Monday, November 1, 2010

Copy-Paste - કૌન હૈ હમ?

Copy-Paste - કૌન હૈ હમ?


" ઘોડાની ખાલ  ઓઢી, ગધેડો છે..ક ગરી ગયો?
 મારા  બ્લોગનો પાક જોને,  બેધડક ચરી ગયો..!!


=========

પ્રિય મિત્રો,

હમણાં થોડા દિવસ પહેલાં, હું ઘણાજ અગત્યના કામે નીકળ્યો હતો અને રસ્તામાં મારી પત્નીનો ફૉન આવ્યો. ફૉન કદાચ અગત્યનો હશે તેમ સમજીને,હું રોડ પર કાર ડ્રાઈવ કરતો હતો, તેથી કારની સાઈડ લાઈટ ફ્લેશ કરી, કારને બાજુમાં પાર્ક કરી,  ફૉન રીસીવ કર્યો.

મેં વિનમ્રતાપૂર્વક કહ્યું,`હેલૉ.`

સામેથી, કોઈ પુરૂષના, ખડખડાટ હસવાના અવાજ સાથે, અસ્પષ્ટ પ્રશ્ન પૂછાયો," સાહેબ, ઓળખો જોઈએ? K K M. કૌન હૈ હમ?"

મેં વિવેક ન ચૂકી જવાય તેથી, શક્ય તેટલા સંયમિત અવાજે ઉત્તર વાળ્યો," કૌશીકભાઈ?" ;

"ના" ;

"હસમુખભાઈ?" ;

"ઊઁહું?"

"હા,હા, યાદ આવ્યું, આપ જગદીશભાઈને?"

પેલા ભાઈએ કહ્યું," બસ, અમને ભૂલી ગયાને? મને ખબરજ હતી? હા, ભાઈ, તમે તો મોટા માણસ, અમે નાના માણસ..!!"

એક તો મારે મોડું થતું હતું અને આ અજાણ્યા ભાઈ, મારી સાથે "પેહચાન કૌન?" ની રમતે ચઢ્યા હતા..!!

રોડ વચ્ચે ઉભા રહી, આ  રીતે, `હું કોણ-તું કોણ?`ની રમત માડવાનું કોને ગમે?

હું  ખરેખર કંટાળ્યો. મને લાગ્યુંકે, મારે જેટલા ઓળખીતા પુરૂષ છે, તે બધાનાં નામ લેવાં પડશે? પણ તેટલો સમય મારી પાસે ક્યાં હતો? મારે મોડું થતું હતું.

છેવટે, મેં તેમને વચગાળાનો રસ્તો કાઢ્યો," જુઓ, હું અત્યારે ફલાણા બજારમાં, ફલાણા રોડ પર, કાર ડ્રાઈવ કરું છું. આપને પછી ફૉન કરું તો ચાલશે?"

પણ પેલા ભાઈએ આજે, મને સતાવીને, કોઈની સાથે શરત જીતવાની હોય તેમ મને કહે, " મને ખબર છે, તમે ફલાણાભાઈને ત્યાં જવા નીકળ્યા છોને?"

હવે, આ ભાઈને ન  ઓળખવા બદલ, મને ખરેખર શરમ આવી. મને થયું, "કોઈ અંગત વ્યક્તિ હોય તેનેજ મારા આજના કાર્યક્રમની જાણ હોયને?"

જોકે, ભગવાન મારી વહારે ધાયા હોય તેમ, બીજીજ ક્ષણે, ફૉન પર મારી પત્નીનો અવાજ આવ્યો, (આ અવાજ તો હું ઓળખુંજને?),

" આપણા વોર્ડના, ઉમેદવાર શ્રી---------, ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા છે. તે આપણે ત્યાં પાણી પીવા રોકાયા. મને કહે, વાત કરાવો, તેથી ફૉન જોડી આપ્યો."

હવે મને ઉમેદવારભાઈ પર અને તેના કરતાં વધારે મારી પત્ની પર ખૂબજ ગુસ્સો આવ્યો. પણ મોડું થતું હોવાથી, જેમતેમ વાત પતાવીને, હું રસ્તે પડ્યો.

