Friday, January 15, 2010

કૉલેજ લાઇફ

કૉલેજ લાઇફ

મિત્રો,આપે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે,કોઇ કૉલેજ કેમ્પસ્ નો નજારો નીહાળ્યો છે?આશા,ઉમંગ અને તરવરાટથી ભર્યા-ભર્યા રુપકડાં,નર માદા પતંગિયાં જાણે ચંચળતાપૂર્વક ઉડાઉડ ના કરતાં હોય?નવા વાતાવરણની આનંદભરી મૂંઝવણ,સામાન્ય પરિચયમાંજ મૉબાઇલ નંબર ની આપ-લે,આ ફોર્મ ને તે ફોર્મ,ઑલટાઇમ ફેવરીટ કૉલેજ કેન્ટીન,વગેરે...વગેરે...વગેરે.

વડોદરાની આવીજ એક નામાંકિત કૉલેજના,મુક્ત વાતાવરણમાં,કવિકા કૉલેજનું આર્ટસ ફેકલ્ટીનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી,દ્વિતિય વર્ષમાં પ્રવેશી હતી.આજે કૉલેજના પ્રથમ દિવસે જુના મિત્રોને મળવાનો ઉમંગ લઇ,ગ્રે જીન્સ અને લાઇટ યલૉ કલરના ટીશર્ટમાં સજ્જ થઇ,કૉલેજ જવા કવિકા કાયનેટીક ઉપર સવાર થઇ,ત્યાં તો મૉબાઇલ રણક્યો,કવિત્વ હતો."હાય હની! તું કૉલેજ આવે છે ને? હું પહોંચુ છું,O.K.Bye!" કવિકા કૉલેજ જવા અધીરી થઇ ગઇ.તેણે કૉલેજ પહોંચવા કાઇનેટીક મારી મૂક્યું.

કવિત્વ આર્ટસ્ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો,એક સોહામણો,તેજસ્વી વિદ્યાર્થી હતો.તે મૂળ તો રાજપીપળાનો,પરંતુ વડોદરા,બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો..પરિચયમાં તો, એક સંદર્ભગ્રંથ માટે,લાઇબ્રેરિયન સાથે,જીભાજોડી કરતી કવિકાને,કવિત્વએ ગ્રંથ શોધી આપી,તેમાં કયા પ્રકરણમાં શું વાંચવા મળશે?તે વિસ્તારથી સમજાવ્યું ત્યારે તો કવિકા તેના ઉપર આફ્રીન થઇ ગઇ,પછી તો મુલાકાતો,વિચારોની આપ-લે માં એવું સામ્ય વર્તાયું કે,બંને એકબીજાને કયારે દિલની પણ આપ-લે કરી બેઠાં,તેની સુધ-બુધ ના રહી.

કવિત્વને કૉલેજની બહાર ઉભેલો જોઇ,રોષમાં કવિકા એના ઉપર કાઇનેટીક સાથે એવી ઝડપથી ધસી ગઇ જાણે,પરીક્ષા પછી વેકૅશનમાં સંપર્ક ન કરવા બદલ કવિત્વને સજા કરવાની ના હોય!!

"અરે!અરે! મને વાગી જશે તો?"કહી કવિત્વ સ્ફૂર્તીથી દૂર કૂદી ગયો.કવિકાની નબળાઇને જાણતા કવિત્વએ સ્વરચિત મુક્તક ફેંક્યું,
"મધમીઠું મલકો છો તમે,હૈયે ઉભરાઇ છલકો છો તમે!
કર્ણનાદ ન સુણ્યો તેથી શું?રુંવે-રુંવે તો રણકો છો તમે!!"

કવિકા ગુસ્સો ઉતારી,ફૂઉ..સ્ કરી ખરેખર મધમીઠું મલકી ઉઠી .

