Saturday, February 6, 2010

શંકા-શીલ

શંકા-શીલ

"સકળ શંકા નું અવમૂલ્યન જરૂરી છે,
સરલ શીલ નું નિર્મૂલન મગરૂરી છે?"
========================

સંયમનાં શીલ સાથે, લગ્નને આજે, બરાબર બાર વર્ષ વીતી ગયા છે, આજે તો ઘરમાં, નવ વર્ષની પ્રેમાળ દીકરી યંતા અને સાત વર્ષનો રમકડા જેવો રૂપકડો, સાર્થ, કિલ્લોલ કરે છે. સમય કેટલી ઝડપથી સરે છે, તેની ભાળ રાખવાનો જાણે,આટલાં વર્ષ, સંયમ કે, શીલ પાસે સમયજ ન હતો. (યંતા = સારથી)

સંયમ-શીલ ના, લગ્નની શરૂઆતનાં ત્રણ વર્ષ, રોમાન્સના નશીલા ઘેનમાં વીતી ગયાં ત્યારબાદ સંયમ પોતાના ધંધાના વિકાસમાં અને શીલ, હસમુખી , નાજુક દીકરી યંતાનો જન્મ થતાંજ ,તેની સારસંભાળમાં લાગી ગઈ. જોકે આ બધામાંથી હજુ થોડી રાહત અનુભવે ત્યાં તો, શીલે રૂપકડા સાર્થને જન્મ આપ્યો અને તેના ઉછેરમાં શીલ, ફરી પાછી, પ્રવૃત્ત થઈ ગઈ.

આમ તો, `અમે બે અમારાં બે`, ના મંત્રને અનુરૂપ, સંયમ અને શીલનું, કુટુંબ ઘડાઈ ચૂક્યું હતું. હવે તો સંયમનો, બિઝનેસ પણ યોગ્ય આવક આપતો હતો.
એમ કહોનેકે, સમાજમાં એક સુખી આદર્શ કુટુંબની વ્યાખ્યામાં,સંયમ અને શીલ બરાબર ફીટ બેસતાં હતાં..

જોકે, આજે સૌ પ્રથમ `Marriage Anniversary` એવી છે કે, જ્યારે આજે સવાર ૧૦ વાગ્યાથી, સંયમ, શીલ સાથે અબોલા લઈને, પોતાના સ્ટડીરૂમમાં, સાવ એકાંતવાસ, ભોગવી રહ્યો હતો.સાવ નાની સરખી, ગેરસમજમાંથી, બોલાચાલી અને મનદુઃખ થયું, તે પતિ પત્નીના અબોલામાં પરિણમ્યું હતું.

આમ તો, વાત એટલીજ બનીકે, સવારે આઠ-સાડા આઠે, સંયમ પર, તેની કૉલેજની, કોઈ જુની ગર્લફ્રેંડનો ફૉન આવ્યો,.

સંયમ,બાથરૂમમાં હોવાથી, તેને બદલે, શીલે તે ફૉન ઉઠાવ્યો.પેલી કૉલેજની જુની ગર્લફ્રેંડે, સંયમનું અગત્યનું કામ હોવાથી, મળવા આવવાનો મેસેજ આપવા અને તેને વળતો ફૉન કરવાનું કહેવા,શીલને જણાવ્યું.

બસ, થઈ રહ્યું..!! સંયમ બાથરૂમમાંથી નાહીને તૈયાર થઈ બહાર આવ્યો, ત્યારે તેનું સ્વાગત કરવા, શીલના,મનમાં ઉઠેલા,સેંકડો સવાલોનો મારો, રાહ જોઈને ઉભો હતો.

"કોણ છે આ માલતી?"

"રોજ ફૉન આવે છેકે, આજેજ આવ્યો? "

"બહાર મળે છેકે,તેના ઘેર મળવા જાય છે?"

"પરણી ગઈ છેકે હજુ કુંવારી છે? "

"આપણા લગ્નને બાર વર્ષ થયાંતોય બહાર સબંધ કેમ રાખે છે?"

"બબ્બે બાળકોના બાપને આ શોભે છે? "

" સમાજમાં બધા જાણશે તો તારી આબરૂનું શું?"

