Monday, January 18, 2010

છૂટાછેડા-સમાધાન- Divorce Compromise

છૂટાછેડા-સમાધાન- Divorce Compromise

પ્રિય મિત્રો,

નફરતની ઢાલ લઈ ફર્યા કર તું તારે`,

પ્રેમની તેગ તપાવી છે મેં તુજ કાજે.

એક ભાઈને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શક પડ્યો. તેને થયુંકે, મારાં એકેય સંતાનનો ચહેરો, મારા જેવો નથી તેથી નક્કી દાળમાં કાંઈક કાળું છે.તેમ વિચારીને, તે એક દિવસ ઑફિસેથી, અચાનક વહેલા ઘેર આવી ગયો.જોયું તો તેની પત્ની ઍપાર્ટમેન્ટના ચોકીદાર સાથે રોમાન્સ કરી રહી હતી.

ચોકીદાર તો ઘરઘણીને આવેલો જોઈને ભાગી ગયો,પણ તે ભાઈની પત્ની ક્યાં જાય? તે હાથમાં આવી ગઈ.

પેલા ભાઈએ દુઃખી થઈને,ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી અને પોતાના કાન પાસે નળી અડાડી.પત્ની ગભરાઈને બૂમ પાડી ઉઠી,"નહી....!! આવો ગજબ ના કરતા..!! પ્લીઝ..!!"

પેલા ભાઈએ ગુસ્સામાં કહ્યું,"ચૂપ કર સા...!! સમજી લે, આ પિસ્તોલની બીજી ગોળી તારા ભેજાની આરપાર હશે...!!"

જોકે,પત્નીએ જેમેતેમ કરીને પરિસ્થિતિ સંભાળી લીધી. થોડામાસ બાદ,પત્નીને પ્રસૂતિગૃહમાં દાખલ કરી, આ ભાઈ પ્રસૂતિગૃહના બાંકડે બેઠા હતાને, નર્સે દોડતાં આવીને આ ભાઈને વધામણી આપી,"અભિનંદન, આપ ત્રીજા દીકરાના બાપ બની ગયા..!!"

ભાઈએ,ખૂશ થઈને, ખિસ્સામાંથી રુ.૫૦૦ની નોટ, નર્સને બક્ષિશ આપીને કહ્યું,"આ સમાચાર મારી પત્નીને ના આપતાં,તેને હું જાતે સરપ્રાઈઝ આપીશ,,!!"

દોસ્તોં, બધા પતિ કે પત્ની આવાં સરળ સ્વભાવનાં ન હોવાને કારણે,મનદુઃખ થવાથી છૂટાછેડા થતા હોય છે?

હવે નવા વિચાર (સ્વૈરવિહાર!!), નવા લાલચ મિશ્રિત ફાયદા, નવા કાયદાના રક્ષણના,તદ્દન નવાજ પ્રવાહમાં ,કજીયાખોર પતિપત્ની,વડીલોનું માન જાળવતાં ન હોવાથી તથા કોઈનું સાંભળતાં ન હોવાથી,છેવટે પર્યાપ્ત સંવાદના અભાવે,સમયના વહેણ સાથે, કેટલાયનો ઘરસંસાર, નજીવાં કારણોસર, છૂટાછેડાની ગટરગંગાના ગાડરિયા પ્રવાહમાં, દુર્ગંધ મારતો વહી જાય છે.જિંદગી આમ જ, નિષ્ફળ સંસાર ભોગવ્યાના, કારમા દુઃખ સાથે પૂર્ણ થઈ જાય છે.

यत्रोदकं तत्र वसन्ति हंसाः तथैव शुष्कं परिवर्जयन्ति।
न हंसतुल्येन नरेण भाव्यं पुनस्त्यजन्ते पुनराश्रयन्ते॥ -॥ चाणक्य ॥

અર્થાતઃ- જ્યાં જળ હોય છે ત્યાંજ હંસ રહે છે. જ્યારે જળ સુકાઈ જાય છે ત્યારે હંસ તે સ્થાનનો ત્યાગ કરી બીજે ચાલ્યા જાય છે,પરંતુ મનુષ્યે હંસ જેમ સ્વાર્થી ન બનવું જોઈએ,કારણ કે તેણે જેનો ત્યાગ કર્યો હોય તેનો ફરી આશ્રય લેવાનો સમય આવી શકે છે.

