Friday, January 15, 2010

વેશ્યા ઉદ્ધારક

વેશ્યા ઉદ્ધારક

शक्ल जानी पहेचानी सी क्युं लगती है, दूर है बहोत फीर भी पास इतनी क्युं लगती है।
लीख़ी गई है कई, तुम्हें पढ़ चूके हैं कई, हरइक गज़ल मेरे दर्द की कहानी क्युं लगती है॥

"મારે તને એક વિનંતી કરવાની છે." તનયે બાઈકને ચારરસ્તા પર આવેલી ચાની લારી ઉપર ઉભું રાખતાં મલયને કહ્યું.

તનય અને મલય બંને, કૉલેજના દિવસોમાં ખાસ મિત્રો હતા,કૉલેજકાળમાં.તેઓ દિવસમાં એકવાર ના મળેતો ચાલે નહીં,જોકે કૉલેજ છોડ્યા પછી હવે તો, ભાગ્યેજ મળવાનું થતું હતું. બંને ચાની લારી પાસે રાખેલી પાટલી ઉપર યંત્રવત બેઠા.ચા વાળો છોકરો છોટુ વગર માંગે બે કટીંગ ચા આપી ગયો.

તનયે ફરી કહ્યું,"મારે તને એક વિનંતી કરવી છે,તું એકવાર એને મળતો ખરો..!! એ પણ તારી જ જ્ઞાતિની છે. જો મારી વાત જરા સમજ. મારી ઈચ્છા છે, તું એને બહેન બનાવી લે, એનું આ દુનિયામાં કોઈ નથી.એનો ધણી કાંઈ કમાતો નથી.આખો દિવસ રખડીને ટાઈમ પસાર કરે છે."

મલય કશું બોલ્યા વગર સાંભળી રહ્યો તેથી તનયે બોલવાનું બંધ કરી ચાની ચુસ્કી લીધી.

મલય વિચારે ચઢી ગયો, તનય અને મલય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શું કરવું ? તે વિચારતા હતા ત્યાં જ તનયને, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધામાં જામી ગયેલા,એક બિલ્ડર મિત્રએ ધંધામાં ભાગીદાર બનાવી સાથે લઈ લેતાં,તનય કામકાજમાં ખૂબ વ્યસ્ત થઈ ગયો.

મલયને પણ એક પ્રખ્યાત કંપનીમાં સારી નોકરી મળતાં, તનયને મળવાનું લગભગ બંધ થઈ ગયું હતું, પછી તો તનયે પ્રેમલગ્ન કર્યાં, તે માહિતી પણ બીજા પાસેથી મલયને મળી.

જોકે, તનય ને ત્યાં દીકરો આવ્યો ત્યારે મલય,તનય ના દીકરાને રમાડવાના બહાને, મળી આવ્યો, આમ તો, તનય અને ભાભી વચ્ચે કોઈ બાબતે મનભેદ હોય તેવો અણસાર મલય ને તે વખતે જ આવી ગયો હતો. પરંતુ, પતિ-પત્નીના મામલામાં બોલવું ઉચિત ના લાગતાં, મલય આડીઅવળી વાતો કરીને છૂટો પડ્યો હતો.

ત્યારબાદ છેક આજે,લગભગ એક વર્ષ બાદ તનય નો ફોન આવ્યો ત્યારે મલય, તનય ના ખાસ મિત્રની ઑફિસે થોડીવાર અગાઉ જ, કામકાજ અંગે આવીને બેઠો હતો.તનય ને સાંજે મળવાનો વાયદો આપ્યા બાદ, તનય ના મિત્રએ તેની જિંદગી વિષે જે કાંઈ કહ્યું, તે સાંભળીને મલય સુન્ન થઈ ગયો.

તનય અંગે ઉડતી વાતો સાંભળી હતી પણ તે વાતો આટલી ગંભીર હશે..!! તેની મલયને ખરેખર જાણ ન હતી. તનય ના પેલા મિત્રના કહેવા મુજબ, છેલ્લા ઘણા સમયથી, તનય અને ભાભી ( તનયની પત્ની ) વચ્ચે, પોતપોતાના અહંકારને લીધે, અણબનાવ ચરમસીમાએ પહોંચી જતાં, તનય પોતાની નવી સ્કીમના બંધાયેલા ફ્લૅટ ઉપર રહેવા ચાલ્યો ગયો હતો. ભાભીને તે દર મહિને ખાધાખોરાકીના રુપિયા કોઈની સાથે મોકલાવી દેતો. ભાભી રહેતાં હતાં, તે મકાન તેણે ભાભીના જ નામ પર ખરીદ્યું હોવાથી, તે બાબતે તનય નિશ્ચિંત હતો.

