Thursday, March 24, 2011

અંકલ સેમનો ધિક્કાર-ધમકી અને ન.મો. પ્રેમ.

અંકલ સેમનો ધિક્કાર-ધમકી અને ન.મો. પ્રેમ.

 
==========

પ્રિય મિત્રો,

આપણે મારા તાઃ-૨૧-જૂન-૨૦૧૦ના લેખ, `સળીખોર -C.M.?`માં આપણે આપણા માનનીય મૂખ્યમંત્રી

શ્રીનરેન્દ્ર મોદીજીની, બિહારના મૂખ્યમંત્રી શ્રીનીતિશજી સાથે થયેલી ખીચ-પીચની વિસ્તારપૂર્વક વાત કરી હતી. તે સમયે મને એક મિત્રએ કરેલો સવાલ આજે મને ફરીથી પૂછ્યો,"શું આપણા C.M. સળીખોર છે ?"
આવો સવાલ સાંભળીને, મને નવાઈ લાગી મેં કહ્યું," કેમ, આમ કહે છે?"

મિત્રએ ખુલાસો કર્યો," આ જોને વિકિલીક્સવાળી થઈ છે તે..!! છાપાં નથી વાંચતો?"

જોકે, અખબાર તો હું  વાંચું છું,પણ આપણને, રાજકારણમાં બહુ ગતાગમ પડતી ન હોવાથી, આપણે રોજના રાશી-ભવિષ્ય,અને અન્ય સ્થાનિક સમાચાર પર નજર ફેરવી કામે લાગતા હોઈએ છે.

પણ, જેમ સમૂદ્રકિનારે, જાંબુવંતે, પવનપૂત્ર હનુમાનને,તેમનામાં રહેલી અદ્ભુત શક્તિનું જ્ઞાન કરાવ્યું હતું અને તેઓ સમૂદ્ર લાંઘી ગયા,તેજ રીતે મારા આ મિત્રએ, મને આપણા દેશના કૉમન મેનના, સળીખોર સ્વભાવની અદ્ભુત શક્તિને, યાદ કરાવી.

તરતજ મને આપણા સી.એમ.શ્રીનરેન્દ્ર મોદીજીને હિટલર જેવા ચિતરીને, અમેરિકા જવા માટેના વિઝા ન આપ્યા બાદ, તાજેતરમાં એકદમ અવળી ગુલાંટ લગાવીને, હાલમાં મોદીજી ને પ્રામાણિક તથા ગુજરાતના વિકાસપુરુષ તરીકે માન્યતા આપવાની અસીમ ઉદારતા દર્શાવી તે અમેરિકાનો ધૂર્તતાભર્યો ચહેરો છે..!!

જીહા, અંગ્રેજી દૈનિક `ધ હિંદુ`ના સમાચાર પ્રમાણે, વિકિલીક્સના છેલ્લા તાજા ખુલાસામાં જણાવ્યા મુજબ, તારીખ-૧૬-નવેંબર-૨૦૦૬ના રોજ, અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલ માઇકલ ઑવન સાથે ગુજરાતના મૂખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની મુલાકાતમાં, ઑવને ગુજરાતના બહુચર્ચિત રમખાણનો મુદ્દો, માનવ અધિકાર ભંગના સંદર્ભે ઉઠાવ્યો, તે સાથેજ મોદીજીએ, ઑવનને સ્પષ્ટ શબ્દોમાં બેધડક સંભળાવી દીધું હતુંકે, તાઃ ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ ના રોજ, ટ્વીન ટાવર્સના પતન બાદ, અમેરિકન સ્થિત ભારતીય મૂળના શીખ સમુદાય પર
અમેરિકનોએ કરેલા ઘૃણાસ્પદ હુમલાઓ, અબૂ ગરીબ અને ગુઆંતનામોબ જેલમાં મજબૂર કેદીઓને અપાયેલી યાતનાઓના બહાર આવેલા, દિલ હચમચાવી નાખનારા વીડીઓને સમગ્ર વિશ્વએ નિહાળ્યા બાદ, આવા બનાવોને રોકવામાં નિષ્ફળ રહેલી અમેરિકન સરકારને, માનવ અધિકાર બાબતે વાત કરવાનો કોઈજ અધિકાર નથી.

શ્રીનરેન્દ્ર મોદીજીએ, એ બાબત પણ સ્પષ્ટ કરીકે, ભારતના બીજા કોઈપણ રાજ્યની તુલનામાં, ગુજરાતના મુસલમાન ભાઈઓ વધારે સાધનસંપન્ન છે તથા નિરંતર પ્રગતિ કરીને, ગુજરાતના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે.

અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલ માઇકલ ઑવન સાથે ગુજરાતના મૂખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની આ મુલાકાત, મોદીજીને અમેરિકન વિઝા ન આપવાના નિર્ણય કર્યા બાદ પ્રથમ વાર થઈ હતી.

આમ પણ અમેરિકાએ સમગ્ર વિશ્વમાં, નબળા સત્તાધીશ અને નબળો વિકાસ કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા દેશોમાં કોઈજ અધિકાર વિના, યુનો સંગઠનની ઉપરવટ જઈને, ખુલ્લેઆમ જે રીતે તે દેશોની નીતિઓમાં ચંચૂપાત કરીને માનવાધિકારના ભંગ જે રીતે કર્યાના ઉદાહરણ છે,તે જોતાં અમેરિકાને હવે ભારતની બાબતોમાં વારંવાર ટાંગ અડાડતું કાયમ માટે અટકાવવા, અમેરિકાને તેની ઓકાત બતાવી દેવાની જરૂર છે, તેમ શ્રીનરેન્દ્ર મોદીજીની માફક મોટાભાગનો, વિદ્વાન બુદ્ધિજીવી વર્ગ માનતો થયો છે.

વિકિલીક્સના ખુલાસામાં,જણાવ્યા પ્રમાણે હવે રહી-રહીને શ્રીનરેન્દ્ર મોદીજીની શાનમાં, અમેરિકા મોદીજીના મોંફાટ વખાણના ચાળે ચઢ્યું છે.

અમેરિકાના મત મુજબ, સમગ્ર ભારતમાં, ગુજરાત  તીવ્ર ગતિશીલતા સાથે નોંધપાત્ર વિકાસ કરી રહ્યું છે. આ વિકાસનો શ્રેય પણ, અમેરિકા મોદીજીની દીર્ઘદ્રષ્ટી અને ભ્રષ્ટાચાર રહિત, પ્રામાણિક છબીને પાઠવે છે.

વિકિલીક્સના ઍડિટર જૂલિયન અસાંજે એ, પોતાની વેબસાઇટ દ્વારા વહેતા મૂકાયેલા `નોટના બદલામાં, સાંસદના વોટ`ના, સમગ્ર દેશને ખળભળાવી મૂકનારા, વિકિલીક્સના સમાચારની  વિશ્વસનીયતા પર વડાપ્રધાન શ્રીમનમોહનસિંધે ઉઠાવેલા પ્રશ્નાર્થને અસાંજે સરાસર મૂળમાંથી જ નકારી કાઢ્યા છે.

માઇકલ ઑવને અમેરિકન સરકારને પાઠવેલા નરેન્દ્ર મોદીજી વિષેના ખાનગી અહેવાલે,અમેરિકાના નકલી ચહેરા પરથી નકાબ હટાવ્યો. ઑવનના જણાવ્યા પ્રમાણે, શ્રીનરેન્દ્ર મોદીજીની જાહેર અને ખાનગી જિંદગી સાવ અલગ છે.ઑવનના માનવા પ્રમાણે, જાહેર જીવનમાં બેબાક-નિર્ભય અને મળતાવડાપણા સ્વભાવ દ્વારા, ભાજપ સહિતના અન્ય તમામ પક્ષોના નેતાઓને ઈર્ષ્યા થાય તેવી લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે બિરાજતા
શ્રીનરેન્દ્ર મોદીજી, ખરેખર ખાનગી જીવનમાં એકદમ એકાંતપ્રિય તથા કોઈના પર પણ જલદી ભરોસો નહીં કરનાર વ્યક્તિ છે. કેટલાક વિશ્વાસુ કેબીનેટના સાથીદારોની સહાયતાથી, સર્વ સહમતી દ્વારા સરકાર ચલાવવાને બદલે, ભય અને ધાકધમકીઓના સહારે શાસન ચલાવવામાં તેઓ વિશ્વાસ કરે છે. પોતાના વિરોધીઓને સાથે તો તેઓ, દેખીતો રૂક્ષ વ્યવહાર કરે છે. પોતાની પાર્ટીના કોઈ નેતાની પણ ન ગમતી બાબત પર કડક શબ્દોમાં આલોચના કરતાં પણ વિચાર કરતા નથી..!!

