Thursday, January 20, 2011

સેટીંગ સટરપટર કે બદબૂદાર ગટર?


સેટીંગ સટરપટર કે બદબૂદાર ગટર?

" સેટીંગના સટરપટરે તો, રાઈનો પ્‍હાડ  કરી  મૂક્યો..!!
  ઢાંકણ વગરની ગટરે જો, કેવો ગંદવાડ  કરી  મૂક્યો?"


============

પ્રિય મિત્રો,

વહેલી સવારે, મોર્નિંગ વૉક માટે, કાંકરિયા ચાલવા જવાનું  મોડું થઈ જવાથી, એક દિવસ, હું અમારા ચારરસ્તા સુધી ચાલવા નીકળ્યો. મારી સોસાયટીની બહાર નીકળતાં સાથેજ, બીજી કોઈ શેરીના, ભૂલા પડેલા,રખડતા, એક સડેલા કૂતરાએ, સ્થાનિક કૂતરાંઓથી બચવા, મારી સાથે સેટીંગ કરી, મારું શરણ લઈ લીધું  હવે આગળ-આગળ (બહાદુર?) હું  અને પાછળ મારા પડછાયે, સેટીંગ કરીને, બે પગ વચ્ચે પૂંછડી દબાવીને, લપાતો છૂપાતો, પેલો  ડરપોક સડેલો કૂતરો, વળી તેની પાછળ, પોતાની સરહદ સુધી,પેલા કૂતરાને ભગાડવા આવેલા,છ-સાત કૂતરા-કૂતરીઓની, ભસતી ફોજ.  આ આખાય કૂતરાં સરઘસથી બચવા,રોડ ક્રોસ કરીને, હું સામેની તરફ ગયો તો, શરણાર્થી સડેલો કૂતરો પણ, એ તરફ મારી પાછળ-પાછળ આવ્યો, સાથે પેલું સમૂહ ગાન (??) કરતું કૂતરાં સરઘસ પણ આવ્યું. (જોકે, પોતાનાં મા-બાપ-ભાઈ-બહેન-કાકા-કાકી,કરતાંય, વધારે જોરથી ભસતાં, તેમનાં ગલૂડિયાંને જોઈને મને ઘણુંજ આશ્ચર્ય થયું.)

હવે શું કરવું? મેં ફરીથી રોડ ક્રોસ કર્યો,તો ફરીથી બધાએ આમ કર્યું.હવે હું ખરેખર સલવાણો. યાર..!! સાવ, આવા કૂતરાંવેડા થોડાજ કાંઈ ચલાવી લેવાય? આસપાસ કોઈ જોતું નથીને,તેમ જોઈ તપાસી, સડેલા શરણાર્થી સેટીંગબાજ કૂતરાને ભગાડવા,હાથમાં મેં નાનો પથ્થર ઉઠાવ્યો, તો ઉલ્ટાનું, તેણે તો, મારી સામે દયામણા ચહેરે, હળવું ભસીને, મને જ ભારે ઠપકો આપ્યો, " મારું સેટીંગ બગાડતાં તને  શરમ નથી આવતી? શરણે આવેલાને તરછોડે છે? સા..લા, માણસ..!! ગયો ને, છેવટે તારી જાત પર..!!." ગભરાઈને,મેં પથ્થર ફેંકી દીધો. જોકે, પાછા વળીને, મેં નક્કી કર્યુંકે, હવે કોઈ દિવસ આ નવરાઓની (સેટીંગબાજ  કૂતરાંઓની) સોબત સવાર-સવારમાં નથી કરવી.મોર્નિંગ વૉક માટે મોડું થઈ જાય તો, ચારરસ્તા સુધીય ચાલતા ના જવું, સોસાયટીમાંજ, આંટાફેરા મારી લેવા, સાલું..!! કૂતરાં આપણાં ઓળખીતાં તો ખરાં...!!

આ  ચતુર  સેટીંગબાજ  રખડતા કૂતરાંએ, બીજા કૂતરાંથી બચવા, મારી સાથે કરેલા સેટીંગના આ ભયાનક કારમા અનુભવે મને વિચારતો કરી મૂક્યો.  શું આ ખાસડિયા કૂતરાનાં, સંતાનોએ, તે  ઘરડું  થતાંજ, કોઈક સેટીંગ કરીને, તેને  કાઢી મૂક્યું  હશે? શું કૂતરા જ્ઞાતિમાંય આવો નપાવટ રીવાજ હશે? શું કૂતરાં ફક્ત માણસજાત સાથેજ વફાદારી દાખવતા હશે, કૂતરાં પોતાની કૂતરાં જાત સાથે, માણસજાત જેવોજ  લાગણીહીન વ્યવહાર કરતાં હશે? કદાચ,એવા લાગણીહીન સેટીંગ કરવાનો રીવાજ, તેમનામાં ય, હોઈ શકે..!!

ખેર, વિચારવા જેવી વાત તો એ છેકે, પૂખ્તવયે પહોંચ્યા બાદ, માણસો આડાઅવળાં સેટીંગ કરીને ધૂમ કમાય છે, છતાંય, માબાપનો ખર્ચ પોસાતો ન હોવાનું બહાનું કરીને, તેમને  ઘરડાઘરમાં મૂકી આવનારા, પરંતુ, કૂતરા-કૂતરીના લગ્નો ધામધૂમથી કરાવનારા,પ્રાચીન અને અર્વાચીન નવાબો, આવા નવાબી શોખની પાછળ, વેડફાતાં, નાણાં કેવાં-કેવાં સેટીગ કરીને કમાતા હશે?

