Friday, January 15, 2010

આતિથ્ય

આતિથ્ય

Click to view the full digital publication online
Read વાર્તા - `આતિથ્ય` - માર્કંડ દવે.
Self Publishing with YUDU

 નોંધઃ- આ વાર્તાને આપ ઑડિયો સ્વરૂપમાં ઉપરની લિંક પર માણી,ડાઉનલૉડ કરી શકો છો.

========
આતિથ્ય
તાજા પ્રાગટ્ય થયેલા મોરપિંછ સમી કુમાશભરી સાંજ,સુરત શહેરનું આતિથ્ય માણવા રાત્રી સ્વરુપે ઢળી રહી હતી.અમદાવાદથી સુરત જવા નીકળેલી ટ્રેઇન,સ્ટેશન પાસે આવતાંજ,મંદ ગતિએ પ્લેટફોર્મ પર સરકી ને સ્થિર થઇ.કોઈક અટકચાળાએ કાંકરીચાળો કર્યો હોયને જેમ,પક્ષીઓનું ઝૂંડ કલબલાટ કરતું ઉડે તેમ,અચાનક આખું એ સ્ટેશન ભીડની ચહેલપહેલ,કોલાહલથી ધમધમી ઉઠ્યું.

હમણાંજ નવોઢા બની ગૃહપ્રવેશ પામેલી અર્ધાંગિની મૃગયા તથા આંશિક પક્ષધાતથી પીડાતી વૃધ્ધ કૃશકાય માતા પદમાબહેનને,નૈમેષે,કંપાર્ટમેન્ટમાં થી સાચવીને પ્લેટફોર્મ પર ઉતાર્યા.કૂલી પાસે સામાન ઉંચકાવી,ટેક્ષી ભાડે કરી.મૃગયાની અતિ પ્રિય સખી ગીતાના,સુરતના બીજા છેડે આવેલા,બંગલે જવા પ્રયાણ કર્યું.પદમાબહેન,મુસાફરીના કષ્ટને કારણે આંખ બંધ કરી,થાક ઓગાળી રહ્યાં.મૃગયાના મુખેથી અસ્ખલિત વાણીરુપે,પોતાની પ્રિય સખી ગીતા અને તેના પતિ ગૌરવના આતિથ્યના ગુણગાન વહેવા લાગ્યા.એક માસ પહેલાં મૃગયા સાથે થયેલા લગ્નની ક્ષણોને નૈમેષ મમળાવી રહ્યો હતો. પોતાની સખી ગીતા અને તેના પતિ ગૌરવના ગુણગાન મૃગયા કરે,તે નૈમેષને જરાય અજુગતું લાગતું ન હતું.એમના લગ્નમાં ગીતા ને ગૌરવ છવાઇ ગયાં હતાં.ખાસ તો લગ્ન પત્યા પછી ગીતાએ,સુરતમાં જ તેમના અતિ ભવ્ય બંગલામાં,હનીમૂન માણવા,તથા ફરવા માટે શૉફર સાથે લક્ઝુરિયસ ગાડી ની સગવડ સાથે નું આતિથ્ય માણવાનો એટલો બધો આગ્રહ કર્યો કે,સામું માણસ મુંઝાઇ જાય.સગાંસંબંધી ગીતા અને મૃગયા નું સહિયરપણું જોઇ,મોઢામાં આંગળાં નાખી ગયાં.જોકે,લગ્ન પછી ની જળોજથા અને મમ્મીની જવાબદારી ને કારણે તેઓ ઇચ્છા હોવા છતાં ગીતા,ગૌરવનું આતિથ્ય માણી ના શક્યા.

અચાનક ટેક્ષીને બ્રેક લાગી,સાથે નૈમેષના વિચારોને પણ બ્રેક વાગી.મૃગયાના ઉત્સાહભર્યા શબ્દ કાને અફળાયા,"સરપ્રાઇઝ આપવાની પણ કેવી મઝા હોય છે નહીં!આમ અચાનક આપણને જોઇને ગીતા તો સાવ ગાંડી થઇ જશે.આપણે તો એક પંથ દો કાજ થઇ જશે, તબીબી કેમ્પમાં મમ્મીની સારવાર થઇ જશે અને મઝાનો પ્રવાસ પણ થશે,એકવાર ગીતાના બંગલે પહોંચી જઇએ,પછી શૉફરવાળી ગાડી લઇ બધેજ ફરી આવીશું,ખરેખર આવી બહેનપણી નસીબદાર ને જ મળે." નૈમેષે હકારમાં ડોકું ધુણાવ્યું અને તબીબી કેમ્પના વિચારે ચઢી ગયો.