સાલું, મને વિચાર આવે છેકે, લોકોને ફૉન પર આવી સંતાકૂકડી રમવાની શું મઝા આવતી હશે? કદાચ તે નવરા હોય, તેથી બધા નવરાધૂપ ફરતા હશે? વળી, આવા લોકોને, કોઈને સતાવ્યા બાદ, `સૉરી`, કહેવા જેટલુંય સૌજન્ય નહીં સૂઝતું હોય?

જોકે, મને સ્ટારવન પર અગાઉ આવેલા, `લાફ્ટર ચેમ્પિયન` કાર્યક્રમના, મુંબઈના, સ્ટેન્ડઅપ કૉમેડીયન, શ્રીનવિન પ્રભાકરનો, બારબાળાનો, `પેહચાન કૌન`વાળો ઍપિસોડ ખૂબ ગમ્યો હતો, પરંતુ તે તો મારા ઘરના સોફા પર નિરાંતે બેસીને, કૉફીની ચૂસ્કી સાથે, માણવાની બાબત હતી. રોડ ઉપર ઉભા રહીને નહીં..!!

કૉમેડી માણવા માટેય મૂડ બનવો  જોઈએને? રસ્તા વચ્ચે, થોડો મૂડ બને? વળી મને તો ઘણીવાર, જેરીતે , મનોરંજન ચેનલના લોકો આ પ્રકારે ફોન કરીને, બીજાને સતાવીને, `બકરા` બનાવવાના, આખેઆખા ઍપિસૉડ, આપણને કોઈજ મહેનતાણું આપ્યા વગર ઉતારી લઈને, પછી જાહેરમાં આપણો ફજેતફાળકો ઘૂમાવે છે, તે જોતાં `ચેતતા નર સદા સુખી`ની કહેવત, દરેક વ્યક્તિએ, યાદ રાખવા જેવી ન કહેવાય?

જોકે, આ લેખ લખવાનું આજે કારણ એ છેકે, હમણાંજ મારા બ્લોગના ખેતરમાં, ગરી જઈ,  `K K M. કૌન હૈ હમ?` નામનો બનાવટી સાહિત્યકાર મારી` આધુનિક બોધકથાઓ-૩` ને, મારા બ્લોગનું સરનામું અને લેખક તરીકે મારું નામ ડીલીટ કરી નાંખીને, આખેઆખો લેખ, જેમનો તેમ (કલર લાઈન) સાથે બેધડક ચરી ગયો.

જોકે,ઘોડાની ખાલ પહેરેલો, આ ગધેડો  આખેઆખો લેખ ચરી ગયો તેની મને ખબર જાણ ન થાત, પરંતુ પાછું From:  `K K M. કૌન હૈ હમ?ના નામથીજ, જે  યાહુગ્રુપમાં તેને મેં પોસ્ટ કર્યો હતો, તેજ સ્થાને, ફરીથી તેણે પોસ્ટ કર્યો. ગમેતેમ ખાંખાખોળા કરીને, તેનું સાચું નામ અને ઓળખ તો મેં મેળવી લીધી છે અને તેને આ બાબતે ખુલાસો કરવા મેઈલ કરે, ચાર-પાંચ દિવસ થઈ ગયા છે. પણ હજી, ` રામ નામ સત્ય હૈ` છે.

પેલા, `પેહચાન કૌન?` વાળા કૉર્પોરેટર ઉમેદવારની માફક, `સૉરી` કહેવાનું સૌજન્ય, આ પ્રાણીએ, હજીસુધી દાખવ્યું નથી. આવા કૉપી-પેસ્ટ ઉપર નભનારાને, જો મૌલિક સર્જન કરવા શિષ્ય બનવું હોય તો, ઘણા મૌલિક લખનારા, ઉદારતાપૂર્ક તેઓને મદદ કરવા તૈયાર છે અને રખડુ ગધેડા બનીને, ગમે તેના ઉભા પાકનું ભેલાણ કરવું કે ચરવા પેસી જવું તે કરતા, નવસર્જનના પ્રયત્નમાં લાગી જવું વધારે યોગ્ય છે.