અગાઉનાં દાયકાઓમાં પતિ પત્ની વચ્ચે લડાઈ-ઝઘડા થતા હતા,પરંતું ઘરના વડીલોની આજ્ઞા અને ફેંસલાને, મોટાભાગે કોઈ ઉથાપતું નહીં અને ઘરનો ઝઘડો,ઘરમાં જ સમાધાન કરી આપી ઊકેલી આપવામાં આવતો.કેટલાંય વર્ષ વિત્યા બાદ તો, જે તે પતિપત્નીને ઝઘડાનું કારણ પણ કદાચ યાદ રહેતું નહતું.

પતિના (પિતા) અધિકારની સામાજીક ચળવળઃ- (Fathers' rights movement)

સન ૧૯૬૦ બાદ,વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિના પગલે,વધારે સારી તક માટે થતાં સ્થળાંતર અને તણાવપૂર્ણ જીવનને કારણે,લગ્નજીવનમાં,ઝઘડા,છૂટાછેડા અને બાળકોની જવાબદારી,ભરણપોષણના પ્રશ્નોના પગલે, "Fathers' rights movement-પતિના (પિતા) અધિકારની સામાજીક ચળવળે",વેગ પકડ્યો.

અમેરિકાના,વર્જિનીયાની નામાંકિત,`Patrick Henry College (PHC) `,કૉલેજના, ઍસોસિએટેડ પ્રોફેસર અને નેશનલ પોલિટીક્સ અને પોલિસી પ્રોગ્રામ્સના ડાયરેક્ટર,`Stephen K. Baskerville` જણાવે છેકે,"માતા પિતાના ઝઘડાને કારણે,બંને વચ્ચે વહેંચાઈ ગયેલા બાળકના કુમળા મન ઉપર, ઘેરી નકારાત્મક અસર થાય છે.આવાં માતાપિતાને સમયસર,એકમેકના મતભેદ ઘટાડી,ઝડપથી સમાધાનનો માર્ગ અપનાવવા,યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ.

ભારતમાં, કુટુંબને લગતા કાયદા,સેપરૅશન કે છૂટાછેડા જેવા કેસમાં બાળકનો કબજો, અને વૃદ્ધાવસ્થામાં નિસહાય હાલતમાં,કમાતાં સંતાન દ્વરા ભરણપોષણની જવાબદારી,જેવી સંવેદનશીલ બાબતો ઉપર,ન્યાય માટે ઝઝૂમવાના એક ભાગ રુપે,"Fathers' rights movement-પતિના (પિતા) અધિકારની સામાજીક ચળવળ", પતિ-પિતા અને પત્નીઓ દ્વારા શરુ થઈ.

પતિના (પિતા) અધિકારની સામાજીક ચળવળ,એ એક પ્રકારે, નાગરિક અધિકારની ચળવળ પણ કહી શકાય.આ સંગઠનનો ઘીરે ઘીરે, વિશાળ થતો ગયેલો, સંગઠિત અવાજ,સમગ્ર વિશ્વ-સમાજમાં, કુટુંબને લગતા ઘડાતા,સુધારાતા કાયદાઓની ચર્ચામાં,અગ્રતા અને ઉગ્રતાપૂર્વક સંભળાવવા લાગ્યો છે,તે ઘણી સારી બાબત છે.

સામાજીક વિજ્ઞાની વી.સી.મૅકલૉયડના મત અનુસાર,અલગ રહેતાં પતિપત્નીના મામલે,માતા પાસે બાળક હોય તેવા સંજોગોમાં ઘરમાં,એક પુરુષ સભ્યના, પ્રેમ,વર્તણુંક અને ઉછેર સ્કીલના અભાવથી, બાળકનો વિકાસ અધુરો રહે છે,જેનાથી બાળકના મનમાં, અસલામતી અને ડરપોકપણા જેવા, નકારાત્મક ગુંણોને કાયમી ઘર કરવાનું કારણ બને છે.

સમાધાન શા માટે કરવું?

સમાજમાં ઘણાને પ્રશ્ન થાય છેકે, લગ્નજીવનમાં છૂટાછેડાની સ્થિતિમાં,સમાધાન શા માટે કરવું?

જવાબ આ રહ્યો,

૧.લગ્નજીવનમાં ૧૦૦% સમર્પણની શ્રદ્ધાને કારણે.

