Friday, September 24, 2010

ઑપરેશન, સ્ટીંગ ઈઝ કિંગ.

ઑપરેશન, સ્ટીંગ ઈઝ કિંગ.

" ઑલિયાએ  પૂછ્યું,  રહીમને,   શ્રીરામ ક્યાં  છે?
  એક સાથે પૂછ્યું,  રામ-રહીમે,  માણસ ક્યાં છે..!!"


========

પ્રિય મિત્રો,

શાળાએથી આવીને, સિનીયર કે.જી.માં અભ્યાસ કરતા, નાનકડા મલ્હારે, મને  હર્ષભેર કહ્યું, " દાદા, સ્કૂલમાં કાલે રજા છે, તમે ઘરની બહાર ના જતા, ઘમાલ થવાની છે?"  આ સાંભળીને મને ખૂબ આઘાત લાગ્યો. નાનકડા  મલ્હારને, મારે શું કહેવું? મને તે  સમજ ના પડી..!!

સાવ ત્રણ-ચાર વર્ષના બાળકને, શું આપણે, આવી  ડરામણી લાગણીની,  ધરોહર આપવા માંગીએ છે?

ન્યૂઝ ચેનલ્સ પર અને દરેક ભાષાના  અખબારોમાં, અયોધ્યાની વિવાદિત જમીનના ચુકાદાને  લઈને આવતા સમાચાર,  કહેવાતા નેતા- અભિનેતાઓની, સત્વ અને દમ વગરના શબ્દાર્થ ધરાવતી ફાલતુ અપીલો  તથા સંવેદનશીલ  વિસ્તારોમાં કરવામાં આવનાર વીડિયોગ્રાફીની ખબરની  વચ્ચે, સાવ  ઉંચા ફફડતા જીવે, ધાંધલ-ધમાલ કર્યા વગરજ, અફવાઓનાં પડીકાં ખોલી-ખોલીને, અયોધ્યાનો  ચુકાદો આવતાં સુધીમાં, બધાય થાકીને  સાવ `ઠેં` જેવા થઈ જાય, તો નવાઈ નહીં..!!

જોકે, આ સંભવિત તણાવભરી પરિસ્થિતિને કારણે, અમારી બાજુમાં રહેતા કાકાને વળી અલગજ  સમસ્યા સતાવે છે. આજે  સવારે આવીને, તેમણે મને પૂછ્યું,      " ભાઈ,  મારે આંતરડાની ઍન્ડોસ્કૉપી કરાવવા, સારવાર અર્થે  હૉસ્પિટલમાં જવાનું છે, મારાથી જવાય?"

મને મનમાં થયુંકે, કાકા ઍન્ડોસ્કૉપી, એટલે  કોઈ બહુ મોટું ઑપરેશન સમજતા લાગે છે, તેથી મેં, તેમને  કમ્પ્યુટર સામે બેસાડીને, `યુ ટ્યુબ` પર ,આંતરડાંની ઍન્ડોસ્કૉપી કેવીરીતે થાય? તેનો વીડિયો બતાવ્યો અને સહેજ  પણ  ન  ડરવા, સાંત્વન  આપ્યું.

( લિંક,  PreOp® Patient Education: Endoscopy of Large Intestine Surge  http://www.youtube.com/watch?v=CfL12dxQu34 )

જોકે, કાકાએ અકળાઈને મને કહ્યું, " ભલા માણસ, હું  તો  અયોધ્યાના ચુકાદા પછી,  હૉસ્પિટલમાં અટવાઈ નહીં જાઉંને, તે પૂછવા આવ્યો હતો?"
પત્યું..!! કમ્પ્યુટરને પડતું મૂકીને,  અયોધ્યાના ચુકાદા પછીની  સ્થિતિ  વિષે,   કાકાને  વિસ્તૃત  ભાષણ આપવા  હું  તત્પર થયો.

" કાકા, તમે  સહેજે  ન ગભરાતા, તમે તમારે હૉસ્પિટલમાં સારવાર અર્થે   બિંદાસ જજો, કાંઈજ  થવાનું નથી. જગતને અહિંસાનો મંત્ર આપનાર, પૂ.બાપૂનું આ ગુજરાત છે. આ વખતે, અહીં  નાનું  સરખું  છમકલું પણ નહીં થાય..!!  કોઈપણ ધર્મના, કટ્ટર ઝનૂની અસામાજીક તત્વ, કાકરીચાળો કરવાનો પ્રયત્ન કરશે, તો  દરેક  સમજુ  અહિંસક માણસો,પોતાના પ્રાણના ભોગે પણ, તેમને  ધાંધલ-ધમાલ નહીં કરવા સમજાવશે..!!