શીલના,શરૂઆતના બધા સવાલોના જવાબ,સંયમ ધીરજપૂર્વક, શીલને આપતો ગયો, પણ તેના દરેક જવાબને, ખોટો માનીને, શીલે, જ્યારે મનઘડંત, આક્ષેપની ભાષામાં વાત કરવાની શરૂ કરી, ત્યારે સંયમના સંયમનો બંધ તૂટી ગયો.

તેણે જવાબ આપવાનું બંધ કરીને, ચૂપચાપ, પોતાની જાતને સ્ટડીરૂમના કેદખાનામાં કેદ કરી લીધી.

સંયમની નવ વર્ષની દીકરી યંતા અને સાત વર્ષનો સાર્થ, મમ્મી-પપ્પાના ઝઘડાથી થોડા ઓઝપાઈ ગયા હતા. તેમણે પહેલાં મમ્મીને અને પછી પપ્પાને, બીજી વાતો કરીને, સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરી જોયો,પણ બધાજ પ્રયત્ન જાણે પાણીમાં ગયા.

આજે મમ્મી-પપ્પાની લગ્નની બારમી જયંતી હતી, તેના આનંદમાં,સાંજને માટે, બંને બાળકોએ,કાંઈ કેટલાય કાર્યક્રમ, ઘડી રાખ્યા હતા,
પણ હવે આ બંને બાળકોમાંથી એકની પણ હિંમત,મમ્મી-પપ્પાને. સમજાવવા જવાની. રહી ન હતી.

સવારે ૮.૩૦ વાગે ઝઘડો થતાંજ, પપ્પા, મમ્મીને કોઈ બાબતનો, ખુલાસો કરતા હતા, પણ મમ્મી-પપ્પાની, વાત સાંભળવાજ તૈયાર ન હતી,તે જોઈને,
સાવ નાના સાર્થે તો, યંતાને પૂછી પણ લીધું," યંતા, મમ્મી ગાંડી થઈ ગઈ છેકે શું? પપ્પાની વાત કેમ નથી સાંભળતી?"

બિચારા નાનકડા સાર્થને તો, સાંજે બહાર, ફરવા જવાનો પ્રોગ્રામ રદ ન થાય, તેની વધારે ચિંતા હતી..!!
જોકે,સમજદાર યંતાએ, સાર્થને કોણીનો ખૂણો મારીને, ચૂપ કરી દીધો.

સવારે ૧૧.૦૦ વાગે, મોટાકાકા આવ્યા તેમને પણ ઘરનું વાતાવરણ, થોડું બદલાયેલું, ભારે-ભારે, તંગ હોય તેવું લાગ્યું ખરું..!! પણ પછી તેમણે મન મનાવ્યુંકે, સંયમને ધંધામાં, કામકાજનો, બોજો હમણાંથી વધારે રહે છે, તેથીજ કદાચ, તે મુંઝાયેલો લાગતો હશે..!! સંયમને મળીને તરતજ તે, ફૅક્ટરી પર જવા, નીકળી ગયા.

બરાબર ૧૨.૦૦ વાગે, જમવાનું તૈયાર થતાંજ,શીલે, સંયમને જમવા માટે, બોલાવવા,બંને બાળકોને, સ્ટડીરૂમમાં,મોકલ્યાં, ત્યારે સંયમે ફિક્કું, ઉદાસીભર્યું હસીને, બંને બાળકોના,ગાલ ઉપર વહાલથી હાથ ફેરવીને, `પોતાને ભૂખ નથી`,તેવું મમ્મીને કહેવાનું જણાવી, વળી પાછો, સંયમ ફાઈલો ઉથલાવવા લાગી ગયો.

બાળકોએ ઉદાસ અને વીલા મોંઢે, ચીઠ્ઠીના ચાકરની માફક, એકમેકના હાથ ઝાલીને, મમ્મી પાસે આવીને, પપ્પાનો જવાબ પહોંચાડી દીધો.