સગાંવહાંલાંતો પહેલેથી જ,તનય ના આ પ્રેમ લગ્નની વિરુદ્ધ હતાં, આ ઝઘડામાં કોઈ વચ્ચે પડ્યું નહીં, કેટલાક બિલ્ડર મિત્રોએ તનય અને ભાભીને, સાથે બેસાડી સમજાવી જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બે ચાર દિવસ બંને સાથે રહ્યાને, ફરી અહમ ટકરાતાં, ઝઘડીને, ફરીથી તનય ફ્લૅટમાં રહેવા ચાલ્યો ગયો.

બસ પછી તો, તનય ફ્લૅટમાં સાવ એકલો રહેતો હોવાથી, દરરોજ રાત્રે, બિલ્ડર મિત્રોની ખાણી-પીણીની મહેફિલ જામી જતી,એવામાં જ, આશરે આડત્રીસ વર્ષની ઉંમરની, દેહવિક્રય કરનારી એક ધંધાદારી સ્ત્રીથી પીછો છોડાવવા મથતા, એક ઐયાશ બિલ્ડરે,આ ધંધાદારી સ્ત્રીને, તનય ને બહેકાવી,ફોસલાવીને, એક રાત્રે તેની પાસે, ફ્લૅટ ઉપર મોકલી. યોજનાબદ્ધ રીતે, આ ચતુર સ્ત્રીએ, તનય ને ઐયાશીનો ચસ્કો લગાવી, ધીરે રહી કાયમ માટે, તનય સાથે, ફ્લૅટમાં રહેવા, તનય ને રાજી કરી લીધો.

પેલા ઐયાશ મિત્રએ એટલી સફાઈથી તનય ની એકલતાનો લાભ લીધો અને આ બધી ઘટનાઓ એટલી ઝડપથી બની કે, તનય નું ભલું ઇચ્છનાર મિત્રોને, આ બાબતની જાણ થઈ, ત્યાં સુધીમાં તો, તનય આ ધંધાદારી સ્ત્રીનો જાણે ગુલામ બની ગયો હતો. આમેય, આ ધંધાદારી સ્ત્રીને પણ, ઢળતી યુવાનીમાં, `તનય ની આંધળી આવક, ભરપૂર યુવાની, કોઈ રોકનાર, ટોકનાર સગું નહીં `, આવી રજવાડી સગવડ ક્યાંથી નસીબ થવાની હતી..!!

તનય ના આવા જ કોઈ વાંકગુન્હાની રાહ જોતાં હોય તેમ, ભાભીને આ બાબતની જાણ થતાં જ, દુઃખી થવાને બદલે, તનય અને પેલી સ્ત્રી સાથે વારંવાર, રસ્તામાં, ફ્લેટ ઉપર અથવા એ બંને જ્યાં મળે ત્યાં, સખત ઝઘડો આદરી, પોતાના દીકરાનું ભવિષ્ય સુરક્ષીત કરવાના બહાને, તનય પાસે મોટી રકમ પડાવવા લાગ્યાં, એટલું જ નહીં જે કોઈ ઓળખીતું મળે, તેની પાસે દયામણા ચહેરે આપવીતી વર્ણવીને તનય ને વગોવવા લાગ્યાં.

આમ પણ આપણા સમાજમાં આવા સબંધો પર સુગને કારણે, બધાં લોકો લાચાર ભાભીનો જ પક્ષ લેતાં.

ચાની લારીની બાજુમાં આવેલી, તુટેલી લોખંડની જાળીવાળી ગટરમાં,કપ - રકાબી ધોયેલાં, મેલાં,ગંદા પાણીને વહેતું મલય જોઈ રહ્યો, કાશ તે તનય ના, મનમાં અને જીવનમાં પ્રવેશી ચૂકેલા, મેલા વિચારો અને કર્મોને આજ રીતે આ ગટરમાં વહાવી શકે તો ?