યાદ રહે, બધા અભિમન્યુ નથી હોતા, જે માતાના ગર્ભમાં, ચક્રવ્યુહ યુદ્ધરચના શીખી જાય. તેજ પ્રકારે, મારા સહિત કહેવાતા દરેક સાહિત્ય સર્જક, કોઈ સ્થળેથી અનુભવ કે પ્રેરણા મેળવી, ફક્ત એક શબ્દને લઈ, તર્કબદ્ધ આખો લેખ કે વાર્તા લખતા હોય છે અને તેમ સ્વીકારવામાં કોઈએ શરમ ન રાખવી જોઈએ.

કોઈના બ્લોગ ઉપરથી આખેઆખી રચના, જેમની તેમ ઉઠાવી, પોતાના નામે ચઢાવી દેવી, તે સરાસર અનૈતિકતા, અને ફોજદારી રાહે, કૉપી રાઈટભંગનો ગુન્હો છે અને આવા પ્રાણીઓ વ્યંગબાણનાં ડફણાંથી ના સુધરે તો, તેમના પર ના છૂટકે, ફોજદારી રાહે પગલાં લેવા મજબૂર થવું પડે.

ખરેખર તો સ્પષ્ટ,સાચી ઓળખ વગરના સભ્યો ગ્રુપ ભલે જોઈન કરે, પણ તેમને પોસ્ટ પબ્લિશ કરવાની પરવાનગી, સાચી ઓળખ આપ્યા બાદજ આપવી જોઈએ, જોકે, મને આનંદ છેકે, મારી ફરિયાદ પર ત્વરાથી અમલ કરીને, આ પ્રાણીને, જેતે ગ્રુપ સંચાલકશ્રીએ સસ્પેન્ડ કરેલ છે.


મને લાગે છે, આવા જાગૃત સંચાલકો હોય ત્યાં, ભલે જેવું  આવડે તેવું, પણ મૌલિક લખવાનો પ્રયત્ન કરતા, નવા તથા જુના લબ્ધપ્રતિષ્ઠિત, ગુજરાતી ભાષાના સર્જકો અને તેમનું અમૂલ્ય સર્જન, સાવ સલામત છે.નહીંતર થોડા વર્ષ પછી કઈ  પદ્ય -  ગદ્ય  રચના, કયા કવિ-લેખકની છે,તે દીવો લઈને શોધવા છતાંય જાણવા નહીં મળે?


આટલી કઠોર ભાષામાં, કૉપી-પેસ્ટ કરનારા માટે લખવું, તે કોઈના પણ, મનને ન રૂચે તેવી પ્રક્રિયા છે. પરંતુ કડવું ઓસડ તો માઁ જ પાયને? .

પણ, બસ બહુ થયું, હવે આવા લોકો પ્રત્યે, ફોજદારી રાહે પગલાં ભરવાનો સમય પાકી ગયો છે અને મારા હાથે તેની શરૂઆત થાય તો , તેની નવાઈ નહીં..!!

તા.ક. આ લેખ દ્વારા કોઈનું અપમાન કરવાનો ઈરાદો હરગિજ નથી. ઓળખ વગરના બ્લોગર્સને, બંધબેસતી પાઘડી પહેરવાની છૂટ છે.

માર્કંડ દવે. તા ૦૧ -નવેમ્બર ૨૦૧૦.

========

8 comments:

  1. શ્રી માર્કડ સર,કોપીપેસ્ટ,પ્લેજરીઝમ,પેરડીથી બધા જ પરેશાન છે.હું આપની વેદના સમજી શકુ છું.આવા બાયલા લોકો ઈન્ટરનેટ પર ઘણા છે.

    સુધારશો:- પેહચાન કૌન ? વાળા ભાઈ મનોજ પ્રભાકર નહીં ,પણ નવિન પ્રભાકર (હું પણ તેમનો ફેન છું) ,મનોજ પ્રભાકર તો ક્રિકેટર હોવો જોઇએ. :P

    ReplyDelete
  2. પ્રિય શ્રીસતિષભાઈ રાઠોડસાહેબ,

    સુધારો સૂચવવા બદલ, તથા સમર્થન આપવા બદલ આપનો ખૂબ આભાર.

    માર્કંડ દવે.

