Thursday, July 29, 2010

તીરછી નજર

તીરછી નજર

" કે તારા કાજળભર્યા નયનોનાં કામણ,   
   ને વળી તીરછી   નજરનું     આમંત્રણ..!!
  પાગલ,    પરવશ,   ભટકતો        રહ્યો,    

  મારી  બરબાદીનું,એજ છે  એક કારણ..!!

==============

પ્રિય મૃગનયની,

હું,  તારો પ્રિતમ,  સાવ અડાબીડ એકલતાના  જંગલનો, એકમાત્ર ધણી.

ન જાણે કઈ ઘડી-પળે, તુજ સંગ  નજર,  એક  કરી બેઠો..!!

તારી તીરછી નજરના, માદક આમંત્રણને ટાળવાનું, આ પામરનું  શું ગજું..!!

બસ, અડાબીડ એકલતાના જંગલના રાજને ત્યજીને, તારા નયનમાં વસવા માટે, મોહવશ, તારી પાછળ-પાછળ ચાલી નીકળ્યો.

પણ..રે..અફસોસ..!!  એક હાથવ્હેંત છેટેના અંતરે, દેખાતી તું,   ક્યારેય  મારા  હસ્તક  થઈ  નહીં...!!

હું, તારું પગેરું દબાવતો ફરું છું, મારા હાલ-હવાલ નિહાળીને, મને સહુકોઈ,  હવે પાગલને, પરવશ કહે છે..!!

શું, વારંવાર  દિશાભ્રમમાં નાંખીને  તું, મારી પરવશ, પાગલ અવદશાનો આનંદ તો નથી માણતીને?


કદાચ આ  જ સજા છે કે, મેં સ્વીકાર્યું, તારૂં તીરછી નજરનું આમંત્રણ?   



અડાબીડ એકલતાના જંગલના રાજાને, શમણાં જોવાની જરૂર જ  ક્યાંથી  હોય? પરંતુ..હવે..!!

તારા સહવાસનાં, અનેક શમણાંમાં, પ્રત્યેક ક્ષણમાં, હું રાચું છું   ત્યારે,  આ જ  શમણાં,  હવે નયનમાં કસ્તરની જેમ ખૂંચે છે, પ્રિયે..!!

મારા રોમ-રોમની સફર કરીને,આ  ઠગારાં, માયાવી  શમણાં, છે,,,ક,   હ્યદયદ્વારે   આવી  પહોંચ્યાં  છે   ત્યારે,

આ જ શમણાં, હવે કાળજાને કોરતા,  કોઈ  નસ્તરરૂપે   નડી  રહ્યાં   છે..!! તું જ  કહે,  પ્રિયે, આ પીડા, હું  કોને કહું..!!

પ્રિયે,  તને  અનુસરાતી, મારી આ  અનંત  યાત્રાના  અંતે, મારા હ્યદયમાંથી ઉઠતા.....!!

શ્વાસ-નિઃશ્વાસના  ચરણ,  ક્યારેક  અટકે  તો   તું,  માનજે  કે, આ તો  માયાએ   કર્યું  છે  મારણ..!!

કદાચ આ  જ સજા છે કે, મેં સ્વીકાર્યું, તારૂં તીરછી નજરનું આમંત્રણ?   




અડાબીડ એકલતાના જંગલના રાજાને, પ્રીતની રીત ક્યાંથી આવડતી હોય?

હું,  તો એટલું જ  માનતો, જાંણતો  અને માણતો  કે, જેમ,  હું   `એક`, મારી  પોતાનીજ,  એકલતામાં ઓગળ્યો, તે   જ  પ્રકારે..!!

હા, હા,  તેમ જ..!!  તું,  મારા અલગ અસ્તિત્વને,  તારામાં  સમાવી, ` દ્વૈતમાંથી અદ્વૈત ` થઈ ઓગળી જઈશ?

પ્રિયે, ન  કરે  નારાયણને, માયાએ  રચેલા મારણના, કાતિલ ફાંસલામાં, જો  હું  ફસાઈ  જાઉં..!!

અને..!!  મારા આયખાની અવધિ, અધવચ જ,  જો  અટકી જાય...!!

તો..તો.. તું , છળને કપટના, કારસાનું  કાઢજે,  કોઈ  એક તારણ..!!

કદાચ,  આજ   સજા  છે કે, મેં સ્વીકાર્યું, તારૂં  તીરછી નજરનું આમંત્રણ? 


=========

તા.ક  

પ્રિય પાઠકશ્રી, 

કલ્પના કરી શકશો?  આપણી આ મૃગનયની પ્રિયા,  કોણ  હશે?

========

માર્કંડ દવે. તાઃ ૨૯ જુલાઈ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.