Saturday, March 6, 2010

બ્લોગની બારી - પ્રેમ કટારી.

બ્લોગની બારી - પ્રેમ કટારી.



" બ્લોગની બારી, થઈ છે જ્યારથી, દિલની કલમ..!!

પ્રેમની કટારી, થઈ છે ત્યારથી, જુલમી મલમ..!!"

=========


બ્લોગની બારી - પ્રેમ કટારી.


" કોઈ અજાણ્યું જણ,આપણા બ્લોગની બારીમાંથી ડોકિયું કરે, અને આપણા મનોરાજ્યમાં લટાર મારીને, તેને જાણે, માણે,પ્રશસ્ત કરે, આશ્વસ્ત કરે, ત્યારે આપણને લાગે કે, આપણા દિલના દૂઝતા જખમ પર, કોઈએ રાહતભર્યો મલમ લગાવ્યો. ક્યારેક બળબળતો,ક્યારેક શીતળ."


અભય આટલું ટાઈપ કરીને, વિચાર કરવા થોભ્યો.


જોકે,તેને તરસ લાગી હતી તેથી, રસોડામાં જઈ, ફ્રીઝમાંથી ઠંડા પાણીની, ચીલ્ડ બૉટલ ઉપાડી લાવ્યો. એકજ ઘૂંટે, પાણી ગટગટાવીને, તેને હવે સારું લાગ્યું.તે પોતાના વિશાળ લક્ઝૂરિયસ ફ્લૅટની બારી પાસે જઈને ઊભો રહ્યો.


અભયને થોડું આશ્ચર્ય થયું, તેના ફ્લૅટની બરાબર સામે, છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં પડેલા ફ્લૅટમાં કોઈ રહેવા આવ્યું હતું. તે ફ્લૅટની બારી પણ અભયના ફ્લૅટની બારીની સામેજ પડતી હતી.તે ફ્લૅટના માલિકે, ફક્ત ઈન્વેસ્ટમેન્ટ માટેજ ફ્લૅટ ખરીદ્યો હોવાથી, ત્યાં અવારનવાર, ભાડૂત આવે અને ચાલ્યા જતા હતા.કદાચ ફરીથી કોઈ નવા જ ભાડૂત રહેવા આવ્યા લાગતા હતા.


અભય ભૂતકાળમાં સરી ગયો, આ સામસામે પડતી બારીએજ,તેની જિંદગીમાં ઝંઝાવાત સર્જ્યો હતો. કેટલો બઘો સુખી હતો. બે વર્ષ પહેલાંજ તેનાં લગ્ન,અંજલિ સાથે થયાં હતા. લગ્નના પછીના, છ માસ તો જાણે એવા, મધુરજનીયા ઘેનમાં વીતી ગયાકે, અભય ની દુનિયા, માત્રને માત્ર અંજલિ પાસે આવીને પૂર્ણતા પામતી.


અભયનાં માતાપિતા, ગામડાના પ્રદૂષણમૂક્ત વાતાવરણમાં, જીવવા ટેવાયેલા હોવાથી,અભયનું લગ્ન કરાવીને, તરતજ ગામડે ચાલ્યા ગયા હતા.


જોકે અભયનો ખાસ મિત્ર અનીશ, કોઈકવાર તેમની સાથે,વાતોના તડાકા મારવા આવી ચઢતો અને રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી ઊઠવાનું નામ ના લેતો, ત્યારે અભય સાવ નફ્ફટાઈથી, લાડભર્યો હક્ક કરીને, અનીશનું બાવડું પકડીને ફ્લૅટના દરવાજા સુધી વળાવી આવી, અંજલિના આગોશમાં સમાઈ જતો.


અભયે ઊંડો નિશ્વાસ મૂક્યો, તેની જિંદગી હવે, રગશિયા ગાડાની માફક બની ગઈ હતી.અભયે, અનીશનું પણ ઘોર અપમાન કર્યું હોવાથી,હવે તો, તે પણ આ ફ્લૅટના દરવાજે દસ્તક દેતો બંધ થઈ ગયો હતો. હા...!! અભય અને અંજલિ છેલ્લા અઢાર માસથી અલગ થઈ ગયાં હતાં.


સાવ સામાન્ય વાત,અભય અને અંજલિ વચ્ચે, કેવું વટ નું પ્રતીક બની ગઈ હતી...!!


