Friday, January 29, 2010

`બા પ્યારી માઁ.`

`બા પ્યારી માઁ.`

મારો બ્લોગઃ-

" જોજે વહી જતી ના,મળ્યા વગર આખરી ક્ષણે..!!
તુંતો વસે છેને માઁ?મારા દરેક શરીરી કણે.??"

ધંધાની દોડાદોડીથી કંટાળેલો પંકજ, રાત્રે ૧૨.૦૦ વાગે, આખાએ દિવસનો થાક ઓગાળવા, હજી પથારી ભેગો થયો અને જરાક આંખ મીંચાઈ ના મીંચાઈ,ત્યાં તો ફોનની ટોકરી રણકી. થાકથી ચકચૂર, પંકજ આંખો ચોળતો, માંડમાંડ ઉભો થઈ શક્યો.

પંકજે ફોન ઉઠાવી,`હેલો`,કહ્યું,સામેથી જે કાંઈ સાંભળ્યું,તે સાથેજ તેની રહી સહી ઊંઘ પણ ઉડી ગઈ.તરતજ, પંકજે પત્ની સંજનાને પણ ઉઠાડીને,તાત્કાલિક ઝડપથી તૈયાર થવા જણાવ્યું.પત્નીની પ્રશ્નાર્થ નજરમાં, પંકજે માત્ર એટલું કહ્યું," બા ની સ્થિતિ વધારે ખરાબ થઈ છે.આપણે અત્યારેજ ગામડે જવું પડશે."

સમજદાર સંજનાએ,ઝડપથી તૈયાર થતાં પહેલાં.ફોન કરીને નજીકમાં રહેતા અને ડ્રાઈવીંગ જાણતા, પોતાના ભાઈને પણ બોલાવી લીધો.સંજના સમજી ગઈ હતીકે,સમાચારથી વ્યથિત થયેલો, માઁ માટે અત્યંત પેમ ધરાવતો,આજે સાવ થાકી ગયેલો પંકજ, આવા આઘાતજનક સમાચાર મળ્યા પછી,ગામડે જવા,રાત્રે જીપ ડ્રાઈવ કરી શકવા સમર્થ ન હતો.

સમાચાર મળ્યાના,વીસ મિનિટ જ પછી ગાડી, અમદાવાદ-વડોદરા ઍક્સપ્રેસ વૅ પર પૂરપાટ દોડતી હતી અને સાથે સાવ સૂનકાર, મૌન જીપમાં,ઊંચા જીવે બેઠેલા પકજના વિચારો પણ..!! સંજનાને ફક્ત એકવાર,પંકજે મૌન તોડીને પૂછી લીધું," હેં..!! ત્યાં બધું પતી તો ગયું નહીં હોયને ? બા સાથે મારો મોંમેળાપ તો થશે ને?"

જોકે,સંજનાને તો મોટાં જેઠાણી સાથે,સવારે જ વાત થઈ હતી કે," બાની તબિયત વધારે બગડી છે અને ફૅમિલી ડૉક્ટરે,બાને ઉંમરને કારણે, હવે કાંઈ ઈલાજ થઈ શકે તેમ નથી, તેવું સ્પષ્ટ કહી દીધું છે.જેટલા દિવસ કાઢે તેટલું સાચું..!!"

સંજનાએ પંકજને દિલાસો બંધાવ્યો,"તું ચિંતા ના કરીશ બા, તને મળ્યા વગર નહીં જાય.એવું જ હોત તો મોટાભાઈએ સાફ-સાફ કહ્યું ના હોત?"

છતાંય, વાતાવરણમાં હળવાશ લાવવા ફિક્કું હસીને સંજનાએ ઉમેર્યું," પંકજ, તારે ને બાને તો, મારી હાજરીમાં, શરત લાગી છેને, જો બાના મૃત્યુની અંતિમ ક્ષણે,તને બા બોલાવી નહીં લે, તો તું બાને સ્મશાનેથી પાછી લાવી,તારી સાથે વાત કરે તોજ અંતિમ ક્રિયા કરવા દઈશ ?"

