Monday, September 27, 2010

શ્રેણી-૧૫, વિસરાતી વાર્તા, `સાવરણી` ; વિસ્તરતી વાર્તા,`એક સિક્કો - ફિક્કો .`

શ્રેણી-૧૫, વિસરાતી વાર્તા, `સાવરણી` ; વિસ્તરતી વાર્તા,`એક સિક્કો - ફિક્કો .`

" દાન-ધરમની સાવરણી લઈ, મોહ-માયાને  ઝાપટજે..!!
  દિલથી  પશ્ચાતાપ   કરીને,  નશ્વર  કાયાને  કેળવજે..!!"


=========

વિસરાતી વાર્તા, `સાવરણી`

નાના સરખા એક ગામમાં, એક કંજુસ શેઠ રહેતા હતા, તેમને બે કહ્યાગરા દીકરા હતા.

શેઠની જામી ગયેલી, કરિયાણાની દુકાન અને વિશાળ ખેતી, ઉપરાંત, બંને દીકરા માટે બે મોટાં મકાન બનાવ્યાં હોવા છતાં, આ  કંજુસ શેઠ, ઘરમાં બધાને ફરજિયાત સાદાઈ અને કરકસરથી રહેવાની ફરજ પાડતા હતા. શેઠ પોતે પણ સાવ ઓછાં વસ્ત્ર અને વર્ષો જુના ચંપલ સાંધી-સાંધીને ચલાવતા હતા.

અરે..!! કરકસર એટલે સુધીકે, પોતાના ઓરડાની ફર્શ ઘસાઈ ન જાય તે માટે, પોતાના ઓરડામાં, ફક્ત અઠવાડિયે એકવાર ઝાડુ પણ જાતેજ મારતા હતા અને એકજ  સાવરણી વર્ષો સુધી ચલાવતા..!!

શેઠાણી અને શેઠના આ બંને દીકરાઓ, શેઠના આવા કંજુસ સ્વભાવથી કંટાળી ગયા હતા. ગામ લોકો પણ, તેમની પાસે કોઈ દિવસ દાન-ધર્મ કે ઉઘરાણું કરવા જતા નહતા.

જોકે, આખા ગામમાં લોકવાયકા હતીકે, અત્યાર સુધી કંજુસાઈ કરીને ભેગું કરેલું અઢળક ધન, શેઠે પોતાના અંગત ઓરડામાં ક્યાંક દાટી દીધું છે અને તેની ભાળ  દીકરાઓને તો શું, ખૂદ શેઠાણીને પણ જાણ નથી..!!

સમય તેનું કામ કરતો રહ્યો. વૃદ્ધ થતાંજ, એક દિવસ, શેઠ  બિમાર પડ્યા અને અતિશય તાવને કારણે, તેમનું ડાબું અંગ લકવો મારી ગયું. તેઓ સાવ પથારીવશ થઈ ગયા છતાં, તેમનો સ્વભાવ બદલાયો નહીં..!!

શેઠાણી અને દીકરાઓએ, શહેરની હૉસ્પિટલમાંથી મોટા ડૉક્ટરસાહેબને બોલાવવાની વાત કરતાંજ, ખર્ચ કરવાની વાતને લઈને, કંજુસ બાપા બગડ્યા અને તરડાઈ ગયેલા ચહેરે, બધાંને ખૂબ લઢવા માંડ્યા.

શેઠે સાવ મફતના ભાવે, ગામના વૈદ્યની ચૂરણ-ફાકીથી ચલાવવા માંડ્યું. પણ પરિણામ જે આવવું જોઈએ તેજ આવ્યું. હવે શેઠની સ્થિતિ એકદમ નાજુક થઈ ગઈ. શેઠની શારીરિક દશા, હમણાં મરશે? હમણાં ગયા કે જશે? તેવી થઈ ગઈ. 

પણ, આતો મહાકંજુસ શેઠ, પોતાના સ્વભાવ મુજબ, એમ તો જીવ પણ શું કામ આપે?

