Friday, August 13, 2010

ધારો કે..બહેનોને દાઢીમૂછો? શ્રેણી-૧.

ધારો કે..બહેનોને દાઢીમૂછો? શ્રેણી-૧.



" સમયનો  તકાજો છે,  હસતા રહો,  ઉભયનો ચૂકાદો છે,  હસતા રહો..!!
   ફરી કોઈ મળે,ના મળે કોણ જાણે? આજે મળ્યા છે તો, હસતા રહો..!!"



=========

નોંધઃ- આ પ્રકારના કાલ્પનિક લેખ, કોઈને  પણ ઉતારી પાડવા માટેના, ન જ હોઈ શકે, આવા લેખને, તણાવભરી જિંદગીમાં, થોડી રમૂજની પળોને, હળવાશે માણી, આપણા તનમનની બેટરીને, ચાર્જ કરતા, ચાર્જર તરીકે જ ગણવા.

તા.ક. આ લેખમાં નામ-ઠામ સાવ કાલ્પનિક છે.મહેરબાની કરીને, કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહી.

=========

પ્રિય મિત્રો,

આજથી, `ધારો કે..?` નામની શ્રેણીની, હળવાશ માણીએ, તે પહેલાં કેટલીક વાત.
દરેક કલ્પનાશીલ વ્યક્તિ, ક્યારેક તો,` ધારો કે..? ના, વિચાર વમળમાં, ફસાય જ છે.
આજે વિષય છે. " ધારો કે.. બહેનોને દાઢીમૂછ  હોય તો?"
તો પછી," ગુરૂ..!! હો જા શુરૂ..!!"

========

" ધારો કે.. બહેનોને દાઢીમૂછ હોય તો?"

* તો, રેઝર બ્લેડ અને શેવીંગ ક્રિમ બનાવતી, કેંપનીઓના  ગલ્લામાં તડાકો પડી જાત..!!

* તો, મૂછવાળી પત્ની, મૂછવાળા કે વગરના, પતિને કહેત  કે," સાંભળો છો? આપણી રેખા દીકરી, વીસની થવા આવી તોય તેને, દાઢીમૂછ નથી ઉગ્યાં, તેનો હાથ કોણ ઝાલશે? ભૈ`સાબ, એનું  કૈંક કરોને?"

* તો, બધી બહેનો એક બીજાને કહેત," એ હાલો, બબીબહેન, હું  મારી દાઢીમૂછ મૂંડાવવા, બ્યુટીપાર્લરમાં  જઉં છું, તમારે આવવું છે?"

* તો, બબીબહેન, જવાબમાં કહેતકે," ના રે ના, તમારા  ભાઈને હું, દાઢીમૂછ, વગરની નથી ગમતી, તમે તમારે, લો ને જોખમ..!! મને વાંધો નથી..!!"

* તો, ઈજ્જતદાર, આબરૂદાર, ધનવાન, સફળ બહેનો, પોતાની મૂછ પર, લીંબુ લટકાવીને ફરતી હોત..!!

* તો, મૂછ પર લીંબુ ઠેરવનારાની જમાત બમણી થતાંજ, ગામમાં લીંબુ, મોંઘાં થઈ જાત..!!

* તો, અત્યારે ચાલતી તમામ, ફાલતુ સિરિયલમાં, ઠઠારા કરીને, ફાલતુ સંવાદના લવારા કરતી  સ્ત્રીઓ, સામસામે, ડોળા અને ભવાઁ ઉંચાનીચા કરીને, ઝઘડવાને બદલે,  સામસામે મૂછ આમળીને, ઝઘડતી  હોત..!!

* તો, સિરિયલ્સમાં બહેનોએ, પહેરેલી સાડીઓ અને ઘરેણાંની સાથે, તેમની દાઢીમૂછની, સ્ટાઈલની ચર્ચામાં ,આપણે ઑફિસેથી પરત ફરીને, થાકેલા હોય છતાં, કમને પણ, ભાગ લેવો પડત..!! (ભોગ આપણા..યાર..!!)

