ચાલ, ઘાણીએ બાંધ..!!
======
હાઈકુ.
દિવાળીને શું?
આવેને જાય, ચાલ,
ઘાણીએ બાંધ..!!
=========
પ્રિય મિત્રો,
આજે લાભપાંચમે કોઈ આપને પૂછેકે, ઓ ભાઈ,દિવાળી ગઈ? - શું કહેશો?
હા,ભાઈ, દિવાળી આવીને ઘઈ..!! (ઘઈ અથવા ઘાઈ = દોડાદોડી;ધાંધલ; ભીડ કરી ગઈ?)
હવે? હવે આપણે શું કરવાનું?
આપણે? આવતીકાલથી, ફરીપાછા, નિત્ય-વ્યર્થ-અર્થ-(કુ)કર્મ-ક્રમની, એકજ દિશા-ઘરેડની, આપણું તેલ કાઢતી, સંસારની ઘાણીએ, બળદની માફક બંધાઈ જવાનું..!!
જોકે, આ વખતની દિવાળીમાં, આપણા દેશના મનોરંજન માટે, UPA સરકારે, ખાસ અમેરિકાથી આમંત્રિત કરેલા, `HE - SHE` નર્તક્સને (ડાન્સર્સ?) બોલાવ્યા હતા.
આ અમેરિકન અંકલ-આંટીએ નિષ્ઠાપૂર્વક , સડકથી સંસદ સુધી, (આવડ્યું તેવું) પોતાના અદભૂત નૃત્ય તથા રોમાંચક, અલભ્ય, મનમોહક વાણી (વિલાસ?) થી (શ્રીમનમોહનને પૂછો?) આપણા સહુનું મનોરંજન કરવાનો પ્રયત્ન કરીને, આપણી દિવાળીનો તહેવાર સુધારવાનો યથાશક્તિ, આમરણાંત પ્રયત્ન કર્યો..!!
આપણા ચંપક જાસૂસના અંદરના અહેવાલ પ્રમાણે, દિલ્હીના, કોઈ કૌભાંડીભાઈ (સોરી કલમાડી?)ની હેલ્થ, અંકલ સૅમ સુધારી ન શક્યા. ઉપરાંત મુંબઈના કોઈ ભાઈ અશોકના, આદર્શ શોકનો ધોળો સાડલો પણ, તે બદલાવી ન શક્યા..!! (શેમ-શેમ, અંકલ સૅમ..!!) આ બાજુ અંકલ - આંટી પરત ગયા અને આ બાજુ કોંગ્રેસે ભ્રષ્ટાચારના શોકનો ઠૂઠવો મૂકી, સાથે કલમાડી અને અશોકના નામનું નાહીં નાખ્યું..!! ( બાકી સહુના માથેથી તો ઘાત ગઈ?)
ઘણા લાગણીશીલ, બીનસાંપ્રદાયિક એન.જી.ઓ.ના મતે, હિંદુ ધર્મના દિવાળીના તહેવારોમાં, અમેરિકાથી, મનોરંજન માટે અંકલ સૅમ - સૅમી ને (પુ.લિંગ સૅમનું-સૅમી, સ્ત્રી લિંગ - ?) બોલાવીને, કેન્દ્રસરકારે, પોતાની ધર્મનિરપેક્ષતાની છબી પર ન ભૂંસી શકાય તેવા કલંકનો કાળો ડાઘ પાડી દીધો છે..!!
જોકે, કેટલીક કરકસરથી દિવાળી ઉજવતી, સમજદાર બહેનો (અને તેમના ભાઈઓ?) ના મત મુજબ, તહેવાર ઉજવણી માટે, દેશમાં, ફોરેનથી કલાકારો બોલાવવાની, આવી નવી પ્રથા પાડવાની જરૂર જ ન હતી.
કેટલાક જાગૃત નાગરિકો તો વળી, આ મોંઘેરા મહેમાન કલાકારો, અંકલ સૅમ - સૅમી , આપણા દેશને, (બધાય અર્થમાં) કેટલા મોંઘા પડ્યા? તે માટે, માહિતી અધિકાર (RTI) નો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે..!!