"વિચાર શું કરે છે ?" તનય ના અવાજથી મલય જાણે, વિચારતંદ્રામાંથી બહાર આવ્યો,"ચાલ ફ્લૅટ પર,તને તારી બહેન સાથે ઓળખાણ કરાવું."
કુતૂહલને કારણે કે પછી મિત્રને ના પાડી,તેનું દિલ ના દુઃખાય તેથી, મલય યંત્રવત, તનય ની બાઈક પર બેસી ગયો.

ફ્લૅટ ઉપર પહોંચતાં જ, જાણે અકાળે, જીવન અને શરીરમાંથી રસકસ ઉડી ગયો હોય, તેવી એક નિસ્તેજ સ્ત્રીએ દરવાજો ખોલી, આવકારી મલયને પીવા માટે પાણી આપ્યું.તનયે પેલી સ્ત્રીની ઓળખાણ મલય સાથે કરાવી. તે સ્ત્રીની સાથે, તનયે અગાઉ ચર્ચા કરી હોય કે ગમે તે હોય, પણ મલય સાથે તેનો વ્યવહાર આદરપૂર્ણ લાગ્યોં.

પોતાના પરમ મિત્ર, તનય ના કિંમતી ફ્લૅટના,કિંમતી સાજોસામાન સજાવટ, વચ્ચે મલય અત્યંત મૂંઝવણ અનુભવવા લાગ્યો. છેવટે મલયથી ના રહેવાતાં,તેણે ઉતાવળ હોવાથી.તનય પાસે રજા માંગી.તનય `બાથરુમમાં જઈને આવું`,કહી બાથરુમ માં પેસી ગયો. પેલી સ્ત્રી મલયને કાંઈ કહેવા હોઠ ઉઘાડે, તે પહેલાં, મલય, દરવાજો ખોલી, ઝડપથી ફ્લૅટનો દાદર ઉતરી ગયો.

" अगर कोई व्यक्ति स्वयं को कीड़ा बना लें तो रोंदे जाने पर उसे शिकायत नहीं करनी चाहिए ।" --- कांत

સમાજની પરંપરા, નૈતિકતાથી વિપરીત,તનયે ગેરકાનૂની સબંધને બાંધ્યો હતો.
આ ધંધાદારી સ્ત્રીને, ધર્મની બહેન બનાવવાનો અર્થ, આવા ગેરકાનૂની સબંધને મંજૂરી આપવાનો થતો હતો.
સાથે જ મલય , તનય ને તે ખોટું કરી જિંદગી બરબાદ કરી રહ્યો હોવાનું, મોંઢા-મોંઢ કહી દુઃખી પણ કરવા માંગતો ન હતો.
ખરેખર તો મલયને પોતાને આ સબંધ મંજૂર નહતો.
કદાચ,તે સમયે, મલયને બીજી કોઈ રીતે વિરોધની અભિવ્યક્તિ ન સુઝતાં, તનય ને યોગ્ય જવાબ આપવાની તેની આ રીત સાચી હશે..!!
આમેય, સંસારના સબંધ કોઈના કહેવાથી બંધાતા નથી કે, તુટતા પણ નથી,
એ માટે કદાચ વિધાતાએ ૠણાનુંબંધની ચાવીઓ, તેમના હાથવગી રાખેલી છે..!!

જો આપ રાજા વીરવિક્રમ હોવ અને વૈતાલ આપને વાર્તાના અંતે , સવાલ કરે તો આપ શું ઉત્તર આપત ?
આવા સબંધને મંજૂરી આપી,મિત્રને સહારો આપવાની મલયની ફરજ ન હતી ? ખબર નહીં..!!
આપ મને કહી શકશો ? તનય ને, મલયે બરાબર જવાબ આપ્યો કે મિત્રદ્રોહ કર્યો ?

માર્કંડ દવે.તા.૧૬-૧૨-૨૦૦૯.

1 comment:

  1. તનય ને, મલયે બરાબર જવાબ આપ્યો, then he need to know what he can do to make patch up with her wife so he could be able to out from that commercial girl, because when wife start supporting her husband he get to know his mistake and take some wisher for his family only with out any fear

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.