મેં ઉંમેર્યું, " કઠલાલની વિધાનસભાની બેઠકના પરિણામ પરથી, સુલેહ સંપથી  રહેવા  બાબતે, કઠલાલની જનતાએ, આખા દેશને,  જે સુંદર  સંદેશ આપ્યો છે, તેને  હવે ગુજરાતની સાડાપાંચ કરોડ જનતા, ધાંધલ-ધમાલ કરીને, કોઈજ  ડાઘો  લાગવા નહીંજ  દે, તેની  દરેક  સમજદાર નાગરિકને  ખાત્રી  છે..!!"

નયનને બંધ રાખીને, મેં  આટલું માર્મિક, ચિંતનાત્મક  ભાષણ (..!! ) ઝાડીને, કાકાની વાહ-વાહ ભરી નજર મેળવવા, આંખ ઉઘાડી જોયુંતો, કાકા ગાયબ થઈ ગયા હતા..!!  મને લાગ્યું કદાચ, કાકાને એમ  થયું હશેકે, " આનામાં પડેલા ચિંતક, લેખકને  છંછેડીને, સાલી, મેં બહુજ  મોટી ભૂલ કરી દીધી છે?"

જોકે, મને તો એમ લાગ્યું, કાકાએ મારા માર્મિક, ચિંતનાત્મક  વિચારો ન સાંભળીને, મોટી ભૂલ  કરી છે.  હજી  તો, મારે તેમને કહેવું હતુંકે, તેઓ જ્યાં સારવાર લેવાના હતા, તે શાહપુર વિસ્તારમાં, વીડિયોગ્રાફી દ્વારા, ચાંપતી નજર રાખવાના આદેશ અપાઈ ગયા છે?

કાકા તો જાણે ગયા પણ, માર્મિક, ચિંતનાત્મક વિચારોનું,  મારું ચરકડું અવિરત ફરવા લાગ્યુ..!!

* સંવેદનશીલ વિસ્તારોની વીડિયોગ્રાફીની બાબત  પરથી મને વિચાર આવ્યો, આ  પણ  એક  જાતનું, કાયદેસર  સ્ટીંગ ઑપરેશન જ કહેવાય ને?

* પબ્લિક ઈંટરેસ્ટના નામે, શું આવું સ્ટીંગ ઑપરેશન, ભારતમાં કાયદેસર છે?

* તેનાં સાધનો કેવાં અને કેટલી કિંમતનાં આવતાં હશે?

* અત્યાર સુધીમાં, સ્ટીંગ ઑપરેશનથી, કેટલા લોકોને ખાસ લાભ કે  હાની  થઈ  હશે?

* આવાં સ્ટીંગ ઑપરેશનથી, માનવજાતનું ભલું  થયાનો કોઈ દાખલો નોંધાયો હશે?

આ  તમામ  સવાલ, મને તો બહુ અઘરા અને  કોર્સ બહારના લાગતા હતા..!! જોકે, છેલ્લા સવાલનો જવાબ તો, સહેજ આગળ વિચારતાંજ, મને મળી ગયો.

ઓ..ત્તારી..!!   હમણાંજ,  મને  મળીને,  કાકા ગયા, તેમની પૂઠેથી,  ઝીણી લાઈટ અને કૅમેરા ફીટ કરેલી પાઈપ  ચઢાવીને, છેક  આંતરડાંના અંદરના, સડી ગયેલા ભાગનો વીડિયો ઉતારશે, તે પણ,  એક  જાતનું  સ્ટીંગ ઑપરેશનજ  કહેવાયને?  કાકાને  દર્દમાંથી,  કાયમી છૂટકારો અને શાંતિ  મળશે  તે,  સ્ટીંગ ઑપરેશન દ્વારા, માનવજાતિનું  ભલું  થયાનો, સર્વોત્તમ  દાખલો  ના  કહેવાય?