અરે, કાગડાને પિતૃસ્વરૂપ માનીને, આપણે શ્રાદ્ધપક્ષમાં, આપણા બાપદાદા મર્યા પછી પણ, કોઈને  નડે નહીં, તે માટે ખીરના પ્રસાદની ખુશામત ધરાવવાનું સેટીંગ પણ, આપણે કરી જાણીએ છે, તે નવાઈની વાત નથી? જોકે, આપણા, કેટલાક દુઃખી માતાપિતાઓ, પોતાના સેટીંગબાજ દીકરાઓને સારીપેઠે  ઓળખતા હોવાથી, તેમનો વિશ્વાસ કર્યા વગર, પોતાના જીવતાંજ, ` જગતિયું`, (  જીવતાં કરાતું કારજ.) કરીને, પોતાની, શ્રાદ્ધવિધિ કરી, મોક્ષનું સેટીંગ કરી નાંખે છે...!!

જોકે, સેટીંગના ગહન વિચારોમાં લીન એવો હું, ઘેર પહોંચ્યો, ત્યાંતો આપણા તંત્રીશ્રીને  જાણે ટૅલીપથી થઈ હોય તથા મારાજ  વિચારોનો પડઘો પાડતા હોય તેમ, તેઓનો ફોન આવ્યો અને મને સીધોજ સવાલ કર્યો," સર, આ લક્ઝરી કૉચના ડ્રાઈવર પણ જબરા સેટીંગબાજ છે..!! હું હમણાં શીરડી દર્શનાર્થે  ગયો, તો લક્ઝરી કૉચમાં મારી સાથે બેઠેલા અંકલે, અમદાવાદથી શીરડી  જવાના માત્ર રૂ.૨૫૦ આપ્યા અને મારી પાસેથી વડોદરાથી શીરડીના રૂ.૫૦૦ લીધા? જોકે, પછી જાણ થઈકે, કાકાએ લક્ઝરી કૉચના ડ્રાયવર સાથે કંઈક સેટીંગ કર્યું તેથી તેમને ફાયદો થઈ ગયો. રસ્તામાંય સેટીંગ હોય તેવીજ હાઈવૅ હૉટેલ્સ પર, ડ્રાયવર બસ ઉભી કરી દેતો, જ્યાં ડ્રાયવર-ક્લીનર અને મેનેજરની આગતાસ્વાગતા, ખાસ પ્રકારે મફતમાં થતી જોઈ. એટલુંજ નહીં, શીરડી પહોંચ્યા બાદ પણ, ફૂલ-પ્રસાદ, રહેવાનું, જમવાનું , બધી જગ્યાએ આ લોકોનું સેટીંગ હોય તેમ જ્ઞાત થયું..!! આવું તે કાંઈ હોતું હશે?"

આપણા તંત્રીશ્રીનો અનુભવ, સહુ વિદ્વાનોને ચિંતનના ચકરાવે ચઢાવી દે તેવો છે,ખરૂં કે નહી?

મિત્રો, આ દુનિયામાં, ચારેબાજુ, કલાત્મકરીતે સેટીંગ કરી જાણતા,ઉસ્તાદ માનવીઓએ, પોતપોતાની નાત-જાત, ધર્મ-ધંધા, રાજકારણ તથા ચિત્રવિચિત્ર લોભ-લાલચવશ, મોહમાયાના કારણસર, પેલાં શેરી કૂતરાંની માફક પોતપોતાના સ્વાર્થની સરહદ બાંધી હોય અને આવા લોકો, નિર્દોષ લોકો સામે, વાતે-વાતે, ભસતાં-ભસતાં,  કરડવા દોડતા હોય, ત્યારે જેને સેટીંગ કરતાં ન આવડતું હોય તેવા,  સરળ સ્વભાવના, માનવીઓએ શું ઉપાય કરવા? શું આપણે પણ તેમના જેવાજ સેટીંગબાજ બની જવું? પણ તે માટે તો કોઈને છેતરવા પડેને? આપણી તે માટે તૈયારી છે ખરી?

મહાભારતમાં કહ્યું છે, ‘કોઈને સમગ્ર વિશ્વનું સઘળું સુખ આપી દો અને પ્રશ્ન કરોકે તમે સંતુષ્ટ છો ? તો મોટાભાગના માનવીઓ કહે છેકે, હજીય મારું મન ભરાયું નથી.’

કેમ ભાઈ, માનવીને ધનસંપત્તિ પ્રાપ્તિની, કોઈ સીમા તો હશેજને?. જોકે, તૃષ્ણાને ક્યારેય કોઈએ ઘરડી થતાં જોઈ છે? અરે, વૃદ્ધ તો માત્ર આપણે જ થઈએ છે...!!  મને એક પ્રખ્યાત સુભાષિતનું સ્મરણ થઈ આવ્યું.

आहारे व्यवहारे च त्यक्तलज्जा सुखी भवेत।
धनं मैत्री  करं दाने चादाने सुखकारकम॥ -


અર્થાતઃ- આહાર તથા વ્યવહારમાં (લેણ-દેણ) લાજશરમ કે સંકોચ નહીં રાખનારો માણસ કાયમી સુખી થાય છે. ધનનો વ્યવહાર, ધન આપતી વખતે મૈત્રીકારક હોય છે. પરંતુ એ ધનની ઉઘરાણી વેળાએ એ જ વ્યવહાર શત્રુતા પેદા કરે છે.

પરંતુ, તોપછી ઉપનિષદમાં કહ્યું છેકે, ‘तेन त्यक्तेन भुञ्जीथा’.અર્થાત- ત્યાગીને વાપરો,  તે શું ખોટું?

