Showing posts with label ભક્તિ. Show all posts
Showing posts with label ભક્તિ. Show all posts

Tuesday, October 11, 2011

તન તંબૂરે તાર. (ભક્તિ ગીત.)




 તન તંબૂરે તાર. (ભક્તિ ગીત.)


હું શું  કહું  સમયને, સમૂચો લૂટી ગયો,

ભંગુર દેહ કેરો આ, ઝરૂખો ઝુકી ગયો,

અંતરા-૧

બેસુર જીવન સાજ ને,મુસીબત ભરી સફર,

તન  તંબૂર  એક તાર,  વિખૂટો  છૂટી ગયો. 

હું   શું   કહું  સમયને,  સમૂચો   લૂટી ગયો,

અંતરા-૨.

વીતી ગઈ આ  જિંદગી,મધ એકઠું કરી,

ઉઠતાં જ ધૂમ્ર સેર, મધ-પુડો ઝુરી ગયો.

હું  શું  કહું  સમયને, સમૂચો લૂટી ગયો,

અંતરા-૩.

ધાર્યું  હતું દ્વારે,મધ્યમ વહેશે અનિલ..!!  

વહ્યો  કરાલ  કાલ  થૈ, નકૂચો તૂટી ગયો. 

હું   શું   કહું  સમયને,  સમૂચો લૂટી ગયો,


હું  શું   કહું  સમયને,  સમૂચો લૂટી ગયો,

ભંગુર  દેહ  કેરો  આ,  ઝરૂખો  ઝુકી ગયો.

માર્કંડ દવે.તા.૧૧-૧૦-૨૦૧૧.

Thursday, October 6, 2011

તણખો (ભક્તિ ગીત)



તણખો (ભક્તિ ગીત)

પ્રિય મિત્રો,

મનુષ્ય જ્યારે સંસારના ત્રિવિધ તાપથી ત્રસ્ત થઈ જાય. મનુષ્યને જ્યારે અપાર હતાશા ઘેરી વળે, ત્યારે `સુખમાં સાંભરે સોનીને, દુઃખમાં સાંભરે રામ.` તે ન્યાયે મનુષ્યની ભીતર ઈશ્વર પ્રાપ્તિ કાજે અમાપ મહેચ્છાગ્નિ પ્રગટ થાય.

આ તણખાને જે બુઝાવા ન દે તે,
ભક્ત પ્રહ્લાદ,મીરાં,નરસૈંયો,સુરદાસ,કબીર, રહીમ,જ્ઞાનદેવ,તુકારામ અને અન્ય અનેક પ્રાતઃસ્મરણીય પ્રભુભક્તનું બિરુદ પામી અંતે, 
ઈશ્વરના ચરણોમાં મોક્ષપ્રાપ્તિ કરે તથા પરમસુખધામ નિવાસ કરે.

આ ભક્તિ ગીતમાં,આવીજ એક તણખો ઝર્યાની વાત છે.આશા છે આપને જરૂર ગમશે. ઈશ્વરકૃપાથી આ ભક્તિગીતનું સ્વરાંકન પણ સુંદર થયું છે,જે ટૂંક સમયમાં અપલૉડ કરીશ. માણીએ એક ભક્તિ ગીત જે,
`નાહં કર્તા,હરિ કર્તા` ના ભાવ સાથે રચાયું છે. 

તણખો (ભક્તિ ગીત)

એકજ તણખો ઝર્યાની વાતને,ભીતર ભાણ ઉગ્યાની ભાત..!!  

નમકહરામ થૈ નિરાંત હવે તો, આ જાત સળગ્યાની  રાત..!!  

(ભાણ=સૂરજ)

અંતરા-૧.

નયન ઝરુખે આ,અસુંવન તરસેને, વિરહ સમીર સંગાથ,

રગરગ તડકો ઘૂંટ્યો હવે તો,આ વસંત સળગ્યાની વાત.

ભીતર ભાણ ઉગ્યાની ભાત..,(૨)

(તડકો= સંસારના ત્રિવિધ તાપ; વસંત=ભૌતિક સુખ)

અંતરા-૨.

રણરણ ભટકે ને,તરસ થૈ તડપે આ,મૃગજળ મલિન અમાસ,

ભવરણ ભ્રમણે ભૂલ્યો હવે તો, લાગે તરસ અડ્યાની તમાસ.

ભીતર ભાણ ઉગ્યાની ભાત..,(૨)

(મૃગજળ= આભાસી સંસાર; અમાસ= અંધકારમય હતાશા;તરસ= હરિદર્શનની પ્યાસ; તમાસ= તમાશો)

અંતરા-૩.

અગન ભભૂકે આ, ભડભડ ભડકેને, તનમન કથીર ઉદાસ,

નસનસ ભડકો લૂટ્યો હવેતો,આવી ભીતર બળ્યાની વાસ.

ભીતર ભાણ ઉગ્યાની ભાત..,(૨)

(અગન=મોહ,માયા,ક્રોધ; કથીર=રાખના મૂલ્યનું તનમન)

અંતરા-૪.

ઝરમર ઝરણે,પલળ્યા કરુંને, ગગન ભેદવાની ચાહ.

મઘમઘ માંહ્યલો મહેકે હવે,કો` આતમ ભળ્યાની રાહ. 

ભીતર સાંજ ઢળ્યાની ભાત..,(૨)

(ઝરણું= હરિકૃપાની વર્ષા; ગગન ભેદવું=પ્રભુદર્શન; માંહ્યલો=આત્મા; ભીતર ભળવું=અદ્વૈત થવું.)

એકજ તણખો ઝર્યાની વાતને,ભીતર ભાણ ઉગ્યાની ભાત..!!  
નમકહરામ થૈ નિરાંત હવે તો, આ જાત સળગ્યાની  રાત..!! 

માર્કંડ દવે.તા.૦૬-૧૦-૨૦૧૧.

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.