૨.લગ્નના પાયામાં લૂણો લાગ્યો હોય,તેને હટાવવા.

૩. સઘન, ટકાઉ,આત્માના સાચા ઐક્ય માટે.

૪.જીવનસાથીના રુપમાં, પ્રેમાળ,સમજૂ,સાચો મિત્ર મેળવવા.

૫.જીવનસાથી સાથે, જાતીયજીવન માણવા.

૬. આર્થિક, સામાજીક અને માનસિક માન-ગૌરવ મેળવવા.

૭. જીવનમાં હતાશા ટાળવા.

૮. દુઃખદાયક છૂટાછેડા ના માનસિક આધાતમાંથી મૂક્તિ મેળવવા.

૯.કુટુંબમાં સ્વાર્થીપણું ફેલાતું અટકાવવા.

૧૦.ચિંતામૂક્ત જીવન જીવવા.

૧૧.સામાજીક અને કાયદાકીય હીણપત ટાળવા.

૧૨. " combination of the three C's - communication, compromise, and commitment." સરળ બનાવવા.

છૂટાછેડા - સમાધાનની યોજના અને સરળ ઉપાય.

લગ્નજીવનમાં જ્યારે કોઈ એક સાથીદારને માઠું લાગે અને ગુસ્સો થયો હોય..!! તેવા સંજોગોમાં,સમાધાન કેવીરીતે શક્ય બને ?
જેને આજની તારીખે અથવા અગાઉ ક્યારેક પ્રેમ કર્યો હોય તેની નારાજગી કેવીરીતે દૂર કરવી, તે જાણે એક યક્ષપ્રશ્ન છે.

દરેક વ્યક્તિએ,આ દુનિયામાં ડગલેને પગલે સમાધાન સાથે જીવવું પડે છે. "મન હોય તો માળવે જવાય",તે ન્યાયે, આપણે એટલું જાણી લઈએ કે, વ્યક્તિના છેલ્લા શ્વાસ સુધી સમાધાન જરુર શક્ય છે.સવાલ છે માત્ર યોગ્ય આયોજન સાથે, પ્રામાણિક પ્રયત્ન કરવાનો..!!

મોટાભાગે લગ્ન કરતી વખતે વ્યક્તિ વિચારે છેકે,તે લગ્નજીવન વિષે બધું જ જાણે છે,તેથીજ લગ્ન સમયે દરેક ધર્મમાં અપાતાં-લેવાતાં વચનો,કોઈજ ગંભીરતા વગર, ધર્મગુરુ રટાવે તેમ, પોપટની માફક રટી જાય છે અને બીજીજ ક્ષણે તે વચનો ભૂલી પણ જાય છે.

જ્યારે વાસ્તવિક જિંદગીમાં, જીવનસાથી સાથે સંબંધો મધુરતા સાથે નિભાવવાનો સમય આવે છે ત્યારે,ખ્યાલ આવે છેકે,સબંધ બાંધવા સહેલા છે,પણ પાળવા કેટલા કઠીન છે..!! છેલ્લે, છૂટાછેડાના આરે આવી ગયેલાં કેટલાંક દંપતીને,પોતાનું લગ્નજીવન બચાવવાના ઉપાય શોધવાનું મન થાય તે સાવ સ્વાભાવીક છે.

જોકે આ ઉપાય શોધવા સર્વ પ્રથમ તો,પોતાના આંતરમનમાં જ તેઓએ ખોજ કરવી જોઈએ.તેમ અનુભવીઓ કહે છે.

મારા મતે લગ્નજીવનના ભંગાણને અટકાવવાના કેટલાક સરળ ઉપાય આ રહ્યા.

૧. પ્રથમ તો કોઈપણ ભોગે લગ્નજીવન બચાવી લેવાનો દ્રઢ નિશ્ચય કરો,તે સિવાય આગળના ઉપાય અમલમાં મુકવા શક્ય નથી.

૨.સાવ એકાંતમા બેસીને,શાંતિથી લગ્નજીવનમાં ઉભા થયેલા ખટરાગમાં, પ્રથમ તો પોતાની જ ભૂલ અંગે, નિખાલસતાથી ચિંતન કરો.
વિચારોકે, લગ્નજીવનને બચાવવા માટે તમે કેટલી હદ સુધી જવા રાજી છો.