શેઠને મરવાની ઘડીઓ ગણાઈ રહી છે તે જાણીને, ગામના થોડા આગેવાન અને  ડાહ્યા માણસો, શેઠની ખબર જોવા આવ્યા.

પણ આ શું? મરવાનું પડતું મૂકીને, શેઠની વાચા હણાઈ ગઈ હોવા છતાંય, કંજુસ શેઠ અચાનક, મોંઢામાંથી,`હું..હું..હું..હું..!!` અવાજ કરીને ઈશારાથી, તેમના ઓરડાના દરવાજા તરફ, બધાને કાંઈક બતાવવા લાગ્યા.

શેઠાણી, શેઠના બે દીકરાઓ તથા ગામના આગેવાનોએ  વારાફરતી, શેઠના હોઠ પાસે પોતાના કાન લઈ જઈ, `તેઓ છેલ્લે-છેલ્લે શું કહેવા માંગે છે?`, તે સમજવાનો, બધાએ નિષ્ફળ પ્રયત્ન કરી જોયો.

જોકે, શેઠ બધાને શું કહેવા માંગે છેતે, કોઈનેય સમજાયું નહીં? 

છેવટે ગામના ડાહ્યા આગેવાનોએ શેઠાણીને અને શેઠના દીકરાઓને કહ્યુંકે," દરવાજા તરફ  ઈશારા કરીને કદાચ, શેઠ  તેમણે ભોંયમાં  દાટેલા ધનની જગ્યા બતાવવા માંગે છે. હવે તો નજીકના  શહેરમાંથી, તાત્કાલિક મોટા ડૉક્ટરને બોલાવી પાંચ મિનિટ માટેય શેઠને બોલતા કરવા પડે, નહીંતર ધન ક્યાં દાટ્યું છે તે રહસ્ય પણ, તેમની સાથેજ  જતું રહેશે?"

શેઠાણી અને  દીકરાઓએ, ધનની ભાળ મેળવવાની લાલચમાં, તાબડતોબ શહેરી ડૉક્ટરને બોલાવ્યા.

ડૉક્ટરે આવીને કહ્યું,"  શેઠને તપાસીને, પાંચ મિનિટ માટે, બોલતા કરી આપવાની, મારી ફી પચ્ચીસ હજાર  રૂપિયા થશે..!!"

ડૉક્ટરની આ ફી સાંભળી, કંજુસ શેઠે, ખૂબ ગુસ્સે  થઈને, ગળામાંથી ફરીથી, " હું..હું..હું..હું..!!" અવાજ કર્યો.

જોકે, બધા એમ  સમજ્યાકે, શેઠે પણ, બોલતા થવાનું ઈંન્જેક્શન લેવાની  હા કહી..!!

શેઠાણી અને દીકરાઓએ, ડૉક્ટરને  જેવી સંમતિ આપી, તે સાથેજ, ડૉક્ટરે, પેલા કંજુસ શેઠના  થાપામાં, એક ઈંન્જેક્શન  ખોસી દીધું.

શેઠાણી, શેઠના દીકરાઓ અને ગામના ભેગા થયેલા લોકોએ, પેલા કંજુસ શેઠ છેલ્લીવાર શું કહેવા માંગતા હતા?  તે જાણવા કાન માંડ્યા.

જોકે, ડૉક્ટરના ઈન્જેક્શનથી, ચમત્કાર થયો હોય તેમ, દીકરાઓ સામે જોઈને, ગુસ્સાથી શેઠ બરાડ્યા,

" ગધેડાઓ, દરવાજે, પેલી બકરી ક્યારની, મારી સાવરણી ચાવી ખાય છે, તેને હાંકો તો ખરા, નપાવટો...!!"  આટલું કહીને, શેઠનું રામ નામ સત્ય થઈ ગયું..!! 

ધનના લાલચુ, શેઠાણીએ છાતી અને  દીકરાઓએ કપાળ કુટ્યું.

