Thursday, December 9, 2010

બચત છે ગજબનો ફંડા, ઉડાઉને માર બે ડંડા..!!

બચત છે ગજબનો  ફંડા, ઉડાઉને  માર  બે  ડંડા..!!

 
લબાડ સવાલઃ- " આપણી ચલણી નોટ પર પૂ.ગાંધીબાપુની છબી કેમ છપાય છે?"

આડવીતરો જવાબઃ- " પેન્સીલના ટૂકડાનીય કરકસર કરનાર પૂ.બાપુની, ગાંધીછાપ નોટને ખર્ચવાને બદલે, આપણે  બચતનો ફંડા સમજીએને,  તે માટે..!!"

=========

પ્રિય મિત્રો,

પહેલાંના જમાનામાં, આઝાદી બાદ, દેશમાં ફેલાયેલી અંધાધુધીને કારણે પેદા થયેલ, અનેક આર્થિક સંકટ છતાં, કેટલાક બેફિકરા અને ઉડાઉખોર દેશવાસીઓએ, જીવનદર્શનના ચાર્વાક કથનને બરાબર ગોખી, રટીને, જીવનમાં તન્મયતાપૂર્વક અમલમાં મૂક્યું હતું.

यावज्जीवेत्सुखं जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत्। भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ।। (चार्वाक दर्शन)

અર્થાતઃ- " મનુષ્યએ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી, સુખપૂર્વક જીવવું જોઈએ. પોતાની પાસે ધનસંપત્તિ ન હોય તો, બીજા પાસેથી ઉધાર ધન લઈને પણ (ઘી પીવા જેવી) મોજમઝા માણવી જોઈએ. સ્મશાનમાં શરીર બળીને ભસ્મ થઈ જાય, બાદ પૂનર્જન્મ લઈને, એજ શરીરને ફરીથી ઘરતી પર જન્મ લેતાં કોણે જોયું છે? "

કદાચ, આટલા વર્ષો બાદ પણ, ચાર્વાક જીવનદર્શનના ઉપર જણાવેલા અદભૂત (!!) ઉપભોક્તાવાદ સંસ્કૃતિના વિચારને આગળ ઘપાવતા હોય તેમ,  આ  કથનમાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા, ઉડાઉખોર, વિલાસી, લાલચુ માનવીઓના લાભાર્થેજ, આવા લોકોને `ઘી પીવા` સૉરી, મોજમઝા કરાવવા, દુનિયાભરની નાણાંકીય સંસ્થાઓના એજન્ટો, ઘેરઘેર રૂબરૂ ફરીને, `કોઈ  રૂપિયા ઉધાર લો - કોઈ રૂપિયા  ઉધાર લો" કહીને, કરગરતા જણાય છે. વળી નબળા મનના લોકો આવી સંસ્થાઓની, જાળમાં ફસાઈને, ભૌતિકવાદ ધરાઈને માણ્યા બાદ, ઉધારી ચૂકવી ન શકતાં, નાનાં-નાનાં બાળકો સહિત, આખેઆખા  નિર્દોષ  કુટુંબ સાથે આપઘાત કરે છે. સહુથી મોટી દુઃખની વાત એછેકે, આવા દુઃખદ સમાચારોની વચ્ચે પણ, માનવી, કરકસર તથા બચતના અનન્ય મર્મ, માનવીય ધર્મ અને સંયમી કર્મના મહત્વને, ઈરાદાપૂર્વક વીસરી ગયો છે.

ઉપભોક્તાવાદ સંસ્કૃતિના  અમર્યાદિત પ્રસાર તથા સરળ ધિરાણ ઉપલબ્ધિના કારણોસર જ, સમગ્ર દેશમાં ડૉમેસ્ટીક બચત, જે ૨૦૦૭માં,   ૧,૪૩,૫૫૨/- કરોડ હતી તે ૨૦૦૮માં ઘટીને    ૧,૧૧ ૨૩૪/- કરોડ થઈ ગઈ હતી.વર્લ્ડ બેંક તથા આઈ.એમ.એફ.ના આંકડાઓ પ્રમાણે, ૨૦૦૮માં આ  બચતમાં થયેલા ૩૪% ના ઘટાડામાં, દર વર્ષે સતત આશરે ચાર ટકાનો ઘટાડો નોંધાય છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે, ખૂબ ચિંતાનો વિષય છે.