જોકે, દાક્તરી  બાબતનું જ્ઞાન  તે,  આપણી  લેન (લાઈન) ન   હોવાથી,  હું  હજુ   થોડો  મૂંઝવણમાં  છું..!!

sting operation, એટલે શું?  stingનો  અર્થ  `છેતરવું` થાય છે અને તે અર્થમાં, સ્ટીંગ ઑપરેશન એટલે, સંપૂર્ણ આત્મવિશ્વાસ, તકેદારી અને પ્લાન સાથે, સમાજને નુકશાન થાય તેવું, કોઈ ખોટું કાર્ય કરનારાને  છેતરીને, (અંધારામાં રાખીને)  તેને ઉઘાડો પાડવાની પ્રક્રિયા..!!

સ્ટીંગ ઑપરેશન શબ્દ, તીક્ષ્ણ, મર્મવેધક, ઝેરી કાંટાવાળા ડંખ મારતી, પૂંછડીવાળી પહોળી સપાટ આકાર ધરાવતી, `સ્ટિંગ રે` (sting-ray) નામની માછલી પરથી, પ્રચલિત થયો છે.

આપણે નાના હતા ત્યારે આપણા  મિત્રોને હેરાન કરવા, આખા શરીરે ડંખ મારતી વનસ્પતિ - કૌવચ, નાખીને, તમાશો જોતા હતા..!! તે વનસ્પતિને પણ અંગ્રેજીમાં, સ્ટિંજિંગ નેટલ (stinging-nettle) કહે છે. સ્ટિંજિંગ નેટલનો બીજો અર્થ, ઝગમગ ઝબૂકતો `આગિયો` ( મધમાંખી જેવી, પાંખાળી જીવાત) પણ થાય છે.
કદાચ, તેથીજ સ્ટીંગ ઑપરેશનમાં, ઝીણી લાઈટ ધરાવતો, છૂપો કેમેરા વપરાતો હશે?  જોકે, આખીય છેતરવાની પ્રક્રિયાને, વિશેષણ  લગાવવાનું થાય તો,  તેને  `સ્ટિન્જી` ( stingy = અધમ)  કૃત્ય  આચર્યું, તેમ  પણ  કહી  શકાય?

ટૂંકમાં, સ્ટીંગ ઑપરેશનનો સરળ  અર્થ = કોઈને છેતરીને, ભોગ બનનારના, આઘાત અને  દુઃખની લાગણીની તમા રાખ્યા વગર,  સંપૂર્ણ આત્મવિશ્વાસ, તકેદારી અને પ્લાન સાથે, તેને પાંજરામાં પકડવા કે ફાંસલામાં ઝડપવા જેવી, ખાનગી રાહે હાથ ધરેલી પ્રક્રિયાને, `સ્ટીંગ ઑપરેશન` કહે છે.

મોટાભાગનાં, સ્ટીંગ ઑપરેશન્સ, કોઈ વ્યક્તિની ફરિયાદ પરથી, દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા અથવા ગુન્હાનિવારણ માટે, રચાયેલી સરકારી એજન્સીઓ દ્વારા હાથ ધરાય છે. ઘણીવાર વ્યક્તિગત સ્ટીંગ ઑપરેશન દ્વારા, પણ પુરાવા એકઠા કરીને,  દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા અથવા ગુન્હાનિવારણ માટે, રચાયેલી સરકારી એજન્સીઓને, સોંપાય છે, જે કાયદેસર સાચું હોવાનું પુરવાર કરવાની જવાબદારી, સ્ટીંગ ઑપરેશન કરનારની રહે છે.

જોકે, સ્ટીંગ ઑપરેશન કાયમ સાચું કે કાયમ ખોટું હોય તેમ, પ્રથમ નજરે તારણ કાઢી શકાય નહીં, કારણકે ઘણીવાર  સ્ટીંગ ઑપરેશન હાથ ધરનારની નિયત મેલી હોઈ શકે, તેમ પણ બનતું હોય છે, હકિકતમાં સ્ટીંગ ઑપરેશન માત્ર, એક સાધન છે, કાયદેસરની એજન્સી દ્વારા, સઘન વૈજ્ઞાનિક તપાસના અંતેજ, તેની સત્યતા - અસત્યતાનું  તારણ કાઢી શકાતું હોય છે. એ બાબત અલગ છેકે, આ પ્રકારે, છેતરવાની પ્રક્રિયામાં, સાચું કે ખોટું છેતરાઈ જનાર વ્યક્તિને, મોટાભાગે અપાર  સામાજીક, આર્થિક, શારીરિક, માનસિક હાની વેઠવાનો વારો આવે છે..!!