કોઈક બોલ્યું, " આ..લ્લે..!! તમારા બાપાની સાવરણી પચ્ચીસ હજારમાં પડી?"

ઉપસંહારઃ- કંજુસ ચોરનું ધન આખરે મોર ખાય.

=========

 વિસ્તરતી વાર્તા,`એક સિક્કો - ફિક્કો .`

ઘરના ઓટલા પાસે, ભેગા થયેલા બધાજ, સગાવહાલા - પાડોશીઓ - મિત્રો, થોડીક જીભ બહાર કાઢીને, " અ..ર..ર..ર..!! ભગવાન આવું કષ્ટ કોઈને ના આપે? " કહીને, રમણ પટેલનો જીવ જલ્દી નીકળે તે માટે, ઈશ્વરને પ્રાર્થના કરતા હતા..!!

રમણ પટેલના બે દીકરાઓ પણ, કારણ વગર ઘરમાંથી ઓટલે અને ઓટલેથી ઘરમાં આંટાફેરા માર્યા કરતા હતા. આમતો રમણભાઈને છેલ્લા એક માસથી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.

રમણભાઈનાં પત્ની છ માસ અગાઉજ ગુજરી ગયા, ત્યારપછી એકની પાછળ બીજો એવા આઘાતજનક બનાવો ઉપરાછાપરી બન્યાકે, રમણભાઈ સાવ  તુટી ગયા. પોતાની પત્નીના અવસાન થયાના આગલા દિવસ સુધી, વીસ વિઘાના, આખાય ખેતર ફરતે, રમતાં-રમતાં, આંટો મારી આવનારને, હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે, સ્ટ્રેચરમાં લઈ જવા પડ્યા. એકદમ કડેધડે માણસ, મરવા વાંકે જીવતો હોય તેવો, સુકાઈને સોટી જેવો થઈ ગયો.

જોકે, તેમાં ભૂલ તો, રમણભાઈનીજ હતી. પોતાની પત્નીના અંતિમ દિવસોમાં, તેની " મારા ગયા પછી તમને, નહીં ફાવે, મારા દેખતાંજ બંને દીકરાને બધું વહેંચીને, ભાગ પાડી આપો..!!" ની, અવિરત રટણને કારણે, રમણભાઈએ, `દીકરાઓને પછીય આપવું ને પહેલાંય આપવું?` તેમ વિચારી, ગામનાં મેડીબંધ બે મકાન, સોનું, વાસણ, ગાદલાં-ગોદડાં, ખેતર વિગેરે તમામના, બે સરખા ભાગ પાડીને, સરખે ભાગે વહેંચી આપી, બંને દીકરાઓના નામે પણ કરાવી આપ્યાં.

રમણભાઈનાં પત્નીતો, એક અનેરા સંતોષ સાથે, ત્યારપછી, એક અઠવાડિયામાંજ ઈશ્વરને દરબાર પહોંચીં ગયાં.

જોકે, ઘરવાળી ગુજરી જતાંજ, રમણભાઈના કરમની કઠણાઈ શરૂ થઈ ગઈ. દીકરાઓ બીજાજ માસથી, તેમને ફાળવેલાં ઘર સચવાય, તે બહાનાં હેઠળ, આ જુના ઘરને ત્યજીને, પોતપોતાના સંસારમાં વ્યતિત થઈ ગયા. જોકે,  તે લોકલાજે, રમણભાઈને, જમવાનું ટીફીન મોકલાવતા હતા.