ખરેખર..!! આપણા તંત્રીશ્રીની વાતે, મને એવોતો મૂંઝવી નાખ્યોકે, સવારની ચ્હા તો કડવી લાગીજ, પણ પોત-પોતાની સરહદ સાચવતાં સેંકડો કૂતરાં, જાણે મારીજ પાછળ પડ્યાં હોય અને તેમનાથી બચવા મથતો હુંય, છેવટે અનૈતિક, કુશળ સેટીગબાજોની જેમજ, સેટીંગની સટરપટર, અનીતિથી ઊભરાતી ગંધાતી ગટરમાં લપસીને, બદબૂદાર કાદવથી, સુવાંગ ખરડાઈ ગયો હોય તેવો મને ભાસ થયો.

આ સેટીંગ છેવટે કઈ બલાનું નામ છે?

આપને યાદ હશે, સન - ૧૯૭૦ના સમય સુધી, રેડીયોનું પણ આટલું બધું ચલણ નહીં,( ટી.વી.? નૉ.-વૅ - બૉય.) તેથી ઓટલા પરિષદમાં, મહિલાઓ ભેગી થઈને, ભલભલા, કહેવાતા માંધાતા- ( સ્ત્રી.-માંધાતીઓ?) ની " ચડ્ડી ઉતાર અભિયાન " ની ચર્ચામાં પ્રવૃત્ત થઈ તેમની ઈજ્જત-આબરૂનું સેટીંગ કરી નાંખતી હતી..જેમાં આસપાસના આખાયે પંથકના, સારાનરસા સમાચારો, મીઠું,મરચું. મસાલો, ભભરાવીને, ક્યાંથી, ક્યાંય સુધી પહોંચી જતા.ઘણીવાર તો મૂળ સમાચારનું સ્વરૂપ પણ બદલાઈ જાય તે હદે સમાચારોનું સેટીંગ કરવામાં આવતું..!! આ કૂથલી સમાચાર સેટીંગમાં, મોટાભાગે, સમાજ સાથે તાદાત્મ્ય સાધવાનું સેટીંગ ન સાધી શકતા, ભોળા (?) કુટુંબોનેજ સહન કરવું પડતું હતું કારણકે તે કુટુંબના સદસ્યો એ  સમજી શકતા ન હતાકે, પોતાના ઘર કે કાર્યની અંગત વાતો કોઈને ન કહેવી. હંમેશાં અર્થપૂર્ણ,સંક્ષિપ્ત અને કાર્ય સિદ્ધ કરનારા ટૂંકા જવાબો આપવાની ટેવ પાડવી જોઈએ.

મિત્રો, આપને થશેકે, આ લેખક ક્યારના સેટીંગ-સેટીંગની રામાયણ લઈ બેઠા છે, તે સેટીંગ છેવટે કઈ બલાનું નામ છે?

સેટીંગ એટલે,  નીતિ-અનીતિ, નૈતિક-અનૈતિક, તાર્કિક-અતાર્કિક, શાસ્ત્રીય-અશાસ્ત્રીય, એવી શામ, દામ, દંડ, ભેદની કોઈપણ પદ્ધતિઓ અજમાવી, અપનાવીને, પોતાના લાભમાંજ (સ્વાર્થમાં?) આવે તે રીતે, ઈચ્છિત પરિણામ મેળવવાની અદભૂત-અલૌકિક-અદ્વિતિય જીવનકળા..!!

માનવી એક સામાજીક પ્રાણી છે અને તે અનેક પ્રકારના પૂર્વગ્રહોથી ગ્રસિત છે સાથેજ તે ધર્મ, ધન અને ઘરતીના ટૂકડાઓની કાંટાળી વાડથી ઘેરાયેલું છે. તેથી, પોતાના માની લીધેલા વાડામાં સાથે રહેલા, અંગત સંગીસાથીઓના હિત-સ્વાર્થ અને વિકાસ માટે, `Setting  in fiction`  એટલે કે જૂઠાણાભરી શામ, દામ, દંડ, ભેદની કોઈપણ પદ્ધતિ દ્વારા, પરિસ્થિતિને સંભાળી કે સુધારવાના પ્રયત્નમાં સતત લાગેલો રહે છે.નવાઈ લાગે તેવી બાબત એ છેકે, પોતાના ધર્મ, ધન અને ઘરતીના ટૂકડાઓના સહભાગી, માની લીધેલા અંગત સંગીસાથીઓ સાથે મતભેદ કે મનદુઃખ હોવા છતાં, સમસ્વાર્થતાને કારણે, તે તેમના સાથ અને સહકારથી, સમગ્ર જગત સાથે સેટીંગની કળા અજમાવતો રહે છે.

હવે જો આપને મનમાં એમ થાય કે, આતો લાંચની (Bribery) વાત કરે છે, તો મિત્રો, આપની ભૂલ થાય છે. દુનિયામાં કેટલાંક કામ એવાં હોય છે, જ્યાં ફક્ત સેટીંગની અદભૂત-અલૌકિક-અદ્વિતિય જીવનકળાજ કામ લાગતી હોય છે. યાદ રહે, લાંચ, ખુશામત,ભય,સંતાપ,લાગણી  વિગેરે તો સફળ સેટીંગ માટેના, કેવળ હથિયાર માત્ર છે. જોકે, અગાધ અને અધોર ચિંતન શરૂ કર્યાબાદ, જેમજેમ `સેટીંગ` શબ્દની બદબૂદાર ગટરમાં, હું વધારે ઉંડો ઉતરતો ગયો, તેમ-તેમ મને જાણેકે, કાદવમાં કમળ ખીલ્યું હોય તેમ,અદભૂત-અલૌકિક-અદ્વિતિય જીવનકળાનું અમૂલ્ય જ્ઞાન લાધ્યું..!!

મારા, હાર્ટસ્પેશિયાલિસ્ટ ડૉક્ટરમિત્ર મને કહે," માણસ જ્યારથી ખડખડાટ હસવાનું તથા મનભરીને  રડવાનું ( હાસ્યરસ તથા કરૂણરસનું ) સેટીંગ કરવાની આવડતને ભૂલી ગયો છે ત્યારથી આ હાર્ટઍટેકનો જન્મ થયો છે..!!"