(આ ફક્ત વિચાર કરવાનો છે,તમે અત્યારેજ કશું આપી દેવાનાકે લઈ લેવાના નથી,તેથી તે વખતે ઝઘડાના ગુસ્સાને,સમાધાનના નિર્ણયોથી દૂર રાખી,પૂર્વગ્રહ વગર હદ બાંધવી.)

૩.હવે સમાધાનનો કાચો-પાકો રસ્તો દેખાવાનું શરુ થશે,તેથી તમે કરવા ધારેલા, હકારાત્મક ઉપાયોને અમલમાં મુકવા,એક યોજના બનાવો.

(સાવધાન,આ યોજના ઘડવાના,તબક્કે કોઈની સલાહ લેવા ના જતા,તેમના અધકચરા જ્ઞાન અને અન્ય કોઈ કારણોસર, તમારા મનમાં આકાર લેતી સમાધાનની યોજનાનું બાળમરણ થઈ શકે છે.)

૪.લગ્નજીવન બચાવવા,બીજા લોકોએ કરેલા ઉપાયોના, કેસને સ્ટડી કરો. લગ્નજીવનને સુખી બનાવવાના,ઉપાયો દર્શાવતાં,હકારાત્મક વિચારો વ્યક્ત કરતાં,સારાં પુસ્તકોનો,સારી ફિલ્મોનો સહારો લો.

(કંટાળશો નહીં,આ પ્રકારનું માર્ગદર્શન, આપની સમાધાનકારી યોજનાની, સફળતા માટે ઘણુંજ જરુરી છે.)

૫.છેલ્લા ઉપાય તરીકે, આપની યોજના અમલમાં મુકતાં અગાઉ, આ બાબતના નિષ્ણાત પાસે માર્ગદર્શન મેળવો. શક્ય હોય તો પતિ-પત્ની બંને એક સાથે,તેમને મળવાનો પ્રયત્ન કરો.

(દા,ત,સેક્સના પ્રશ્નો હોય તો સેક્સોલોજિસ્ટ,અથવા ગુસ્સા જેવા, દુર્ગુણને નાથવા માટે, સાયકૉલોજિસ્ટનો સહારો વગેરે,વગેરે.)

૬.આટલું કર્યા પછી,આપ પતિ હોય કે પત્ની, હવે એકમેક સાથે હકારાત્મક વાતાવરણમાં,પરસ્પર આક્ષેપ કે કડવાશ રાખ્યા વગર વાતની શરુઆત કરો.

યાદ રહે, બંનેએ જેટલો સમય સાથે વિતાવ્યો હતો,તેની યાદગાર, પ્રેમભરી ક્ષણોની ચર્ચા અને આનંદ એજ, વાતની શરુઆત કરવાનો આધાર હોય તે જરુરી છે. શક્ય છે,આવી પ્રેમાળ અને લાગણીને ઉત્તેજીત કરનારી વાતો વાગોળતાંજ, તમારું ઘણું બધું કાર્ય સરળ થઈ જાય..!!

જુવો, ઝઘડા પછીની પહેલીજ મુલાકાતમાં, સમાધાન કદાચ શક્ય ન બને તો પણ, છૂટા પડ્યા પછી,ઘેર જઈને સારી-સારી વાતો વાગોળતાં-વાગોળતાં,બંનેના મનમાં ઘડાતા, સમાધાનના મંચના પાયા જરુરથી મજબૂત થશે.

દા.ત ઘણા પતિ-પત્ની બાળકની કસ્ટડી માટે ઝઘડ્યા હોય તો, સમાધાન માટે મળતાંની સાથેજ, બાળક કોની પાસે રહેશે..!! તે બાબતે ઉગ્ર થઈને ફરી વિખૂટાં પડી જાય છે. પતિ કે પત્નીને મનમાં એમ કડવી લાગણી ઉત્પન્ન થાય છેકે, આ વ્યક્તિને પોતાના બાળકની કસ્ટડીમાં જ રસ છે,મારામાં નહીં.


૭.પોતાના જ કુટુંબમાં, ઘણાં વડીલોએ, સફળ લગ્નજીવનની રજતજયંતી કે ગોલ્ડનજયંતી ઊજવી હશે,જેઓ ખરા દિલથી ઈચ્છતા હશેકે,તમો પણ એક સાથે, સંવાદિતાથી, લાંબું, સુખમય,શાંતિમય,લગ્નજીવન પસાર કરો.