પરંતુ તેમાંય, `બે ઘરનો પરોંણો ભૂખે મરે.` તે કહેવત અનુસાર, ઘણીવાર તો, રમણભાઈને, એકેય દીકરાઓ ટીફીન ન મોકલાવે તો ભૂખ્યા સૂઈ જવું પડે તેવા દિવસ પણ જોવા પડ્યા. બંને દીકરાઓને આટઆટલું આપવા છતાંય, પોતાને બે ટંક ભોજન માટે પણ, ટટળાવતી તેમની, લોંઠકી- લુચ્ચી  વહુઓનો ખરાબ વહેવાર જોઈને, રમણભાઈનું, સાવ ભાંગી પડેલું  હ્યદય, એક દિવસ જવાબ ગઈ ગયું. ઉપરાછાપરી બે ગંભીર હાર્ટઍટક આવ્યા બાદ તેમને, હૉસ્પિટલમાં દાખલ કર્યા.

પણ, પોતાના અંતિમ સમયને ભાળી ગયેલા રમણભાઈ, પોતાની પત્ની જે ઘરમાં ગુજરી ગઈ, તેજ ઘરમાં પોતાનો પ્રાણ છોડવાની જીદ પકડીને બેઠા હતા. 

રમણભાઈની જીદ પાસે, કોઈનું કશુંજ ન ચાલ્યું અને ડૉક્ટરે ખતરાની ઘંટડી વગાડવા છતાંય, તેઓ હૉસ્પિટલમાંથી રજા લઈને, ઘેર આવી ગયા હતા. 

જોકે, રમણભાઈ સંપૂર્ણ ભાનમાં હોવા છતાં, બસ, હવે તો તેમના અંતિમ સંસ્કાર કેટલા વાગે થશે? તેનીજ સહુ કોઈ રાહ જોતા હતા..!!

એટલામાંજ, ના જાણે શું સુઝ્યું તે, રમણભાઈએ બધાને રૂમની બહાર કાઢી મૂકીને, પોતાના જીગરી મિત્ર શંકરને, પોતાના ઓરડામાં  એકલો  બોલાવ્યો. અને અત્યંત ક્ષીણ અવાજે બોલ્યા,

" શંકર, ગમે તે કર, મારી પાસે ઝાઝો સમય નથી. આપણા ફળીયામાં કચરો વાળવા આવતા, મગનના નાના છોકરા શનાને હમણાંજ બોલાવ,જલ્દી કર."

રમણભાઈની તૂટતી નાડીઓના કર્કશ અવાજને, દિલથીજ સાંભળીને, ગભરાયેલા મિત્ર શંકરે, થોડીજ વારમાં, મરવાની અણીએ પહોંચેલા, રમણભાઈ પાસે મગન અને તેના, આશરે  ચૌદ વર્ષના, છોકરા શનાને  ઉભા કરી દીધા.

પોતાના બંને દીકરા અને વહુઓઓને, ઓરડામાં બોલાવીને, તેમના ઉપરાંત બીજા, પાંચ પ્રતિષ્ઠિત આગેવાનોના પંચની સાક્ષી-હાજરીમાં, પાકું લખાણ કરીને, બંને દીકરા, તેમની વહુઓ અને પંચોની સહી કરાવી, પેલા નાનકડા  શનાને, રમણભાઈએ  એક નાની સરખી સીલબંધ થેલી  હાથોહાથ આપી.

દીકરા અને વહુઓના ડોળા ઈર્ષાથી ચકળવકળ થયા પણ, પંચોની હાજરીમાં, પોતાની જાતકમાઈની સીલબંધ થેલી વારસામાં, રમણભાઈ ગમે તેને આપે, તે કાયદો જાણતા, દીકરાઓ કશું કરી શક્યા નહીં.

પંચોમાંથી કોઈએ, સીલબંધ થેલી   ખોલવા પ્રયત્ન કરી, અંદર શું છે તે જોવાનો પ્રયત્ન કર્યો..!!  તો રમણભાઈએ તેમ કરવાની પણ ના પાડી દીધી.

આ તરફ, પેલી  સીલબંધ થેલી  લઈને, સફાઈ કામદાર મગન અને તેનો દીકરો શનો પોતાના ઘેર વહેતા થયા અને જાણે આ કામ માટેજ શ્વાસ અટકાવી રાખ્યો હોય તેમ, આ બાજુ રમણ પટેલે શ્વાસ ત્યજી દઈ, પોતાની પ્રેમાળ પત્નીને મળવા, સ્વર્ગની વાટ પકડી.