આપણા જન્મથી મૃત્યુ પર્યંત, જીવનમાં, વધતા કે ઓછા પ્રમાણમાં દરેક માનવીમાં, સ્વભાવગત, નીચે દર્શાવેલા નવરસોનું આધિપત્ય હોય છે.

૧. શૃંગારરસ ( જે રસદ્વારા સ્ત્રીપુરૂષનો પ્રેમ વ્યક્ત થાય, દા.ત. કાલિદાસનું મેઘદૂત-શાકુંતલ)
૨. હાસ્યરસ (હાસ્ય ઉપજાવે એવી લાગણી કે વિનોદ. દાત. જીવનમાં ઘટેલી વિનોદ પમાડે તેવી ઘટના))
૩. કરુણરસ (હ્રદય દયાથી પીગળી જાય એવી થતી લાગણી, દા.ત. રડતા સંતાનને નિહાળી માતાને થતી લાગણી)
૪. વીરરસ ( વાંચનાર કે સાંભળનારનું પૌરૂષ જાગૃત કરે કે જુસ્સો પ્રેરે તેવી લાગણી, દા.ત. આઝાદીના સમયનો દેશપ્રેમ)
૫. અદ્ભૂતરસ-અદભૂતરસ ( હ્યદયમાં અલૌકિક,ચમત્કાર, આશ્ચર્ય કે અપાર વિસ્મયતા પમાડતી,રોમાંચની લાગણી, દા.ત. જાદુગરના ખેલ)
૬. રૌદ્રરસ ( હ્યદયમાં ક્રોધ સાથે ઉઠતા તોફાનની લાગણી, દા.ત.શિવજીનું રૌદ્રસ્વરૂપ )
૭. ભયાનકરસ ( હ્યદયમાં અણચિતવ્યા દ્રશ્યને જોતાં અથવા તેનું મનન કરતાં, ક્ષોભ-કમકમાં ઉપજાવતી ભયની લાગણી, દા.ત. હૉરર ફીલ્મ)
૮. બીભત્સરસ ( હ્યદયમાં  જુગુપ્સા,અણગમો કે અશ્લીલભાવ  ઉપજાવનાર લાગણી, દા.ત. સેક્સ, લોહી, માંસ, પરુ વગેરેથી થતી ત્રાસની લાગણી)
૯. શાંતરસ. ( કામક્રોધાદિના શમનપૂર્વક વૈરાગ્યની પરિપુષ્ટતાને શાંત રસ કહે છે. દા.ત. ભગવાન મહાવીર, બુદ્ધ જેવી સન્યસ્તસિદ્ધિ)

શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સ રસ પ્રાકૃતિક રસ છે, જ્યારે હાસ્ય, કરૂણ, અદભુત અને ભયાનક રસ,  ઉત્પાદક રસ મનાય છે. આ નવેનવ રસને, જેણે વશ કર્યા હોય તેનેજ બત્રીસલક્ષણા કહી શકાય, જોકે, મોટાભાગે સર્વ રસ કોઈ એક માનવના વશમાં હોય તેમ, હંમેશા જોવા મળતું નથી.

તે ઉપરાંત, આપતો જાણોજ છોકે, આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ્યા પ્રમાણે, માનવીના જન્મથી લઈને મૃત્યુપર્યંત, પૂર્ણ જીવનગાળા દરમિયાન ચાર તબક્કા છે. અગાઉના, પુરાણકાળમાં શુદ્ધ આહાર, શુદ્ધ વાતાવરણ,સરળ અને સાત્વિક જીવનશૈલીને કારણે માનવીનું આયુષ્ય સો વર્ષનું ગણાતું હતું તેથી, સો વર્ષના, પચ્ચીસ વર્ષના ગાળાના ચાર વિભાગને, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમ તરીકે ઓળખવામાં આવતા હતા. જોકે, આજના યુગમાં, જ્યાં સરેરાશ આયુષ્ય સો વર્ષથી ઘટીને, માત્ર એંસી વર્ષની આસપાસ થઈ ગયુંછે તેવા સંજોગોમાં,

૧. જન્મથી વીસ વર્ષ - બ્રહ્મચર્યાશ્રમ,  શૈશવનો ખેલકુદ, શિક્ષણ-કાળ
૨. એકવીસથી ચાલીસ વર્ષ- ગૃહસ્થાશ્રમ , અનુસ્નાતક શિક્ષણ અને કારકિર્દીનાં સોપાન સર કરવાનો સંઘર્ષ-કાળ.
૩.એકતાલીસથી સાઈઠ વર્ષ  - વાનપ્રસ્થાશ્રમ, કર્મ, સાધનાઅને સિદ્ધિનો સુવર્ણ-કાળ.તથા
૪. એકસઠ વર્ષથી શેષ આયુ - સન્યાસાશ્રમ. નિવૃત્તિ અને જીવનશૈલીને,દેવાધિન કરવાનો કાળ ગણી શકાય.

આપણે ઉપર દર્શાવેલ નવેનવ રસનો, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત, એ  ચારેચાર  વર્ણાશ્રમમાં કેવો પ્રભાવ હોય છે તે સમજીએ, તો આ સેટીંગની જીવનકળાનું રહસ્ય આપોઆપ ઉજાગર થઈ જશે. ચાલો, આ જ્ઞાનનો લહાવો આપ સર્વ વચ્ચે વહેંચ્યાનો પરમાનંદ માણીશું?

૧. આજના યુગમાં, જન્મથી વીસ વર્ષ દરમિયાન, ખેલકુદ, શિક્ષણ-કાળ (બ્રહ્મચર્યાશ્રમ) માં, મોટાભાગે, કરુણરસ, હાસ્યરસ, અદભૂતરસ, રૌદ્રરસનો અધિક પ્રભાવ જોવા મળે છે.