શ્રીનરેન્દ્ર મોદીજીએ પોતે, ક્યારેય કેન્દ્રીય રાજકારણમાં આવવા બાબતે ચાલતી ચર્ચાને નકારી નથી કે,  નથી ક્યારેય તે ચર્ચાને ખુલ્લું સમર્થન આપ્યું. પરંતુ વડાપ્રધાનપદ ધારણ કરવા વિષે તેમને પૂછાતા સવાલ ના જવાબમાં માત્ર સૂચક રીતે હસીને, ઉત્તરના અર્થઘટનની જવાબદારી આ બાબતની રાત-દિવસ ચોવટ કરનારા પર છોડી દે છે.

માઇકલ ઑવને, ભાજપના અને આરએસએસના નેતાઓ સાથેની વાતચીતમાંથી એ નિષ્કર્ષ પણ તારવ્યુંકે, અમેરિકાએ મોદીજી સાથે સારા સંબંધો અત્યારથીજ કેળવીને, તેમની સાથે માનવાધિકાર સહિતના જે કોઈ ઇસ્યૂ હોય તે ખુલ્લા દિલથી ચર્ચા કરવી જોઈએ. નરેન્દ્ર મોદીજીની સતત ઉપેક્ષા અને અવહેલના અમેરિકાના હિતમાં નથી, કારણકે જ્યારે મોદીજી જો રાષ્ટ્રિય કેન્દ્રસ્થ રાજકારણમાં કી-પોસ્ટ પર ભાગ ભજવે ત્યારે તેવા સંજોગોમાં, શ્રીનરેન્દ્ર મોદીજીની અવહેલના અને તિરસ્કારની અસર સમગ્ર ભાજપની અમેરિકા તરફેણ કે વિરુદ્ધ ઘડાનાર નીતિ પર પડી શકે છે.

આટલા બધા ખુલાસાવાર લેખના અંતે કેટલીક બાબતો ગાઢ ચિંતન માંગી લે છેકે,

અમેરિકાને આપણા દેશની નીતિ નિર્ધારણ કરવાના અધિકારમાં માથું મારવા દેવું જોઈએ?

શું આપણે અન્ય નાનકડા અને ગરીબ દેશો જેવા મજબૂર છીએ, જ્યાં અમેરિકા પોતાની દાદાગીરીથી મનમાની કરાવી શકે છે?

શું ભારતના એક નાનકડા  રાજ્યના મૂખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ, અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલ માઇકલ ઑવનને મોંઢામોંઢ જે સુણાવી દીધું તે, આપણા દેશના વડાપ્રધાને અમેરિકાને સાફ-સાફ ન કહી દેવું જોઈએ?

એક મિત્રએ કહ્યું, આપણા મૂખ્યમંત્રીજ સહુથી મોટા સળીખોર છે..!! મને સમજ નથી પડતી, શું મારા મિત્રએ જણાવ્યા મુજબ, આપણા ગુજરાતી C.M. ખરેખર સળીખોર છે? આ બાબતને, મને એક મજાક સાથે સરખામણી કરવાનું મન થાય છે.

લાફ્ટર ચેલેન્જમાં, રાજુ શ્રીવાસ્તવે એક  કલ્પના કરી હતીકે,

એક લત્તાના, કેટલાક ડૉન- ભાઈલોગ ધંધો બદલવાનું વિચારીને, કોઈ હૉલમાં `સત્સંગ -પ્રવચન -આરતી` નો કાર્યક્રમ ગોઠવીને, ધંધો બદલવાની કોશિશ કરે છે. પરંતુ,  કેટલાક વાંકદેખા શ્રોતા, પ્રવચનની ભૂલોને સુધારીને,ડૉનના પ્રવચનને અધવચ્ચે અટકાવે છે, ત્યારે ડૉન તેને કહે છે,

" સીતા કો રાવણ કી જગહ કંસ લે જાયેગા તો તેરે બાપ કા ક્યા જાયેંગા..!! કોઈ પ્યારસે ધંધા બદલ રયેલા હૈ તો બીચમેં ઉંગલી કરના જરૂરી હૈ ક્યા? એ ગફૂર, લે જા ઈસકો કોપ્ચેમેં  ઔર પહીના ઉસકો દો ચાર..!!"

રાજુ શ્રીવાસ્તવની ડૉન-કથા, શ્રીનરેન્દ્ર મોદીજી અથવા અમેરિકા એ બેમાંથી, કોને લાગુ પાડવી? તે નિર્ણય આપ સહુના પર છોડું છું.

સા....લું...!!  આ બધું વાક્‍યુદ્ધ અને ઘમાસાણ જોઈને, મને કેટલાક સવાલ મૂંઝવે છે, હવે તેના જવાબ, આપ જેવા વિદ્વાનોને ન પૂછું તો પછી કોને પૂછું?  આશા છે આ  સવાલના જવાબ, આપ જરૂરથી આપશો.

અમેરિકાએ આપેલા તામ્રપત્ર જેવા કિમતી સર્ટીફીકેટ બાદ, શ્રીનરેન્દ્ર મોદીની ઇર્ષા કરનારાઓ હવે શું કરશે, જેઓ..;

સભાઓમાં ન.મો.`મારા ગુજરાતની પાંચ કરોડ જનતા....!!` તેમ બંને હાથ ઉંચા કરીને, લલકારતા ત્યારે, જે વાંકદેખા લોકો, ટીકા સાથે, મૂછમાં હસતા હતા..!!

જેડીયું નેતાઓ હવે શું કહેશે જેમને, સહયોગી દળ તરીકે, ભા.જ.પા. ચાલે પણ, ન.મો. ના ચાલે ? (કેમ ભાઈ, કોને ખુશ કરવા છે? અમેરિકાને?)

જે વાંકદેખાઓ એમ કહેતા હતાકે, ન.મો. હિંદુ કોમવાદીનો ચહેરો  બદલવા, વિકાસના માર્ગે, ઝનૂનપૂર્વક, મંડ્યા રહીને (C.M. to P.M. બનવા) પ્રયત્નશીલ હોવાનો દંભ કરે છે..!!

યાર....સવાલો....સવાલો....સવાલો....!! મને તો આવા સવાલોનો કોઈ અંત દેખાતો નથી.આપ પણ કંટાળ્યા હશો. પણ એક ગણતરીબાજ, વિચારશીલ  તરીકે મને ફક્ત એક સવાલનો જવાબ આપશો તો,આપની મોટી મહેરબાની...!!

શ્રીનરેન્દ્ર મોદીજીના વ્યક્તિત્વને લઈને, તેમના કેટલાક કટ્ટર વિચારોને લઈને અથવા તેમની આખાબોલી કડક ઈમેજ ઉભી કરતી કાર્યપ્રણાલિ વિષે ઘણા બધાને વાંધો હોઈ શકે, પણ મને તો લાગે છે તેમણે અમેરિકાને જે ભાષામાં તેનું સ્થાન અને ઓકાત બતાવી દીધીછે તે એકદમ સમયસરની છે, તેમ આપને નથી લાગતું?

આપણને, ખરેખર એક કૉમનમેન તરીકે, અમેરિકા દ્વારા આપણા દેશ વિરુદ્ધ ખેલાઈ રહેલા, આ ગંદા રાજકારણમાં, જે કાંઈ થઈ રહ્યું છે, તે જરાય ગમતું નથી એટલું ચોક્કસ છે. ગુજરાત સહિત, દેશના બાકીના રાજ્યોના રાજકારણીઓ, સમગ્ર ભારત અને ભારતીય પ્રજાજનનો સતત ઉપહાસ કરતા કેટલાક વિદેશના મિડીયાકર્મીઓ, કેટલાક વિદેશી વિદ્વાન લેખક-પત્રકાર મિત્રો. એટલું સમજી લેજોકે, ખરેખર ભારતની એકસો વીસ કરોડ જનતાને, દેશની આબરૂ-અસ્મિતા સાથે કોઈ બાલીશવેડા કરીને, દિલ દુઃભાવે તે,  સહેજપણ ગમતું નથી.(જેમાં તમામ ધર્મ,જ્ઞાતિ-જાતી અને રાજ્યોના લોકોનો સમાવેશ થાય છેતે, તમામ) તેમાંય, ગુજરાતી પ્રજાની સામે અમેરિકા આવે કે તેના અંકલ સેમ, ગુજરાતી પ્રજા સળીખોર નથી, પણ એ જ્યારે ખરેખર, સળીખોર બને ત્યારે પૂજ્ય ગાંધીબાપુ જેવો એકજ સળીખોર, આખી વિદેશી સલ્તનતને ભારે પડે તેવું ખમીર ધરાવે છે.

બાય ધ વૅ, બૉસ, એક ગુજરાતી તરીકે આપ શું માનો છો?

માર્કંડ દવે. તાઃ-૨૪ -૦૩- ૨૦૧૧.

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. સરસ
    મજા આવી
    આવુજ ગોતતો હતો.
    સાહેબ
    જાહેર માહિતી અધીકાર માટે કૈક વાચવા મળે?

    MANSUKH S

    ReplyDelete
  3. 'ડાહી સાસરે ન જાય અને ગાંડી ને કે' તુ સાસરે જા'. આ કહેવતનું જ્વલંત ઉદાહરણ એટલે અમેરિકા.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.