જોકે, પંકજની આંખમાં આંસુ આવેલાં જોઈ, સંજનાને આટલું બોલ્યા પછી પસ્તાવો થયો.તે હવે સાવ મૌન થઈ ગઈ.
સંજનાને લાગ્યું,પંકજને અત્યારે મારા દિલાસાની નહીં,રસ્તો ખૂટાડવા, બાની યાદને વાગોળવા દેવાની જરુર છે.
આમેય ત્યાં જો બા ને કાંઈ થઈ ગયું હશે તો,પંકજને સંભાળવાનું, ઘણુંજ અઘરું પડવાનું છે.
તેના કરતાં રડીને,પંકજનું મન થોડું હળવું થઈ જાય તો સારું.!!

પંકજને,બે વર્ષ પહેલાં, અમદાવાદ પોતાના ઘેર આવેલી, બા સાથેની વાતચીતની, એ ક્ષણ યાદ આવી
જ્યારે, તેણે બાને ખરેખર હસતાં-હસતાં,પોતાને મળ્યા વગર ગઈને તો, સ્મશાનેથી પાછી ઉંચકી લાવવાનું કહ્યું હતું..!!

કુંવારા પંકજે પાંચ વર્ષ અગાઉ,અમદાવાદ આવીને સ્થાઈ થવા સંઘર્ષ શરૂ કર્યો,ત્યારે શરૂઆતની ઓછી આવકને લીધે,તે, ભાડાના, એક સાવ સામાન્ય રૂમમાં, રહેતો અને હાથે જ કાચુંપાકું રાંધી ખાતો હતો.

પંકજ, ગામડે પોતાને ઘેર જાય ત્યારે નાના બાળક્ની જેમ, બા આજે આ વાનગી બનાવજે અને કાલે તે રાંધજે, તેમ કરે ત્યારે, આટલા મોટા પંકજને હજૂ નાના બાળકની માફક, બા સાથે લાડ કરતો જોઈ, મોટાભાઈ પ્રેમથી હસતા.

પણ બા તો તેની બધી ફરમાઈશ, સિઝન ના હોય તો પણ,ગમે ત્યાંથી શાકભાજી શોધી કાઢીને પણ, પુરી કરતી.
એકાદ બે દિવસ માટે આવેલો પંકજ અમદાવાદ પાછો જાય ત્યારે ફરીથી દીકરો,સરખું ખાધા વગર ભૂખે મરશે,તે વિચારે બા એક ખૂણે આંસું સારતી.

છેવટે,ન રહેવાતાં, એક દિવસ તો, બા એ બાપુજીને, કહી જ દીધું," તમારે દીકરા પાસે, અમદાવાદ, આવવું હોય તો ચાલો,નહીંતર હું તો, પંકજનાં લગ્ન નહીં થાય,ત્યાં સુધી મારા દીકરાને રાંધી ખવડાવવા,અમદાવાદ આ ચાલી."

અને ખરેખર બાપુજીની માયા ત્યજીને,તે અમદાવાદ આવી પણ ખરી અને બોલ્યા પ્રમાણે બીજાં બે વર્ષ પંકજને રાંધી ખવડાવ્યું.ઓછું ભણેલી,પણ કોઠાડાહી,વ્યવહારકુશળ, બા એ, પંકજને માત્ર હેલ્થનો ખોરાક નહીં,પણ તેના ધંઘામાં પણ માર્ગદર્શન અને આશીર્વાદ આપી,તેનો ધંધો વિકસાવવામાં મદદ કરી, વેલ્થની બાબતે પણ તંદુરસ્ત બનાવી દીધો.

નવાસવા ધંધામાં,નાણાંની તરલતા વગર,પંકજને મૂંઝવણ થતી,ત્યારે તે ઘેર આવી,બાના, હાડકાંના માળા જેવા, થઈ ગયેલા ખોળામાં, માથું ઢાળી ચિંતામૂક્ત થઈ જતો. પંકજના માથાના વાળમાં હળવેકથી,હેતનો હાથ પસવારી, બા સત્સંગની હકારાત્મક વાતોથી,પંકજમાં ફરીથી નવો ઉત્સાહ ભરી દેતી.