    ReplyDelete
  3. અમિતાભ બચ્ચનનો અને આમિર ખાનનો બ્લોગ જોઈને દેખાદેખીમાં વર્ડપ્રેસ કે બ્લોગસ્પોટની મહેરબાનીથી કે ૫૦૦૦ ખર્ચીને બ્લોગ તો જાણે બનાવી લીધો, હવે લખવા માટે વિચારો ક્યાંથી લાવવા? વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કેમ કરવું? વિચારોનું વ્યંધત્વ દૂર કેમ કરવું એ સમજ ન પડતી હોય ત્યારે આવા 'ગધેડા'ઓ પ્લેજરીઝમ અને કૉપી- પેસ્ટના રવાડે ચડી પોતાની બદનામી કરાવી લેતા હોય છે! ભોંઠા તો એ કૉમેન્ટરોને બનવું પડે છે જેમણે એવા નકલખોરીયાઓની પોસ્ટ પર બ્લોગરની પોતાની લખેલી પોસ્ટ છે એમ સમજીને કૉમેન્ટ કરી હોય છે!

    ReplyDelete
  4. પ્રિય શ્રીવિનયભાઈ,

    આપ તો ખરેખર ગુજરાતી સાહિત્યજગતના પ્રહરી છો.
    ઘન્યવાદ.

    માર્કંડ દવે.

    ReplyDelete
  5. શ્રીમાર્કંડ્ભાઈ
    કોપીપેસ્ટથી મોટા ભાગના બ્લોગર મિત્રો પરેશાન છે. મારા લેખની પણ મારી જાણ બહાર કોપી પેસ્ટ વડે પોતાના બ્લોગ ઉપર પોતને જ નામે જે તે લેખ મૂકી દેનારા સાથે જરા કડકાઈથી વાત કરતા સુધારો કરી મારા નામનો અને બ્લોગની લીક્નો ઉલ્લેખ કરવાની ફરજ પડેલી. તેમ છતાં આ કોપી પેસ્ટ કરતા કેમ અટકાવવું તે સમજ પડતી નથી. વળી કેટલાક ભૂતિયા નામે જ બ્લોગ લખતા હોય છે. આવા અનૈતિક કામ કરી કેટલાક લોકો ગુજરાતી બ્લોગ જગતનું નામ બગાડે છે. પોતના વિચારો પોતાની આગવી શૈલી અને ભાષામાં મૂકતા આવા લોકોને શરમ આવતી હશે ? કે ગુજરાતી ભાષાનું સાધારણ જ્ઞાન પણ નહિ ધરાવતા હોય ?
    સ-સ્નેહ
    અરવિંદ

    ReplyDelete
  6. પ્રિય ભાઈ,

    મને લાગે છે, કૉપી-પેસ્ટના રીઢા ગુન્હેગારોને, બાદ કરીને નવા આવેલા પણ મૌલિક લખવાની સૂઝબૂઝના અભાવે, આવા રવાડે ચઢેલાને, બ્લોગ પર શરૂઆતમાં પોતાના રોજેરોજના અનુભવની રોજનીશીથી શરૂ કરીને, નાનપણમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં,આવતા `મુદ્દા પરથી વાર્તા લખો `જેવા વિષય આપીને, દરરોજ બ્લોગ ગ્રુપમાંજ હકારાત્મક પ્રયત્ન કરવા જેવો છે.

    કદાચ, આપણે રીઢા ગુન્હેગારોને ડંડો લઈને ફરી વળીએ, ત્યારે `સુકા ભેગું લીલું ન બળે` તે બાબતનું પણ જો ધ્યાન રાખીશું તો સાચા અર્થમાં, આપણે આપણી ગુજરાતી માતૃભાષાની સેવા કરી ગણાશે, તેમ મારું નમ્રપણે માનવું છે. આ બાબતે જાહેર અભિપ્રાય મેળવવા જેવો લાગે છે?

    આપણા ગુજરાતમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવના ખૂબ પ્રબળ છે, તો પછી આપણે સહુ ગુજરાતી લોકો એકજ માતાનાં સંતાન ગણાઈએને?

    મને યાદ છેકે, પૂજ્ય ગાંધીબાપૂનું સાહિત્ય તથા અન્ય કેટલાય પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ, તેમનાં પોતાનાં સંતાનોને, પોતાની રચનાઓના હક્ક વારસામાં આપવાને બદલે, કોઈ સમાજઉપયોગી ટ્રસ્ટ કે અન્યને તે, હક્ક તબદિલ કરેલા છે. આવા કિસ્સાઓમાં સુપ્રિમ કૉર્ટ દ્વારા પણ, લેખકની અંતિમ ઈચ્છાને માન આપ્યાના ચૂકાદા આવેલા છે.