આપણા દેશની તમામ ભાષાઓમાં બચત અંગેની કહેવતોની ભરમાર છે, પણ તેય આત્મસાત કોને કરવી છે?  દા.ત. ગુજરાતીમાં, ૧. ત્રેવડ ત્રીજો ભાઈ છે. ૨.સંઘર્યો  સાપ પણ કામ લાગે. ૩.ઉધાર માગવું મોત બરાબર. ૪. વ્યાજ ઉધઈની જેમ આવકને કોરી ખાય  છે,વિગેરે,વિગેરે...!!

ડાયરેક્ટર-શ્રીૠષિકેશ મુખર્જીની ફીલ્મ -` ગોલમાલ (૧૯૭૯) માં,  શ્રીઅમોલ પાલેકર દ્વારા કૉમેડીના હેતુથી માર્મિક સંવાદ બોલાયો છેકે,

" સર, મેરે પિતાજી કહા કરતે થે કી, કુર્તા તો શરીર કે ઉપરાર્ધકી લજ્જા નિવારણ કે લીયે હોતા હૈ, ભારત વર્ષમેં દસ કરોડ મર્દ  કુર્તા પહેનતે હોંગેં, અગર  હર આદમી અપના કુર્તા છહ ઈંચ  ભી છોટા કરલે, તો ઉસમેં સે જીતના કપડા બચેગા, ઉસસે કીતને લોગોં કી વસ્ત્ર સમસ્યા હલ હો સકતી હૈ..!!"

આમતો,ઉપભોક્તાવાદમાં સંયમ દાખવવાનો, આ ચિંતનાત્મક વિચાર નવો નથી. પૂજ્ય મહાત્મા શ્રીગાંધીબાપુએ, આખી જિંદગી માત્ર એક પોતડીભેર જીવન પસાર નહતું કર્યું? તેમનું ઉદાહરણ દેશવાસીઓને `બચત-SAVINGS` નો ગજબનો ફંડા સમજાવવા,પર્યાપ્ત નથી? 

બચત શા માટે?  * જીવનમાં મુસીબતના સમય માટે બચત કરવી જોઈએ.* કોઇની પાસે મદદ માંગ્યા વગર, સ્વમાનથી જીવી શકાય.* બાળકોનાં ભણતર, ઉચ્ચ શિક્ષણ માટે ઉધારી ન કરવી પડે.* બાળકોના લગ્નપ્રસંગ કરવા માટે.* વેકેશન જેવા સમયે, હરવા ફરવા જવા માટે.* સોનું ચાંદી કે યોગ્ય નાણાંકીય સંસ્થામાં બચતને રોકીને, કાયમી આવક ઉભી કરવા.* કુટુંબમાં અચાનક આવેલી બીમારીના, તબીબી ખર્ચને પહોંચી વળવા માટે.* નિવૃત્તિ બાદ, આર્થિક રીતે, કોઈનું ઓશિયાળાપણું ન અનુભવાય તે માટે.

આવકના આયોજન વગર મેળવેલી લોન કે ૠણ, કારણ વગરની ચિંતા અને જીવનમાં તણાવ પેદા કરે છે. સામાન્ય રીતે ઉધારીની માસિક વ્યાજ તથા હપ્તાની રકમ, આવકના ૨૦ ટકા જેટલીજ હોવી જોઈએ. માસિક બચતની રકમ બચાવવા-વધારવાનો બીજો ઉપાય બીનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાનો છે. તેથીજ ત્રેવડ ત્રીજો ભાઈ છે તેમ કહ્યું છે. વળી દર વર્ષે, આવક સ્થિર રહેશે તેવી ગેરંટી પણ હોતી નથી. તેથી શેખચલ્લીના સપનાં જેવા, આવકના અંદાજ માંડીને, ઉધારી કરવા જતાં, નાદારીની કક્ષાએ પહોંચી જવાનો ભય હોય છે, તે ધ્યાને રાખવું જોઈએ.