પ્રકાશસિંગ, રશ્મીસિંગ અને વિરેન્દ્ર અરોરા, વિગેરે દ્વારા કથિત આરોપ મૂકીને, ઉમા ખન્ના, શિક્ષિકા-સર્વોદય કન્યા વિધ્યાલય,દીલ્હી. ઉપર કહેવાતા આરોપ મૂકતું, સ્ટીંગ ઑપરેશન, લાઈવ ઈંન્ડીંયા ટીવી દ્વારા હાથ ધરાયું હતું, જેમાં ઉમાજી પાછળથી, કૉર્ટમાં નિર્દોષ સાબિત થતાં, તેમને નોકરી પર પરત લેવામાં આવ્યાં હતાં.પરંતુ, તેમને આ કારણે આબરૂ અને માનસિક ત્રાસનું,અપાર નુકશાન થઈ  ચૂક્યું   હતું.

આ ઉપરાંત, sting operation,નાં કેટલાંક તાજાં પ્રચલિત ઉદાહરણ. * ટીવી, ફીલ્મ્સના જાણીતા કલાકાર અમન વર્મા. (રૂચી?-ઈલ્યાસી-રજત શર્મા-ઈંન્ડીયા ટીવી)  * હીન્દી ફીલ્મ્સના જાણીતા કૉમેડિયન-વિલન શક્તિકપૂર. (રૂચી?-ઈલ્યાસી-રજત શર્મા-ઈંન્ડીયા ટીવી) * ઑસ્ટ્રેલિયન ટીવી- 7 દ્વારા, દીલ્હી કૉમન વેલ્થ ગૅમ્સ - સ્પોર્ટસંકુલ ખાતે, ઍક્સ્પ્લોઝીવ ભરેલી બૅગનું કરાયેલું સ્ટીગ, હાલનું તાજું ઉદાહરણ છે.

સ્ટીંગ ઑપરેશન સફળતાપૂર્વક, ખાનગી રાહે પાર પાડવા માટે, ઑડીયો - વીડિયોનાં મિનિએચર સાધનો, જેવાંકે, અત્યંત નાની સાઈઝના વાયરલેસ માઈક્રોફોન્સ, પીન હોલ કેમેરા, ટેલીફૉન ટેપીંગ બગ, જેવાં આધુનિક સાધનો, ખુલ્લા બજારમાં, કાયદેસર વેચી શકાય કે ન વેચી શકાય, તે સ્પષ્ટ નહીં હોવાથી, તેનો યોગ્ય અને અયોગ્ય ઉપયોગ થવાનું વલણ વધી રહ્યું હોય તેમ જણાય છે..!!

વળી, આ સાધનો, હવે  સાવ સસ્તાં અને કોઈપણ ખરીદી શકે તેટલી વિપુલ માત્રામાં, સર્વત્ર આસાનીથી  ઉપલબ્ધ હોવાથી, આલિયા-માલિયાનાં જોવાલાયક - ન જોવા લાયક, તમામ પ્રકારના સ્ટીંગ ઑપરેશન્સ, વગર વાંકે, આપણા માથે મરાય છે.  જેમકે, નકલી સર્ટી. માટે લાંચ લેતા ડૉક્ટર, વકીલ, જજ, પોલીસ, દહેજ, નારી ઉત્પીડન, ઘરેલું સ્ત્રી-પુરુષ કે બાળ હિંસા અથવા તેમને લગતા,  સેક્સ સ્કેન્ડલ્સ,  MLA - MP લાંચ કેસ, ચેઈન સ્નેચીંગ, લૂંટફાટ, હત્યા, ચોરી જેવા ગુન્હા અટકાવવા, CCTV કૅમેરા લગાવવામાં આવે, વિગેરે, વિગેરે..!!

આપણા ખરેખર, પ્રાતઃસ્મરણીય પૂજનીય જુના સંત, સાધુ, હરિભક્ત, ઑલિયા, ફકીર, જેમકે, સંત કબીરજી, મીરાં, શ્રીનરસૈંયો, શ્રીતુકારામ, શ્રીનામદેવ જેવા અનેકને, ભગવાન સાક્ષાત, હાજર થઈને, સંકટમાંથી ઉગાર્યાની અનેક કથાઓ આપે સાંભળી હશે.

