, સફળ ફીલ્મ- `અજનબી` રીલીઝ થઈ હતી. જેના નિર્માતા - નિરજ વોરા, નિર્દેશક-અબ્બાસ  મસ્તાન અને કલાકારો, અક્ષયકુમાર, બૉબી  દેઓલ,  કરીનાકપૂર, બિપાશા બાસુ, હતા.

જોકે, આ હીન્દી ફિલ્મ-`અજનબી`, અત્યંત સફળ, અમેરિકન નિર્દેશક -Alan Jay Pakula  (April 7, 1928 – November 19, 1998) ની,  સન-૧૯૯૨માં, રજુ થયેલી, અંગ્રેજી ફીલ્મ-` Consenting Adults`, પર થી પ્રેરિત હતી.

તે   સિવાય,  સન-૧૯૯૯માં, ફીલ્મનો હીરો પોતેજ, પોતાના મરવાનું નાટક કરીને, વીમાની મોટી રકમ મેળવી, ફરાર  થઈ  જાય, તેવા વિષય પર બનેલી, Director - Bruce Beresford ની, `Double Jeopardy` નામની, Thriller, Drama, Mystery, એકસાથે દર્શાવતી, એક સુંદર અંગ્રેજી ફીલ્મ, નોંધપાત્ર છે.

જેમાં - Tommy Lee Jones, Ashley Judd, Benjamin Weir, Jay Brazeau, Bruce Greenwood જેવા ઉમદા કલાકારોએ, લાજવાબ અભિનય કર્યો છે.

અત્રે, આ ફીલ્મના, હીન્દીમાં ડબીંગ થયેલા વર્ઝનની લિંક આપી છે જે, માણવા જેવી છે.

Double Jeopardy 1999 Hindi Dubbed Movie Watch Online Part -1

http://stage666.net/zd1q0db0a9cz

Double Jeopardy 1999 Hindi Dubbed Movie Watch Online Part - 2

http://stage666.net/j48kkr9ka1rr

વીમા કંપનીઓની, અતિશયોક્તિભરી જાહેરાતની વાત ચાલી છે ત્યારે, આપે ઈન્સ્યોરન્સ કંપનીઓની ની જાહેરાતમાં, ઘણા રમતવીર, મૉડલ કે અભિનેતાને જોયા હશે. પરંતુ, આપે દક્ષિણ ભારતના, એક માત્ર સુપરસ્ટાર,શ્રીરજનીકાન્તને,  ઈન્સ્યોરન્સ ની જાહેરાત કરતા ક્યારેય જોયા છે? અને  તેય  પાછા, આપણને, માન્યામાં ન આવે તેવા, તેમના  સ્ટંટ સાથેની, આગવી, `યુ..ઉ.., રાસ્કલા`, સ્ટાઈલમાં?

નીચે આપેલી લિંક પર, તેઓનું  ઍનિમેશન સ્વરૂપ,આગવી `યુ..ઉ.., રાસ્કલા`, સાઉથની ફીલ્મી સ્ટાઈલમાં,` IDBI FORTIS` કંપનીના, WAELTHSURANCE-Kismat proof wealth plans  ની અગત્યતા સમજાવે છે.

Kismat proof wealth plans ( Pl. Don`t  miss  it.  Funny - Funny - 100% Only Funny..!! )

http://www.bosskaboss.com/en/index.htm

જોકે, ઘણા  નસીબદાર  વીમાધારક  એવા  છે, જે પોતાના પાકતી મુદતના, વીમાની સઘળી રકમ, પોતાની હયાતીમાં, પોતેજ   વાપરી શકે  તેટલું, લાં...બું  જીવી શકે  છે.
 
તેવા  નસીબદાર લોકોને આપણે, રજનીકાંત જેવા નસીબના બળીયા કહી શકીએ?

જોકે, આવા લાં...બું  જીવતા, નસીબના, બળીયા લોકોની, પાકતા  વીમાની રકમ, જો લાખો - કરોડોમાં હોય  તો, તેઓને તેમના, વારસદારો, સાઉથની આગવી,  ફીલ્મી સ્ટાઈલમાં, મનમાં  ને મનમાં,  `યુ..ઉ.., રાસ્કલા` કહેતા હોય તો નવાઈ નહીં...!!

જોકે, મને તો વીમા કંપનીના, એકપણ પ્લાનમાં, નહીં માનનારા, એક કાકા, કાયમ  કહેતાકે, `આપણા મર્યા પછી શું?`,  આવું બધું લાંબુ વિચારવાની, કોઈજ જરૂર નથી. કારણકે,

વીમા  વિરોધી, તે  કાકાના મતે,  " આપ મુવા પીછે, ડુબ ગઈ દુનિયા..!!"

શું  કહો  છો   બૉસ ? આ  કાકાની  વાત તો , વિચારવા જેવી છે,  ખરું કે  નહીં?

માર્કંડ દવે.તાઃ- ૧૧ ઑગસ્ટ ૨૦૧૦.

2 comments:

  1. markand bhai
    JAY PARSHURAM
    AAPNA BADHA LEKH VANCHU CHHU KHUB J RASPRAD HOI CHHE.....
    THANKS A LOT
    FROM GOPAL THAKAR
    JUNAGADH IN NOW CHANDIGARH

    ReplyDelete
  2. MARKAND BHAI
    JAY PARSHURAM
    JAI HIND
    TAMARA BADHA LEKH KHUJ SARAS HOI CHHE VANCHVA NO ANAND ANERO HOI CHHE
    FROM GOPAL THAKAR
    JUNAGDH NOW CHANDIGARH

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.