ઉદાહરણક્રમઃ- બ્રહ્મચર્યાશ્રમ અને  કરુણરસ, હાસ્યરસ, અદભૂતરસ, ભયાનકરસ, રૌદ્રરસ.

*નાનાબાળકનું જન્મ સાથે રડીને, પોતાના આગમનની છડી પોકારવાનું કૃત્ય,તે કરુણરસનું સુંદર સેટીંગ જ કહેવાય..!!

*પોતાની શારીરિક,માનસિક,આર્થિક પરવશતાને કારણે, મીઠું મલકીને, પોતાના પરત્વે, અન્યને પરાણે વહાલ નીપજાવી, ધાર્યું કરાવી લેવું તે હાસ્યરસનું સેટીંગ કહેવાય..!!

*જગતની તમામ જડચેતન વસ્તુઓને, અચંબા અને આશ્ચર્યના અદભૂતરસ દ્વારા, સમજવા માટે નજર અને હોઠ પર, પ્રત્યેક ક્ષણ ઉઠતા સવાલના જવાબ મેળવવાનું સેટીંગ..!!

* અજાણ્યા ચહેરા, મોટા અવાજ કે અચાનક શાળાપ્રવેશ જેવી, અપરિચિત જગ્યાને કારણે જન્મતા ડર-અજંપાના ભયાનકરસમાંથી ઉગરવાનું સેટીંગ..!!

* અને અંતે, થોડી સમજ અને વધારે નાસમજને કારણે, ધાર્યું ન થતાં, જીદ્દ તથા ક્રોધને કારણે, માગણીઓ સંતોષવા ધારણ કરાતું, ધમપછાડાનું રૌદ્રરસનું,  સેટીંગ..!!

અત્યારના કમ્યુનિકેશનના સાધનોની ક્રાંતિના વિસ્ફોટના જમાનામાં, સાવ નાના પાંચ વર્ષના બાળકનો - I.Q. (બુદ્ધિમતાનો આંક) વયસ્ક જેટલો હોય છે.

 આપને યાદ છે? આપ નાના હતા ત્યારથીજ સાયકલ, બાઈક કે કાર ચલાવતા શીખવા,આપે કેટલાં સેટીંગ કરવાં પડ્યા હતા? સેટીંગ કરેલી, સાચી ખોટી જાહેરાતોના પ્રભાવમાં આવીને, જેતે વસ્તુ ખરીદવા, આપ  કેવાં - કેવાં સેટીગ (ત્રાગાં) કરતા હતા?

૨. આપણા જીવનનાં, એકવીસથી ચાલીસ વર્ષ  ગૃહસ્થાશ્રમ એટલેકે, અનુસ્નાતક શિક્ષણ અને કારકિર્દીનાં સોપાન સર કરવાના સંઘર્ષ-કાળ તરીકે ગણી શકાય.

ઉદાહરણક્રમઃ- ગૃહસ્થાશ્રમ અને શૃંગારરસ, અદભૂતરસ, બીભત્સરસ, વીરરસ, રૌદ્રરસ.


* એમ કહેવાય છેકે, યુવકોને મૂછનો દોરો ફૂટે અને કન્યા રજસ્વલા થાય એટલે તેનામાં પ્રેમરસ-શૃંગારરસ જાગૃત થાય છે..!!

* આજ વયમાં, ઘર અને શાળાના શિસ્તબદ્ધ વાતાવરણમાંથી મુક્ત થઈ યુવક-યુવતીઓ, ઉચ્ચશિક્ષણાર્થે કૉલેજના નિર્બંધ ખૂલ્લા આકાશમાં મુક્ત વિહરતા પંખી સમાન અદભૂતરસની લાગણી અનુભવે છે..!!

* ઉંમરના આ પડાવમાં, જેવી `સોબત તેવી અસર` તે ન્યાયે, દેખાદેખી, રોકી ન શકાતી પ્રેમની લાગણી તથા અધકચરા જાતીય જ્ઞાન સાથે બીભત્સરસ, વળી આ મૂંઝવણને કારણે વીરરસ તથા પોતાનું ધાર્યું ન થતાંજ રૌદ્રરસ, યુવક-યુવતીના મન પર પ્રભાવી અસર ઉભી કરે છે...!!

* આ ઉપરાંત, એકવીસથી ચાલીસ વર્ષનો વય તબક્કો, જીવનસાથી પસંદગી - લગ્ન - એક,બે સંતાન જેવા કપરા નિર્ણયો સાથેજ, સમગ્ર કુટુંબની આર્થિક જવાબદારીઓ અને પોતાના કેરિયરની ખૂબ ઉંચી મહત્વાકાંક્ષાઓને પોષવાનો કઠીન તબક્કો હોવાથી તથા આ સમયગાળા દરમિયાન શૃંગારરસ, અદભૂતરસ, બીભત્સરસ, વીરરસ, રૌદ્રરસનો સહુથી ગહન  પ્રભાવ હોવાથી, તેને જીવનમાં વિવિધ સેટીંગનો, સહુથી કપરી કસોટીનો કાળ પણ કહી શકાય..!!

શું, ગૃહસ્થાશ્રમમાં, કોઈ માનવીને માત્ર ૨૪ કલાક દરમિયાન,શૃંગારરસ, અદભૂતરસ, બીભત્સરસ, રૌદ્રરસ, વીરરસનો એકસાથે અનુભવ થઈ શકે ખરો?

જરૂર થઈ શકે, આ રહ્યો અમારાજ ગામનો એક દાખલો.