બચતનું રોકાણ પણ, સમયના અંદાજ લગાવીને કરવું જોઈએ.*  સંતાનનાં લગ્ન કેટલાં વર્ષ બાદ થવાની શક્યતા છે? ટૂંકા ગાળામાં નાણાંની જરૂર માટે, સોનામાં રોકાણ કર્યું છે? (સોનાના ભાવ સતત વધતા હોય છે.) * અંગત સગાવહાલાં, મિત્રોને, બચતનાં નાણાં ઉંચા વ્યાજે  ધીરવાને બદલે, ઓછા વ્યાજ-વળતર આપતા સરકારી નાણાંકીય સંસ્થાઓમાં બચતની સલામતી વધારે હોય છે. * ટેક્સના રીબેટનું પ્રમાણ વધારે હોય, તેવા લાંબા ગાળાના ટેક્સ ફ્રી પ્લાનમાં, બચત રોકવી જોઈએ. * આપણને ખબર છેકે, મોંઘવારી વધતીજ જાય છે, દર વર્ષે તે બચત પર અસર કરે છે, તેથી દર વર્ષે ઓછામાં ઓછી ૧૦% મોંધવારી વધશેજ તે ગણતરીમાં લઈ આવક-ખર્ચ નું ૧૦%નું સંતુલન જાળવવું. * દેખાદેખી કાર જેવી, બીનજરૂરી લક્ઝરી ચીજવસ્તુઓ ન ખરીદવી જોઈએ.*નાની ઉંમરે કરેલી બચત કરતાં, મોટી ઉંમરે કરેલી બચત ઓછું વળતર આપે છે. * બચત કરવા તો આખી જિંદગી પડી છે, તેમ માનીને ઉડાઉખોરને, મુશ્કેલીમાં, સમય નામનો ઓળખીતો જમાદાર બે-ચાર ડંડા વધારે મારે છે,કદાચ એટલેજ જુના જમાનામાં બહેનો, ચ્હા-ખાંડ, લોટના ડબ્બાઓમાં, પતિથી છાનામાના રૂપિયા સંતાડતી હતી? બચતના ફંડાને નહીં માનનારા માટે, સહુથી મોટી ચેતવણી એજ છેકે, ગુજરાતમાં આવેલા, ભયંકર ભૂકંપ કે કોમી દંગલ, રાજકીય કે શેરબજારની ઉથલપાથલ, વૈશ્વિક મંદી,  જેવા અણધાર્યા, કોઈપણ કારણસર, લગભગ મહિનાઓ કે વર્ષો સુધી, આવક  શૂન્ય અથવા સાવ નગણ્ય થઈ જાય ત્યારે, બચત કરેલી રકમ હાથવગી હોય તો, સ્વમાન ખોઈને, કુટુંબને ભીખ માંગવાનો વારો નથી આવતો.

મને એક મિત્ર કહે," શું આપણને સીધો ફાયદો થાય તેનેજ બચત કરી કહેવાય ? દેશ માટે, વીજળીની બચત, પાણીની બચત, ફૉરેસ્ટની બચત, વાઈલ્ડલાઈફની બચત, પર્યાવરણની જાળવણી કે  ગ્લેશીયર અને સહુથી વધારે તો ઑઝોન વાયુના પડની જાળવણી દ્બારા, આપણી ધરતીમૈયાની બરબાદી રોકવી તેપણ, એક પ્રકારની બચત ન કહેવાય?"   સાલું..!! આ મિત્રની વાતમાં દમ તો છેજ..!!