પ્રથમ વર્ષના અંતે શરુ થયેલો પરિચય,હવે પુરેપુરા રંગમાં ખીલી ઉઠ્યો હતો.કૉલેજના સાચા-ખોટાં અનેક જોડાં-કજોડાંની વચ્ચે આ જોડી,તેની બૌધ્ધિકતાને કારણે વિદ્યાર્થી,અધ્યાપકગણથી લઇ આચાર્ય સુધી પ્રિય બની ગઇ હતી.બંને પ્રેમીપંખીડાં કેન્ટીન,લાયબ્રેરી,રેસ્ટોરન્ટ અને ક્યારેક નવી ફીલ્મ જોવા જતાં,પરંતુ આજસુધી ખાનદાન કવિત્વએ,કવિકાના શરીર સાથે છૂટછાટ લેવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો ન હતો..

કવિત્વએ,આજે નવી ફીલ્મ જોવાનું વચન આપી,કવિકાને થીયેટર પર બોલાવી હતી.શૉ શરુ થયાને અડધો કલાક થઇ ગયો,પણ ના કવિત્વ આવ્યો કે,ના એનો ફોન આવ્યો.મૉબાઇલ પણ સ્વીચઑફ આવતો હતો,"કવિત્વની તબિયત બે દિવસથી ખરાબ હતી,વધારે ખરાબ તો નહી થઇ હોય ને?'બૉયઝ હૉસ્ટેલ પર આવવાની કવિત્વએ મનાઇ કરી હોવા છતાં,ચિતાને કારણે,કવિકાએ કાઇનેટિક હૉસ્ટેલની દિશામાં ભગાવ્યું.

વામકુક્ષીની મઝા માણતા,વોચમેનને કવિત્વનો રુમ પુછતાં,હૉસ્ટેલના પ્રથમ માળ પર,સૌથી ખૂણામાં આવેલી રુમ તરફ તેણે આંગળી ચીંધી.બપોરનો સમય હોવાથી મોટાભાગના રુમ બંધ હતા,અનેક તર્ક-વિતર્ક કરતી કવિકા,કવિત્વના રુમના દરવાજા પાસે પહોંચી ત્યાંજ એના પગ થંભી ગયા.

કવિત્વના રુમમાંથી દબાતા અવાજે કોઇ યુવાન કન્યા ઝઘડો કરતી હોય તેમ લાગ્યું.કવિત્વ તેને,ઑશિયાળા,નરમ અવાજે સમજાવવાની કોશિશ કરતો હતો.દરવાજે ઉભા રહી કવિકાએ પાંચ મિનિટ જે સાંભળ્યું,તેનાથી કવિત્વની ખાનદાની અને સંસ્કારના લીરેલીરા ઉડી ગયા.ઝડપથી સીડી ઉતરી કવિકા,ભયંકર આઘાત ને કારણે કાઇનેટિક સ્ટાર્ટ કરવાનું ભુલી,એના પર બેસી પડી.બીજી પાંચ મિનિટ પછી કવિત્વના રુમમાં થી નીકળી,હૉસ્ટેલના દરવાજે આવેલી કન્યા,બીજી કોઇ નહીં પણ કવિત્વની ક્લાસમેટ મહિમા હતી.કવિકા એને ઓળખતી હતી.મહિમા સાવ ગરીબ ઘરની,દેખાવે તથા અભ્યાસમાં પણ સાવ સામાન્ય હતી.મહિમાની માનસિક સ્થિતિ તથા વિનંતીને કારણે,પાસેના બગીચામાં બેસી કવિકાએ, મહિમાની દર્દનાક કહાણી ધ્યાનથી સાંભળી.કવિકાએ,મહિમાને સાંત્વના આપી ઘેર વિદાય કરી,અત્યંત ગુસ્સામાં,તરત કવિત્વને મળવા બોલાવ્યો.

રેસ્ટોરન્ટમા મળવા આવેલા કવિત્વને,કવિકાનો પહેલો સવાલ એ હતો કે,"તેં મહિમા સાથે દગો કેમ કર્યો? અને મને આ બાબતે અંધારામાં કેમ રાખી?"