અમારા ગામમાં, આશરે ચાલીસ વર્ષની વયે પહોંચેલા પણ કુંવારા-વાંઢા, ભગવાન મહાદેવના મંદિરના પુજારીને, લગ્નનું સેટીંગ કરાવી આપનારા અજાણ્યા ધૂર્ત એજન્ટ, પુજારીની, જીવનભરની મૂડીના બદલામાં, એક સુંદર કન્યા પરણાવી ગયા. તે દિવસે આખું ગામ રાજી થઈ ગયું. પુજારીને પણ, જીવનમાં પહેલીવાર શૃંગારરસ અને રાત્રે સુહાગરાતના વિચારોમાં, બીભત્સરસ જાગૃત થયો. જોકે, બીજા દિવસે સવારે પુજારીને કરુણરસ જાગૃત થતાં, ચોધાર રડતા જોઈ, ગામલોકોને આશ્ચર્ય થયું. છેવટે, પુજારીજીએ ખુલાસો કર્યોકે, લગ્નના નામે, ચાલાક એજન્ટ, તેમને પાવૈયો પધરાવી ગયો હતો. સુહાગરાતે, આ બાબતની જાણ થતાંજ પુજારીએ રૌદ્રરસ જાગૃત થતાંજ, વીરરસને કામે લગાડી પત્ની  ઉર્ફે પાવૈયાને, બરાબરનો ઠમઠોર્યો.

જોકે સવાર પડતાં પુજારીજીમાં, શાંતરસ જાગૃત થતાંજ, ઉશ્કેરાયેલા ગામલોકોને એમ સમજાવીને શાંત પાડ્યાકે, " કશો વાંધો નહીં, બીજું કાંઈ નહીં પણ, મારા રોટલા ઘડી આપશે, તોય ઘણું છે..!!"


૩. જીવનના એકતાલીસથી સાઈઠ વર્ષ, તે  વાનપ્રસ્થાશ્રમ છે, જેમાં યુવાકાળમાં પ્રભાવી રહેલા શૃંગારરસ, અદભૂતરસ, બીભત્સરસ, વીરરસ, રૌદ્રરસનો પ્રભાવ મોટા પ્રમાણમાં ઓસરવા લાગીને, એકવીસથી ચાલીસની વય સુધી કરેલાં સારાંનરસાં  કર્મ, સાધના દ્વારા મેળવેલી સિદ્ધિનાં પરિણામોનાં સારાં-માઠાં ફળ ચાખવાનો, સુવર્ણ અથવા કથીરકાળ કહી શકાય..!!

ઉદાહરણક્રમઃ- શૃંગારરસ, અદભૂતરસ,બીભત્સરસ,રૌદ્રરસ,વીરરસનાં વળતાં પાણીનો કાળ.

જીવનના આ તબક્કામાં, યુવાનીનું ક્રમશઃ જોશ શમવા લાગે છે, જે બાબતને તન સ્વીકારી લે છે  પરંતુ મન સ્વીકારવા તૈયાર નથી થતું. ઘણાના મતે જીવનનો વાનપ્રસ્થાશ્રમનો આ  સમયગાળો, તે એકરીતે યમરાજાની વૈતરણી પાર કરવા જેવો કપરો કાળ ગણાય છે. આ સમયગાળામાં, સારા-નરસાની સમજણ ઉચ્ચ શિખરે બીરાજતી હોવાથી, આ કાળમાં કરેલા સમયસરના સાચા નિર્ણયો જ, વૃદ્ધાવસ્થા અથવા તો સન્યાસાશ્રમના સમયગાળાની શાંતિને નિર્ણીત કરે છે.

વાનપ્રસ્થાશ્રમના આ  સમયગાળામાં, સંતાનોની સ્વતંત્રતાના, કે  પોતે એકઠી કરેલી બચતોના રોકાણના, કે પતિપત્નીના સ્વાસ્થ્યના, કે અત્યાર સુધી દોડીને થાકેલા તનમાં, તક મળતાંજ પ્રવેશવા થનગની રહેલા, હ્યદયરોગ-મધુપ્રમેહ જેવા અનેક જીવલેણ રોગને સંયમમાં રાખીને, બાકીની જિંદગીને હરતીફરતી રાખવાને, નિર્ણીત કરતો કાળ ગણી શકાય.

૪.  જીવનમાં, એકસઠ વર્ષથી શેષ આયુ સુધીનો સમયગાળો એટલે સન્યાસાશ્રમ.  સન્યાસાશ્રમ તે, જીવનમાં અત્યાર સુધી પ્રભાવી રહેલા, શૃંગારરસ, હાસ્યરસ, કરુણરસ, વીરરસ, અદભૂતરસ, રૌદ્રરસ, ભયાનકરસ, બીભત્સરસ જેવા તમામ રસને સાવ અવગણીને, તે તમામ રસમાંથી નિવૃત્તિ મેળવીને, પોતાની શેષ જીવનશૈલીને,દેવાધિન કરી, જનમોજનમના ચક્રમાંથી મૂક્તિ મેળવી, મોક્ષ મેળવવાનું સેટીંગ કરવાનો ઉત્તમ કાળ  ગણી શકાય.

ઉદાહરણક્રમઃ- શાંતરસ.

એ સત્ય છેકે ભલેને, આપણે, કદાચ ભગવાન મહાવીર, બુદ્ધ જેવી સન્યસ્તસિદ્ધિ પ્રાપ્ત  ના કરી શકીએ, પરંતુ  આપણા સમગ્ર જીવન દરમિયાન, આપણા દ્વારા, નીતિ-અનીતિ, નૈતિક-અનૈતિક, તાર્કિક-અતાર્કિક, શાસ્ત્રીય-અશાસ્ત્રીય, એવી શામ, દામ, દંડ, ભેદની કોઈપણ પદ્ધતિઓ અજમાવી, અપનાવીને, પોતાના લાભમાજ (સ્વાર્થમાં?) આવે તે રીતે, ઈચ્છિત પરિણામ મેળવવા કરેલાં તમામ સેટીંગની તટસ્થ સમીક્ષા કરવાનો, આ સર્વોત્તમ સમય ગણાય છે.