આશરે બે વર્ષ ના અંતે, જ્ઞાતિનીજ, સરસ ઘરની, કન્યા સંજનાનું માગું આવતાં, બા એ, પંકજનાં, લગ્ન ધામધૂમથી અને હોંશભેર કરાવી આપ્યાં.

હવે,ઘરમાં સંજના આવતાં,પોતાની જવાબદારી પુરી થઈ સમજી, બીમાર રહેતા, પંકજના બાપુજીની સેવા કરવા ગામડે પાછી ચાલી ગઈ.જોકે, છ માસ અગાઉ,બાપુજીના ગુજરી ગયા પછી,બાની તબિયત પણ જે બગડી,તે ક્યારેય પાછી ઠેકાણે ના આવી.

પકજને ફરી આંખ ભરાઈ આવી,પંકજને રહી રહીને આજે અપરાધભાવ સતાવવા લાગ્યો," બા એ મારી સેવા ઘણી કરી,પણ હું બા માટે કશું કરી ના શક્યો,મારી સેવા લીધા વગરજ, બા જતી રહેશે?"

ગાડીને જોરથી બ્રેક લાગી સાથેજ,પંકજના વિચારો અટકી ગયા. જીપ ગામના પાદરમાં પ્રવેશી ચૂકી હતી.
પંકજ જાણે, બાને જોવા ઉતાવળો થયો હોય તેમ પોતાનું ફળીયું,આવતાં પહેલાં જ,કારનું લોક ખોલી તરત ઉતરીને,દોડી જવા અધીરો થઈ ગયો.

ફળીયાનો વળાંક આવતાંજ,સંજનાએ, સામા છેડા પર આવેલા પોતાની સાસરીના મકાન સામે નજર કરી.
ઘરની બહાર કોઈ ચહલપહલ કે રોકકળ ના થતી, જોઈ સંજનાને શાંતિ થઈ. બા સલામત હતાં. કમસે કમ, પંકજનો, બા સાથે, મોંમેળાપ જરૂર થશે..!!

ઘર પાસે આવતાંજ,કૂદકો મારીને,પંકજ ઘરમાં પ્રવેશી,સીધોજ બા ની પથારી પાસે પહોંચી,ધબ દઈને બેસી પડ્યો.
પંકજને જોતાંજ,મૃત્યુની પીડાથી,તરડાયેલા, બાના ચહેરા પર મીઠું હાસ્ય ઉપસી આવ્યું.દીકરાએ બાના કૃશ હાથ ઉપર,પોતાનો હાથ મૂક્યો.

મોટાભાઈએ આવી,પંકજના ખભે હાથ મૂકી સાંત્વનાના સ્વરે,પંકજને વિગત આપી," બા તને ખૂબ યાદ કરતી હતી.રાત્રે આઠ વાગે છેલ્લે,તને ફોન કરી બોલાવી લેવા કહ્યું, મને કહે, પંકજને તરત બોલાવી લે, મળ્યા વગર જતી રહીશ તો, રડી રડીને અડધો થઈ જશે."

મોટાભાઈએ ઉમેર્યું," બસ આટલું કહ્યા પછી, બાની વાચા હણાઈ ગઈ છે અને કમરથી નીચેનો ભાગ અચેતન થઈ ગયો છે,કદાચ તને મળવાજ,મૃત્યુને પાછું ઠેલી રહી છે."

પંકજની આંખમાં, આંસુ તગતગ્યાં. તે અત્યંત દુઃખ અને કરૂણા સાથે,બા સામે જોઈ રહ્યો. પણ એટલામાં,જાણેકે આશ્ચર્ય થયું.

આઠ વાગ્યાથી, બાની હણાઈ ગયેલી વાચાના જાણે હોઠ ખૂલ્યા,"પંકજ, બેટા..!!"
ઘરમાં, બાની વાત સાંભળવા ટાંકણી પડે, તોપણ સંભળાય તેટલી, શાંતિ છવાઈ ગઈ.

