Monday, May 21, 2012

जीना इसी का नाम है ।

जीना इसी का नाम है ।

દર્દથી જે મળે તે કૈં, દર્દની વાતથી મળે,
દર્દોની કો કથામાં તો, દર્શનો પ્રભુનાં જડે. - કલાપી

પ્રિય મિત્રો,

જો પૃથ્વીપર શ્વસતા  જૈવિક બંધારણ એટલેકે જીવનના નિભાવ,ઉત્કર્ષ કાજે ઊર્જા સ્વરૂપે પાણી, હવા,તાપમાન,ગુરુત્વાકર્ષણ,ખોરાક અને અલ્ટ્રાવાયોલેટ સૌર કિરણોત્સર્ગ જેવાં પરિબળ અનિવાર્ય હોય તથા તે માટે કુદરતે આપણને સૂર્ય જેવું, ૧,૩૯૨,૦૦૦ કિલોમીટર્સ વ્યાસ (લગભગ ૧૦૯ પૃથ્વી સમાય તેટલું મોટું ) અને સપાટી ઉપર ૯,૯૧૦ ફૅરનહીટ(૫,૫૧૦ સેન્ટિગ્રેડ) તાપમાન ધરાવતું ,જગતનું સર્વોચ્ચ,વિશાળ, ફાનસ ભેટ આપેલું હોય, આપણી પૃથ્વીથી આશરે ૧૪૯.૬ લાખ કિ.મીટર દૂર હોવા છતાં,તે દરરોજ સવારે અચૂક ઊગતો હોય, તેવામાં ધારો કે,પૃથ્વી પર રોજેરોજ આચરવામાં આવતી પાપ લીલાઓ નિહાળીને,  સૂર્યદાદા સહિત ઉપર દર્શાવેલા તમામ જીવન ઉત્કર્ષ પરિબળને,  હતાશા  નીપજે અને તે તમામ પરિબળ થોડા દિવસની સિક લીવ પર ઊતરી જાય તો આપણા સહુનું શું થાય? કલ્પના કરવા માત્રથી થથરી જવાય છે કે નહીં..!!

જ્ઞાની સાધુસંતો `પાપ લીલા` બાબત માનવીના મનની ગતિ અકળ હોવાનું કારણ દર્શાવે છે.પોતાના મનને નાથવું તથા તેને ડાહ્યુંડમરું અને કહ્યાગરું બનાવવાની લાયમાં અનેક તપસ્વીઓનાં તપ અફળ નીવડ્યાં છે ત્યારે, `जीना इसी का नाम है । ` સૂત્રને સાર્થક કરવા કાજે, મનમાં રહેલી જિજીવિષાને પ્રબળતા બક્ષવા કાજે, ભીતરના નકારાત્મક ઘોંઘાટને અટકાવી અનુકૂળ  હકારાત્મક ભાવ સાથે, પરમ શાંતિના કોશેટામાં મનને બરાબર વિકસવા દઈએ તો, જેમ બરાબર સમય પાકતાં કોઈ ફળમાં અદ્વિતીય મીઠાશ વ્યાપે છે, તેજ પ્રકારે આપણું મન  દુન્યવી નકારાત્મકતાના ઘોંઘાટથી રહિત થઈને સંપૂર્ણ સ્વચ્છ, રોગમુક્ત બની જાય છે તે શંકા રહિત બાબત છે. જોકે, યોગ્ય-અયોગ્ય, કામની-નક્કામી,સાચી - ખોટી, ઢોલ ને ઝાલર સાથે, લાઉડ સ્પીકર અને વરઘોડા કાઢીને, એક પ્રકારે, અનેકજાતનાં ત્રાગાં કરીને,  શક્ય તેટલો વધારે ઘોંઘાટ કરીને, આપણે  ભગવાનની પૂજાઅર્ચના, કે  સ્તુતિ  કરવા ટેવાઈ ગયા છે, તે  જોઈને ક્યારેક વિચાર આવેકે, શું ભગવાન બહેરા હશે?  કદાચ `હા`..!! તોપછી, એમજ માનવું પડે કે, ભગવાન બહેરા હશે અથવા જાણીજોઈને, બહેરા હોવાનું નાટક કરતા હશે અથવા બહેરા નહીં હોયતો, આપણી "કામ"ની ચાસણીમાં ઝબોળીને મીઠી બનાવેલી ન-કામી લાગણી તથા માગણીઓ સાંભળી-સાંભળીને હવે બહેરા જરૂર થઈ જશે...!! આ અગત્યના વિષયે વિશ્વના તમામ વિદ્વાનો પણ એકમત છેકે," The easiest way, to get touch with this universal power is through silent will to live."