જોકે, યંતાએ જોયુંકે, પપ્પાએ જમવાની ના પાડી, તે જવાબ સાંભળીને, સંયમ સાથે વાત કરવા, મમ્મી ધમધમતી, પગ પછાડતી, સ્ટડીરૂમ તરફ,ઉતાવળે પગલે ચાલી.

યંતાને ડર લાગ્યો, ફરી પાછાં, મમ્મી- પપ્પા ઝઘડશે કે શું..!!

પરંતુ, શીલ તો,સંયમ સાથે ઝઘડવાને બદલે રડતી-રડતી,તરત પાછી, કિચનમાં ચાલી ગઈ.

શીલે થોડીવાર પછી,સ્વસ્થ થઈ બંને બાળકોને બોલાવીને મૂગા મોંઢે જમવા બેસાડી દીધા.

બીકના માર્યાં, યંતા અને સાર્થ, રોજની માફક, મમ્મીને તેમની સાથે જમવાનો આગ્રહ પણ ના કરી શક્યા.

બાળકોને જમાડી,વધેલી રસોઈ ફ્રીજમાં મૂકીને, ભૂખી-તરસી શીલ, ઘરના બાકીના કામે વળગી,ત્યારે બપોરના બે વાગ્યા હતા.

તેટલામાં કામવાળાં બહેન આવ્યાં,પ્રથમ માળ સાફ કરવાનો હોવાથી શીલ તેની સાથે, કામ બતાવવા,બંગલાના ઉપરના માળ પર વ્યસ્ત થઈ ગઈ.
પણ સંયમની વાત સાંભળ્યા, વગર તેને અપમાનીત કરીને, ભૂખ્યા રાખવાનો, અપરાધ ભાવ શીલને, મનમાં ઘણોજ, સતાવવા લાગ્યો.

લગ્નના બાર-બાર વર્ષનાં વહાણાં વાયા, પછી પણ, એક માત્ર કોઈ યુવતીના, સંયમ પર આવેલા, ફૉન માત્રથી, વિચલિત થઈને, પોતે શંકા કરીને, મનદુઃખ કરે,તો તે સંયમની ખામી નહીં, પોતે, પતિ ઉપર, અવિશ્વાસ રાખ્યો હોવાથી,પોતાનીજ ખામી ગણાય.

શું, સંયમને ખુલાસો કરવાનોય હક્ક નથી? પોતે આટલી બધી અસહિષ્ણુ ક્યારથી થઈ ગઈ?

પોતાનો વાંક દેખાતાંજ, શીલનું, સંયમ પ્રત્યે થયેલું એકતરફી, મનદુઃખ સાવ હળવું થઈ ગયું. પોતે સાવ મૂરખ જેવીને , ઝઘડવા માટેય,આજનો, શુભ દિવસજ મળ્યો? બપોરના સાડાત્રણ વાગવા આવ્યા હતા.

બાળકોય કશું બોલતાં નથી પણ,ડરીને, સાવ ઉદાસ થઈ ગયાં છે, ઘરમાં આવું ભારેખમ વાતાવરણ વધારે સમય રહે તે,બાળકો માટે પણ સારૂં ન કહેવાય..!! એમ વિચારીને,સંયમની માફી માંગી, સુલેહ કરવા, શીલ સીડી ઉતરીને, નીચે આવી,.

નીચે કિચનના દરવાજે પહોંચતાંજ, શીલે જાણેકે, અજબ કૌતુક નિહાળ્યું હોય તેમ,તે અચંબાથી સ્થિર થઈ ગઈ.

રોજની જેમ, સાર્થ,પપ્પાના ખોળામાં ચઢીને, કોળિયા ભરતો હતો,સંયમ પણ,મનદુઃખ ભૂલીને જમવા બેઠો હતો.કદાચ બાળકોના પ્રેમે, તેના ગુસ્સાને જીતી લીધો હતો.

અને યંતા? યંતા,બરાબર તેની પોતાની સ્ટાઈલથી,બંને બાપ દીકરાને, પ્રેમથી આગ્રહ કરીને, જમવાનું પીરસી રહી હતી.
વાતાવરણ એવું હતુંકે, જાણે કાંઈ બન્યું જ નથી..!!