પિતાના અવસાન પછી તરત,ફક્ત એક રાતના સાધારણ તાવમાં,ઉંઘમાં જ આવેલા,આંશિક પક્ષાધાતના હુમલાએ,સાવ સાજાંનરવાં પદમાબહેનની સઘળી ચેતના હણી લીધી હતી.જોકે સમયસર ની સારવાર પછી મમ્મી પોતાનું નિત્યકર્મ થોડું લંઘાઇને જાતે કરતાં થયાં હતાં.એતો ભલું થજો મામાનું કે એમના પ્રયત્ન થી મૃગયા સાથે ઘરસંસાર માંડવાનું ભાગ્ય ફળ્યું,મૃગયા સાવ ગરીબ ઘરની પણ એનું ઘર સચવાઇ ગયું.આમતો પોતાની પાસે પણ પિતાએ વારસામાં મુકેલા ઘર ને રહેમરાહે મળેલી કાયમી સરકારી નોકરી સિવાય બીજું શું છે?

ભોળા પારેવાં જેવા સ્વભાવની મૃગયા,ધોરણ-૧૨ પાસ હોવા છતાં,પહેલી દ્રષ્ટિએ જ નૈમેષને ગમી ગઇ હતી.અત્યંત સાદાઇથી લગ્ન લેવાયાં.આવતાંની સાથેજ મૃગયાએ જે રીતે ઘરની અને મમ્મીની સેવાની જવાબદારી સંભાળી લીધી હતી,તે જોઇને નૈમેષ ખૂબ ખુશ હતો.

મામાએ આપેલા આદેશ મુજબ,સુરતમાં એક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત ફ્રી નિદાન કેમ્પમાં પરદેશથી ડૉક્ટર આવવાના હોવાના હોવાથી,મમ્મીને આ સ્થિતિમાં થોડી તકલીફ પડશે તેમ જાણવા છતાં,સુરત આવવા તરત નીકળી ગયા હતાં,અને આમેય મૃગયાની પ્રિય સખીની મદદને કારણે,સુરત પહોંચીને તો કોઇ તકલીફ હતીજ નહીં.નૈમેષે ભગવાનનો આભાર માન્યો,પ્રવાસમાં હજુસુધી કોઇ તકલીફ પડી ન હતી.

ટેક્ષી ધીમી પડી,થોડું પૂછતાં,ગીતાનો બંગલો મળી ગયો.પ્રિય સખીને મળવાની ઉત્તેજનામાં મૃગયા લગભગ ઉછળતી-કૂદતી બંગલાના પગથીયાં ચઢી ગઇ.ડૉરબેલ રણકી ઉઠી.ગીતાએ દરવાજો ખોલતાંજ મૃગયા એને વળગી પડી અને એકશ્વાસે સુરત આવવાનું કારણ સમજાવવા લાગી.ટેક્ષીવાળા પાસે છુટ્ટા ન હોવાથી નૈમેષ એને થોડું થોભવા જણાવી,લંઘાતી મમ્મીને સહારો આપી અતિ ભવ્ય બંગલામાં લઇ આવ્યો.બધાં સોફા પર બેઠાં.મૃગયાના અચાનક આગમનના આધાતમાંથી બહાર આવતાંજ ગીતા બોલી,"મૃગયા,ગૌરવ તો ફોરેનની ટૂર પર ગયા છે.મફતિયા નિદાન કેમ્પ તો સ્ટેશનની પાસેજ છે,તેં અહી સુધી ખોટો ધક્કો ખાધો.તમે અહીંથી સવારે વહેલા લાઇનમાં ઉભા રહેવા કેવીરીતે જશો? એક કામ કરો,અત્યારે પાછા જઇ,સ્ટેશન પાસેજ કોઇ ગેસ્ટહાઉસમાં રોકાઇ જજો."

યુનિફોર્મ પહેરેલા નોકરના,પાણીના વિવેકને,પાછો ઠેલી,નૈમેષ તરતજ સ્વમાનભેર ઉભો થઇ,વૃધ્ધમાતાને સહારો આપી,બંગલાના પગથીયાં ઉતરી ગયો,પાછળ-પાછળ ઢસડાતી આવતી,અચાનક આવી પડેલી સ્થિતિને,સમજવા મથતી,મૃગયાને કાને ,ટેક્ષીમાં બેસતી વખતે ગીતાના શબ્દો કાને પડ્યા,"આજે તો ગૌરવ નથી એટલે તમને જવાની રજા આપુ છું હોં,પણ ફરી આવો,તો અમારૂં આતિથ્ય માણવાનું ભુલતા નહીં,"

નૈમેષને સમજ ના પડી કે આંસુ સારતી પત્નીને સાંત્વન આપે કે અસહ્ય દર્દ થી કણસતી માતાને.નૈમેષ પાસે રડતી મૃગયાના એ સવાલનો પણ જવાબ ન હતો કે,માણસો આટલા જલ્દી કેમ રંગ બદલતા હશે?કદાચ તમારી પાસે જરુર હશે.

માર્કંડ દવે.તાઃ૦૨-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.