આપણા  ધર્મશાસ્ત્રોમાં, ધર્મનાં ત્રીસ લક્ષણ બતાવ્યાં છે - સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, સદ્દવિવેક, મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, સંતસમાગમ, દુન્યવી વિષયોમાંથી ઉપરામતા, નમ્રતા, મૌન, આત્મચિંતન, સેવા, સૌમાં પરમાત્મદર્શન, ભગવાનની કથાઓનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ભગવાનની સેવા, પૂજા તથા પ્રશસ્તિ અને દાસ્ય, સખ્ય કે આત્મસમર્પણભાવે એમની આરાધના. સન્યાસાશ્રમમાં, ધર્મનાં આ  ત્રીસેત્રીસ લક્ષણોનું નિષ્ઠાપૂર્વક પાલન કરી, શાંતરસના  શરણે જવાનો આધ્યાત્મિક કાળ, સન્યાસાશ્રમ ગણાય છે.

મિત્રો, મારા એક વકીલ મિત્રને સેટીંગની કળા વિષે મેં સવાલ કર્યો તો તેઓએ મને સામે પૂછ્યું, "સેટીંગ? એટલે શું?" મને આશ્ચર્ય થયું સાથેજ, તેઓ પોતાના વ્યવસાયમાં કેમ નિષ્ફળ ગયા છે, તેપણ સમજાઈ ગયું.

મહર્ષિ પતંજલિના ઉપદેશાનુસાર,  ‘માનવ જીવનમાં જો કોઈ એક શબ્દને પણ યોગ્ય રીતે જાણી લે, એનું યોગ્ય રીતે આચરણ કરી લે, તો એ એક શબ્દ સમસ્ત કામનાઓ પૂર્ણ કરનાર, જીવનને આનંદ-સુખ-સંતોષ-શાંતિથી ભરી દેનાર થઈ શકે છે.’

મહર્ષિ પતંજલિનો, આ અદભૂત ઉપદેશ, બીજા કોઈએ જીવનમાં, સત્ય માર્ગે અમલમાં મૂક્યો, હશેકે  નહીં તેને શંકાની બાબત ગણી શકાય, પરંતુ `સેટીંગ` શબ્દને કેટલાક લેભાગુ માનવીઓએ, યોગ્ય રીતે જાણી, તેને આચરણમાં મૂકી, જીવનને આનંદ-સુખ-સંતોષ-શાંતિથી ભરવા માટે, પોતાની સમસ્ત કામનાઓ પૂર્ણ કરવાનું હથિયાર જરૂર બનાવી દીધો લાગે છે...!!

જોકે, આ વકીલ મિત્ર એકલાજ નહીં, સમગ્ર જગતમાં, ઘણા એવા ભોળા ( વેદિયા કે મૂર્ખ??) માનવીઓ હોય છે, જે સેટીંગની કળા ન જાણતા હોવાથી, પોતપોતાના કાર્યક્ષેત્રમાં સાવ ફ્લૉપ જતા હોય છે.

વકીલ,તબીબ, શિક્ષણ, એન્જિનીયરીંગ, રાજકારણ, મનોરંજન જેવા અનેક ક્ષેત્રોમાં, અનેક ભોળાઓ સાવ મોળા સાબીત થયા છે. આવા માણસો, જિંદગીના છેલ્લા તબક્કા, એટલેકે સન્યાસાશ્રમમાં, સુખી થાય છેકે દુઃખી, તે બાબતે સર્વે કરવા જેવો છે, ખરુંકે નહીં?

જોકે, અહીંતો,  * સતત પ્રચારમાં રહેવા, કોઈ નિર્દોષ લક્ષ્મણને `નામર્દ-નપુંસક`ની ગાળ દઈને, તેના પ્રાણહરણના (મોતના) કથિત અપરાધનું સેટીંગ કરી શકતી નૌટંકીબાજ રાખી સાવંતો  * કે પચાસ લાખમાં, રીયાલિટીના નામે વેચાતી સારા અને અલીની (બીજીવારની?) લાઈવ સુહાગરાતો,  * કે,  2G સ્પેક્ટ્રમના લાયસન્સ કૌભાંડનું અબજોનું સેટીંગ, ચપટી વગાડતાં કરી શકતા `રાજા`ઓ,  * કે, આદર્શ ફ્લેટ ફાળવણીમાં, `મામકાઃ` કરી શકતા આદર્શ અશોક ચૌહાણો,  * કે,  પોતાની વેલ્થ વધારવા, કૉમન મેનની હેલ્થ બગાડતા કલમાડીઓ,  * કે, ભારતીય સંસ્કૃતિના મસિહા હોવાનો દાવો કરતા સભ્ય સંગઠનના સભ્ય રહી ચૂકેલા, શબ્દ પ્રમાણભાન  ભૂલીને, વ્યક્તિગત આક્ષેપોની લવારીએ ચઢેલા, અસભ્ય સૂદર્શનધારીઓ..??  જેવા સેટીંગબાજ સટરપટરીયાઓનું, બદબૂદાર, ગંદવાડીયું લીસ્ટ એટલું લાંબું થાય તેમછેકે, આપણને મૂંઝવણ થાયકે, કેટલાકને આ લીસ્ટમાં સમાવી શકાશે?

મારા એક મિત્ર મને કહેકે, આવા માણસો તો જગતમાં છે અને રહેવાનાજ. હવે આપણે એ શીખવાની ખાસ જરૂર છેકે, સેટીંગના બદબૂદાર ગટરીયા ગંદવાડમાંથી સતત ઉડતા રહેતા, ગંદા છાંટાથી આપણે કેમ કરીને બચવું..!!