શીલને આ દ્રશ્ય જોઈને,પોતે કરેલા વર્તન બદલ, કદાચ વધારે શરમ આવીકે, ગમેતે થયું હોય, પણ તેની આંખ ભીની થઈ ગઈ.

તેમાંય, વળી, સંયમે, કિચનના બારણાની બારસાખ પકડીને, સ્તબ્ધ ઉભેલી, શીલને પ્રેમથી, સાથે જમવા બોલાવીને, યંતા ને તેની મમ્મીની, પ્લેટ પણ પીરસવાનું કહ્યું, ત્યારે તો, પોતાના પતિ અને બાળકોની સમજદારી જોઈને, શીલના હૈયામાં, હેતની હેલીનો ડૂમો ભરાઈ ગયો.

મોકો જોઈને, નાનકડા સાર્થે, મમ્મીને ગણતરીના સવાલ પૂછીને, ખાત્રી કરી લીધીકે," હવે સાંજે ફરવા જવાનો કાર્યક્રમ પાકો છે કે નહી? "

સાર્થને શાંતિ થઈ ગઈકે, સબ સલામત છે અને બંને પક્ષે સફેદ વાવટો ફરકી ચૂક્યો છે. અતિશય આનંદમાં સાર્થ, મિત્રો સાથે રમવા દોડી ગયો.

સફળ લગ્નસબંધનાં, બાર વર્ષ વીત્યાની,`Marriage Anniversary`,ની એ સાંજ, બંને નિર્દોષ બાળકો, યંતા અને પાર્થ માટે યાદગાર બની ગઈ.

અને સંયમ અને શીલ માટે ???

રાત્રે જ્યારે, સંયમને ગમતી, નાઈટી પહેરીને, શીલ સંયમની, સોડમાં, સંયમના ખભે માથું ઢાળીને, માફીના બે શબ્દ બોલવા ગઈ, ત્યારે સંયમે, શીલના, શરમથી થથરતા, હોઠ ઉપર પોતાના હોઠ ચાંપીને, શીલને આગળ કશુંય, બોલતી બંધ કરી દીધી.

શીલે પ્રેમના નશામાં, આંખો બંધ કરી દીધી અને પછી, સંયમે પોતાનો, સંયમ તોડી-ફોડીને મચાવેલા, તોફાની શૈયાસુખની, રણકતી ઝાલરોના નાદમાં, શીલ એવી તો ખોવાઈ ગઈ....!! કે, સરલ શીલના નિર્મૂલનની મગરૂરી પણ,જાણે ક્યાંય ખોવાઈ ગઈ.?

આજે સકળ શંકા નું અવમૂલ્યન થઈ,તે મનના સાવ તળિયે જઈને બેઠી હતી,ના...ના...!! એમજ કહોને કે, વિશ્વાસની સામે, કારમી હાર પામી, શંકા , શરમની મારી, ઢાંકણીમાં પાણી લઈને, ડૂબી મરી હતી.

કહેવાની જરૂર છે ? બીજા દિવસે, સંયમની કૉલેજની ગર્લફ્રેંડને, મળવા જવાનો મેસૅજ, સંયમને, જ્યારે શીલે યાદ કરાવ્યો, ત્યારે બંને એકમેકની સામે, તોફાની નજર થઈને, હનીમૂંનીયું, લુચ્ચું-લુંચ્ચું હસ્યાં હશે..!!

જોકે,મને એમ કેમ લાગે છે? કે, પત્નીઓએ, આટલી માત્રામાં તો, પઝેસીવ અને શંકાશીલ બનવુંજ જોઈએ..!!

"ચાલો, પૂછો જોઈએ, કેમ ?"

"કેમ ?"

" અરે...!! તમારેય, ઝાલરનો નાદ નથી સાંભળવો?"

મારી ગેરંટી છે. હા....આ..!! બાર-બાર વર્ષેય, સંયમ તોડીને,બાવો ચોક્કસ,અબોલા તોડશે..!! પ્રયત્ન કરવામાં શું જાય છે ?

અજમાવી જુવો, હ..મ..મ..તમ તમારે!!

માર્કંડ દવે.તા.૦૬-૦૨-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.