`जीना इसी का नाम है । ` સૂત્રને સાર્થક કરતા હોય તેમ તથા પોતાના શાંત દૃઢ જિજીવિષા  (silent will to live) દ્વારા ચમત્કાર થયો હોય તેમ  તાજેતરમાં, પોતાની અત્યંત સફળ કેરિયરના શિખર પર આરૂઢ થયા બાદ અચાનક, કેન્સર જેવા મહા રાજરોગમાં સપડાઈને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવા લાગેલા, આપણા જવાંમર્દ ક્રિકેટર યુવરાજસિંઘને, લગભગ અસાધ્ય મનાતા કેન્સર જેવા જીવલેણ રોગમાંથી આધુનિક સારવાર પદ્ધતિના કારણે રોગમુક્ત થઈ ફરીથી, મેદાનમાં પ્રૅક્ટિસ કરતો ફોટો આપે અવશ્ય નિહાળ્યો જ હશે..!! બસ,"जीना इसी का नाम है ।"  સન-૨૦૦૭ની  વર્લ્ડ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચમાં આપણા દેશના ગૌરવ તથા પોતાની ટીમની જીત માટે  અત્યંત  કટોકટીની પળે, ઇંગ્લેન્ડના સ્ટુઆર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા લગાવનાર યુવા ક્રિકેટર યુવરાજસિંઘે પોતાની જિજીવિષાની લાગણી તથા મનોબળને પણ ગગનચુંબી છગ્ગાની ઊંચાઈ બક્ષીને અસાધ્ય રોગને માત આપી એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

" જિજીવિષા જ શ્વસતો રાખે છે માનવીને,
નહિતર ગજું શું, મોત સામે લડે જિંદગી?" 

જિંદગી તારાં કેટલાં રંગ-રૂપ..!!

જિંદગીના કેટકેટલા રંગ છે..!! કોઈ વૈજ્ઞાનિકને મન તે દરરોજ એક નવા પ્રયોગનું પ્રભાત છે. જેલના કોઈ કેદી માટે પ્રત્યેક નવપ્રભાત પોતાના પાપના પ્રાયશ્ચિતની અણમોલ તક છે. કોઈ ડૉક્ટર માટે રોજ કોઈ એક રોગીને રોગમુક્ત કરી નવજીવન પ્રદાન કરવાની તક છે. કોઈ કલાકાર માટે સવારનો સૂર્ય કોઈ એક અદ્વિતીય કલાના નમૂનાને નિર્માણ કરવાનો સંકેત છે. જ્યારે તાજા જન્મીને માતાની સોડમાં સૂઈ રહેલા, કોઈ નવજાત માટે નવપ્રભાતની આ જિંદગી એક નવાં જ સોણલાં નિહાળવાનું નવકિરણ છે. આમતો, ઘરતી પર  હાલ ફાટું-ફાટું થઈ રહેલા, જીવનની પ્રગતિનો ઇતિહાસ ફંફોસીએતો, શરૂઆતમાં એટલે કે જ્યારે પૃથ્વી ઠંડી બની પાણીવાળી થઈ ત્યારે પ્રથમ જીવ પાણીમાં અણુથી પણ નાના સ્વરૂપમાં ઉત્પન્ન થયો. અણુ જેવો જીવ પ્રગતિ પામી માછલી જેવડો થયો. પછી કરોડવાળી માછલીઓ ઉત્પન્ન થઈ. માછલીમાંથી સાપ, દેડકાં, મગર જેવાં જળચર સ્થળચર પ્રાણી ઉત્પન્ન થયાં. સ્થળચર જળચર પ્રાણીમાંથી પેટે ચાલનારા પ્રાણીઓ ઉત્પન્ન થયાં અને તેમાંથી પંખીઓ પેદા થયાં. ઉપરાંત ઊંટ, હાથી, ગેંડો, જિરાફ, સિંહ, ઝિબ્રા,વાનર વગેરે જેવાં સ્તનંધય પ્રાણી ઊપજ્યાં અને તેમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. આ ઉપરાંત, માનવજાતની ઉત્પત્તિ બાબત અન્ય એક પ્રચલિત  કથા પ્રમાણે આદમ અને ઈવ વચ્ચે ફળ ખાવા માટે કોણે કોની સાથે સમાધાન કર્યું હશે...!! તેની તો કોઈને જાણ નથી પણ ત્યારબાદ વિસ્તરેલી સમગ્ર માનવજાતે, મારાં-તારાંના વ્યર્થ રાગ આલાપી તથા આભાસી સુખ-દુઃખનો અનુભવ કરી સ્થાપિત કરેલી સંસારીક ભ્રામક ગતિશીલતાનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને રસપ્રદ છે,તે નક્કી બાબત છે. ટૂંકમાં, સમગ્ર જીવ સૃષ્ટિ સતત સંઘર્ષ,સંહાર,વિનાશ, નવસર્જન તથા સંજોગ સાથે અવિરત સમાધાનકારી નીતિ અપનાવીને આજ દિન સુધી અસ્તિત્વ ટકાવી રાખી શકી છે " जीना इसी का नाम है ।" તેમ  સહુને ઢોલ પીટીને જીવન ઇતિહાસ પણ કહી રહ્યો છે.