વીજળીની બચતઃ- આપ જાણો છો? આપણા દેશને આઝાદી મળે ૬૦+ વર્ષ થયાં છતાં,ભૌતિક સગવડની રીતે, દેશના ઘણા પછાત વિસ્તારોમાં, આજે પણ ફાનસ અને લૅમ્પ દ્વારા અભ્યાસ કરીને, ઘણાં ગરીબ પરિવારોનાં બાળકો, ડૉક્ટર,ઍન્જિનીયર, આઈ.એસ; આઈ.પી.એસ. થવાનાં સ્વપ્ન સેવે છે.

* બીન જરૂરી લાઈટ ન વાપરો.હંમેશાં CFL કે એલઈડી બલ્બ વાપરો. *ગીઝર હંમેશાં ઓછા ટેમ્પરેચર પર સેટ રાખો.* ટી.વી.,કંમ્યુટર, પંખા, એ.સી., ફ્રીઝ, જરૂર પુરતાંજ વાપરો. સમયાંતરે તેને સર્વિસ કરાવતા રહો. * ઈલેક્ટીક પાવર સેવર ડિવાઈસનો ઉપયોગ કરો. * બહારગામ જતી વખતે મેઈન સ્વીચ બંધ કરો.* કંપાઉન્ડમાં આખીરાત લાઈટ રાખવાને બદલે, મોડી રાત્રે લાઈટ બંધ કરવા ટાઈમર રાખો. * શક્ય તેટલો વધારે સૂર્યપ્રકાશનો લાભ લો.

કુદરતે આપણને સૂર્ય જેવું, ૧,૩૯૨,૦૦૦ કિલોમીટર્સ વ્યાસ (લગભગ ૧૦૯ પૃથ્વી સમાય તેટલું મોટું ) અને સપાટી ઉપર ૯,૯૧૦ ફૅરનહીટ(૫,૫૧૦ સેન્ટીગ્રેડ) તાપમાન ધરાવતું ,જગતનું સર્વોચ્ચ,વિશાળ, ફાનસ ભેંટ આપેલું છે.આપણી પૃથ્વીથી આશરે ૧૪૯.૬ લાખ કિ.મીટર દૂર હોવા છતાં,તે દરરોજ સવારે અચૂક ઉગે છે. સૉલારના ઉપયોગથી ચાલતાં પ્રકાશ માટેનાં, ઉપકરણો દિવસે દિવસે સસ્તાં થતાં,સાવ પછાત વિસ્તારોને પણ આધુનિક વિજ્ઞાનનો લાભ મળતો થયો છે. `ધી લાઈટ અપ વર્લ્ડ ફાઉન્ડેશન`,(LUTW) દ્વારા , `નહી નફો-નહી નુકશાન`ના ધોરણે, અત્યાર સુધીમાં વિશ્વના, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સહિત, આશરે ૨૬ દેશોનાં ૧૪૦૦૦ ઘરોમાં, સૉલાર-લાઈટની સવલત પુરી પાડી છે.

પાણીની ( H2O ) બચતઃ-આપ જાણો છો?  આપણી પૃથ્વીનો બે તૃતિયાંશ હિસ્સો પાણીથી ભરેલો છે, પરંતુ વિટંબણા એ છેકે, તેનો માત્ર ૦.૦૦૨% હિસ્સોજ પીવા લાયક પાણીનો છે.