બા ના હોઠ પાસે,પંકજે પોતાના કાન ધર્યા. "બેટા, હું જાઉં છું,મારા ઓશીકા નીચે રૂપિયા પડ્યા છે તે, આપણા ગુરૂજીના આશ્રમમાં, દાન કરજો.મારી પાછળ, તારી બહેનો અને ભાણી-ભાણાઓને, વ્યવહાર સરખો કરજે. તું મોટી ગાડી લઈને આવ્યો છે ?" પંકજે રડમસ ચહેરે, હકારમાં ડોકી હલાવી.

બા બોલી.,"ચાલ,તારી ગાડીમાં, મને બહાર ફરવા લઈ જા."

પંકજના ચહેરા ઉપર, પ્રશ્નો ઉપસી આવ્યા, બા આવી સ્થિતિમાં ફરવા જવાનું કહે છે ?

બા સમજી ગઈ,પંકજને કહ્યું," અરે,ગાંડા..!! હું તો મને સ્મશાને ફરવા લઈ જવાનું કહું છું. ચાલ, આવજે જયશ્રીકૃષ્ણ."

આ છેલ્લા શબ્દો સાથેજ, જાણે કાનુડો સાક્ષાત લેવા આવ્યો હોય તેમ, બાની નજર, સામેની દિવાલ પર, બાલ ઠાકોરના ફોટા પર, સ્થિર થઈ ગઈ.

બાની, અંતિમ ક્ષણે, મૃત્યુની પીડા જાણેકે એકાએક અદ્રશ્ય થઈ ગઈ.

તેના સ્થાને, બા ના ચહેરા ઉપર, કાનુડાએ પોતાનું, ચિરપરિચિત મંદમંદ સ્મિત મઢી દીધું હતું.

બાના અચેતન,પાર્થિવ શરીર પાસેથી ઉભો થઈ, બીજા ઓરડામાં આક્રંદ કરતો, પંકજ, સંજનાને એકજ સવાલ પૂછતો હતો, "બાને કેવીરીતે ખબર પડીકે, તેની સેવા ન કરી શક્યાનો, મને અફસોસ થયો છે ?"

સવાર થતાંજ,"॥ श्रीकृष्ण शरणं ममः ॥",ના જાપ સાથે, બાની અંતિમ ઈચ્છાનુસાર, તેની સ્મશાનયાત્રા, પંકજની જીપમાં જ કાઢવામાં આવી ત્યારે,

એક માઁ એ, મર્યા પછી પણ સેવા કરવાનો મોકો,પોતાના દીકરાને પુરો પાડી, પોતે બાની સેવા ન કરી શક્યાનો, અફસોસ દૂર કરી દીધો હતો.

પંકજના,મનની વાત જાણીને,બાએ મરતાં મરતાં સાબીત કરી દીધું હતુંકે, તે પંકજના શરીરી કણે-કણમાં વસતી હતી.

આ કથા મારી,તમારી,આપણી કે વિશ્વની કોઈપણ બા અને પંકજની હોઈ શકે છે.

પંકજની બાને શ્રદ્ધાંજલિ આપવા,બે બોલનો પ્રતિભાવ આપવાનું મન થાય તો, જોજો અચકાતા નહીં...!!

માર્કંડ દવે. તા.૨૮-૦૧-૨૦૦૯.

4 comments:

  1. Thank you very much Markandbhai. With this post u gave the great remeberance to my Loving MOTHER. Again thanks

    ReplyDelete
  2. after i read this episode, i rembered my mother, and recalled memories of my mother's affection for me.i remeberd:-

    " ma te ma, bija batha vagda na va"

    ReplyDelete
  3. મા તે મા.... બીજા બધા વગડાના વા - એ કહેવત અમર છે.

    જેવી રીતે મા પોતાના બાળક મા ભગવાન નું રૂપ જુએ છે તે જ રીતે દરેક સંતાન પોતાના માતા (તેમજ પિતા)માં ભગવાન ને જોવાનો (મન થી સમજી ને ભક્તિભાવ થી) પ્રયત્ન કરે તો!
    તો તો પછી આ "generation gap" શબ્દ ની હકાલપટ્ટી જ થઇ જાય ને!

    ReplyDelete
  4. bahuj saras bhai......

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.