સમાધાનના નિર્ણયને મજબૂત કરવા માટે,પતિ-પત્ની, બંને એક સાથે, કોઈપણ સ્વાર્થ વગર,આ પ્રકારની મદદ કરવામાં આનંદ થતો હોય તેવા વડીલોને,વારંવાર મળવાનું રાખો.જેમાં આ વડીલોએ તેમના જીવનમાં આવેલા આ પ્રકારના ઝઘડાને,કેવીરીતે ઊકેલ્યો હતો,તે શરમ રાખ્યા વગર પૂછો.

(કંટાળો આવે છેને? તમારામાં ઓછી સમજશક્તિને કારણે,તમારી વચ્ચે, ઝઘડા થયા છે, તમારે આવા અનુભવી વડીલોની. ડહાપણભરી સલાહની, ખાસ જરુર છે.સમાધાનનો સ્વાર્થ તમારો છે,માટે કંટાળવાનું નહીં,કેંટાળી જવાથી દહાડો નહીં વળે.)

૮.જીવનસાથી સાથે,ભૂતકાળમાં,સાવ નજીવી બાબતમાં થયેલાં રિસામણાં-મનામણાંને યાદ કરી,તે સમયે રિસાયેલા જીવનસાથીને મનાવવા કઈ રીત અજમાવી હતી? તે યાદ કરી ફરી તે રીતને આયોજનમાં સામેલ કરો.

૯.સમાધાનની યોજનાના એક ભાગરુપે,નારાજ જીવનસાથીના નિકટના વ્યક્તિઓ પાસે,તેનો વાંક-ભૂલ કાઢવાને બદલે,હકારાત્મક સમાધાનના સંકેત મોલવા શરુ કરો,યાદ રહે આમ કરવાથી,નારાજ જીવનસાથીની નિકટ રહેતાં,તમામ આ સંકેતને,જાણે અજાણે નારાજ જીવનસાથીના મનમાં ઠસાવશે અને તમારું કાર્ય સરળ થશે.

૧૦.ધીરજ ગુમાવશો નહી.નારાજ જીવનસાથેની લાગણી,એક દિવસે નથી ઘવાતી,અનેક દિવસોની નાની નાની આઘાતજનક ઘટનાઓનો ગુણાકાર થયા બાદ,છૂટાછેડાનાં બીજ રોપાય છે.તમારી લાગણી ઘવાઈ હશે તો, સામા પાત્રની લાગણી પણ એટલી જ ઘવાઈ હશે,તેથી સમાધાનને એક નિશ્ચિત સમય લાગશે.

૧૧. વિખૂટું પડી ગયેલ સાથીદાર હંમેશાં,એમ સમજે છેકે,તેને જે મળવું જોઈ તે સામેના પાત્ર તરફથી,અન્યાય કરીને પ્રાપ્ત થયું નથી.નારાજ સાથી આવી સ્થિતિ વધારે જીરવી ના શકતાં,આવી અસહ્ય પરિસ્થિતિથી હંગામીપણે દૂર થાય છે.

નારાજ જીવનસાથી નવેસરથી બંને પાત્રને અનૂકુળ થવા થોડો સમય અને યોગ્ય ઉકેલ ચાહે છે,તેથી તટસ્થતાપૂર્વક આવી સ્થિતિને, આત્મચિંતન માટે ઉપયોગમાં લઈ,એકમેકની નારાજગી દૂર કરવા,યોગ્ય આયોજન કરવું હિતાવહ છે.

૧૨.વ્યાજબી અને કોઈપણ પૂર્વગ્રહ વગર,પરસ્પર ન્યાયપણે વર્તવાના ઉપાય કે નિર્ણય કરતી વખતે, લાગણીશીલ બનવાને બદલે, વ્યવહારુ અભિગમ અપનાવો. લાગણીશીલ બની,સમાધાનની અમૂલ્ય તક વેડફી નાંખવાને બદલે,નારાજ જીવનસાથી સાથે ઉજળા ભવિષ્યનો,લાંબા સુખમય સંસારનો વિચાર કરી, તે વિચારનેજ અગત્યતા આપો.