* તો, સિરિયલ્સમાં, આમેય સાવ નમાલા, પાણી વગરના દેખાતા અને વર્તતા, ઓશીયાળા, પુરૂષ પાત્રોની જમાત, શરમથી, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરતી હોય, તેવા સીન જોવા મળત..!!

* તો, ફીલ્મોમાં, ટુનટુન થી લઈને, કૉમેડી સર્કસની સ્ટેન્ડ અપ કૉમેડીયન, હૅવી બોડી  ભારતી, સ્ત્રી પાત્ર, રાવણ જેવી, મો..ટ્ટી મૂછો  રાખી, આપણને, ફરીથી હસાવવાના, નિષ્ફળ પ્રયત્ન કરત..!!

* તો, જોરજોરથી હસતી, અર્ચના પૂરણસીંગ, પ્રતિસ્પર્ધીઓને,  આઠ-દસ વાર, પોતાની મૂછ આમળીને, તે મુજબ માર્ક્સ આપતી હોત..!!

* તો, `મિસ્ટર ઈન્ડિયા` ફીલ્મમાં, કૅસીનોમાં, દેખાતી `શ્રીદેવી`ની માફક, ` લૅડી ચાર્લી ચૅપ્લીન` ની ફુલ લૅન્થ, હીન્દી ફીલ્મો, આપણા માથે મરાત..!!

* તો, લિપસ્ટીક ચટ્યકામી, અધરરમ્યાણી, પરમપૂજ્ય, સ્વામી  શ્રીઈમરાન હાશ્મીમહારાજની માફક, `મલ્લિકા શેરાવતની મૂછ` , આપણને પણ,  આપણી અંગત, રસિક પળોમાં, નડતી હોત..!! ( આપણી, પોતપોતાની, મલ્લિકા, હોં..ને, ભાઈ?)

* તો, આવી રસિક પળોમાં, આપણી મલ્લિકાને, ક્યારેક, લાડ કરતાં, આપણે વળી  ટોકતા પણ હોત,

" હની..!! આજે તારી આ સુંદર,મજબુત, ટકાઉ મુછોમાંથી, ભાજી-પાઁઉંના રસાની સુગંધ કેમ આવે છે? જોકે, મને વાંધો નથી..પણ આ  તો..જસ્ટ..યુ..નૉ..!!  હું  કહુ  છું  તે,  સમજે  છે  ને..!!"


* તો, પોતાના કુટુંબના સંસ્કારની, ખોટી ફીશીયારી મારતી, વાંકદેખી સ્ત્રીઓને,ક્યારેક  વળતો, સણસણતો, જવાબ મળત," કેમ, અ..લી..શીલા? તું તો તારી દીકરીનાં બહુ વખાણ કરતી હતી, કેટલા દિવસથી ભાગી ગઈ છે? લે.. તારી..ય.. મૂછ નીચી થઈ ગઈને? લે..તી..જા, બધાના ઘરમાં મૂછ ઘાલતી`તી તે..!!"

* તો, રોજ ઉરાંગઉટાંગ જેવા, આડાઅવળા, થવાનું સમજાવીને, આપણા અનેક રોગ મટાડતા, સત્સંગ-પ્રવચન  કરતા, લાંબી દાઢીમૂછ ધરાવતા, યોગગુરૂઓ, સાધુ - સાધ્વી, બાબા-બાબીઓ, ભાઈ છે કે બહેન? આપણને, તે  જ  ન સમજાત..!!

* તો, પોળમાં બે પડોશણ વચ્ચે, ઝઘડો થાત ત્યારે, નાનાં બાળકો થી લઈને ઘરડા સુધી તમામને, સામસામી, મૂછ પર તાવ દેતી, પડોશણોને જોવાનો, મફતનો તમાશો માણવા  મળત..!!