જ્યારે તેઓની સરખામણીમાં, આધુનિક સંત, સાધુ, હરિભક્ત, ઑલિયા, ફકીરને, સ્ટીગ ઑપરેશનમાં, પોતાના ભક્ત-ભક્તાણીની માલમિલકતની માયા અને કાયામાં, લાળ (..!!)  ટપકાવતા જોઈએ ત્યારે, તેમના પ્રત્યે,  આપણને  ધૄણાથી ઉબકા આવતા હોય તોતે સાવ સ્વાભાવિક છે. ( આજ માસમાં, આવાં સ્ટીંગ પણ ઑન ઍર થયાં છે..!!)

જોકે, આપણા મનોરંજન માટે, મનોરંજન ચેનલોએ પણ, સ્ટીંગ વિષયને, વટાવવા જાણે  કમર કસી હોય તેમ, આપણા `બિંદાસ` હીન્દી ટીવી ચેનલે તો વળી, યુવક-યુવતીઓની લૉયલ્ટી ટેસ્ટ કરી આપવા,  `ઈમોશનલ અત્યાચાર`ના નામથી, આખી સિરિયલજ ઑન ઍર કરી છે.

આમાં નવાઈ લાગે તેવી બાબત એ છેકે, લૉયલ્ટી ટેસ્ટ કરાવનાર, દરેક યુવક-યુવતી, પતિ-પત્ની, પોતાના પાર્ટનરની લૉયલ્ટી ચેક  કરીને, પોતેજ, પાર્ટનર કે પ્રેમી-પ્રેમિકા, પસંદગી કરવામાં,  મોટી  થાપ ખાધી છે, તેમ સાબિત કરે છે. કેટલાંક કપલ તો, લૉયલ્ટી ટેસ્ટમાં નાપાસ થયા પછી પણ, એકમેકની માફા-માફી માંગીને, ફરીથી સાથ નિભાવતાં જોવા મળે છે,તો પછી લૉયલ્ટી ટેસ્ટ કરાવવાનો મતલબ શું? તેમાંય જેના પર સ્ટીંગ થઈ રહ્યું હોય છે, તેની સાથે અંડર કવર એજન્ટ  દ્વારા લેવામાં આવતી શારીરિક છૂટછાટ  નિહાળીને, કેટલાય ચોખલિયા માણસોને પણ મનમાં ગલગલિયાઁ થતાંહોય તો નવાઈ નહી?

ભારતમાં,  સ્ટીંગ ઑપરેશનને, ઘણી વ્યક્તિઓ, નૈતિકતાના હ્રાસ  સાથે જોડે છે, કારણકે, સ્ટીગ ઑપરેશનના, ભોગ બનનારની સામે, તેને લલચાવવા માટે શિકાર રૂપે, અંડર કવર એજન્ટના નામથી, અનૈતિક કક્ષાએ જવા તૈયાર હોય તેવા, ચાલુ - બિંદાસ પ્રકારના, સ્ત્રી-પુરુષો અને અનૈતિક કાર્યો, જેમકે, પ્રોસ્ટિટ્યુટનો ઉપયોગ કરવો, ફૉન ટેપ કરવા, ડ્રગ્સ વેચવા કે, લાંચ આપવી. ( IPC હેઠળ આવાં કાર્ય પણ ગુન્હા છે.) જેવાં, ગેરકાયદેસર  કાર્યનો  પણ,  સહારો લેવામાં આવે છે?

આ `ઈમોશનલ અત્યાચાર` કાર્યક્રમ, આમતો સન-૨૦૦૪માં, અમેરિકામાં, MSNBC, ન્યૂઝ ચેનલ દ્વારા, `To Catch a Predator`, પ્રખ્યાત ઍન્કર-ક્રિસ્ટોફર ઍડવર્ડ હંસેન` દ્વારા, ખૂબ લોકપ્રિયતાને વર્યો હતો.તેનુંજ  થોડું  બદલેલું  સ્વરૂપ માત્ર છે?