    જોકે, આટલી ઝીણવટથી બ્લોગ જગતમાં કોઈ પિષ્ઠપેષણ કરતું નથી અને કોઈએ આ અંગે વિગતે લખ્યું હોય તો તેને પોતાની મરજી માફક મારી મચડીને અર્થનો અનર્થ કાઢી, વિકૃત કરી તેને વિસારે પાડવામાં આવે છે.

    મારું માનવુ છેકે, જો દેખાદેખી પણ બ્લોગજગતમાં, પ્રવેશીને કોઈ નવયુવાધન, માતૃભાષામાં મૌલિક લખતા થાય તો તે બાબત તો, ઈશ્વરને અને સાચી નિષ્ઠાથી પોતાની જાતને નિરંતર સુધારવા મથતા નવા બ્લોગર્સ માટે પણ ઘણુંજ ધન્યવાદ આપવાને પાત્ર ગણાય.

    ખેર, આ ચર્ચા જ્યાંસુધી, કૉપી-પેસ્ટ અને કૉપીરાઈટ એક્ટ ઉલ્લંઘન બાબતે, ઈન્ટરનેટ જગતમાં, મૌલિક રચનાઓ લખતા તમામ રચનાકારનું એક કૉમન લીગલ સેલ સહિત, આ અંગે નક્કર ફોરમની રચના નહીં થાય, ત્યાંસુધી આપના જેવા કેટલાક જાગૃત મિત્રોજ ધ્યાન દોર્યા કરશે, કે બીજાનાં અપમાન સહન કર્યા કરશે તે, દુઃખ આપે તેવી બાબત છે.

    હું છેલ્લા ૫૦ વર્ષથી, સાહિત્ય, સ્ટેજ, સંગીત અને ટીવીફિલ્મક્ષેત્રે કાર્યરત છું. મારા બ્લોગ પરથી પણ મારા લેખની ઉઠાંતરીના કિસ્સા તાજેતરમાં બન્યા હોવાથી, હું કૉપી રાઈટ એક્ટ ઉલ્લંઘનથી થતા દિવાની અને ફોજદારી પગલાં ઉપર એક વિસ્તૄત લેખ બ્લોગ પર મૂકવાનો છું.

    આપનો ખૂબ આભાર, ઈશ્વર સહુને સદબુદ્ધિ આપે તેવી અભ્યર્થનાસહ.

    માર્કંડ દવે.

    ReplyDelete
  7. શ્રી માર્કંડભાઈ
    આપનું સુચન ખૂબ જ સુંદર છે. નવા બ્લોગરે રોજનીશી જેવા માધ્યમથી લખવાની શરૂઆત કરવી જોઈએ અને જરૂરી નથી કે તેમાં કોઈ વાર્તા કે તત્વજ્ઞાન જ ઠ્લવાયેલું હોવું જોઈએ ! પોતાના મનમાં જે કોઈ વિષયા ઉપર વિચારો આવે તે લખી શકાય અને કોઈ મિત્ર પાસે સુધરાવી પણ શકાય ! વાચન પણ વધારવું આવશ્યક ગણાય ! આ માટે તો ન.મો. પણ કોશિશ કરે છે અને વાંચે..ગુજરાત તેવા કાર્યક્રમો આપી વાચન ભૂખ ઉઘાડવા પ્રયત્નશીલ છે. આપ કોપી રાઈટ ઉપર લેખ મૂકવા વિચારો છો તે પણ સારી વાત છે.મારા ધારવા પ્રમાણે મોટા ભાગના મારા સહિત આ વિષે વધુ જાણતા નથી. ખેર ! આપની સાથે હું પણ જોડાઉ છું કે ઈશ્વર સૌને સદ બુદ્વિ આપે !

    ReplyDelete
  8. Shri Markand Dave,

    Are dave sir, aato chalo koik e copy kari...pan tame teno javab to bau jordaar apyo ho....
    ekdam gujrati style.... :p
    ,
    -+M+-

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.