Showing posts with label માર્કંડ દવે.. Show all posts
Showing posts with label માર્કંડ દવે.. Show all posts

Sunday, October 2, 2011

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી- નમ્ર શ્રદ્ધાંજલી




સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી- નમ્ર શ્રદ્ધાંજલી 




" આપણે ડાબી કે જમણી બાજુ પણ જોવાની જરૂર નથી. આપણો માર્ગ સાવ સીધો અને સાફ છે અને તે છે - સમગ્ર દુનિયાના, તમામ દેશ સાથે અમન અને ભાઈચારા ની નીતિ જાળવી, દેશની ભીતર સર્વ કોઈ માટે, સંપૂર્ણ આઝાદી અને પ્રગતિની વિચારધારાને અનુરુપ, સમાજવાદી લોકશાહીની સ્થાપના કરવી." 

- દેશના ત્રીજા વડાપ્રધાનપદના સોગંદવિધિ  બાદ, દેશના પ્રજાજનોને પ્રથમવાર સંબોધતાં,આદરણીય સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજી 

==========

પ્રિય મિત્રો,

આપણા દેશને, ઍનાકૉન્ડા અજગરની માફક  ભરડો લેતી, અનેક સમસ્યાઓના ઘેરાવા વચ્ચે, આપણા દેશના એક મહાન,  લોકપ્રિય મહાનાયકની જન્મતિથિપર્વ, તારીખઃ ૨ -ઑક્ટોબર ૨૦૧૧ના રોજ, ચીલાચાલુ, પરંપરાગત, રીતરિવાજ પાળતા હોય તેમ, કેટલાક સરકારીબાબુઓની, પરાણે ઉભી કરાયેલી હાજરીની ગવાહી હેઠળ,આ મહાનાયકની પ્રતિમાઓને, હારતોરા કરીને ઉજવાઈ જશે અને આપણે, કદાચ તેની નોંધ પણ નહીં લઈએ?

કોણ છે આ મહાનાયક..!!  તે છે, આપણા આઝાદ દેશના, `ભારતરત્ન`, ત્રીજા વડાપ્રધાન, આદરણીય સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજી. 

હમણાંજ થોડા સમય પહેલાં,મને એક પત્રકાર મિત્રએ સવાલ કર્યોકે, " બોમ્બે ટાઈમ્સના એક  સમાચાર મુજબ, નિર્માતા-અભિનેતા શ્રીમનોજકુમારની સ્ક્રીપ્ટના આધારે, આપણો ચોક્લેટી હીરો, મિસ્ટર પરફ્રેક્શનીસ્ટ, આમીરખાન, શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીના જીવન પર એક ફીલ્મ નિર્માણ કરવાના છે, જેમાં શ્રી શાસ્ત્રીજીનો રૉલ, આમીરખાન પોતેજ કરવાના  છે? તમે શું માનો છો?"

મેં શાંતિથી જવાબ આપ્યો," જો આ સમાચાર સાચા હોયતો, આ વર્ષની તે સુપરડુપર હીટ કૉમેડી ફીલ્મ ગણાશે..!! કારણકે, મહાનાયક શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીનો રૉલ નિભાવવા માટે  તથા શ્રીશાસ્ત્રીજીના  વ્યક્તિત્વને, સાંગોપાંગ  ચરિતાર્થ કરવા માટે, પરફેક્ટનીસ્ટ આમીરખાને, તેમની કાયામાં પ્રવેશવું પડે..!! આમીરખાનને પરકાયા પ્રવેશવિદ્યા આવડે છે?"

માતા- શ્રીમતી રામદુલારીદેવી અને પિતા- શ્રીશ્રદ્ધાપ્રસાદને ત્યાં,વારાણસીથી સાત માઈલ દુર, મુગલસરાઈની રેર્લ્વે કૉલોનીના એક નાનકડા, અત્યંત ગરીબ,હિંદુ કુટુંબમાં, તા; ૨ ઑક્ટોબર ૧૯૦૪ ના રોજ, શ્રીલાલબહાદુર શ્રીવાસ્તવ ઉર્ફે લાલબહાદુર શાસ્ત્રીજીનો જન્મ થયો હતો.પિતાનું અવસાન બાળપણમાંજ થઈ જવાથી, શ્રી શાસ્ત્રીજીનું બાળપણ, મોસાળમાં, તેમના નાનાજી શ્રીહજારીલાલની પ્રેમાળ છત્રછાયા હેઠળ થયું. શારીરિક દેખાવમાં સાવ વામન જણાતા શ્રીશાસ્ત્રીજીમાં,જન્મથીજ,  નિખાલસતા, હિંમત,પરગજુપણું, સ્વમાનનાં લક્ષણનાં બીજાકુંર ફૂટ્યા હતા, જેને ધર્મભીરુ, સંસ્કારી વડીલોએ, સદવિચારોના સિંચનથી દ્રઢ  કર્યાં.

વારાણસીની `હરિશ્ચન્દ્ર હાઈસ્કૂલ`માં, વિધ્યાર્થી હતા ત્યારેજ, સ્વરાજ મેળવવા હવાતિયાં મારતી જનતાને,`સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે` નો નારો શ્રીલોકમાન્ય બાલ ગંગાધર તિલકજીએ આપ્યો, ત્યારે સન-૧૯૧૫માં, પૂજ્યગાંધીબાપૂની વારાણસી મુલાકાત દરમિયાન, તેમના વિચારોથી પ્રભાવિત થઈ, શ્રી શાસ્ત્રીજીએ આઝાદીના મહાસંકલ્પ  યજ્ઞમાં ઝંપલાવી દીધું. સન-૧૯૨૭માં, તેઓનાં, લલિતાદેવી સાથેનાં લગ્ન થયાં અને જાણે તેમનું આઝાદીનું સ્વપ્ન સાકાર કરવાનું ઝનૂન બેવડાઈ ગયું.

જોકે, આજેતો નવી પેઢીના, યુવક-યુવતીઓ,આ મહાનાયક, વિષે કેટલું જાણે છે અથવા તેમના માટે શું મત ધરાવે છે, તે એક ચર્ચાનો વિષય છે? પરંતુ,  જુની પેઢીના ઘણા વિદ્વાન લોકો, સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીના સ્પષ્ટ અને નિર્ભિક વિચારોના,આજે પણ કટ્ટર સમર્થક છે. આપને પ્રશ્ન  થશે શામાટે? તો, આ રહ્યો જવાબ..!!

ભારતના ઈતિહાસમાં તાઃ ૨૭ મે ૧૯૬૪નો ગોઝારો દિવસ સદાય કરૂણભરી યાદગારી સાથે નોંધાયો.તીનમૂર્તિભવનથી, ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રીજવાહરલાલ નહેરૂના નિધનના સમાચાર વહેતા થયા. ભારતની જનતામાં એક સવાલ દરેકના મુખેથી પૂછાવા લાગ્યો, " નહેરૂ પછી કોણ?" 

છેવટે, જવાબમાં, ભારતની બાગડોર, ઉત્તરપ્રદેશના પૂર્વમૂખ્યમંત્રી, પૂર્વકૅબીનેટમંત્રી, દેખાવે વામન પણ વિચારે વિરાટ એવા, શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીના હાથમાં સોંપાવાનો નિર્ણય,કોંગ્રેસમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો. શ્રીનહેરૂજીના નિધન સમયે, ભારતની પરિસ્થિતિ અત્યંત જટીલ સમસ્યાઓથી ઘેરાયેલી હતી.

જોકે, તા; ૯ જુન ૧૯૬૪થી તાઃ ૧૧ - જુન ૧૯૬૬ના, આશરે માત્ર બેજ વર્ષના, અલ્પકાલિન વડાપ્રધાનપદના, સમયગાળામાં,સ્વંશ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ, સન- ૧૯૬૫માં પાકિસ્તાન દ્વારા આરંભાયેલા યુદ્ધમાં, તેના દાંત ખાટા કરીને, તે  સમયના, અત્યંત વિદ્વાન રાષ્ટ્રપતિ સર્વપલ્લી શ્રી રાધાકૃશ્નનજી સહિત,સમગ્ર દેશની જનતાના હ્યદયમાં, નેશનલ હીરો, તરીકેનું કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું. 

આ યુદ્ધ દરમિયાન, શ્રીશાસ્ત્રીજીનો પાકિસ્તાનને જવાબ હતોકે,  'Force will be met with force.' તેઓએ આપણા દેશના સૈન્યના વડાને આગેકૂચના મર્દાનગીભર્યા હુકમ કર્યા. ૧૫ ઑગસ્ટ ૧૯૬૫ના સ્વાતંત્ર્યપર્વના દિને, દેશવાસીઓને સંબોધીને, શ્રીશાસ્ત્રીજીએ, પાકિસ્તાનને ડરથી ધૄજાવી દે તેવી સિંહગર્જના કરી, "It does not matter if we are destroyed. We will fight to the last to maintain the high honor of the Indian nation and its flag."

ચીન દ્વારા પાકિસ્તાનને મદદ કરવા, સાવ જૂઠ્ઠા બહાના હેઠળ, આપણા  પર ચીન સરહદે હુમલો કરવાની ધમકી આપીને ડરાવવાના સમાચાર મળતાંજ, લુચ્ચા ચીની ડ્રેગનને પણ, શ્રીશાસ્ત્રીજીએ ચોખ્ખું સુણાવી દીધું," ચાઈના પણ આપણને  બિવડાવી નહીં શકે." આ સાંભળતાંજ, ચાઈનાના હાથ પણ હેઠા પડ્યા હતા. તાઃ ૧૭ સપ્ટેમ્બર ૧૯૬૫ નારોજ, પાર્લામેન્ટમાં શ્રી શાસ્ત્રીજીએ બયાન આપ્યુંકે, "China's allegation is untrue. If China attacks India it is our firm resolve to fight for our freedom. The might of China will not deter us from defending our territorial integrity."

પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મીર સહિત,પાકિસ્તાનના ઘણા વિશાળ પ્રદેશ પર કબજો કરી લીધા પછી, યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી. જોકે, `સિક્યુરીટી કાઉન્સીલ ઑફ યુનાઈટેડ નેશન્સ ઑર્ગેનાઈઝેશન` ના પ્રયત્નથી, સૉવિયેટ સુપ્રિમો કૉસિજિનના, આમંત્રણને માન આપી, તાસ્કંદ ખાતે, પ્રખ્યાત`તાસ્કંદ કરાર` થયો જેમાં, પાકિસ્તાનને, દોસ્તીની એક તક આપવા માટે, જુની લાઈન ઑફ કન્ટ્રોલને માન્ય રાખીને, જીતેલો, કબજે કરેલો તમામ પ્રદેશ, પાકિસ્તાનને પરત કરી, તાઃ૧૦ -જાન્યુઆરી, ૧૯૬૬ના  રોજ, યુદ્ધ સમાપ્તિની વિધિવત ઘોષણા કરવામાં આવી. 

પરંતુ, અત્યંત સંવેદનશીલ શ્રીશાસ્ત્રીજીનું હ્યદય અચાનક તેજ રાત્રે દગો દઈ ગયું અને ૬૧ વર્ષની ઉંમરે, એક ગંભીર હ્યદયરોગના હુમલાએ, તેઓનો પ્રાણ હરી લીધો. આખોય દેશ કારમા આઘાતથી, આક્રંદ કરી ઉઠ્યો. તેમનાં આખરી દર્શન કરવા માટે, દીલ્હીમાં, જાણે આખું ભારત ઉમટી પડ્યું. 

વિદ્વાન રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉ. શ્રીરાધાકૃશ્નનજીએ દુઃખી હ્યદયે, શ્રીશાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતાં ," Quiet, unostentatious but determined nationalist." તરીકે ઓળખાવ્યા. જ્યારે શ્રીમતીઈંન્દીરા ગાંધીએ, તેમને,"A true soldier of the congress – a fighter for peace among men, for human liberation and progress." તરીકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

હાલમાંજ, કાશ્મીરના વકરી ગયેલા, હિંસક ગુમડા પર મલમ લગાવવા,  ત્યાંની પ્રજાનાં, બિડાયેલાં દિલનાં દ્વાર ઉઘાડવા,આપણી યુ.પી.એ. સરકાર ફાંફે ચઢી છે ત્યારે, એક સવાલ થાય છેકે, તેમાંના કેટલાકને, કાશ્મીર સમસ્યાને ઉકેલવા, સ્વ. શ્રી શાસ્ત્રીજીએ ઉચ્ચારેલા, સ્પષ્ટ વિચારો યાદ હશે?

કાશ્મીરને હાથવગું કરવાના નાપાક ઈરાદા સાથે, પાકિસ્તાને આદરેલા, સન-૧૯૬૫ના ઈંડો-પાક યુદ્ધમાં પાકિસ્તાનને ભૂંડી  રીતે પરાજીત કર્યા બાદ, ભારતની ઉજ્જવળ પરંપરા અને સંસ્કૃતિને શોભે, છતાં ઈરાદાની મક્કમતાને બરકરાર રાખીને, સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીએ વ્યક્ત કરેલા વિચારો, આજેપણ આપણને કામ લાગે તેવા નથી શું? સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીએ, દેશની ઉન્નતિ કાજે  ઉચ્ચારેલા, કેટલાક શબ્દતો, તેમના વિષે કાંઈ નહીં અથવા અલ્પ માહિતી ધરાવતા, આજના યુવાઓ માટે પણ પ્રેરણાદાયક છે.

* " ભારત ચાહે છેકે, શાંતિમય સહઅસ્તિત્વની માન્યતા, સમગ્ર દુનિયામાં ફેલાય. શાંતિમય સહઅસ્તિત્વની માન્યતા`જીવો અને જીવવા દો`ની સર્વસંમત નીતિનો સ્વીકાર. તે માટે, તે બંને દેશ વચ્ચે, મતભેદ કેટલા ઊંડા છે? તેઓ કેવી આર્થિક કે રાજકીય વિચારસરણીમાં વિશ્વાસ ધરાવે છે? તે બંને  વચ્ચે મતભેદ ઊભા કરતો  વાદવિવાદ કેટલો તીવ્ર કે આવેશાત્મક છે? જેવી બાબતોને  વચ્ચે લાવ્યા વગર, સમાધાનકારી વલણ અપનાવીને, તંદુરસ્ત, વિશ્વાસ અને શાંતિના વાતાવરણમાં, બંને દેશો વચ્ચે, વાતચીત દ્વારા ઉકેલ મેળવવાની ભારતની નીતિ રહી છે. ."

* આપણે ભારતનો ખરેખર વિકાસ ચાહતા હોઈએ તો, આપણે વધારેને વધારે સ્વદેશી ટેકનીશ્યન્સ, ઍન્જિનિયર્સ અને સાયન્સિસ્ટને પેદા કરવા પડશે.

* આપણે, સ્વચ્છ, કાર્યક્ષમ, વિવિધતાલક્ષી, સંવેદનશીલ અને જવાબદાર  શાસનપ્રણાલી વિકસાવવા પ્રત્યે ધ્યાન કેંદ્રિત કરવું જોઈશે.

* કોઈ થોડાઘણાના ભાગે, વિપુલ સંપત્તિની વહેંચણીને બદલે, દેશના છેવાડાના માનવ સુધીના સુખ કાજે ઝઝૂમવાની તૈયારી કરવી પડશે.

* આપણા દેશમાં, આજની સહુથી મોટી સમસ્યા ગરીબી સાથેનો જંગ છે. ગરીબીને હરાવવાના સામુહિક પ્રયત્નમાં સહુએ લાગી જવું જોઈશે.

* " આપણા દેશના, નવયુવક અને યુવતીઓને મારી અપીલ છેકે, ભારતના ઉત્થાન અને  એકતા માટે, તેઓ પોતાનામાં, ગુણવત્તાસભર ચારિત્ર્ય અને દેશભક્તિ સાથે, સ્વયં શિસ્તની ભાવનાને, ભારોભાર વિકસાવે."

મિત્રો, ભારતનું દુર્ભાગ્ય છેકે, એક રેલ્વે અકસ્માત થતાંજ, નૈતિક જવાબદારી સ્વીકારીને, પોતાના રેલ્વેમંત્રીપદેથી રાજીનામું આપી શકે તેવા શ્રીશાસ્ત્રીજી જેવા, નિસ્પૃહી, નિર્મોહી નેતાઓ, હવે અવતાર જ ધારણ કરતા નથી..!!

આપણને ચિંતા કરાવે તેવો, અણઘડ, ભ્રષ્ટાચારયુક્ત વહીવટ કરતા, આ  " U.P.A.= ઉધાર પંચાતિયા ઍસોસિયેશન"ના ભ્રષ્ટ,કૌભાંડી તથા ઘમંડી અને સ્વાર્થી નેતાઓને  ભવિષ્યમાં આપણે, કઈ કચરાપેટીમાં નાંખીશું?  કારણકે, આ તો પરમાણું કચરાથીય, વધારે હાનિકારક હોય તેમ આપને નથી લાગતું?

માર્કંડ દવે. તાઃ૦૨-૧૦-૨૦૧૧.

Monday, September 26, 2011

પ્રેમ પરવડતો નથી.(ગીત)


Rupees > Love?
સૌજન્ય-ગૂગલ 

પ્રેમ પરવડતો  નથી.(ગીત)


ઉર-ઉમંગ તલભાર,સળવળતો નથી.
હની, આ  પ્રેમ  મને   પરવડતો નથી.

અંતરા-૧.

કોંક્રિટના જંગલે, વેચ્યાં મન-ઉપવન..!!
પુષ્પ - પમરાટને  હું   ટળવળતો  નથી.
હની, આ   પ્રેમ   મને  પરવડતો  નથી.

અંતરા-૨.

ધાર કે પ્રેમ, તને પરવડે, તેથી શું?
હું તો અકારણ,કોઈને નડતો નથી.
હની,આ પ્રેમ મને પરવડતો નથી.

અંતરા-૩.

જગત ભ્રમને,તુંય પૂર્વગ્રહ પીડિત..!!
સમજાવીશ  દિલને, હું કનડતો નથી,
હની, આ  પ્રેમ  મને  પરવડતો નથી.

અંતરા - ૪.

હશે રિદ્ધિ - સિદ્ધિ,ગણેશને પડખે..!!
હું તો વ્યર્થ સંબંધ, ગોડવતો નથી,
હની,આ પ્રેમ મને પરવડતો નથી.
(ગોડવવું=આમતેમ દડે તેમ કરવું.)
માર્કંડ દવે.તા.૨૫-૦૯-૨૦૧૧.

Wednesday, September 21, 2011

સાફા-ટોપી-એ-જુલૂસ.



સાફા-ટોપી-એ-જુલૂસ

" સાફા-ટોપી-એ-જુલૂસમાં,`ખર`થી રહો અતિ દૂર..!!
  નવ કરશો, હસ્તધૂનન, ઉર પીડશે કુમતિ અસુર..!!

અર્થાત્- જુલૂસ=રાજ્યાભિષેક જેવા અવસર પર `ખર-કુમતિ` ધરાવતા તકવાદીઓ સાથે હાથ મેળવતાં પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ, અન્યથા તેમની આસુરી બદનિયતથી, દિલને વ્યથા પીડવાનો ભય રહેલો છે..!!
=======
(મંચનો પડદો ખૂલે છે અને પ્રેક્ષકોની તાળીઓથી વાતાવરણ ગુંજી ઊઠે છે.)

સદ્‍ભાવની કસુવાવડ થૈ, કોઈ કોસી લ્યો..ભૈ ટોકી લ્યો..!!
અપમાનની વરમાલા થૈ, કોઈ ટોપી લ્યો..ભૈ ટોપી લ્યો..!!
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!! 

( ગાતાં-ગાતાં, ગોળ-ગોળ, ફેર-ફુદરડી ફરતાં ફરતાં, રંગલો અને રંગલી મંચ પર પ્રવેશ કરે છે. પ્રેક્ષકો ફરીથી તાળીઓ પાડે છે.)

સદ્‍ભાવની કસુવાવડ થૈ, કોઈ કોસી લ્યો..ભૈ ટોકી લ્યો..!!
અપમાનની વરમાલા થૈ, કોઈ ટોપી લ્યો..ભૈ ટોપી લ્યો..!!
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!!

રંગલી-"અલ્યા,રંગલા ક્યારનો આ મોબાઈલમાં માથું નાખીને શું કરે છે?"

રંગલો-"આ ટીવી પર સમાચાર આવે છેકે,આપણા મૂખ્યમંત્રીએ,બીજા લોકોના સાફા પહેર્યા પણ, કોઈની ટોપી પહેરવાની ધરાર ના પાડી?"

રંગલી-"અલ્યા રંગલા, તું એટલુંય ના હમજ્યો? આપણા મૂખ્યમંત્રી ભલેને ૬૨ વરસના થ્યા,પણ છે તો વાંઢાજને? એટલે માથે વરરાજા જેવો સાફો શું કામ ના બંધાવે? આપણે દીલ્હી જાન લઈને નથી જવાનું? પણ રંગલા, હા, તે આ મોબાઈલમાંય ટીવી દેખાય છે?"

રંગલો-"રંગ..લી, હજી તું ક્યા જમાનામાં જીવે છે..!! હવે તો મોબાઈલમાંય ટીવી પર, મોટા નેતાઓની હારે-હારે અશલા-પશલા જેવાની આલતુ-ફાલતુ બધીય વાતું દેખાય છે,સમજી?"

રંગલી-"સમજી રંગલા,સમજી,પણ તું સવારનો ક્યાં ગયો`તો?દેખાણો નહીં?"

રંગલો-"જવા દેને બધી વાત..!! આ પશાકાકાના છોકરાને મેં વચ્ચે રહીને એકજણ પાંહેથી દસહજાર ઉછીના અપાવ્યા`તા. મારો બેટો પાછા નથી આપતો એટલે પેલો લેણદાર મારો જીવ ખાતો હતો તે, પશાકાકાના છોકરાને સમજાવવા ગયો`તો,કે ભઈલા, પેલાના પૈસા પાછા આપને મારી જાન છોડાવ..!!"

રંગલી-"અરે,એ છોરો તો એક નંબરનો કરું કંપની છે,તું ક્યાં ફસાયો? પછી શુ કીધું એ છોરાએ?"

રંગલો-"રંગલી મેં બહુ દબાણ કર્યું અને પશાકાકાને કહી દેવાની ધમકી આપી એટલે માની તો ગયો છે પણ મારો બેટો મને કહેકે, તમારા પૈસા પાછા આપવા, મારે બીજા કોઈને `ટોપી` પહેરાવવી પડશે..!!"

રંગલી-"આ લે,લે,લે, કર વાત,પછી શું થયું?"

રંગલો-" આટલું કહીને એ બસ થોડેક દૂર ગયોને મેં ફરી પાછો બોલાવ્યો અને કહ્યું,ભઈલા તું બીજાને ટોપી આપવાનું કહીને તારી આ બુઢિયા ટોપી તો અહીં મારી પાસેજ  ભૂલી ગયો..!! મારે શું સમજવાનું?"

રંગલી-"હાય..હા..ય,પછી..!!"

રંગલો-"પછી શું? એ હસતો-હસતો ટોપી લઈને,મારી હારે હાથ મિલાવીને ચાલતો થયો..!!"

રંગલી-"તું આવા જોડે પાછો હાથ મિલાવે તો પછી, તારો હાથ પકડી,ખભે પગ મૂકી પછી, તારા માથે ચડી તને, આવા લોકો પરાણે ટોપી પહેરાવેજને..!! હવે તનેય   પશાકાકાના છોરાની માફક ફરીથી કોઈ `ટોપી` પહેરાવવા આવે તો નફફટાઈથી ના પાડતાં શીખજે..!! નહીંતર લોકોની ગાળો ખાતો ફરીશ, કાંઈ હમજ્યો?"

રંગલો- "હમજી ગ્યો..રંગલી..તારો કહેવાનો અર્થ હમજી ગ્યો..!! તારી વાત સાવ સાચી છે. એટલેજ તો રંગલી આપણે મંચ પર ગાઈએ છેકે...!! 

આંગળી  દેતાં  પહોંચો પકડી, કાંધ પકડી માથે ચડી, 
ઇજ્જતની સંજવારી થૈ,કોઈ જોખી લ્યો..ભૈ જોખી લ્યો..!!
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!! 
(સંજવારી=વાસીદું,કચરો.)

મીઠી મધુરી લાગે દૂરથી, ચાખીતો થૂ..થૂ લાગે કડવી,
ગાળોની  ધોધમારી થૈ, કોઈ નાહી લ્યો ભૈ..નાહી લ્યો..!!
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!!

ભાષણ  ભરડી ભસી લીધું, લાવરું લૈ ને કરડી લીધું,
નિંદાને મિજબાની થૈ,કોઈ ચાખી લ્યો ભૈ..ચાખી લ્યો..!! 
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!!
( લાવરું =બચકું,વડચકું.) 

અનશન  અનશન  રમી લીધું, ખૂણેખાંચરે જમી લીધું,
અરમાનની બરબાદી થૈ, કોઈ માણી લ્યો ભૈ..માણી લ્યો..!! 
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!!

(પ્રેક્ષકો જોરદાર તાળીઓ પાડે છે તથા પરદો પડે છે..!!) 


જોકે, સાચ્ચેજ પરદો પડ્યો?
======

ANY COMMENTS?

માર્કંડ દવે.તા.૨૦-૦૯-૨૦૧૧. 

Thursday, September 15, 2011

કાગ-ચરકસંહિતા.





કાગ-ચરકસંહિતા.

" કાગ   બેસે,   ચરક ચરકે,   સંજોગ સારા ?
  ડાળ ભાંગે ને, હાથ ભાંગે?    ભોગ તારા..!!"

===========

પ્રિય મિત્રો,

એકવાર  મારે, એક મિત્રના દીકરાના, લગ્નના રિસેપ્શનમાં,  જવાનું થયું.  મિત્રને ત્યાં પહેલોજ, પ્રસંગ હોવાથી હું,  સમય કરતાં વહેલો, પહોંચી ગયો.

એક મોટા પાર્ટી પ્લૉટમાં, ઊંચા સ્ટેજ પર ગોઠવેલી, કોઈ મહારાજાના સિંહાસન જેવી, ભપકાદાર ખુરશીઓ, નવદંપતિની રાહ જોઈ રહી હતી. પાસેના જ, ચેન્જિંગ રૂમમાં, પેલા મિત્રનો, બળવાખોર, વરરાજા, દીકરો, રીસેપ્સન માટે, તૈયાર થઈ રહ્યો હતો. આ માટે તેણે મુંબઈથી ખાસ ડિઝાઈનરને બોલાવીને, અત્યંત મોંઘી શેરવાની સિવડાવી હતી.

થોડીજ વારમાં, બહાર આમંત્રિત મહેમાનોની ભીડ શરૂ થઈ અને  પેલો તાજો પરણેલો, દીકરો, મોંઘી શેરવાનીમાં સજ્જ થઈ, બરાબર તાલે-માલે થઈ, ચહેરા  પર દુનિયાસર કર્યાના ભાવ સાથે, નવવધૂને સાથે લઈને, જ્યાં  સ્ટેજ પર ચઢવા જાય છે,  ત્યાંતો...!!

અચાનક,પાસે જ, એક લાઈટના થાંભલા પર, બેઠેલા કાગડાએ,  પેલા વરરાજાની મોંઘી શેરવાનીના, ખભાના ભાગ પર, સફેદ-પીળું, અઢળક  ચરકીને, વરરાજાના, સમગ્ર ઉત્સાહ પર, પાણી ફેરવી દીધું.

હવે..!! સહુના ચહેરા જોવા જેવા થઈ ગયા.  અણવરે, `સુ..સ..સુ...સ..!!`, કરીને, કાગડાને ત્યાંથી ભગાડ્યો તો ખરો, પણ હવે બગડેલી શેરવાની સાથે, વરરાજાથી, સ્ટેજ પર થોડાજ બેસાય?

પેલો વરરાજા, મોઢું બગાડતો, ફરીથી તેના રૂમમાં, નહાવા અને શેરવાની ધોઈ, ઇસ્ત્રી કરાવવા, દુઃખી મન સાથે, ચાલ્યો ગયો.

જોકે, આ બનાવથી, (વરરાજાના બાપ), મારા પેલા મિત્ર, રાજી થયા હોય તેમ, મને કહે,

" આ બબૂચકને, મેં આ પરજ્ઞાતિની, છોકરી સાથે લગ્ન કરવા ના પાડી હતી, છતાં અમારી મરજી વિરુદ્ધ તેણે આ પગલું ભર્યું."

મેં, મારા મિત્રને, સાંત્વના આપી." હશે..!! રાજાને ગમી તે રાણી, એમ રાખોને..!!"

મારા મિત્રએ, અડધા અફસોસ અને અડધા આનંદ સાથે કહ્યું,

"શું  ધૂળ, એમ રાખો..!! મારા મરી ગયેલા, બાપાનેય, આ લગ્ન નહીં ગમ્યું હોય, તેથીજ કાગડો થઈને  દાદા, પૌત્રની શેરવાની પર, ચરકી ગયા..!!"

મને લાગ્યું, હવે આ દુઃખી મિત્રને, વધારે છેડવામાં માલ નથી..!!

જોકે, રીસેપ્સનનો પ્રસંગ ઊજવાતો રહ્યો,પણ હું  ગહન  વિચારે  ચઢી ગયો.

આ કાગડાઓ જો આપણા દાદા દાદી કે, પરદાદા, પરદાદીઓ હોય તોપછી, તેઓ આપણી વચ્ચેજ વસવાટ કરીને, આપણી ઉપર જણાવ્યા મુજબની, ભૂલ પર, અલગ-અલગ પ્રકારે રોષ પ્રગટ કરીને, આપણને ચેતવતા હશે?

થોડા સમય પહેલાં,NDTV Imagine પર, અત્યંત ચર્ચાસ્પદ-વિવાદાસ્પદ, રિયાલિટી શૉ "રાઝ પિછલે જનમકા" ઓનઍર થયો હતો. જેના એક ઍપિસોડમાં, એક્પર્ટ   થેરાપિસ્ટ   ડૉ. તૃપ્તિ  જૈન   દ્વારા,  એક એવા ભાઈને,  પાછલા જનમની સફર કરાવાય છે,   જેમને  આ   જન્મમાં, એક  કાગડો  ઘરની બહાર નીકળતાંજ, માથામાં ચાંચ  મારીને,  હેરાન  - પરેશાન કરી નાંખે છે. છેવટે, પૂર્વજન્મમાં, કોઈને હેરાન કરવાથી, આમ બન્યું હોવાનું તારણ નીકળે છે..!!

શું  ખરેખર, આપણા કે અન્યના પિતૃઓ, કાગડાનું રૂપ લઈને, ચતુરાઈપૂર્વક, આપણને કે બીજાને  મદદ કરવાની કે, હેરાન કરવાની, પ્રવૃત્તિ કરે ખરા..!!

આપણા હિંદુઓમાં, આપણા મૃત સગાવહાલાઓ, એટલેકે,  પિતૃઓની તૃપ્તિ માટે, શ્રદ્ધાથી કરાતી તર્પણક્રિયાને શ્રાદ્ધ કહે છે. ચોમાસામાં, ભાદરવા વદિ પડવાથી અમાસ સુધીના પંદર દિવસ, પૂર્વજોનું શ્રાદ્ધ  કરવાના દિવસ ગણાય છે.એમ માનવામાં આવે છેકે, " શ્રાદ્ધકાલે પિતૃઓને અપર્ણ કરેલું અન્ન, જયાં સુધી ઊનું ઊનું હોય ત્યાં સુધી, તેઓ કાગડાનું સ્વરૂપ લઈને, ગ્રહણ કરે છે. – ગીતારહસ્ય."

આપણા, ઉપર દર્શાવેલા, કેટલાક દુઃખી પિતાઓ, પોતાના  દીકરાઓનો    વિશ્વાસ કર્યા વગર, પોતાના જીવતાંજ, ` જગતિયું`, (  જીવતાં કરાતું કારજ.) કરીને, પોતાની, શ્રાદ્ધવિધી કરી નાંખે છે...!! ( આને, જીવતાંજ, ` છત્રી કાગડો થઈ ગઈ `, એમ  કહેવાય?)

આ કાગડા કે કાગડીઓ, આપણા સહુના પિતૃઓ જ હશે તે ,માનવું જ પડે તેવા,  કેટલાય બનાવ મેં નોંધેલા છે..!!  દા.ત.

* જે  પિતૃને,  જીવનભર, સાઇકલ પણ નસીબ ન થઈ હોય તેવા પિતૃઓ (કાગડાઓ) , ઈર્ષાને કારણે, સારી, મોંઘીદાટ કાર જોઈને, આખી  કાર ચરકી ભરે છે..!!

( ખાસ કરીને, ડ્રાઈવર સાઇડના ગ્લાસ પર? ` લે,  શોધ હવે ગાભો અને કર સાફ.. સાલ્લા..!!")

* તેજ પ્રમાણે, આજીવન લઘર-વઘર જીવેલી, દાદી-પિતૃઓ પણ,   એક ગ્રામ સોનાનો ઢોળ ચઢાવેલા, નકલી દાગીના ઠઠાડીને, બ્યૂટીપાર્લરમાંથી તૈયાર થઈ, શુભપ્રસંગ માણવા નીકળેલી, સુંદર બહેનો પર, ઈર્ષાથી પ્રેરાઈને, સુંદર સજાવેલા, સુગરીના માળા જેવા, અંબોડા પર અથવા મોંઘી સાડીઓ પર, ચરકીને, બદલો લઈ લે છે..!!  

જોકે, કિંમતી કપડાં ઉપર ચરકીને, શાહી વસ્ત્રો ખરાબ કરવાનો પ્રસંગ, બાદશાહ અકબર સાથે પણ, એકવાર બની ગયો હતો. અકબરે, અકળાઈને, રાજ્યના તમામ કાગડાઓનું, નિકંદન કાઢતા પહેલાં,બીરબલને , કાગડાઓની સંખ્યા ગણી લાવવાનો, હુકમ  કર્યો.

" काक दन्त गवेषण न्यायः।"    એટલેકે, કાગડાના દાંત ગણવા જેવી નક્કામી પ્રવૃત્તિ જેવો , આ  હુકમ  બીરબલને ગમ્યો નહી, પણ બોલ્યા વગર તેણે, બીજાજ દિવસે, કાગડાની સંખ્યા, અમુક લાખના, આંકડામાં, બાદશાહને જણાવી દીધી.

બાદશાહ સમજી ગયાકે, બીરબલ, કાગડાની સંખ્યા, ગણવા ગયા વગરજ,  ગપ્પાં મારે છે તેથી, તેમણે ચેતવણી આપીકે,

" હું  ફરીથી, બીજા પાસે, કાગડાની સંખ્યા ગણાવીશ અને જો ઓછી કે વધારે નીકળશે તો?"

હાજરજવાબી બીરબલે જવાબ આપ્યો,

" જો મારી ગણેલી સંખ્યા કરતાં, કાગડા ઓછા હોય તો માનવુંકે, ગેરહાજર કાગડા, બીજા રાજ્યના મહેમાન બન્યા છે, અને જો સંખ્યા વધી જાય તો, માનવુંકે, બીજા રાજ્યમાંથી કાગડા, આપણે ત્યાં મહેમાન બન્યા છે."

મિત્રો, આપણા જીવન સાથે અતૂટપણે, સંકળાયેલા કેટલાંક પશુ,પક્ષીઓમાં, કાગડો મહત્વનું સ્થાન ધરાવે છે. શનિદેવના, વાહન તરીકે પણ, કાગડાને પણ સ્થાન અપાયું હોવાનું કહેવાય છે.આપણા અનેક પૌરાણિક ગ્રંથોમાં અને લોકકથાઓ કે, લોકબોલીમાં, કાગડાના ઉલ્લેખ સાથે, અનેક વાર્તાઓ, કહેવતો પ્રચલિત છે.

કાગડો, સારા-નરસા, શુકન  શાસ્ત્રવેત્તા હોવાની કેટલાકોની માન્યતા છે, તેથીજ કોઇ સંબંધી પરદેશ ગયેલ હોય અને આવવાની તક થઇ હોય ત્યારે કાગડો ફળિયામાં,  જેના ઘેર આવીને બેસી, ` કા...કા...કા...`, તેમ બોલે..!!  તો તે ઘરમાં, મહેમાન આવશે એમ, ઘરનાં ધારે છે.

સિદ્ધરાજ જયસિંહના સમયમાં, સંવત- ૧૨૦૦માં, ઘેટાં-બકરાં ચરાવનાર, એક ભવિષ્યવેત્તા, નામે `હુદડ`,ને ત્યાં `ભડલી`નામની એક ચતુર કન્યા જન્મી, જેને જયોતિષ પિતાએ, ગ્રહ-નક્ષત્રનું અમોઘ જ્ઞાન, વારસામાં આપ્યું. આ  જ્ઞાનના  આધારે ભડલીએ, સરળ લોકભાષામાં, સર્વ ઉપયોગી,  ભવિષ્યની આગાહી કરતાં, કેટલાંક તારણ કાઢ્યાં. ભડલીએ, જ્યોતિષ સંબંધી વર્ષના વરતારાની સાખીઓ દેશી ભાષામાં રચેલી છે, તે `ભડલીવાક્ય`, નામે સુપ્રસિદ્ધ છે.  જેને `ભડલી નાં વાક્યો` કહે છે.

દા.ત.  ભડલીનું વાક્ય છે કે: " રાતે બોલે કાગડા, દિન બોલે શિયાળ; તો ભડલી એમ કહે, નિશ્ચે પડશે કાળ." ચોમાસામાં, રાતે કાગડા બોલે તો તે દુકાળની નિશાની ગણાય છે.

કાગડો  કે  કાગડી,  ( આપણા પરદાદા  કે  દાદી..!! ) કોઈના પર, બરાબર લાગ જોઈને, ચરકે, કે  પછી  માથામાં ચાંચ મારે  તે જોતાં, તેના ચતુરપણા અંગે, કોઈને  શંકા ન ઉપજે તે સ્વાભાવિક છે.

આમતો, કાગડી પોતાનાં બચ્ચાં તેમ જ કાગડા માટે મરી પડે છે. કાગડીને, પોતાના નર કાગડા પ્રત્યે, અપાર સ્નેહ હોય છે. એટલેજ, ઘણી જાતિના કાગડા, ૨૪૦ વર્ષ જીવ્યા હોવાનાં ઉદાહરણ પણ મળી આવ્યા છે. ( પરણેલી બહેનો, જરા, `કાગડી` જેવી બનો,. શીખો..જરા તો સમજો? `अख़ंड सौभाग्यवती भवः।`)

કાગડો અને કાગડી ચતુર પક્ષી હોવા છતાં અને   કાગડીની બધી લુચ્ચાઈ છતાં તેને, એક પક્ષી, કોયલ  મહાત કરે છે. કોયલ પોતાનાં ઇંડાં, કાગડાના માળામાં મૂકી આવે છે. કાગડી તે સેવે છે અને બચ્ચાંને મોટાં કરે છે. તે મોટાં થાય એટલે કોયલ તેને લઇ જાય છે.

એમ માનવામાં આવે છે કે, જ્યાં વાંદરાં વધારે હોય ત્યાં કાગડા થોડા હોય છે, કેમકે કાગડા માળો બાંધી ઈંડા મૂકે છે ત્યારે વાંદરાં ઝાડ ઉપર ચડીને તેનાં ઈંડા નીચે જમીન ઉપર નાખી દે છે. (વાનરવેડા?)

જોકે,  જ્યારથી વાંદરામાંથી, પરિવર્તન પામીને  માણસે,  માણસાઈ  ધારણ કરી છે..!! ( હી..હી..હી..!! હસવાનું નહીં, ભા..ઈ..!! ), ત્યારથી, કાગડાને, માણસની સોબતમાં, જલ્સો પડી જાય છે. માણસ સાથેના સહવાસે, તેને હિંમતવાન ( !! ) અને ચોરવાની વૃત્તિનો ( !! ) બનાવ્યો છે.

( એમ કહેવાય છેકે, કાગડાની આંખને, એકજ ડોળો હોય છે જે,  વારાફરતી ડાબે-જમણે ફેરવીને,જુવે છે તેથીજ, લુચ્ચા માણસને `કાગડોળિયો` પણ કહે છે. ટૂંકમાં, ચોર નજર..?) )

કાગડો, કેટલીક વખત,  ઘરમાં અને દુકાનમાં છૂપી રીતે દાખલ થઈ જાય છે અને પડેલી ખાદ્ય વસ્તુ લઈને, ઝડપથી ઊડી જાય છે.આ હિંમતની સાથે તેનામાં એટલી જ સાવચેતી પણ છે. ક્યાંય ખોરાક હોય કે કોઈ શિયાળ કે બીજા કોઈ પ્રાણી ઉપર હુમલો કરવો હોય તો ત્યાં, કાગડાઓ ટોળાબંધ ભેગા થાય છે. કાગડો,  રસ્તામાં પડેલી, ગંદકીને, ઉત્સાહપૂર્વક ખાઈને, સમાજને, સફાઈ કામમાં, પણ મદદ કરે છે.

જોકે, આપણે ત્યાં, શ્રાદ્ધપક્ષમાં, કાગડાઓને, દાદા પરદાદાઓના નામે, ભરપેટ, સરસ, તાજી ખીર ખાવા મળે છે. ખીર ખાવા આવતા કાગડા, ૧૦૦% આપણા પિતૃઓ જ  હોવા જોઈએ, તેની ખાત્રી કરાવતી, એક  રમૂજ  પ્રચલિત છે.

શ્રાદ્ધપક્ષમાં,પોતાના મૃત પતિના, શ્રાદ્ધના દિવસે, પોતાના દીકરાને  લઈને, ધાબા પર,  કાગડા  સ્વરૂપ  પતિને,   ખીર  ધરાવવા, `કાગ વાસ..કાગ..વાસ..!!`,ની બૂમો પાડતી, સ્ત્રીની ખીર ખાવા એક પણ કાગડો ન ડોકાયો.

છેવટે લાંબી રાહ જોવડાવ્યા બાદ એક કાગડો આવ્યો તો ખરો..!! પણ આ સ્ત્રીની ખીર ખાવાને બદલે, તે સ્ત્રીના માથા ઉપર ઊડી, ચક્કર મારીને, પડોશીના, ધાબા પર મૂકેલી ખીર ખાઈને ચાલતો થયો..!!

બાપાની રાહ જોઈને કંટાળેલા, દીકરાએ,પેલી હતાશ  માતાને, સવાલ કર્યો," મમ્મી, આ   કાગડો  જ, મારા પપ્પા હતા ને?"

પેલી હતાશ સ્ત્રીએ જવાબ આપ્યો, " એ જ હોવા જોઈએ..!! પણ, તારા પપ્પા, હજી ય  સુધર્યા નહીં. તે જીવ્યા ત્યાં સુધી, મારા કરતાં, બાજુનાં કાન્તાબહેને રાંધેલી ખીર, તેમને બહુ ભાવતી હતી."

કાગડા અંગે, કેટલીક પ્રચલિત કહેવતઃ- ( સૌજન્યઃ- ગુજરાતી લૅક્સીકૉન )

૧. કાગડા ઊડવા = (૧) કોઈની હાજરી ન હોવી. (૨) ખંડેર થઈ જવું. (૩) નિર્વંશ જવો; સત્યાનાશ જવું; ઘરનાં બધાં માણસનું મરણ થવું. બદદુઆ દેવામાં આ અર્થમાં વપરાય છે.

૨. કાગડા કળકળવા = સત્યાનાશ જવું; છેક જ ખરાબી થવાનાં ચિહ્ન જણાવા. કાગડા શકુન શાસ્ત્રવેત્તા છે એવી માન્યતા ઉપરથી આ કહેવત થઈ છે.

૩. કાગડાની કોટે કંકોતરી = તરત વાત જાહેર કરે એવું; ગામવાતોડિયું.

૪. કાગડાની કોટે દહીંથરું-રતન = (૧) અપાત્રે દાન; સારા માણસનું નઠારાને પનારે પડવું. (૨) ગરીબ માણસ પાસે સારી વસ્તુ હોવી.

૫. કાગડાની ગુદામાંથી ગંગાજળ કાઢવું = ઘણું મુશ્કેલ કાર્ય કરવું.

૬. કાગડાની નજરે જોવું = ભયને માટે સાવધાન રહેવું; ચાલાક રહેવું; ચેતતા રહેવું; ચોતરફ તપાસ રાખવી.

૭. કાગડાનું ઊડી બેસવું-બોલવું = સારાં શુકન થવા; પરદેશ ગયેલ માણસ ઘેર આવશે એવું સૂચવનાર શુભ ચિહ્ન થવું.

૮. કાગડાનું બેસવું ને તાડનું પડવું = અણચિંત્યું કાંઈ બનવું; દૈવયોગે બનવું.

૯. કાગડાનું હસવું ને દેડકાના પ્રાણ જાય = બીજાને નુકશાન થાય અને પોતાને લાભ થાય તેવું કામ.

૧૦. કાગડાને કાળો રંગવો પડે ? = નીચ માણસમાં નીચપણું જ હોય.

૧૧. કાગડાને મન રમત અને ઉંદરનો જીવ જાય = બીજાને નુકશાન થાય અને પોતાને લાભ થાય એવું કામ.

૧૨. કાગડાને મોઢે રામ ન હોય = પાપીના મોઢામાંથી સારાં વેણ ન નીકળે.

૧૩. કાગડાને શાપે ઢોર ન મરે = સ્વાર્થીલા માણસની સ્વાર્થીલી ઇચ્છા પાર પડે નહિ.

૧૪. કાગડાને, સોળે દહાડા શ્રાદ્ધ = માગી ખાનારને હમેશા સારું સારું ખાવા મળે.

૧૫. કાગડાને હાથે કંકોતરી = રડતો જાય ને મુઆના ખબર લાવે.

૧૬. કાગડો કાગડીને ન ધીરે = લુચ્ચો લુચ્ચાનો વિશ્વાસ ન કરે.

૧૭. કાગડો કોયલને હસે = કોઈ પોતાનો દોષ જુએ નહિ અને બીજાને હસવા જાય.

૧૮. કાગડો દહીંથરું લઈ ગયો = છેતરી ગયો; સારી વસ્તુ નઠારને હાથ ગઈ.

૧૯. કાશીમાં પણ, કાગડા તો કાળા = મેલા મનનું માણસ ગમે ત્યાં જાય તો પણ મલિન જ રહેવાનું.

૨૦. છત્રી કાગડો થઈ જવી = પવનના જોશથી છત્રી વિખાઈ જઈ તેનો ઢાળ ઊંધો થઈ જવો.

કોઈ પક્ષીની લાક્ષણિકતાઓ સાથે, માણસની લાક્ષણિકતાઓનું, એક કહેવતના રૂપમાં. આટલી હદ સુધીનું સામ્ય, કોઈપણ વિચારશીલ માણસને જરૂર આશ્ચર્ય પમાડે તેવું છે. નહી..?

તેથીજ, ઘણા કાળો રંગ ઘરાવતા અથવા ધોળે દહાડે, કાળાં કામ કરતા માણસને, કાગડા સાથે સરખાવાય છે?

 કદાચ એટલેજ, કહેવત પડી હશેકે, `ગમે ત્યાં જાવ, કાગડા બધે જ કાળા.`

આપણા દાદા-દાદી, પરદાદા-પરદાદીઓ ઉપર મેં આવો લેખ ઢસડી માર્યો છે, મારું હવે આવી તો નહીં બનેને?

મારા પર, આપણા પરદાદા ચરકે  અથવા મને માથામાં ચાંચ મારવા આવે તો..!! જોજો, ભોગ તારા ન કહેતા..!!

મિત્રો, તમે મને બચાવશો? પ્લી...ઝ...!!

માર્કંડ દવે. તાઃ૨૭ જુલાઈ, ૨૦૧૦.

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.