 `To Catch a Predator`, નામના અમેરિકન  કાર્યક્રમમાં, ફૉન પર સગીર વયની કન્યાઓ સાથે, સેક્સ માણવાની ઑફર કરાવીને, વયસ્ક પ્રોઢ સેક્સ્મૅનિયાક, રીઢા ગુન્હેગારને, ખાસ તૈયાર કરેલા, `સ્ટીંગ હાઉસ`, નામના સ્થળ પર, સેક્સ માણવાની લાલચ આપી બોલાવીને, તેને પોલીસ દ્વારા, રંગે હાથ ઝડપી લેવામાં આવતો હતો. ( લિંક http://www.youtube.com/watch?v=jkKMt6nILNA    )

અમેરિકામાં, આ કાર્યક્રમની ઘણાં અખબારોના કૉલમિસ્ટ દ્વારા ટીકા પણ કરવામાં આવતી હતીકે, સમાજને મદદ કરવાની શુભ ભાવનાથી આ કાર્યક્રમ હરગિજ રજુ કરાયો નથી, પરંતુ તેની પાછળ ચેનલનું રૅટીંગ (વ્યૂઅરશીપ) વધારવાનું ચક્કર છે..!! આવા કાર્યક્રમથી, ઑનલાઈન ફૉન પર, સેક્સમૅનિયાક સાથે, સેક્સસબંધ બાંધવા માટે, સગીર વયની કન્યાઓ  અવનવી તરકીબ, શીખતી હોવાનું અને સગીર કન્યાઓ પ્રેરણા મેળવતી હોવાના પણ આક્ષેપ થયા હતા.

જોકે, આ બધા હોબાળા વચ્ચે, સન-૨૦૦૭માં, તે શૉ ના, ઍન્કર, Christopher Edward Hansen દ્વારા લખાયેલું, ` To Catch a Predator: Protecting Your Kids from Online Enemies Already in Your Home.` નામનું પુસ્તક પણ અમેરિકન માર્કેટમાં મુકાયું હતું, જે આજે પણ વાંચવા લાયક છે.

ટીવી પ્રૉગ્રામ્સ ઉપરાંત, અમેરિકામાં, સન- ૧૯૭૩માં, સ્ટીંગ ઑપરેશનનો વિષય લઈને, નિર્માતા- ટૉની બીલ, મિશૅલ અને જુલીયા ફીલીપ; નિર્દેશક - જ્યોર્જ રોય હીલ, કથા લેખક- ડૅવીડ એસ. વૉર્ડ; સંગીતકાર- માર્વિન તથા જગપ્રસિદ્ધ કલાકાર પૌલ ન્યૂમૅન ; રૉબર્ટ રૅડફૉર્ડ ; રૉબર્ટ શૉ ;ચાર્લ્સ ડુર્નિંગ અભિનિત સુપરડુપર હીટ ફીલ્મ, `The Sting` રજુ થઈ હતી. ( લિંક,  http://www.novamov.com/video/4a3e662f5ffeb )

આમ, દુનિયાના લગભગ તમામ દેશોમાં,એક યા બીજા કારણસર, સ્ટીંગ ઑપરેશન્સ  હાથ ધરાય તે સામાન્ય બાબત બની ગઈ છે. સ્વીડન અને નેધરલેન્ડમાં, સ્ટીંગ ઑપરેશનની, કાયદેસર મંજુરી નથી.નેપાળ સહિત ઘણા દેશમાં તો સ્ટીંગ માટેનાં સાધનના ખરીદ-વેચાણ પરજ, પ્રતિબંધ છે.

આમેય, જોવામાં આવ્યું છેકે, સ્ટીંગ ઑપરેશન્સથી  કદાચ, થોડો સમય  ચકચાર જગાડી શકાય, પરંતુ જેતે સમયે ગમેતેવી મહાન ચકચાર મચાવનાર, સ્ટીંગ ઑપરેશનને મોટાભાગના વ્યુઅર્સ પણ, સમય પસાર થતાંજ, તેને વિસારે પાડી દે છે અને  તેને અદાલતી પુરાવાની અટપટી કસોટી પર, સાબિત કરવું, તે લોખંડના ચણા ચાવવા જેવું કપરું કામ છે..!!  ઘણા કિસ્સાઓમાં તો પાછળથી સાક્ષી વગેરેને હૉસ્ટાઈલ કરાવીને, કેસને રફેદફે કરાય છે અથવાતો  લાંબી-લાંબી કૉર્ટની કાર્યવાહીથી કંટાળીને સબંધીત, તમામ પક્ષ કૉર્ટ બહારજ સમાધાન કરી લે છે.

`CNN-IBN`ના ઍડીટર ઈન ચીફ, શ્રીરાજદીપ સરદેસાઈ કહે છેકે," સ્ટીંગ ઑપરેશન, સમાજના વિશાળ હિત માટેજ પ્રયોજાવું જોઈએ, નહીંકે, કોઈને સાણસામાં સપડાવવા માટે..!!"