૧૩.બાળકની કસ્ટડી મેળવવા માટે, કોર્ટમાં જઈને,કામધંધો બગાડી,વકીલોને નાણાં અને જીવનના કિંમતી સમયનો વ્યય કરવાને બદલે,કોર્ટ બહાર સમાધાન કરવું વધારે ડહાપણભર્યુંછે.

યાદ રાખો,આપનું બાળક નાનું હોય કે મોટું, તમે તેને જન્મ આપ્યો એટલે જવાબદારી ખતમ થતી નથી,પરંતુ શરુ થાય છે.બાળક કોની સાથે રહેશે? તે નક્કી કરવાનો અધિકાર,માત્ર માતા-પિતાને એકલાને નહી,બાળકને પણ છે.

માની લો કે, તમે તો પરસ્પર નારાજ થઈ નક્કી કરી નાંખ્યુંકે,મારે આવા જીવનસાથી સાથે નથી રહેવું,પણ આ નિર્ણય બાળક ઉપર, બળજબરીથી કેવીરીતે ઠોકી બેસાડાય?

બાળકના નિર્ણયનું કોઈ મહત્વ નહી? જે દિવસે બાળક મોટું થઈ જવાબ માંગશે કે,મને માતા કે પિતાના પ્રેમથી વંચિત રાખવાનો અધિકાર તમને મેં ક્યારે આપ્યો હતો? અને આમજ ઝઘડવું હતું તો મને જન્મ શામાટે આપ્યો? ત્યારે તમારી પાસે તેનો જવાબ નહીં હોય.

શક્ય છે, તમે જે બાળકની કસ્ટડી માટે ઝઘડ્યાં હતાં,નારાજ થયાં હતાં,તે બાળક સ્વનિર્ભર થતાંજ,તમારાથી નારાજ થઈ,તમને બંનેને ત્યજી, પોતાનો સ્વતંત્ર જીવનરાહ અપનાવે..!! આવા સમયે ઝઘડનાર,બંને જીવનસાથી માટે, `ના ઘરના,ના ઘાટના`,જેવી સ્થિતિ નિર્માણ થતી હોય છે,અને ત્યારે સમાધાન માટે ઘણુંજ મોડું થઈ ચુક્યું હોય છે. આ સત્ય આજેજ સમજી લો,તે બંને જીવનસાથીના લાભમાં છે,તેમ તમને નથી લાગતું?

૧૪.એક સત્ય એ પણ છેકે, અહમ (Ego) આખા ગામ સાથે રાખો પણ, જીવનસાથી સાથે શા માટે રાખવો? તમે આ જીવનસાથીને તરછોડી, છૂટાછેડા લઈ,.કદાચ નવેસરથી લગ્નજીવન શરુ કરો કે ના કરો, તો પણ અન્ય સાથે આજ પ્રકારના,પ્રશ્નો ફરી પેદા નહીં થાય તેની ગેરંટી કોણ આપશે?
અજાણ્યા મિત્ર શોધવા નીકળવું, તેના કરતાં જાણીતા દુશ્મનનો (!!) સામનો કરવો જીવનમાં વધારે સરળ હોય છે..!!

૧૫. આટલું બધું કર્યા પછી પણ, જો કોઈ હકારાત્મક પરિણામ આવતું ન દેખાય,તો પછી પતિ-પત્નીના અલગ થવાથી, લગ્નમંડપમાં એકબીજાને આપેલાં વચનની જવાબદારીમાંથી છટકી જવાને કારણે,તમે તેને જન્મ આપેલો છે તે નાના બાળકના મન ઉપર, વિકાસ ઉપર, તેના ઉજ્વળ ભવિષ્ય ઉપર, બાળકના મનમાં,તમારા પ્રત્યે પેદા થનાર,અણગમાના પૂર્વગ્રહ અંગે ગંભીરતાથી વિચારો.

૧૬.સમાધાન અંગે હકારાત્મક વિચારો ધરાવતા,ઘરના વડીલોએ પણ થોડા કડક હાથે, સામ (સમજાવટ), દામ (નાણાંકીય મદદ),દંડ (કુટુંબ દ્વારાબહિષ્કાર) અને ભેદ દ્વારા (કોઈ એવો ભેદ,જે બીજા ન જાણતા હોય,તેનો ડર અથવા ઈમોશનલ વાતાવરણ ઉત્પન્ન કરી) સમાધાનના પ્રયત્ન કરવા જોઈએ.