અભય અંજલિના લગ્ન પછી, ત્રીજાજ માસે,તેમના ફ્લૅટની, સામેના ફ્લૅટમાં રહેવા આવેલા, અનંત અને આભા નામના દંપતીની, નાની બાર્બી ડૉલ જેવી દેખાતી, સુંદર દીકરી આનંદીની સાથેના,અંજલિના, અલપઝલપ પરિચય બાદ, આ ઘર અને અંજલિ સાથે, આનંદી એટલી તો હળીમળી ગઈકે, તે આખો દિવસ અભયના ફ્લૅટ પર રમવા જ જિદ્દ કરવા લાગી.આનંદીનાં મમ્મીપપ્પા, અનંત અને આભા બંને નોકરી કરતા હોવાથી તેઓને તો ફાવતું મળી ગયું.


જોકે, દિવસે તો, અભય કામધંધે બહાર રહેતો હોવાથી તેને શરૂઆતમાં કશો વાંધો ના લાગ્યો, પરંતુ પછીતો ઘેર આવીને, પોતાની સુંદર પત્નીની સાથે, રોમાન્સની એકાંત પળો ઝંખતો,અભય, સાંજે ઘેર આવ્યા પછી, નાનકડી આનંદીની હાજરીને પોતાના અંગત જીવનમાં ખલેલરૂપ માનવા લાગ્યો.


આમતો, અભયનું મન રાખવા માટે અંજલિ, પણ નાનકડી આનંદીને, સમજાવી-પટાવીને, તેની મમ્મી આભા નોકરી પરથી આવેકે, તરતજ તેમના ઘેર મૂકી આવવા લાગી.


પણ આતો નાનું બાળક એને શું સમજ પડે? તે તો પાછી છટકીને, અંજલિ પાસે,રમવા માટે, દોડી આવતી, એટલુંજ નહીં પોતાની કાલીઘેલી બોલીમાં, અભયને પણ જાતજાતના સવાલ પૂછીને તંગ કરતી. તેની મમ્મી આભા આવીને માફી માંગી, રડતી આનંદીને, રીતસર ઢસડીને ઘેર લઈ જતી.


છેવટે,આજેતો, કારણ વગરના, આવા સમય-કસમયે ટપકી પડતા, આનંદી નામના, વિઘ્નને લીધે, અભયનો પિત્તો છટકી ગયો. આજે તો આનંદીએ, બધાજ ફ્લૅટ ગાજી ઊઠે તેટલા જોરથી રડવાનું શરૂ કરીને, અભય અને અંજલિ પાસે આખી રાત રોકાવા માટે જિદ્દ પકડી હતી.


આનંદીની મમ્મી આભા, તેને રોજની માફક ઢસડીને લઈ જવા માંડી, ત્યારે તે નાનકડી ઢિંગલી, અભયનો દરવાજો એટલા જોરથી પકડ્યોકે, તે અચાનક છટકીને બંધ થતાંજ, આનંદીની આંગળીઓ તેમાં ફસાઈને, બહુજ ખરાબ રીતે ચગદાઈ ગઈ.


આનંદીનાં મમ્મી-પપ્પા, તરત તેને, લઈને દવાખાને દોડ્યાં.સાથે અંજલિ પણ દોડી ગઈ.


આનંદીને પાટાપીંડી, દવા કરાવીને, તે દિવસે અંજલિ રાત્રે, છેક ૧૧..૦૦ વાગે ઘેર પાછી ફરી, ત્યારે અભયનો ગુસ્સો સાતમા આસમાને હતો.


ઘરમાં પ્રવેશતાંજ, તેનો પરચો પણ અભયે,અંજલિને આપી દીધો, " અંજલિ. તને એમ નથી લાગતુંકે, તું આનંદીને વધારે પડતાં લાડ કરીને ફટવી રહી છે? "


આનંદી, પ્રત્યે સ્ત્રીસહજ, મમતાથી બંધાયેલી અને અત્યારે તેને વાગ્યાના દુઃખથી વ્યથિત થયેલી અંજલિથી, અભયનું સામાન્ય ગુસ્સામાં બોલેલું આ વાક્ય અકારું લાગ્યું.


તે અકળાઈને બોલી, " બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે, તેમને હું કેવીરીતે તરછોડી દઉં? કાલે ઊઠીને આપણે ત્યાં પણ બાળક થશે.તેની સાથે પણ તમે આવુંજ કરશો?"


અભયે અંજલિના દુઃખને સમજ્યા વગરજ ગુસ્સામાં કહી દીધું," આ જગ્યાએ મારી દીકરી આવું તોફાન કરતી હોત તો, મેં તેને બે તમાચા મારી દીધા હોત..!!"


બસ, પછી તો વાત એટલી વધી ગઈકે, રાત્રે અંજલિએ, ગુસ્સામાં ને ગુસ્સામાં, પોતાની મમ્મીને બોલાવી લીધી. અભયની સાસુએ આવીને સમજ્યા વગરજ, અંજલિનો પક્ષ લીધો અને થોડા દિવસ તેને પોતાની સાથે, પિયર રહેવા લઈ જવાનો,એકપક્ષી નિર્ણય જાહેર કરી, અંજલિને લઈને ચાલતાં થયાં.


ના અંજલિ," હું જાઉં?" પૂછ્યું. ના અભયે તેને રોકાઈ જવા જણાવ્યું.


ગામડેથી અભયનાં માતાપિતા દોડી આવ્યાં. પણ ગુસ્સે થયેલા અભયે તેમને એમ કહીને અંજલિને સમજાવવાની ના પાડીકે, "અંજલિ પોતાની મરજીથી ઘર છોડીને ગઈ છે અને પોતાની મરજીથી આવવું હોય તો આવે, કોઈએ તેને સમજાવવા જવાની જરૂર નથી."


તે વાતને આજે, દોઢ વરસ વીતી ગયું.જે આનંદીને લઈને, અભય અને અંજલિ વચ્ચે મનદુઃખ થયું હતું,તે અનંત, આભા અને આનંદી તો, પંદરજ દિવસમાં,, સામેનો, તે ફ્લૅટ ખાલી કરીને, બીજે રહેવા ચાલ્યાં ગયાં. નજીવી બાબતે મનદુઃખને કારણે, રહી ગયો અભય સાવ એકલો.


ત્યારબાદ તો અભયને અંજલિના ઊડતા સમાચાર મળ્યા કરતાકે, " અહીંથી ગઈ, ત્યારે અંજલિ પ્રેગ્નન્ટ હતી, તેની મમ્મીએ સમજાવવા છતાં તેણે ઍબોર્શન ન કરાવ્યું, અંજલિએ એક ખૂબ સુંદર દીકરીને જન્મ આપ્યો અને અભય પપ્પા બની ગયો...વગેરે..વગેરે..!!"


જોકે, અભય ક્યારેક, એકલો બેઠો-બેઠો એકલતાથી કંટાળીને, અંજલિને યાદ કરીને રડતો.તેને પોતાની દીકરીને જોવાનું, રમાડવાનું ખુબ મન થતું,પણ સાસરીમાં, વગર આમંત્રણે, જવા માટે તેનો પગ નહતો ઊપડતો.


આજે અભયને, આ ઝઘડામાં, અચાનક પોતાનીજ ભૂલ હોવાનું ભાન થયું. " શું પોતાની દીકરીની આંગળીઓ, આવી ખરાબ રીતે દરવાજામાં, કચડાઈ ગઈ હોત તો? અને ત્યારે પોતે ઘેર હાજર ન હોત અને અંજલિ દવાખાનેથી મોડી આવી હોત તો? તો પણ દવાખાનાથી દુઃખી થઈને આવેલી અંજલિને સાંત્વના આપવાને બદલે તેણે આમજ તતડાવી નાંખી હોત?"


અભય જેમ વિચારતો ગયો તેમ, તેને આ એકલતાનો જવાબદાર, પોતેજ હોય તેમ લાગ્યું. અભયને હવે રહીરહીને ખૂબ પસ્તાવો થવા લાગ્યો.


ક્યારનો બારીમાં, ઊભેલો અભય કોઈ નિશ્ચય કરીને ફરીથી બ્લોગ ઉપર પોતાની આ આખીય કહાની, પસ્તાવાના અંશ સાથે, એકજ શ્વાસે ટાઈપ કરીને, અપલૉડ કરીને ઊભો થયો ત્યારે દિલ હલકું થવાથી,તેને જરા સારૂં લાગ્યું.


એટલામાંજ, ફ્લૅટની બહાર બૂમાબૂમ થવા લાગી. સામે નવા રહેવા આવેલા પડોશીની દીકરી અચાનક બેભાન થઈ ગઈ હતી અને તેના ઘેર તે દીકરીના પપ્પા હાજર નહતા. અન્ય ફ્લૅટના રહીશો મદદ કરવાને બદલે, પોતાની બારીઓમાંથી ડોકું કાઢી,પાછાં મોઢાં સંતાડતા હતાં.


અભય એક સેકન્ડ રોકાયા વગર,કપડાં બદલવાની દરકાર કર્યા વગરજ, કારની ચાવી લઈને સામેના ફ્લૅટ તરફ દોડ્યો. હાથમાં પોતાની વહાલસોયી દીકરીને બેભાન અવસ્થામાં, લઈને ઊભેલી, રડતી-કકળતી, એક માં ને ઈશારાથીજ અંદર બેસવા જણાવીને, કારને શહેરની સહુથી શ્રેષ્ઠ હોસ્પિટલ તરફ, ભગાવી મૂકી. હોસ્પિટલ પહોંચતાંજ, તબીબોએ બાજી સંભાળી લીધી.


આ દીકરીને કોઈ ગંભીર બીમારી હોવી જોઈએ,તોજ ડૉક્ટર આટલી મોંઘી દવા અને ઈંન્જેક્શન મંગાવે..!! અભય કાંઈ વિચારે ત્યાં તો, તે દીકરીના પપ્પા પણ, સમાચાર મળતાં જ ઑફિસમાંથી દોડી આવ્યા.તેમણે બધીજ વાત જાણીને, અભયનો આભાર માની, હવે તેને નીકળવું હોય તો, નીકળવા જણાવ્યું.


થોડી આનાકાની બાદ, આ દંપતીના બીજા પણ સગાં દોડી આવતાં. અભય તેમને ,કોઈ કામકાજ હોયતો, વિના સંકોચે જણાવાનું કહી જ્યાં હોસ્પિટલની બહાર નીકળે,ત્યાંતો તેને ઘણા સમયે તેના દોસ્ત અનીસનો ભેટો થઈ જતાંજ, તે તેની સાથે હોસ્પિટલમાં, પરત ફર્યો.


વાતવાતમાંથી જાણવા મળ્યુંકે, તેણે જેને સમયસર, તેની કારમાં, હોસ્પિટલ ભેગી કરીને, બચાવી લીધી હતી,તે અનીશની ભાણી હતી.આ બિમાર દીકરીની મમ્મી તે અનીશની સગી બહેન હતી. અનીશની ભાણી એટલે તેની પણ ભાણી જ કહેવાયને..!! હવે અભય હોસ્પિટલમાંજ રોકાઈ ગયો.


અભયને ત્યારે વધારે આઘાત લાગ્યો, જ્યારે તેણે જાણ્યુંકે, આ દીકરીના હ્રદયમાં એક કાણું (છેદ) છે, જો આજે તેનું ઑપરેશન સમયસર ન થયું હોત તો, તેની જીવવાની આશા ઓછી હતી. અનીશ આટલું કહેતાં, તો અભયના ખભે માથું ઢાળીને રડી પડ્યો. અભયે તેને માંડમાંડ શાંત કર્યો.


ઑપરેશન છ કલાક ચાલ્યું, પણ ભાણીનો જીવ બચી ગયો હતો. સવારના છ વાગી ગયા તેની પણ અભયને જાણ ન થઈ. હવે તો અનીશેજ આગ્રહ કરીને, રાતના થાકેલા અભયને, ઘેર જવા પરાણે રવાના કર્યો.


જોકે, અભય એટલો બધો થાકી ગયો હતોકે, તેને કાર ચલાવતાંય મુશ્કેલી પડતી હતી. જેમતેમ કરીને તે ફ્લૅટ પર પહોંચ્યો, ત્યારે ફ્લૅટનો દરવાજો ખૂલેલો હતો. અંદર એક નાનકડું પારણું બહારના રૂમમાં હાલતું હતું,જેમાં અભયને પોતાની વહાલી દીકરીનાં, પ્રથમવાર દર્શન થયાં.


બાઘા જેવો, અવાચક બની ગયેલો, અભય હજુ આઘોપાછો થાય, ત્યાં તો, અંદર કિચનમાંથી અંજલિ, મંદમંદ મલકાતા ચહેરા સાથે, હાથમાં ગરમાગરમ ચ્હાના મગ સાથે બહાર આવી.


અભયને જોઈને તે બોલી," ચાલો ચા પી ને તરતજ બાથરૂમમાં જઈ નાહીને ફ્રેશ થઈ જાવ,તમારા ખોળામાં રમવા તમારી દીકરીએ આજે જિદ્દ કરી છે, અને હા, જોજો તેને વધારે લાડ કરીને, ફટવી મારતા નહીં, હોં...!! નહીં તો આ વખતે તો હું પિયર જઈશને, તો ક્યારેય પાછી નહીં આવું. સમજ્યા?"