આપણા દેશની મોટાભાગની ન્યૂઝ ચેનલ્સ, ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમના એક ભાગ રૂપે, સ્ટીંગ ઑપરેશનને વ્યાજબી માને છે. પરંતુ સ્ટીંગ ઑપરેશન કરીને, તેની ટેપ વારંવાર  ઑનઍર  કરીને, `તરત દાન અને મહા પૂન્ય`ની માફક, મિડીયા ટ્રાયલ ચલાવીને, ન્યૂઝ ચેનલ્સવાળા,  કેટલીક વાર નિર્દોષ વ્યક્તિને પણ  ગુન્હેગાર ગણાવીને, તેની આબરૂના, ધજાગરા ઉડાડતા જોવા મળે છે, જ્યારે આજ નિર્દોષ વ્યક્તિ, કાનૂન દ્વારા, ખરેખર નિર્દોષ સાબિત થાય ત્યારે, તેની નોંધ લઈ, દીલગીરી વ્યક્ત કરવા જેટલી સૌજન્યતા, કોઈ ન્યૂઝ ચેનલે દાખવી હોય તેવા કિસ્સા કદાચ દીવો લઈને શોધવા છતાં, મળવા મૂશ્કેલ છે.આ ઉપરાંત, બનાવટી સ્ટીંગ ના મામલે, ભોગ બનનાર  વ્યક્તિની ધરાઈને બદનામી  થયા બાદ, તે વ્યક્તિ  નિર્દોષ સાબિત થાય ત્યારે, તેના માટે ઘણી કફોડી સ્થિતિ પેદા થાય છે તે, એક નિતાંત સત્ય બાબત છે. કેટલાક કિસ્સામાં તો, સ્ટીગ ઑપરેશન બાદ તે, પુરાવાના આધારે, મોટી રકમના તોડ પાણી અને શારીરિક શોષણ થયાના, જાહેર નહીં થયેલા કેટલા કેસ હશે, તેતો ભગવાન જ જાણે?

જોકે, કેવળ બંધારણના તજજ્ઞજ એ દર્શાવી શકેકે, આપણા દેશના બંધારણે પ્રદાન કરેલો, વ્યક્તિની પ્રાયવસીનો મૂળભૂત સિદ્ધાંતનો, સ્ટીંગ ઑપરેશનને કારણે, ભંગ થાય છે નહીં?

લેખના અંતમાં, `સો વાતની એક વાત` કરીએ તો, સ્ટીંગ ઑપરેશન માટેનાં સાધન કોણ ધરાવી શકે?  સ્ટીંગ કોણ કરી શકે? તથા તે  માટે કોઈ અધિકૃત સત્તામંડળની આગોતરી મંજુરી મેળવવા સહિતની ઘણી બધી, ઈનવીઝીબલ (અદ્રશ્ય અને અજ્ઞાત) મૂંઝવણો અને અસ્પષ્ટતાઓ વિરૂદ્ધ,, કાયદાકીય સ્પષ્ટતાઓ, તાકીદે નહીં કરવામાં આવે તો..!!

તે દિવસ દુર નથીકે, સાવ નાનાં બાળકો પણ, પોતાનાં માતા-પિતા વિરૂદ્ધ,  વાતે-વાતે,,`ઘર-ઘર રમવા જેવી`, સ્ટીંગ ઑપરેશનીયા ધમકી આપતાં, ઘેર-ઘેર જોવા મળશે..!!    

હા, લેખની શરૂઆતમાં, ઉલ્લેખ કર્યો છે તેવા, પેલા કાકાના, સડી ગયેલા આંતરડાં  અને અયોધ્યાના, તા.૨૮મીના ચુકાદાને લઈને, કહેવાતી અફવાઓ ફેલાવનારા, અસામાજીક તત્વો સામે, સ્ટીંગ નું હથિયાર વપરાય તે સામે, મને લાગે છેકે, કોઈને વાંધો નહીં હોય?

બાય ધ વૅ..!! બૉસ, અત્યાર સુધીમાં, આપનું સ્ટીંગ કોઈએ કર્યું છે ખરું?

જોજો, `હા` ન કહેતા, કેટલાક અસામાજીક   ગધેડાઓને પાછો તાવ આવી જશે?


માર્કંડ દવેઃ તાઃ ૨૪ - સપ્ટેમ્બર,૨૦૧૦. 

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.