મોટાભાગે ઘરનાં એકાદ બે સમજદાર માણસના વિચારોને, તમામ સદસ્ય આદર આપતાજ હોય છે, તેઓનો લવાદ તરીકે ઉપયોગ કરીને પણ, સમાધાનના સંનિષ્ઠ પ્રયત્ન કરી શકાય છે.

છૂટાછેડાના આરે આવી ગયેલાં, કેટલાક દંપતીના વિચારો

આપણે છૂટાછેડાના આરે આવી ગયેલાં, કેટલાક દંપતીના વિચારોને જાણીએ.
(તમામનાં નામ બદલેલાં છે.બંધબેસતી પાઘડી પહેરવી નહી.)

૧. સમીર કહે છે," હું મોડે-મોડે પણ સમજ્યોકે, જીવનનું બીજું નામ સમાધાન છે તેથીજ મેં મારી પ્રેમાળ પત્ની સાથે સમાધાન કર્યું છે."

૨.ધ્રુવ કહે છે," હું સમજ્યો છુંકે, ૯૯.૯૯% દંપતીના વિચારોમાં સામ્ય નથી હોતું,તેઓ બધાજ કાંઈ છૂટાછેડા નથી લેતા,મારે બીજે પ્રેમ શોધવા શા માટે જવું જોઈએ? તેથીજ મેં સમાધાન કર્યું."

૩.સુરમ્ય કહે છે," લાંબા લગ્ન સબંધોમાં, સમાધાન,સન્માન,પ્રામાણિકતા, હોવાં જરુરી છે.આ બાબત ઘણી વહેલી હું સમજી ગયો."

૪.દીપા કહે છે,"લગ્નજીવન બચાવવા જરુર પડેતો, ચારિત્ર્યહીન પતિને,સુધરી જઈને, સમાધાન કરવાની ફરજ પડે તે માટે,શામ,દામ,દંડ,ભેદની નીતિ અપનાવતાં પણ અચકાવું ના જોઈએ."

૫.પાયલ કહે છે," મહિલા આયોગ કે અન્ય કોઈ સેવાભાવી સંસ્થા સમાધાન માટે કોઈને ફરજ પાડી શકે નહીં.હા,સમાધાન માટે, તે કોઈના આત્માને જરુર જગાડી શકે છે."

૬.સોનાલી કહે છે,"મને સમજાયુંકે,લગ્નમાં વિશ્વાસ મોટી બાબત છે,તેને કારણેજ, બે આત્માનું કાયમી મિલન શક્ય છે."

૭. રાજેશ કહે છે," કાયદેસર છૂટાછેડા મેળવ્યા પછી શું? સમાધાન કરીને, મેં મારાંજ આપેલાં વચનનું, માન જાળવ્યું છે."

૮.ગૌરવ કહે છે,"જે તે,મધ્યસ્થીએ ધ્યાન રાખવું જોઈએકે, માનવ સ્વભાવ અનુસાર બંને પક્ષને,સમાધાન કરાવતી વખતે, એમ લાગવું જોઈએ કે,સામા પાત્ર કરાતાં,મને કૅકનો ટૂકડો મોટો મળ્યો છે.મધ્યસ્થી તરીકે, હું કાયમ આવીજ રીત અપનાવું છું."

૯.મીનુ કહે છે,"લગ્નજીવન સુંદર સ્વપ્ન, પ્રેરણા અને સાહસિકતાનો ત્રિવેણી સંગમ છે,પરંતુ લગ્નજીવનનું મોત સામે દેખાતું હોવા છતાં,છૂટાછેડાની ખાઈમાં છલાંગ મારવાની મૂર્ખામી હરગીઝ ના કરી શકાય.પછડાટ,મૂશ્કેલીઓ,નિષ્ફળતા,સફળતા માટે પણ એક હદ બાંધવી જરુરી છે."

૧૦.શીવ કહે છે," દરેક દંપતીની, જીવન જીવવાની કળાની, પોતાની આગવી અદા અને ખાસ સ્પર્શ હોય છે. શું આવીજ ખાસ અદા અને સ્પર્શ નારાજ દંપતીએ જાગૃત ન કરવો જોઈએ?"