* તો, " મારી પત્ની કાયમ મારી સામે જોઈને, મૂછ પર તાવ દે છે..!!"  જેવાં, ગંભીર કારણોસર  કોર્ટોમાં, પતિને છૂટાછેડા મળી શકતા હોત..!!

* તો, પરણવાની ઈચ્છા રાખનાર મુરતિયા, લગ્ન પહેલાંના ઈન્ટરવ્યુમાં, દહેજને બદલે, લગ્ન પછી કન્યાએ, મૂછ રાખવા, ન રાખવા જેવી, ગંભીર બાબતો પર વિચાર વિમર્શ કરતા જોવા મળત..!!

* તો, બહેનો,  વાત વાતમાં, પિતા કે પતિનાં, ઘરબાર, માલ મિલ્કત, વેચાવીને પણ, તેમની મૂછનો આંકડો, નીચો ન થવા દેત...!!

* તો, પોતાની દીકરીને હજી નાની ઢીંગલી સમજતા, માબાપને, તે દીકરીઓ,  મોંઢામોંઢ સંભળાવતી જોવા મળત કે, " રહેવા દો હવે, હું મોટી થઈ ગઈ છું. મારા નિર્ણય હવે હું  મારી જાતેજ કરીશ..., મનેય,  આ...મૂછનો દોરો ફૂટ્યો છે તે, તમને  દેખાતું નથી?"

* તો, `ફક્ત નાના  છોકરાઓની જ બાબરી કેમ ઉતારાય?" તેવા  ફાલતુ સવાલ કરતી, નાની દીકરીઓને, સોળમા વર્ષે, કોઈ ધર્મસ્થાનમાં જઈને, દાઢીમૂછ મૂડાવવાનો ધાર્મિક કાર્યક્રમ કરી, તેને પણ રાજી કરી શકાય..!!

* તો, બહેનો પણ પોતાની મૂછનો વાળ તોડીને, કરિયાણાવાળાને ત્યાં, વટથી, આ વાળ ગીરો મૂકીને, ઉધાર માલ ખરીદી શકત...!!

* તો, ઍડલ્ટ અંગ્રેજી ફિલ્મો જોવા, ઉંમરની ઓળખ સિવાય, થીયેટરમાં, ઘૂસ મારતી, ટીનએજર્સ કન્યાઓને, પણ મૂછ ઉગ્યાનું પ્રમાણપત્ર દેખાડવું પડત..!!

* તો, સાવ નાનાં છોકરાંય, પોતાની મમ્મીને, પકડી પાડત," મમ્મી હું ગબડી પડ્યો, ને તું મૂછમાં શા માટે હસે છે? મનેય, બધી ખબર પડે છે હો..!!

* તો, હવે બસ યાર...મારો પુરો કસ કાઢવો છે કે શું...!! હવે આગળ  થોડીક કલ્પના તમેય દોડાવો..ને..!!


જોકે, મને ખબર છે, આ લેખ વાંચીને, એકપણ બહેનને હસવું નહીં આવે..!! કેમ ખરું ને?

પરંતુ, બહેનો, તમે ચિંતા ના કરતા, હવે પછીનું `ધારો..કે.. ?` પુરૂષો પર, કરીશું, બ..સ.., હવે તો ખુશ..ને?

જોકે, હું મૂરખ નથી, તે પ્રતિભાવની આશા ય રાખું... !!

અત્યારે તો, મારી પત્નીથી  જ, આ લેખ સંતાડવો પડશે..!!  મારી સહુથી મોટી પ્રેરણા - ટીકાકાર એજ  છે.

અને આમેય, પુરૂષો પર, દાદાગીરી કરવા, સ્ત્રીઓને મૂછ હોવી જરૂરી નથી..જ..નથી..!!

માર્કંડ દવે.તાઃ ૧૨ ઑગસ્ટ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.