રમણ પટેલે આપેલી, નાની સીલબંધ થેલી લઈને, પોતાના ભાંગેલા-તૂટેલા, કાચા ઘેર પહોંચેલા મગને, કુતૂહલવશ, ધીરજ ન રહેતાં, સીલ તોડી થેલીને ભોંય પર ઉલટાવીને જોયું તો....!!

તે  થેલીમાંથી,વર્ષોથી જમા કરેલા, અત્યંત જુના જમાનાના, અનેક જાતના, અનેક ધાતુના, અનેક દેશના સિક્કાઓનો  ભોંય પર ઢગલો થઈ ગયો અને સાથે એક ચિઠ્ઠી પણ નીકળી.

" ભાઈ મગન અને બેટા શના,

મરતાં પહેલાં, મારે તમારા બંનેની માફી માંગવી છે..!!

મને જુના સિક્કો ભેગા કરવાનો, યુવાનીથીજ શોખ હતો. ભાઈ મગન, આજથી બરાબર દસ વર્ષ અગાઉ, એક દિવસ, તું અને તારી વહુ, પાંચ વર્ષના  શનાને, મારા ઘરના  ઓટલે રમવા મૂકીને, શેરી વાળી રહ્યા હતા ત્યારે, નાનકડા શનાના હાથમાં, એકદમ કટાઈ ગયેલો સિક્કો જોઈને, મારી દાનત બગડી હતી.

શનાને ઘરમાંથી ઘણી બધી ચોક્લેટ અને નાસ્તો લાવી આપી, તે આનાકાની કરીને  રડતો રહ્યો છતાંય, તમારાથી છુપાવીને, તે જુનો સિક્કો, મેં રીતસર શનાના નાનકડા હાથમાંથી, છીનવીજ લીધો હતો.

જોકે, તેં અને તારી વહુએ તો, મારા જેવા દયાળુ માણસે, ચોક્લેટ અને નાસ્તો આપવા છતાં, ભેંકડો તાણતા માસુમ  શનાને, બે લાફા ચોડી દઈને, ચૂપ કરાવી દીધો હતો, ત્યારે પણ, મારું મન નઘરોળ અને  કઠણજ  રહ્યું..!!

આમ તો, પાછળથી બે-ચાર દિવસ મારો અંતરઆત્મા મને બહુજ ડંખ્યો. એકવાર તો, શનાને તે જુનો સિક્કો પાછો આપવાનું પણ મન થઈ ગયું, પરંતુ, મારામાં પડેલા, જુના સિક્કાના સંગ્રહખોરનો ( કે સંગ્રહચોર..?)  જીવ ચાલ્યો નહીં. મેં એમ મન મનાવ્યુંકે, એટલા નાના છોકરાને વળી, આ સિક્કાની શી કિંમત? તે  તો, તેને ક્યાંક  ખોઈ નાંખશે?"

મને આ નાનકડા શનાની `હાય` લાગીકે, ગમે તે થયું..!! પણ મારા જુના સિક્કાઓના સંગ્રહમાં, ત્યાર બાદ એકપણ સિક્કો નવો શોધી શક્યો નથી. અરે..!! ત્યારબાદ, હું આ થેલીને ખોલીને જેટલીવાર, નાનકડા માસુમ  શનાનો ચોરી લીધેલો સિક્કો જોઉં, તેટલીવાર ગુન્હાહિતભાવથી, હું સાવ ફિક્કો પડી જતો હતો.

ભાઈ મગન અને બેટા શના, તમારી અનામત, મરતા પહેલાં, મેં તમને, વ્યાજ અને ભારે દંડ સાથે, પાછી સોંપી છે, તેથી મને ઊંઘવા નદેતી, મારી એકમાત્ર ભૂલ માફ કરશો?