કવિત્વએ ગુન્હેગારની જેમ માથું નીચે નમાવી દીધું,તે કવિકાની સાથે નજર મેળવીને વાત કરવા ની સ્થિતિમાં ન હતો,"તું મને મળી તે અગાઉ,સાવ સામાન્ય પરિચયમાં,પ્રથમવાર મહિમા જ્યારે હૉસ્ટેલ ઉપર આવી ત્યારે,મેં એને તરત વિદાય કરી દીધી હતી,તથા મારું કામ હોય તો મને કૉલેજમાંજ મળવા જણાવ્યું હતું.પરંતુ,તેના ગયા પછી,મારા રુમ પાર્ટનરે,મારું બ્રેઇન વૉશ કરી મને,કૉલેજલાઇફ માણી લેવા,તથા તારી ગર્લફ્રેન્ડ સામેથી કોઇ દિવસ પહેલ નહી કરે,કે પછી તું નપુંસક તો નથી ને? એમ ટોણો મારી ઉશ્કેરતાં,મારું મન વિચલીત થઇ ગયું,એજ સમયે નીચે ગયેલી મહિમા ફરી,કાંઇક પૂછવા પાછી આવી તો,અમે એકાંત માણી શકીએ તેથી,મારી સામે આંખ મિચકારીને રુમ પાર્ટનર બહાર જતો રહ્યો,એ નબળી ક્ષણે,મહિમા ની આનાકાનીને સ્ત્રીસહજ વિરોધ માની લઇ,હું ના કરવાનું કરી બેઠો.હા,અમારાથી લક્ષ્મણરેખા ઓળંગાઇ ગઇ છે.મારે તને ગુમાવવી ન હોવાથી મેં તારાથી આ વાત છુપાવી હતી.એ ફક્ત એકવારની ભૂલ હતી.મને માફ કરી દે."

કવિકાએ રોષપૂર્વક કહ્યું,"કવિત્વ,મને તો તેં ક્યારનીય ગુમાવી દીધી છે.તું જો સાચેજ મર્દ હોત તો તારા રુમ પાર્ટનરને તેં એક લાફો મારી દીધો હોત.સાવ આવારા રુમપાર્ટનરની ઉશ્કેરણીથી,તારા ભરોંસે તને મળવા આવેલી,કોઇ નિર્દોષ ગર્લફ્રેન્ડની જિંદગી બરબાદ કરે!તેવા કવિત્વ ને હું ઓળખતી નથી.ઓળખવા માંગતી પણ નથી."કવિકા ગુસ્સામાં ધ્રુજતી ઉભી થઇ. રેસ્ટોરન્ટના દરવાજા સુધી જઇ કૈંક યાદ આવ્યું હોય તેમ કવિત્વ પાસે પાછી ફરી,"જો તારામાં થોડી પણ માનવતા અને ખાનદાની બચી હોય તો,ખરા દિલથી મહિમાની માફી માંગી,એને સ્વીકારી,લગ્ન કરી લેજે.અને હા,મને ફરી કદી મળવાનો પ્રયત્ન ના કરીશ."

આ બનાવ પછી કવિત્વ કદી કૉલેજમાં દેખાયો નથી.કોઇએ કહ્યું કે બદનામી ના ડરથી તે રાજપીપળા જતો રહ્યો છે.પછી મહિમાનું શું થયું? તેની પણ કવિકાને,જાણ નથી.કવિકાને કવિત્વ વિષે કોઈ પુછે તો,તે સાવ ઉદાસીભર્યું ફીક્કું હસી લે છે.

કવિકાને એટલી જાણ અને ખાત્રી જરુર છે કે,આ કારમા આઘાતથી,તેનું દિલ તૂટી જવાથી,તે આ વર્ષે ચોક્કસ ફેઇલ થવાની છે.

આપને શું લાગે છે? કવિકા પરીક્ષામાં ફેઇલ થશે કે જીવનમાં?
કવિકાએ,કવિત્વને ભૂલ માફ કરી,અપનાવી લેવો જોઇએ?.

માર્કંડ દવે.અમદાવાદઃતાઃ૧૪-૦૭-૨૦૦૯.

1 comment:

  1. kavika is really a good girl...n Kavitva is almost a good boy.. He had a mistake in his life. but the main thing he needs to do was,, he needs to told each n everything to kavika.....And Mahima is the character like guest actress in movie.. need to forget her.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.