* પાણીની બચત કરવા પાણીનું મીટર નંખાવો.* ચોવીસ કલાક ટપકતા નળ-પાઈપ તરત રીપેર કરાવો.* બાથરૂમમાં નાની સાઈઝના ફુવારા ( shower )નંખાવો.* બાથરૂમમાં કલાકો સુધી નહાવાનું ટાળો.* બ્રશ અથવા શેવિંગ કરતી વેળાએ, નળ સતત ખુલ્લો ન રાખો. * ટોયલેટમાં મેન્યુઅલના સ્થાને ઑટો ફ્લશ નંખાવો.  *વાસણ, કપડાં ધોવાનાં મશીનમાં, યોગ્ય ડીટરજન્ટ સાથે, જરૂર પુરતાજ પાણીનો ઉપયોગ કરો. * બગીચામાં પાણીની બચત માટે, પ્લાન્ટ અને લોનમાં છંટકાવ માટેના સ્પીન્કલર્સ વસાવો.* ડોલમાં થોડું પાણી લઈને કાર ધોવાની ટેવ રાખો. * વરસાદી પાણી સંગ્રહવા અંડર ગ્રાઉન્ડ ટાંકા બનાવો.* જો પાણી જમીનમાંથી બોર દ્વારા મેળવતા હોયતો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ફરજીયાત ઉભી કરો.* ખેતીમાં ડીપ ઈરિગેશન સિસ્ટમ વાપરો.* જો સ્વીમીંગ પુલ હોય તો, તેને કવર કરો, જેથી વારંવાર પાણી બદલવું ના પડે.*

યાદ રાખો, એક વ્યક્તિ, સાત દિવસમાં, લગભગ ૧૦૦૦ લીટર પાણીનો વપરાશ કરે છે, ઉપર દર્શાવેલ પદ્ધતિનો અમલ કરીને, પાણીની વપરાશ કેટલી ઘટે છે, તે તફાવત નોંધવા જેવો છે..!! પાણીની કિંમત તો રણના તરસ્યાને જ  ખબર હોય..!! પાણી બચાવો, એક દિવસ તે તમને બચાવશે..!!

પર્યાવરણ બચાવોઃ- કુદરતી જંગલ અને તેમાં વસતાં, પશુ,પક્ષી અને જંગલી જીવોના રક્ષણ કાજે ઉપાય અપુરતા કેમ છે? જોકે, આપણે પર્યાવરણનું ખરેખર રક્ષણ કરવા માંગતા હોય તો આપણા ઘરથીજ તેની શરૂઆત કરવી જોઈએ.

* પર્યાવરણને નુકશાન કરે તેવી ચીજવસ્તુઓનો (પ્લાસ્ટીક) કચરો, રીસાયકલીંગ માટે અલગ રાખો.* ઑફિસ કે ઘરમાં પેપરલેસ વર્ક સિસ્ટમ વિકસાવો, વૃક્ષોનું નિકંદન થતું અટકાવો.*ઘરમાં પણ શક્ય તેટલા વધુ છોડ ઉગાડો. * આ છોડમાં ખાતર તરીકે રસોડાના કચરાનો ઉપયોગ કરો.*  કાર્બનમોનોક્સાઈડ ઓકતી કારને બદલે, બહાર જવા સ્ટેટ  રૅપિડ રોડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરો.* કાર-બાઈક સમયસર સર્વિસ કરાવતા રહો.* ઈલેક્ટીક ઉપકરણો પાવર સેવર સ્ટાર લેબલનાં જ ખરીદો.* ઘરને ઈકોફ્રેંડલી રંગોથી પેઈન્ટ કરાવો. * ઘરનું ફર્નિચર લાકડાને બદલે, અન બ્રેકેબલ-લોંગલાસ્ટીંગ ફાયબર, પ્લાસ્ટીક અથવા લોખંડનું ખરીદો.* `યુઝ એન્ડ થ્રો`,ડીસ્પોઝેબલ કિચન એસેસરીઝને બદલે, સિરામિક અથવા મૅલામાઈન એસેસરિઝ વસાવો. * ઘરમાં, પ્રકાશથી લઈને રાંધવા સુધીના કાર્ય માટે, સૂર્ય ઉર્જાથી ચાલતાં સાધનો વસાવો. * પ્લાસ્ટીકનો  શક્ય તેટલો ઓછો વપરાશ કરો તથા તેનો કચરો રખડતાં ઢોર કે પ્રાણીના પેટમાં ન જાય તે ધ્યાન રાખો.
 