આ સિક્કા, હવે કોઈને આપશો નહીં અને વેચવાની જરૂર લાગે તો, આ સાથે અલગ ચબરખીમાં, તેના સાચા  ખરીદનારાનાં નામ-સરનામાં લખ્યાં છે, તેમનેજ વેચજો.

અને હા..!!  સન - ૧૮૬૭ની સાલથી, વર્ષો સુધી, મહામહેનતે જમા કરેલા, અત્યંત જુના જમાનાના, અનેક જાતના, અનેક ધાતુના, અનેક દેશના, આ સિક્કાઓની અત્યારની બજાર કિંમત- રૂ. ૩,૫૦,૦૦,૦૦૦ (રૂપિયા  સાડા ત્રણ કરોડ) ની છે. તે તમારી જાણ સારૂં.

બેટા શના, હવે બીજીવાર તને, મારા જેવો કોઈ,  ફરીથી ન છેતરે તેથી, આ સિકાઓની કિંમત તને લખી જણાવી છે..!!

ભગવાન તમને સુખી કરે. મારી સદગતિ માટે પ્રાર્થના કરશો?

તમારો ગુન્હેગાર,

રમણ પટેલ."


========

મગન અને શનાએ, ધૂજતા હાથે પકડેલી, ચિઠ્ઠી સાથે  ઉંચે જોયું તો, તેમના ભાંગેલા કાચા ઘરની છતના પડેલાં કાણાંઓમાંથી, વરસાદી ઈશ્વરીય રહેમની, સાડા ત્રણ કરોડની કિંમતની મહેર, સીધી ધારે ટપકતી હતી.જાણે, ભગવાને રમણ પટેલને, ખરેખર માફ કર્યા હોય અને તેની રહેમ વરસતી ના હોય તેમ, મગન-શનાના કાચા ઘરની બહાર, ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો..!!

આશરે, એક માસ પછી, મગન, તેની પત્ની અને શનાને, કિંમતી વસ્ત્રો અને  કારમાં ફરતા જોઈને, આખું  ગામ, મોંમાં આંગળાં નાખી, ચર્ચા કરતું હતું
," રમણ પટેલને, મગન સાથે એવો તો કયો સબંધ હશેકે, તેને હીરા-પન્ના, માણેક- મોતી ભરેલી સીલબંધ થેલી, વારસામાં આપી દીધી..!!

જોકે, રમણ પટેલ મરતા ગયા પણ, બંને વહુઓ અને દીકરાઓને, (રડતા નહીં..!!) પાછળ  ઝઘડતા છોડી ગયા. બાપાને, છેલ્લે  છ મહિનાય, સાચવી ન શક્યા,  તે બાબતે, એકબીજાનો વાંક કાઢીને,તે ચારેય જણ,  `તને  મારું કે હું મરું?` પર આવી ગયા હતા..!!  ભોગ તેમના..!! આપણે શું?


ઉપસંહારઃ-  ખરા દિલથી પશ્ચાતાપ કરીને, નશ્વર કાયાને અજવાળી શકાય છે.

માર્કંડ દવે.તાઃ- ૨૭-સપ્ટે.૨૦૧૦. 

1 comment:

  1. વાહ...માર્કંડજી!
    બહુજ જાણવા/સમજવા જેવી વાત કરી.
    સાવરણી-માં જે હળવો કટાક્ષબોધ મળ્યો એ, અને શનાના હાથમાંથી જૂનો સિક્કો લગભગ છીનવી લીધા પછી આટલા વર્ષો એ વ્યક્તિએ જે અજંપો ભોગવ્યો એ, તથા અંતિમ સમયે બંધ થેલીમાં ચિઠ્ઠી સાથે પરત કરવાનું અને પછી વરસાદ.....
    આ બધું જ એક ચમત્કૃતિ સાથે બહુ અસરકારક રીતે વણાયું.
    સુંદર વારતા.
    અભિનંદન.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.