એ બાબત ઘણીજ દુઃખદાયક લાગે છેકે, માનવી પોતના વ્યવસાયમાં,ધન,વૈભવ,સુખ,આનંદ-પ્રમોદ માટે,પોતાની સઘળી તાકાત લગાવી દે છે. એટલુંજ નહીં, તે મેળવવા ઘણુંબધું ત્યાગ કરી, વ્યવસાયના સાથીદાર સાથે, સમાધાનકારી વલણ અપનાવીને પણ, સબંધ સાચવી લે છે.

પરંતુ, જ્યારે જીવનસાથી સાથે સબંધને સાચવવાની નોબત આવે છે,ત્યારે "To be granted." માનીને છેવટે પસ્તાવું પડે, તેવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે."

અહીં જીવનસાથી માટે, માત્ર સમાઘાનની વાત કરીએ છે,તેથી આપણા દેશના કાયદાના મુસદ્દાઓની ચર્ચા કરવી નથી.એટલું જણાવી દઉં કે, સન ૧૯૫૫ થી હિંદું કૉડ બીલ અમલમાં આવેલ છે.સન ૧૯૫૬માં વારસાઈ હક્કનું બીલ, સગીરના વાલીપણાનું બીલ તથા હિંદુ દત્તક -ભરણપોષણ બીલ અમલમાં આવેલ છે.જોકે, આ કાયદાઓના ન્યાયીપણા અંગે,સમાજના વિવિધ વર્ગોમાં, ઘણા વાંધા-વિરોધ અને મતમતાંતર પ્રવર્તે છે.

મિત્રો,જીવનસાથી સાથે સંઘર્ષ અને સમાધાનની ફોર્મ્યૂલા ઘરાવતી, ઘણી ફિલ્મો બની છે, પરંતુ જે ફિલ્મો , સબળ.સમર્થ, ગુજરાતી અભિનેતા, અભિનયસમ્રાટ શ્રીસંજીવકુમારે (શ્રીહરિ જરીવાલા) કરી છે તે, ભલભલા ઝઘડાળુ પતિ-પત્નીની સાન, ક્ષણભરમાં ઠેકાણે લાવી દે તેવી, બળવાન કથા અને અભિનયથી શોભે છે.

આદરણીય શ્રીસંજીવકુમારસાહેબની,નીચે જણાવેલ બાર ફિલ્મોની સી.ડી.-ડી.વી.ડી. નારાજ જીવનસાથીને, ભેટ કરશો તો મને ખાત્રી છે,તેમની નારાજગી પણ ક્ષણભરમાં દૂર ભાગી જશે...!!

1. Pati Patni (1966) 2.Khilona (1970) 3.Dastak (1970) 4.Anubhav (1971) 5.Parichay (1972) 6.Aap Ki Kasam (1974) 7.Aandhi (1975) 8.Zindagi (1976) 9.Yehi Hai Zindagi (1977) 10.Swarg Narak (1978) 11.Pati Patni Aur Woh (1978).12.Shriman Shrimati (1982)
.
આપણી આ જિંદગી ચાર દિવસનું ચાંદરડું છે.પાંપણને બંધ, ફરી ઉઘાડો અને જેટલી વાર લાગે,તેટલી જ વારમાં જાણેકે, જિંદગી શરુ થઈને પૂર્ણ થતી હોય તેમ ભાસે છે.

આટલા અલ્પ સમયમાં વળી,ધન ઉપાર્જન, ભોજન, આનંદપ્રમોદ અને ઊંઘવાના સમયને બાદ કર્યા પછી, માનવીને પોતાની પત્ની સાથે, લડી-ઝગડી ને પછી સમાઘાન કરવું પડે, તેટલો બધો સમય કેવી રીતે મળતો હશે,તે એક નવાઈ લાગે તેવી બાબત છે..!!

`સત્યના પ્રયોગો` આત્મકથામાં પૂજ્ય મહાત્મા ગાંધીબાપૂએ કબૂલ કર્યું છેકે,"તેમના હઠાગ્રહી સ્વભાવને કારણે કેટલીયવાર,પૂજ્ય કસ્તૂરબા સાથે મતભેદ થતા હતા." આને કારણે, શું પૂજ્ય બાપૂએ,પૂજ્ય કસ્તૂરબા સાથે, છૂટાછેડા લેવાનો વિચાર કર્યો હશે ?

બોસ..!! આપનું શું મંતવ્ય છે?

માર્કંડ દવે.તા.૧૮-૦૧-૨૦૧૦.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.