આ ઘરતી આપણી માતા છે તેને પ્રદુષણ મૂક્ત રાખવી તે  આપણી નૈતિક ફરજ છે. જાણીતા અમેરિકન પત્રકાર-લેખક ફૅન મૉન્ટેજ્ને ક્રોનિકલ્સ,તેમના પુસ્તક, `Fraser's Penguins: A Journey to the Future in Antarctica`માં જણાવે છેકે, માનવજાતની મૂર્ખામી અને સ્વાર્થધાંતાને કારણે,  છેલ્લા ૬૦ વર્ષમાં, ઍન્ટાર્ટિકાનું તાપમાન ૧૧* ફૅરનહીટ જેટલું વધી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ ના કારણે, ઑઝોનના લેયરને ગંભીર નુકશાન થતાં, સન ૧૯૭૫ થી અત્યાર સુધીમાં, ઍન્ટાર્ટિકાનાં ૮૦% ગ્લેશિયર વિનાશના આરે આવીને ઉભાં છે, જેને કારણે સમુદ્રનું જલસ્તર વધવા સાથે, સમગ્ર વિશ્વમાં, મૌસમની અનિયમિતતાને કારણે ક્યાંક લીલો તો ક્યાંક સુકો દુષ્કાળ,આંધી, તોફાન, વાવાઝોડા,અતિશય ઠંડી- બાળતી ગરમીના પ્રકોપ પ્રવર્તે છે.


ખેર..!! `સબ કો સન્મતિ દે ભગવાન`ની અમર આશા સાથે, મહર્ષિ વેદવ્યાસજીએ કળીયુગના પ્રભાવ અંગે કેટલાક ભવિષ્ય કથન કરેલાં છે. જે આજના યુગમાં કેટલા સાચાં છે, કેટલા ખોટાં, આપ જરા કહેશો? 

* રાજાઓ પ્રજાનું ધન લૂંટીને ચોર થશે.(સાચું,ખોટું.)(સ્વિસ બેંક્સ?)
* વર્ષારુતુમાં ગમેત્યારે ગમે તેરીતે વરસાદ પડશે.લોકો નદી તળાવનાં પાણી ઉલેચીને ખેતી કરશે.(સાચું,ખોટું.)(બંધ નિર્માણ?)
* ઉધાર માંગવામાં લોકો શરમાશે નહીં,સાચા માંગનારને નિરાશ કરાશે.(સાચું,ખોટું.)(ક્રેડીટ કાર્ડ?)
* તમામ લોકો કોઇને કોઇ રોગથી પિડાતા હશે,કોઇ નિરોગી નહી હોય.(સાચું,ખોટું.)(અ..ધ..ધ..ધ..હૉસ્પિટલો?) * પારકું ધન ઓળવવાના દુષ્કૃત્યોને કારણે ટંટાફિસાદ,ઝગડા વધશે.(સાચું,ખોટું.)(મારામારી,ખૂન?)
* લોકો પોતાનાં દેવાં ચૂકવશે નહી.(સાચું,ખોટું.)(ડિફૉલ્ટર્સ?)
* તામસી લક્ષ્મીનું વર્ચસ્વ વધશે,સજ્જ્નો નહી દુર્જનો પુજાશે.(સાચું,ખોટું.)(નાગાની પાંચશેરી ભારે?)
* લોકોનું આયુષ્ય અતિ ટૂંકું હશે,તેઓ શરીરે અતિ દુર્બળ હશે.(સાચું,ખોટું.)(નો કૉમેન્ટ્સ? તમે જાણો.)

હે પ્રભુ,હવે સતયુગ ને કેટલીવાર છે ?

છેલ્લે, શ્રીમદભગવતગીતામાં ભગવાને ભક્તોને આપેલી સલાહ,  

`सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा: सर्वपापेभ्याम मोक्षयिष्यामि मा शुच:।`, ને,

સહુની ક્ષમાયાચના સાથે, હું બચતના પરિપ્રેક્ષમાં રજુ કરુંતો,

 `व्यर्थ व्ययम परित्यज्यं, संचयम शरणं व्रज। संचयम सर्व विध्नादि, मोक्षयिष्यामि ते शूचः॥`

અર્થાતઃ- વ્યર્થ વ્યયની આદતને ત્યજીને, બચતના શરણે આવો,કારણકે બચતજ સર્વ વિધ્નોમાંથી મૂક્તિ અપાવી શકશે.