મારા જેવા કેટલાય નિરસ અને મૂંજી માણસોને તો વળી, દિવાળી જેવા, તહેવારનુંજ મહત્વ ન હોવાથી, અમને તો, ડૉલી બિંન્દ્રાની ત્રાડો તથા તેણે હ્રિશાંત, અસ્મિતને ચ્હા બનાવતી વખતે, મરચાંવાળા ડંડાના સદઉપયોગ પર આપેલા, મનનીય મનોરંજક ભાષણથી..!!
કેપછી, દહાડે-દહાડે સાવ બેસૂરૂં ગાતા સારેગામાપાના પ્રતિયોગીઓ અને છતાંય તેમના વખાણ કરતા સારેગામાપાના જજીસથી..!!
કેપછી માસ્ટર સેફમાં, હડકવા લાગ્યો તેમ, દોડાદોડી કરીને સ્ટોરરૂમમાંથી ચીજો લેવા, રઘવાયા થયેલા, આપણું પાપી પેટ ભરવા,અવનવી વાનગીઓના શૉ `ખાનાખજાના`ને નવેસરથી, શરૂ કરવા તલપાપડ થયેલા, ભાવિ માસ્ટર સૅફથી..!! (ભગવાન આપણા પેટને સેફ અને સાફ રાખે..!!)
કેપછી તેમાં જજ તરીકે, એક ઍપિસોડમાં, એક કરોડ (?) રૂપિયા ચાર્જ કરતા, નિષ્ણાત, સર્વજ્ઞ શ્રીઅક્ષયકુમાર, જેને કૌન બનેગા કરોડપતિમાં, બનારસી કે મઘાઈ કે કલકત્તી પાનનું નામ હોય તેવો સાદા પ્રશ્નનો સાદો જવાબ પણ ન આવડ્યો, તેમનાથી..!!
કેપછી, આ પાંચ દહાડા, ન્યૂઝ ચેનલ્સના, `સૉકોલ્ડ` જર્નાલિસ્ટો, વિશ્લેષકો, વિવેચકો અને બબૂચકોએ, ઑબામા (ઓ..બા..મા..?)નો જાપ કરતા, આ મહાજ્ઞાની લોકોથી..!! મારા જેવા કેટલાય નિરસ અને મૂંજી માણસોને, જે મનોરંજન મળ્યું, તે દિવાળીની, મીઠાઈઓ, ફટાકડાઓ, ધોધમાર ગ્રીટીંગ્સ SMS થી ભરાઈ ગયેલા, મોબાઈલ મેસેજ ઈનબોક્સથી, એજ વાસી હવાઈ ગયેલા સાલમુબારકો, ભાઈબીજે, બહેનને ત્યાં ન જવાનાં, દર વર્ષનાં,એનાંએ ચવાઈ ગયેલા બહાનાંઓથી સહેજપણ, મનોરંજન ના મળ્યું, બોલો?
જોકે, મને નવાઈ લાગીકે, આપણા ફડાકીદાસ માસ્ટરસેફ અક્કીભાઈને,કેબીસીમાં, `પાન` જેવો જવાબ ના આવડ્યો? તે કદાચ પાન નહીં ખાતા હોય પણ, પરણ્યા ન હોય તોય જાનમાં તો ગયા જ હોયને?
કેપછી, બીગબોસની સારાખાન અને અલી મરચન્ટના, પચાસ લાખમાં વેચાયેલા, બીજીવારના લગ્નની માફક, ચેનલની આયોજીત અજ્ઞાનતા માત્ર હતી?
રામ જાણે? આપણા જેવા પામર જીવોને શું ખબર પડે..!! આપણે તો દિવાળી પતી,એટલે આ ઘાણીએ બંધાઈને, ગોળ-ગોળ ફરવાનું શરૂ,ખરુંને?
લ્યો,અત્યારેતો આપ માણો, આપણા ફડાકીદાસ અક્કીભાઈ અને સ્ટાર ઓફ મિલેનીયમ અમિતાભજીનો, `KBC - MASTAER CHEF`નો આ રીમીક્સ કરેલો ફની ઑડિયો..!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment