Friday, June 25, 2010

આધુનિક બોધ કથાઓ - શ્રેણી-૨

આધુનિક બોધ કથાઓ - શ્રેણી-૨



" જીન - જીની કે જનાર્દન,   મનવાંચ્છિત આપે તો ખરા..!!
 માંગ - માંગ જે જોઈએતે, તનમનધન  કકળે તો ખરા..!!



========

વાર્તા-૧

એક ગધેડો, એક આખલા સાથે, વાતચીત કરી રહ્યો હતો," મારે પણ તારી માફક, પહાડની ટોચ પર ચઢીને , ખોરાક મેળવવો છે..!! પણ મારામાં, તારા જેટલી શક્તિ નથી. હું શું કરું?"

આખલાએ,ગધેડાને, ગંભીરતાપૂર્વક,ઉપાય સૂચવ્યો," શા માટે, તું મારા છાણને, તારું ભોજન બનાવતો નથી? તેમાં ખૂબ પોષક તત્વ સમાયેલાં છે, તું પણ મારી માફક શક્તિશાળી બની જઈશ..!! "

આખલાની સલાહ પર અમલ કરીને,ગધેડાએ, આખલાના છાણનો, એક પોદરો આરોગ્યો અને ગધેડાને, શક્તિ વધી ગઈ હોય તેમ લાગ્યું,જોતજોતામાં, તે અડધો પહાડ ચઢી ગયો.

આમ ચાર દિવસ, સતત આખલાનું છાણ ( Bull Shit ) આરોગીને, ગધેડો, પહાડની ટોચ પર, પહોંચી ગયો, ત્યારે ત્યાં તેને ચાર દિવસથી  શોધતો, તેનો માલિક (કુંભાર) , પહેલેથીજ,  એક મોટો ડંડો લઈને, ગધેડાની રાહ જોતો ઉભો હતો.

કુંભારે ડંડા વડે, ગધેડાને મારી-મારીને અધમૂવો કરી નાંખ્યો.

બોધઃ- 

આખલાના છાણ ( Bull Shit ) જેવી બિનઉપયોગી સલાહથી, તમો કદાચ સફળ થઈ શકશો, પણ લાંબા સમય સુધી, સફળતાની ટોચ પર ટકી રહેવા, તે ઉપયોગી નથી  હોતી.


=============

વાર્તા-૨

અત્યંત ગરીબાઈ ભોગવીને, તાજા-તાજા પૈસાદાર થયેલા એક ભાઈ, ખરી ઠંડી ઋતુમાં, કોઈ બર્ફિલા પ્રદેશમાં,વેકેશન માણવા, પ્રવાસે ગયા.

તેઓ કોઈક વસ્તી વગરના, અજાણ્યા જંગલ જેવા વિસ્તારમાં, ભૂલા પડી ગયા અને  ત્યાં પડતી અતિશય ઠંડી સહન ન થવાથી,ઠંડીથી થીજી જઈ,તેઓ પોતાનો જીવ ગુમાવી દેશે..!!  તેમ તે ભાઈને લાગ્યું.

એટલામાં, એક આખલાને જોતાંજ, તેની પાસે પડેલું, આખલાનું તાજું છાણ, આ ભાઈએ આખા શરીરે ચોપડ્યું,તેથી તે ભાઈને શરીરમાં ગરમાવો પાછો આવી ગયો અને ઠંડી ભાગી ગઈ, જીવ બચી ગયો.

પોતે ઉગરી ગયાનો આનંદ વ્યક્ત કરીને,આખલા સામે જોઈને,પેલા ભાઈ,  બંને હાથ ઉંચા કરી, જોર-જોરથી, બૂમો પાડીને, આખલાનો આભાર માનવા લાગ્યા.

જે સાંભળીને, આખલો અત્યંત ઉશ્કેરાતાં, આખલાએ અણીદાર શિંગડાંથી, આ  ભાઈને, જમીન પર પછાડી-પછાડીને, તેમના રામ રમાડી દીધા.

બોધઃ-

(૧) છાણ જેવી નક્કામી, સલાહ આપનાર, આખલા જેવા મિત્રો, કાયમ દુશ્મન જેવા નથી હોતા.ક્યારેક, તેમની સલાહથી સંકટ દૂર થાય છે.

(૨) આવી સલાહને કારણે, સંકટમાંથી ઉગરી જાવ તો, આ સલાહ આપનાર, આખલા જેવા મિત્રની સામે, એક મિનિટ પણ, ઉભા રહેવામાં સાર નથી.


==========

વાર્તાઃ- ૩

ત્રણ પેઢી, ૬૦ વર્ષની વયના પિતા, ૪૫ વર્ષની વયનો,તેમનો દીકરો અને ૨૨ વર્ષની વયનો તેમનો પૌત્ર, એક સાથે, લટાર મારવા નીકળ્યા.
રસ્તામાં પૌત્રને,  અલાદ્દીનનો ચિરાગ (LAMP) મળ્યો.

પૌત્રએ ચિરાગને ઘસતાંજ,તેમાંથી `હા...હા...હા, હૂકુમ મેરે આ..કા..!!` કહેતો એક વિશાળ જીન પ્રગટ થયો.

"તું કોણ છે?", તેવો સવાલ પૌત્રએ કરતાં,

જીને કહ્યું, "હું જીન છું,હું આ ચિરાગ જેની પાસે હોય તે માલિકનો ગુલામ,તે  જેમ કહે તેમ કરું છું..!!"

દાદા,દીકરો અને પૌત્રએ એક સાથે પૂછ્યું," અમારી ઈચ્છા પૂર્ણ કરીશ?"

જીને કહ્યું," હવે મારામાં પહેલાં જેટલી શક્તિ રહી નથી, તેથી તમારા ત્રણેયની, માત્ર એક-એક ઈચ્છા, હું પૂર્ણ કરી શકીશ."

ઉતાવળ કરીને, સહુથી પહેલાં ૨૨ વર્ષની વયના, પૌત્રએ જીન પાસે ઈચ્છા જાહેર કરી," મારે તાત્કાલિક અમેરિકા જઈ, ત્યાંની ગોરી મૅમ સાથે લગ્ન કરી, ત્યાં મૉટેલ શરૂ કરવી છે."

જીને કહ્યું," જો, હૂકુમ,મેરે આ...કા..!!" બીજીજ મિનિટે પૌત્ર અમેરિકામાં હતો.

ત્યારબાદ,ઉતાવળ કરીને,અધીરા થયેલા, ૪૫ વર્ષની વયના,દીકરાએ જીનને હૂકમ કર્યો," મારે પણ અમેરિકા જઈને, મારા દીકરાનાં કારસ્તાન પર નજર રાખવી છે."

જીને કહ્યું," જો હુકમ મેરે આ....કા...!!" બીજીજ મિનિટે તે અમેરિકામાં હતો.

છેલ્લે ૬૦ વર્ષની વયના પિતાનો વારો આવ્યો,તેમણે જીનને કહ્યું," મારે મારા દીકરા અને પૌત્ર,બંનેનાં કારસ્તાન પર નજર રાખવી છે, પણ મારે કશે જવું નથી, જીન એક કામ કર, તું એ બંનેને, અમેરિકાથી પાછા અહીં મારી પાસે લઈ આવ..!!"

જીન જોરથી હસ્યો અને બોલ્યો," જો હૂકુમ મેરે આ...કા..!!" કહીને, જીન ચિરાગ સાથે અદ્રશ્ય થઈ ગયો.

 ૪૫ વર્ષની વયનો દીકરો અને ૨૨ વર્ષની વયનો પૌત્ર,બીજીજ મિનિટે, ફરીથી પાછા હતા ત્યાંજ હાજર થઈ ગયા.

પોતાના દીકરા અને પૌત્ર સામે જોઈને,દાદા એટલુંજ બોલ્યા," નાલાયકો, મને અહીં સબડતો મૂકીને,તેમારે અમેરિકામાં જલ્સા કરવા હતા, નહીં?"

બોધઃ- 

આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય ત્યારે, ઘરના વડીલને સહુથી પહેલાં પસંદગીની તક આપવી જોઈએ,જેથી તે પાછળથી કોઈને નડે નહીં.


==========

વાર્તાઃ- ૪

ઍરકંડીશન ઑફિસમાં, બૉસ, પોતાના વિશાળ ટેબલ પર, પગ ફેલાવીને બેઠા હતા.

કાચમાંથી આરપાર જોઈને એક મશ્કરા ક્લાર્કે,પોતાના ઉપરીને પૂછ્યું," સર, આજે મારા પણ પગ બહું દુઃખે છે.મારાથી પણ બૉસની માફક,ટેબલ પર, પગ ફેલાવીને થોડીવાર બેસી શકું છું?"

ક્લાર્કની, મજાક કરવાની ખરાબ આદતથી કંટાળેલા,ઉપરીએ કહ્યું," કેમ નહીં..!! ચોક્કસ બેસી શકાય."

ક્લાર્કે વટ પાડવા, બૉસની માફક, ટેબલ પર, પોતાના પગ  ફેલાવ્યા, તે સાથેજ,  કાચમાંથી બૉસની નજર, આ ક્લાર્ક પર પડી.

મશ્કરા ક્લાર્કના,ઉપરીને બોલાવીને, બૉસે ક્લાર્કને તાત્કાલિક અસરથી,નોકરીમાંથી હાંકી કાઢ્યો.

બોધઃ-

 નિરાંતે, પગ ફેલાવીને, બેસવું હોય તો, કાચની કૅબીનની, સામેની બાજુએ (બૉસની કૅબીનમાં)  બેસવાની ક્ષમતા,તમારે કેળવવી જોઈએ.


===========

" જીન - જીની કે જનાર્દન, મન વાંછિત   આપે તો ખરા..!!
 માંગ - માંગ જે જોઈએતે, તનમનધન  કકળે તો ખરા..!!


મિત્રો,

જીવનમાં ઘણીવાર, બુદ્ધિ બહેર મારી જાય તેવા સંજોગોમાં, આપણે  જિન જેવા જોશી,ભૂવા,તાંત્રિક, જીની જેવા, સાવ બાવા આદમના જમાનાનું વિચારતા હોય તેવા મિત્ર કે પછી ઈશ્વરના શરણે જઈએ છે.

ક્યારેક તેઓ, આપણે માંગેલું, મનવાંછિત  ફળ આપે પણ છે. પરંતું આપણી, તે માંગણી બેવફૂફી ભરેલી, અન્યને માટે હાનિકારક હોય તો,આપણને તનમનધનથી,ભારે નુકશાન થવાનો સંભવ રહેલો છે.


માર્કંડ દવેઃ- તાઃ૨૫ - જૂન -૨૦૧૦.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.