અભય એટલુંજ સમજ્યોકે, અનીશની ભાણીએ, પોતાને બચાવવા બદલ, હોસ્પિટલના બીછાનેથી. ભગવાનને ભલામણ કરીને, તેની સાથે રોજ રમવા માટે, અંજલિ અને તેની દીકરીને પાછાં ફ્લૅટ પર બોલાવી લીધાં હતાં.


રાત્રે ચાર વાગે, ઊંઘમાંથી ઉઠાડીને,પોતાની ભાણીને બચાવવા, અભયે ઉઠાવેલી જહેમત અંગે બધીજ વાત, અનીશે ફૉન કરીને અંજલિને જણાવતાં, અંજલિએ એક સેકંડનીય વાર કર્યા વગર, પોતાની ઊંઘતી દીકરીને પારણા સહિત ઊઠાવીને, મમ્મીના ઘણાય વારવા છતાં, ફ્લૅટ ભેગી થવાનું ડહાપણ ભરેલું, પત્નીધર્મને ઉજાળતું પગલું ભર્યું હતું.


આમેય, અંજલિએ, અભયના વિચારો, બ્લોગ પરથી રોજ વાંચવાની ટેવ પાડી હતી,તે અનુસાર આજે અભયને સાચા હ્રદયથી પસ્તાવો થયાની વાર્તા, તેણે રાત્રેજ, બ્લોગ પર વાંચીને, સમાધાનનું મન બનાવી લીધું હતું, તેમાં પાછા અનીશના ફૉને, સમાધાન પર મંજૂરીની મહોર મારી દીધી.


અંજલિએ, અભયના બ્લોગની બારીમાં ડોકિયું કર્યું હતું, તે અભયને ક્યારેય જણાવ્યું નથી.


સાચા હ્રદયથી, પશ્ચાતાપ કરતા, બીજાની દીકરીને બચાવવા માટે, ક્ષણનાય વિલંબ વગર દોડી જનાર, પ્રેમાળ પતિ અને પિતા અભયને, વધારે શરમાવે, તેટલી મૂરખ અંજલિ જરાય નહતી.


મિત્રો, આપના બ્લોગની બારીમાં, કોઈ ડોકિયું કરે તો તેને, શરમ આવે તેવું કશુંય નહીં કરો, લખો તેવી મને ખાત્રી છે.કદાચ આપનો બ્લોગ ,કોઈ તૂટ્યા સંબંધને સાંધી દે, તો?


બ્લોગની કૃતિઓની આવી અસર ક્યાંય જોઈ છે? આપ શું માનો છો? આવું શક્ય છે?


માર્કંડ દવે.તાં ૦૬-૦૩-૨૦૧૦.


===================

4 comments:

  1. માર્કંડ અંકલ,
    કોઈ બીજાનો બ્લોગ કોઈ તૂટ્યાને સાંધી દે, તો? એની તો મને ખબર નથી પણ તમારા બ્લોગ પર કોઈ ડોકિયું કરે તો નક્કી તૂટ્યાને સાંધી દે.

    - એ જ કુમાર શાહ

    ReplyDelete
  2. વાહ માર્કંડભાઇ, તમે તો મારૂં હૃદય હલાવી નાખ્યું! કેટલી સુંદર કથા અને તેનો
    સંદેશ પણ કેટલો ઉમદા છે! મનદુ:ખ તો થાય, પણ તેમાં અહંકાર ભળે તો સંબંધોનો પુલ
    ભાંગી પડે. તમારી કથાનાયિકાએ અહંકાર છોડી, તેની જાણ બહાર પણ પ્રાયશ્ચિત કરી
    લેનાર પતિની વાત સાંભળી ઘેર પાછી આવી તેમાં હજારો મૅરેજ કાઉન્સેલીંગનો સાર
    સમાવીને તમે કમાલ કરી છે. અભિનંદન!
    Naren Phanse

    ReplyDelete
  3. આ વાર્તા ને આપે અનેક રસમાં ઝબોલી

    ભાવનાત્મક રીતે જકડી રાખ્યા છે.પ્રસંગો સાહજીક અને

    ઘરઘરની વાતને ગૂંથી , ગજબનો કસબ આપે દર્શાવ્યો છે.

    અભિનંદન સરસ વાર્તા માણવા મળી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    ReplyDelete
  4. really amazing.. i hope this should be a true story!

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.