માર્કંડ દવે. તા.૧૭ નવેમ્બર ૨૦૧૦.

4 comments:

  1. ઘણું લંબાણ છે આ લખાણમાં પણ તો ય એકી શ્વાસે વાંચી જવાયું. કારણ કે એક પણ શબ્દ તેમાં બિનજરૂરી નથી કે ક્યાંય પુનરોક્તિ નથી.

    કુદરતે આપેલા સ્ત્રોતોને વાજબી રીતે વાપરવા તેમાં જ બુધ્ધિમતા છે. હાથમાં તાકાત હોય તો થોડા ભીંતમાં ગુંબા મારીએ છીએ ?

    ભૌતિક સંપત્તિનો ઘણો બધો વ્યય થાય એવી જીવનશૈલીએ ઝડપ પકડવા માંડી છે.

    લગ્નોમાં એટલી બધી વાનગીઓ હોય છે કે કોઇ ખાઇ પણ ના શકે. છેવટે ભોજન સામગ્રીનો બગાડ થાય છે. અન્ન એ દેવતા છે - તેનો બગાડ ના થવો જોઇએ, એ ખ્યાલ આજની પેઢીના મનમાં દૃઢ કરવા શાળા કક્ષાએ શિક્ષણ આપવાની જરૂ છે, તેમજ સાક્ષર ગણાતા માતા-પિતાઓએ તેમના બાળકોને આ શીખવીને સંસ્કાર રેડવા જોઇએ.

    એક એક ઘરમાં ૨૫-૫૦ રાઇટીંગ બોલપેનો પડી રહેલી હશે. એક વ્યક્તિ પાસે ૧૫ થી ૨૦ શર્ટસ હશે. સાડીઓ અને ડ્રેસની સંખ્યાનો પાર નહીં. વાહનોની સંખ્યા ઘરમાં વ્યક્તિદીઠ એક એક માત્ર આવશ્યક્તા વગર પણ સ્ટેટસ સીમ્બોલ માટે હોય તેવું ય બને છે.વ્યક્તિદીઠ એક એક મોબાઇલ ફોન.. ભણતા વિદ્યાર્થીઓને પણ તેઓ ગમે ત્યારે વાત કરી શકે માટે ફોનની સગવડ !! આટલી બધી કઇ અગત્યની વાતો હોય ? આ બધા ઉપભોગથી પૃથ્વીમાતા પાસેથી આપણે જે લઇ લઇએ છીએ; તેની કિંમત ચુકવવી પડશે - એ નક્કી છે.

    ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવવાના ખ્યાલ વિકસાવવા માટે સમાજ અને સરકારે પણ કંઇક વિશેષ કરવું જોઇએ.

    માર્કંડભાઇએ વિસ્તૃત વિગતો આપી છે. આ વિચારોને વધુ ને વધુ ફેલાય તેવા પ્રયાસો થાય તેટલે અંશે સમાજપયોગી બને. માર્કંડભાઇને અભિનંદન... આ ચિંતન બદલ..

    ReplyDelete
  2. આદરણીય શ્રીઠક્કરસાહેબ,

    આપનો ખૂબ-ખૂબ આભાર.

    માર્કંડ દવે.

    ReplyDelete
  3. સાચી વાત છે ઘણું લાંબુ લખાણ છે, પણ કોઈ પણ જગ્યાએ કંટાળા નું નામ નથી.. વાંચવા બેસો એટલે પત્યું પૂરું થાય પછી જ ઉભા થવાનું મન થાય.
    ખુબ ઉપયોગી લેખ,

    Madhav's Magic Blog

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.