Sunday, April 10, 2011

`રમ-ડૅ`;`અગન-ડૅ` ;શાણો `કપિ-ડૅ`

(courtesy-Google images)

" બિલાડાના ઝઘડા વચ્ચે પહોંચ્યા,`કપિ`લભાઈ..!!
  ત્રાજવે જોખી રોટલા વહેંચ્યા, થઈ કેવી ભવાઈ..!!"


===========

ખાસ નોંધ- આ કથાને `લોકપાલ બીલના એપિસોડ` સાથે સ્નાનસૂતકનોય સંબંધ નથી, મહેરબાની કરીને કોઈએ તેમાં સામ્ય શોધવાનો જરા પણ પ્રયત્ન કરવો નહીં..!!

સાલું, કોઈને થોડા દિવસ, વર્લ્ડકપની જીતની ઉજવણી પણ  શાંતિથી કોઈએ કરવા દીધી નથી.
 
આમેય કેટલાય દા`ડાથી, આખા દેશનું  ભેજું છટકેલું જ છે..!!
 
હવે આનાથી વધારે અમારા ભેજા નો સદુપયોગ, કોઈ કરાવવા મથે, તે બાબત સર્વથા વર્જ્ય અને હાનિકારક છે. મેં પણ, આ બોધકથા લખતી વખતે,મારા ભેજાનો જરાય દુરુપયોગ કર્યો નથી. તે સહુ લાગતા- વળગતા ની જાણ સારું..!!
 
(હાશ..!! છૂટ્યા; ચાલો, બ...અ...ધા..ય ને કહી દીધું, હવે મારા માથે ખાલી બાલ?)
 
===========
 
આધુનિક બોધકથા-`રમ-ડૅ`;`અગન-ડૅ` ;શાણો `કપિ-ડૅ`
 
એક જંગલરાજમાં, `રમ-ડૅ` અને `અગન-વૅ` નામના બે બિલાડાઓ,  પોતપોતાની નક્કી કરેલી ખોલીઓમાં,અત્યાર સુધીમાં સો-સવાસો જેટલા ઉંદર સફાચટ કરીને, ભગવાં ધારણ કરીને ખાટ (વ્યાસપીઠ?) પર બેઠા હતા. જોકે, તેમની ખોલી પાસેથી, જતા આવતા લોકોને, તે બંને બિલાડા નીતિશાસ્ત્રનો ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યા કરતા, પણ વાત કાંઈ બરાબર જામતી ન હતી.
 
`રમ-ડૅ` અને `અગન-ડૅ` બિલાડાઓએ, પોતાની ઉપદેશ સભાઓમાં ભારે જનમેદની એકઠી કરી, જગતમાં `વાહવાહ` કરાવવા, જંગલરાજના `જોલીવુડ`ની ફાલતુ  ફિલ્મમાં, આવડે તેવો અભિનય કરીને, નામ કમાઈ ગયેલા, અનેક ટારઝનો, ટારઝણીઓ, મોગલીઓ,મુંગેરીઓ તથા `જાનમાં કોઈ જાણે નહીંને, હું વર ની ફોઈ` જેવું લાં...બુ `ઉપનામ` ધરાવતી, કેટલીક  છટકેલી  ટલ્લીઓ, મલ્લીઓ,શેખચલ્લીઓ ઉપરાંત, જંગલરાજની સરકારી કચેરીઓમાંથી, અકાળે નિવૃત્ત થઈ, પ્રસિદ્ધિ મેળવવા, મનોમન સદાય તરફડતા રહેતા, કેટલાક એક્સ સરકારી માંધાતા બાબુઓ-માંધાતી બેબીઓને, પોતાના મંચ પર આમંત્રણ આપીને એકઠા કરી જોયા પણ, સરવાળે સાવ શૂન્ય..!!
 
સાવ  એવું નહતું કે, સત્સંગ સભામાં લોકો ભેગા નહતા થતા? લોકો ને તો શું? લોકો તો ઘણા આવતા..!!
 
પણ, `રમ-ડૅ` અને `અગન-ડૅ` બિલાડાના ઉપદેશને કોઈ હસવામાં કાઢી નાખે, કોઈ વળી સામા ગમે તેવા,અષ્ટમ-પષ્ટમ સવાલ પૂછી-પૂછીને તે બંને બિલાડાઓની ઢૂસ કાઢી નાખે? સરખો જવાબ ના મળે તો, કોઈ તો વળી આ બિલાડાઓને `ભારતીય કૂતરા` કહી આમની સામે પોતેજ ભસવાનુંય શરૂ કરી દેતા હતા..!!
 
એક દિવસ, `જેની ને તેની મંતર` નામના પ્રસિદ્ધ મેદાનમાં, `જાંચપડતાલ` બ્રાન્ડ લોટ માં થી ઘડેલા તથા પોતાની થાળીમાં, પોતાની નજરની સામે જ પડેલા રોટલા જોડે રીસ ચઢાવીને, આમરણાંત ભૂખ હડતાલ પર બેઠેલા, સમાજના જાણીતા માનદ-અવેતન, સેવક પૂજ્યશ્રી-શ્રી પન્ના પગારે,(વગર પગારે?) `TO DO (eat) OR NOT TO DO(eat)?` જેવું કૈંક ગહન ચિંતન કરવામાં તલ્લીન હતા ત્યારે, `રમ-ડૅ` અને `અગન-ડૅ` બિલાડાએ, લાગ જોઈને પેલો,`જાંચપડતાલ` બ્રાન્ડ લોટમાં થી ઘડેલો રોટલો, સમાજ સેવકની થાળીમાંથી ઝૂંટવી લીધો અને પછી  પોતાના કાયમી સ્વભાવ મુજબ બંને બિલાડા આખોય રોટલો ખાવા માટે,એકમેક સાથે બરાબર ઝઘડવા લાગ્યા. આ બંનેનો ઝઘડો વધતો જ ગયો,વધતો જ ગયો. અંતે, રોટલાને એક બાજુ તડકે મૂકીને, એ `જાંચપડતાલ`બ્રાંડ રોટલા માટે જ, બંને બિલાડા છેવટે બાથંબાથ પર આવી ગયા..!!
 
જોકે, બંને બિલાડા ખાસી વાર સુધી લડી ઝઘડીને  જ્યારે થાકીને લોથ-પોથ થઈ ગયા ત્યારે, નજીકના ઝાડ પર બેઠા-બેઠા, આ બંને બિલાડાના ઝઘડાને જોઈને, ખરા દિલથી, ક્યારનાય મઝા માણી રહેલા, `કપિ-ડૅ`ને (વાંદરાભાઈને)  બિલાડાઓએ નમ્ર વિનંતી કરી.
 
"ઓ કપિલભાઈ, તમે છેલ્લા ૯૫ મિનિટ થી, ઝાડની સહુથી ઊંચી ડાળીના આસન પર બેસીને, અમારો તમાશો જોયા કરો છો..!! આવું શું કરો છો? હવે તો તમારા ઉંચા આસન પરથી નીચે ઉતરીને, અમને જરા ઝઘડો પતાવવામાં સહકાર આપો તો આપની મોટી મહેરબાની..!!"
 
ભગવાં વસ્ત્રધારી, બંને બિલાડાઓએ વિનંતીના સ્વરમાં ઉચ્ચારેલાં, આવાં મધુર વચન સાંભળીને, કપિ-ડૅ એ, પોતાનો મોબાઈલ કાઢીને, જંગલના રાજા શ્રીમનમોહકજી પાસે આ ઝઘડા નિવારણ માટે માર્ગદર્શન માગ્યું.
 
જંગલના રાજા શ્રીમનમોહકજી, ફોન આવ્યો ત્યારે, પોતાની ફાટેલી  સાંધતા હતા.(મોજડી) ફાટેલીને, એમ ફાટેલી જ રહેવા દઈ, રાજાજીએ  તરતજ બીજા મોબાઈલથી, કોઈને ફોન કરી આ બાબત અંગે માર્ગદર્શન માગ્યું. 

જોકે,સામેથી કોણે શું કહ્યું, તે કોઈને સમજાયું નહીં? પરંતુ કપિ-ડૅ ને ચાલુ ફોનમાં, જંગલના રાજા શ્રીમનમોહકજીએ માત્ર એટલું જ કહ્યું," સાલા,વાંદરા, વાનરવેડા કર્યાને? મને ઉપરના લેવલથી અમસ્તો જ ઠપકો ખવડાવ્યોને..!!  ઉપરના લેવલથી મને જણાવ્યુંકે, એ મૂરખ વાંદરા કપિ-ડૅને જરા પૂછોકે? કેમ, એના વડવાઓ પાસેથી, આવા જ  એક રોટલા માટે, ઝઘડતી પેલી બે બિલાડીની વાર્તા કોઈ`દિ સાંભળી નથી? ત્રાજવે તોલવાનું નાટક કરીને, આખેઆખો રોટલો તે વાંદરાના દાદા સફાચટ કરી નહતા ગયા? અને બિલાડીઓ હાથ ઘસતી રહી ગઈ હતી? જો કપિ-ડૅને કશું યાદ ના હોય તો, તેનો પોર્ટફોલિયો લઈ લો પાછો, તરત તેને તેના બાપાને દાદા, બંને યાદ આવી જશે..!!"
 
કપિ-ડૅને ખ્યાલ આવી ગયોકે, મનમોહકજી ભલે રાજા હતા પણ, તેનું પણ બીજા કોઈકની પાસે કાંઈ ઊપજતું હોય તેમ લાગતું ન હતું..!!
 
જંગલરાજની સરકારમાં પોતાને માંડ-માંડ મળેલો પોર્ટફોલિયો ઝૂંટવાઈ જાય તેના કરતાં તો, ઝઘડતા બિલાડાઓ `રમ-ડૅ` અને `અગન-ડૅ` નો રોટલો ઝૂંટવી લેવો સારો..!! તેમ વિચારીને `કપિ-ડે` વાંદરાએ પોતાની `દિમાગ` નામની ઝોળીમાંથી, `વાટાઘાટ` બ્રાન્ડનું ત્રાજવું કાઢ્યું, અને ત્વરાથી કૂદકો મારીને, છેક નીચે જમીન પર, બે બિલાડા પાસે આવ્યો.
 
`કપિ-ડૅ` વાંદરા પાસેથી,સાચો ન્યાય મળવાની ધારણાએ,`રમ-ડૅ` તથા `અગન-ડે`, ઘણીજ આશાભરી નજરે `કપિ-ડૅ`સામે તાકી રહ્યા હતા.
 
`કપિ-ડૅ` વાંદરાએ `જાંચપડતાલ` બ્રાન્ડ ના લોટમાંથી ઘડેલા રોટલાને હાથમાં લઈને, તેના એકસરખા લાગતા દસ ભાગ કર્યા અને `ડાબી સમિતિ- જમણી સમિતિ` નામના બે પલ્લામાં(છાબડામાં) ડાબે-જમણે તે રોટલાના પાંચ-પાંચ ટૂકડા મૂક્યા. આટલું ગોઠવીને હજુ `વાટાઘાટ` બ્રાન્ડનું ત્રાજવું સરખું ઉઠાવ્યું ત્યાંતો, `કપિ-ડૅ` પોતાને છેતરી ન જાય તેનું ધ્યાન રાખવાનું પડતું મૂકીને, બંને ઘોઘર બિલાડા,`રમ-ડૅ` તથા `અગન-ડે`, ફરીથી એકમેક સાથે જીભાજોડી કરવા લાગ્યા..!!
 
બિલાડા`અગન-ડે`એ, `રમ-ડે` ને સંભળાવ્યું," બે-ચાર વરસથી બહુ બકવાસ કરતો, બહુ ફાટ્યો છે ને? હવે જોજે આપણા `કપિ-ડૅ` વાંદરા ભાયડાનો સાચો ન્યાય? તારા ભાગે,આ `રોટલા` નું એક બટકુંય ભાગમાં આવે તો મને ફટ કહેજે..!!"
 
આ સાંભળીને`રમ-ડૅ`એ, `અગન-ડૅ`ને ઘુરકિયાં કરતાં કહ્યું,"અને રોટલાનું નાનું બટકુંય, જો `કપિ-ડૅ` વાંદરાએ તારા હાથમાં તને આપ્યું તો, હે  કુલભૂષણ ખરબંદા, તને તો હું `પ્રશાંત` મહાસાગરમાં જ ફેંકી આવીશ..!!"
 
પછી તો, બંને બિલાડાનો ઝઘડો એટલો બધો વધી પડ્યોકે, આ બંને વચ્ચે સુલેહ - `શાંતિ` કરાવવા, આખા જંગલરાજના હજારો સમજદાર કુલભૂષણો, ધોળે દહાડે, હાથમાં મીણબત્તીઓ પ્રગટાવીને, `જેની ને તેની મંતર` નામના તે મેદાનમાં એકઠા થઈ ગયા...!!
 
એટલામાં, સાકરનો ગાંગડો જોઈને જેમ, સેંકડો માંખી ઉડી આવીને  સાકર પર બણબણવા લાગે તેમ, હજારો લોકોને એકઠા થયેલા જોઈ,કેટલાય ન્યૂઝ ચેનલના રિપૉર્ટરો હાથમાં માઈક અને ખભે કૅમેરા લઈને ગાંડાની માફક, તેમની સાવ ફાટી જાય (સ્વરપેટી) તેવા, જોર-જોરથી ઘાંટા પાડી-પાડીને,તેમની નજીક જે દેખાય તે નાનાં-મોટા સહુના ઈન્ટરવ્યુ કરવા લાગ્યા..!!
 
`જંગલતક`,`ભાગોળતક` જેવી અનેક ન્યૂઝ ચેનલો પર `રમ-ડૅ` અને `અગન-ડૅ`ના ઝઘડાના `બ્રેકીંગ ન્યૂઝ` પ્રસારિત થતાંજ,`જંગલીસમાચાર, જંગલબુક, જંગલભાસ્કર, જંગલલેખા, જંગલઅભિયાન, જેવા અનેક 
નામાંકિત અખબાર તથા પ્રકાશનોએ,પોતાનું બીજું બધું છાપવાનું પડતું મૂકીને, `લાલ-પીળું બપોરિયું` નામની ખાસ વધારાની આવૃત્તિ, તાત્કાલિક બહાર પાડવા તમામ સ્ટાફને ધંધે લગાડી દીધો..!!
 
આ બધું કમઠાણ અને ચારે તરફ અંધાધૂંધી નિહાળી, ક્યારનાય `જેની ને તેની મંતર` નામના મેદાનના મંચ પરથી, સહુને શાંતિ જાળવવાની જાહેર અપીલ કર્યા કરતા,સમાજના જાણીતા માનદ-અવેતન સેવક પૂજ્યશ્રી-શ્રી પન્ના પગારે (વગર પગારે?) દ્વારા, આ બે ઘોઘર બિલાડાને શાંત પાડવા ફરીથી, ૯૫ મિનિટના `આમરણાંત` ઉપવાસ કરવાની કઠોર જાહેરાત કરી ત્યારે, પેલા થાકીને માંડ-માંડ શાંત પડેલા બંને બિલાડા, `રમ-ડૅ` અને `અગન-ડૅ` એ જોયુંકે..!!

`વાટાઘાટ` બ્રાન્ડના ત્રાજવાનાં,`સમિતિ-સમિતિ` નામના બે ડાબા-જમણા છાબડાંમાંથી(પલ્લામાંથી),` જાંચપડતાલ` બ્રાન્ડ ના લોટમાંથી ઘડેલો આખોય રોટલો, `કપિ-ડૅ` વાંદરો, પોતેજ `હોઇયાં` કરી જઈને(ખાઈને), તેના દિમાગની ઝોળીમાં ફરી પાછું,`વાટાઘાટ`નું ત્રાજવું મૂકી દઈને તે, ઝાડની સહુથી ઉંચી ડાળીના આસને આરામથી બેસી, મોબાઈલ પર આખા એપિસોડનો અહેવાલ રાજા શ્રીમનમોહકજીને આપી રહ્યો હતો," હા, ચિંતા કરવાની જરૂર નથી. મારા બાપ-દાદાએ મને આપેલા સંસ્કાર મુજબ વાંદરાવેડા કરીને, આ બધાય લોકો વચ્ચે ફાટફૂટ પડાવી દીધી છે. `જાંચપડતાલ` બ્રાન્ડનો રોટલોય મારા પેટમાં, આપણાજ કબજામાં સલામત છે માટે, હવે હમણાં તો આપણને સહુને, શાંતિ જ શાંતિ છે..!! હા, એક વાત રહી ગઈ, પેલા માનદ સમાજ સેવક પૂજ્યશ્રી પન્ના પગારે હવે (વગર પગારે) તેમનાજ લોકો વિરુદ્ધ ૯૫ મિનિટના આમરણાંત ઉપવાસ પર બેઠા છે, જોકે તેમાં તો આપણને કશીજ લેવા-દેવા નથી? સિંહ સાહેબ, હવે ફોન મૂકું?મારા પૉર્ટફોલિયોનું જરા ધ્યાન રાખતા રહેજો, ભૈ,સા`બ..!!"
 
આધુનિક બોધઃ- જ્યારે-જ્યારે સડેલા ભેજાના લેખકો,લગીરે ભેજું વાપર્યા વગર લેખ લખવા બેસે ત્યારે-ત્યારે આવા ભંગાર-નક્કામા-બિનઉપયોગી લેખ પાઠકોના માથે તેઓ મારતા હોય છે?
 
॥ ૐ શાંતિ શાંતિ શાંતિ`હી..હી..હી..હી..હી` ॥

માર્કંડ દવેઃ- તારીખ- ૧૦-૦૪-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.