જોકે, અમારા એક મિત્રના મતે, આવા સેટીંગબાજોના કારનામાંનો કોઈજ અંત નથી. તેને ગણવા બેસવું એટલે, " काक दन्त गवेषण न्यायः।" કાગડાના દાંત ગણવા જેવી નક્કામી પ્રવૃત્તિ કરવી તેમ કહેવાય.

કેટલાક સારા સમજુ મિત્રોના મતાનુસાર, જ્યારે કોઈ  માનવીને અયોગ્ય સેટીંગ દ્વારા, કોઈને હાની પહોંચાડી, અણહક્કનો લાભ ઉઠાવવાની ઈચ્છા થાય ત્યારે, તેણે એ યાદ રાખવું, કે આપણા મૃત્યુ બાદ, આપણું સહુથી મોટું સેટીંગ કરનાર, સુપરપાવર ઈશ્વર-અલ્લાહ- ગૉડ, બધાજ સેટીંગબાજના સેટીંગની નોંધ રાખે છે..!!

આ તબક્કે, મને ઋષિ`દા ની માર્મિક, સંવેદનાથી ભરપૂર એવી ફીલ્મ,`આનંદ`નો તે સંવાદ યાદ આવે છે, " જહાઁપનાહ, હમ સબતો રંગમંચકી કઠપૂતલીયાઁ હૈ, જીનકી ડોર ઉપરવાલેકે હાથમેં બઁધી હૈ."

દોસ્તો, જો જિંદગીની પ્રત્યેક ક્ષણને, સત્યભાવસહ સેટીંગ કરતાં આવડે તો, જિંદગી, નવી ફીલ્મ (૨૦૧૦) - `ગુજ઼ારિશ`,નું કુણાલ ગાંજાવાલાએ ગાયેલા સુંદર ગીત જેવી છે.  

થોડીસી  મીઠી હૈ,  જ઼રાસી  મિર્ચી હૈ, સૌ ગ્રામ જ઼િદગી યે,  સંભાલકે ખર્ચી હૈ,
અસલી હૈ,  જ઼ૂઠી હૈ, ખ઼ાલીશ હૈ, ફર્જી હૈ, સૌ ગ્રામ જ઼િદગી યે, સંભાલકે ખર્ચી હૈ।


જીવનમાં સતત અસલામતીપણાની ફિકરજ આપણને શામ, દામ, દંડ, ભેદની કોઈપણ પદ્ધતિઓ અજમાવી, અપનાવીને, પોતાના લાભમાજ (સ્વાર્થમાં?) આવે તે રીતે, ઈચ્છિત પરિણામ મેળવવાની અદભૂત-અલૌકિક-અદ્વિતિય જીવનકળા અપનાવવા મજબૂર કરે છે. પાંપણના એક પલકારા જેટલાજ સમયમાં, ખતમ થતી, ૧૦૦ ગ્રામ જેટલીજ  જિંદગીમાં, કોઈ સેટીંગ કરી, જીતીને હારવાને બદલે, સન-૧૯૬૧ની ક્લાસિક ફીલ્મ-`હમદોનોં`ના એક ગીતને અનુસરવાનું મન, મને તો થાય છે.

`મૈં જ઼િદગીકા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધૂઁએમેં ઉડ઼ાતા ચલા ગયા।`  છેવટે, લેખના અંતે ઈશ્વરને એટલીજ પ્રાર્થના કરીશુંકે,

`ॐ सहनाववतु || सहनौभुनक्तु || सह वीर्यं करवावहै || तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ||`

‘અમારું રક્ષણ કરો. અમારું પોષણ કરો. અમે એની ઉપાસના કરીએ. અમારું અધ્યયન તેજસ્વી બનો. અમે આપસમાં એકબીજાનો દ્વેષ ન કરીએ. શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.’

માર્કંડ દવે.તાઃ ૧૪ નવેમ્બર ૨૦૧૦.

2 comments:

  1. સેટિંગની રામાયણ તો રામાયણ ટાઈમથી ચાલતી આવે છે...

    યાદ છે સુગ્રીવ અને રામ ભગવાનનું સેટિંગ.

    સરસ લેખ.

    ReplyDelete
  2. ખુબ સરસ અને સરસ માહિતી થી ભરપુર પોસ્ટ દવેકાકા.

    અને તમે તમે લખ્યું તેમ માનસ ની ઉમર તો ઘટતી જ જવાની છે અને બ્રહ્મચર્યાશ્રમ નો જે ગાળો છે તે તો ઘટવાનો નથી એટલે હવે બાકી બચેલા ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ, અને સન્યાસાશ્રમ ના ભાગે ઓછા વર્ષ રેહવાના...

    અને તમે જે બ્રહ્મચર્યાશ્રમ માં બાળક નું જે ઉદાહરણ આપ્યું છે તે આજે સવારે મોબાઈલ માં વાંચ્યું અને બપોરે જ્યારે વડોદરા જવા બસ માં નીકળ્યો ત્યારે તેને પ્રત્યક્ષ નિહાળ્યું.

    "થોડીસી મીઠી હૈ, જ઼રાસી મિર્ચી હૈ, સૌ ગ્રામ જ઼િદગી યે, સંભાલકે ખર્ચી હૈ,
    અસલી હૈ, જ઼ૂઠી હૈ, ખ઼ાલીશ હૈ, ફર્જી હૈ, સૌ ગ્રામ જ઼િદગી યે, સંભાલકે ખર્ચી હૈ।"---સાચી વાત છે હવે જીંદગી બહુ ટૂંકી થઇ ગઈ છે. અને તેને સાંભળી ને ખર્ચવા ની જરૂર છે.

    માધવ મેજિક બ્લોગ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.