હવે આવો ભવ્ય ઇતિહાસ ધરાવતા જીવના જીવનમાં સંઘર્ષની ક્ષણે પારોઠનાં પગલાં ભરીને છેવટે જીવનનો અંત લાવવા સુધીની કાયરતાને ભીતરમાં મોકળા સરળ પ્રવેશ માટે મનના દરવાજાને ખુલ્લા મૂકી દેનારા તમામ  જીવોને  ઈશ્વરનું એટલું માર્ગદર્શન કે, જે સંભવિત હાર(Defeat)થી ગભરાઈને આપણે જીવનનો અંત લાવવા સુધીના વિચારો કરીએ છે તે મૃત્યુ તો આપણા જન્મ થયાની શુભ ઘડીએ સ્વયં મોતને ભેટ્યું હતું..!! 

ના સમજ્યા? " એક નવા જન્મની ક્ષણ એજ તો છે મૃત્યુનું કરુણ મરણ..!!" મૃત્યુ એ બીજું કાંઈ નહીં પણ જીવનનો શૂન્યાવકાશ માત્ર છે. હવે જો ખુદ મૃત્યુ(શૂન્યાવકાશ)ને જ હરાવીને આપણે દેહ  રૂપે જન્મ્યા છીએ, ઊછરી રહ્યા છે, ત્યારે સંસારમાં મૃત્યુ સિવાયના અન્ય સંઘર્ષ કે ભયને સાવ ગૌણ ન ગણી શકાય? દરેક વ્યક્તિએ જિંદગીના રંગ અલગ-અલગ હોઈ શકે છે ત્યારે કોઈપણ વ્યક્તિએ હતાશ શામાટે થવું જોઈએ? સંસારના દરેક વિઘ્નને હસતા મુખ વધાવી લઈ તેને હકારાત્મક કર્મયજ્ઞના ધારદાર હથિયારથી જબરદસ્ત માત આપી કોઈપણ માનવી સર્વશ્રેષ્ઠ માનવ તરીકે સ્થાપિત થઈ શકે છે.

Life is a continuous process of adjustment. - Indira Gandhi

સુખ-દુઃખ સબ, માયા હી માયા?

મિત્રો, સતત સંઘર્ષ,સંહાર,વિનાશ, નવસર્જન તથા સંજોગ સાથે અવિરત સમાધાનકારી નીતિના આજ વિષય અનુસંધાને આજે આપની સાથે એક ઘટના વાગોળવા મન કરે છે. સવારની ચ્હા પીતાં-પીતાં હું બહાર વરંડામાં હીંચકે નિરાંતની પળ માણી રહ્યો હતો. રાતને હજી કળ વળી હોય તેમ લાગતું ન હતું અને સાથેજ મારી ઊંઘને પણ..!! ત્યાં, મારી ઊંઘ સાવ ઊડી જાય તેવો એક બનાવ બન્યો. મારી ભીતરનો નિરીક્ષક તરત જાગૃત થઈ ગયો. જોયુંતો,ચકલીનું એક સાવ નાનકડું બચ્ચું, મારી બાજુમાંથી, ફ..ડ..ફ..ડ કરતું, જમીન સરસું, ખુલ્લા આસમાનમાં ઊડતાં શીખી રહ્યું હતું અને તે જ્યાં બેઠું હતું ત્યાં વરંડાના કોટની દિવાલ પરથી, તેની માં ચકલી, તે બચ્ચાની બાજુમાં વારંવાર આવી, સાથે બેસીને જાણે તેને શીખવતી હોયકે, " જો બેટા આમ ઉડાય,તેમ ઉડાય..!!" તેમ હાવભાવ સાથે `ફડડડ્‍` દઈને, તેની બાજુમાંથી ઊડી  સામેની દિવાલની ટોચે ઊડીને બેસી જતી હતી. મને તે માં પર ઘણું માન ઊપજ્યું, ` જોને, તે કેવી પોતાના બચ્ચાંને ઊડવાનું શીખવવા, સીધા આકાશને બદલે,શરૂઆતમાં, થોડી ઊંચાઈ સુધી ઊડવાનું શીખવતી હતી..!! વા..હ..!!` પેલા ચકલીના સાવ નાના બચ્ચાનો ડર અને તેની માંનો  બચ્ચાને ઊડતાં શીખવવાનો અદમ્ય ઉત્સાહ, ભારે  રોમાંચ સાથે હું મારા રોમરોમમાં માણી રહ્યો હતો. આટલાં અગત્યના પાઠ ભણીને નાનું બચ્ચું સફળતાપૂર્વક  ખુલ્લા ગગનમાં ઊડવાની તૈયારીમાં જ હતું, ત્યાં તો હાયરે, કા...ળ..!!

હું હજી કાંઈ સમજુ, અટકાવું..!!  ત્યાંતો એક ઘોઘર બિલાડાએ દોડતા તરાપ મારીને ચકલીના નાનાં બચ્ચાને, તીક્ષ્ણ દાંત વચ્ચે જડબામાં દબાવી, તેની પીંખાતી પાંખોનાં પીછાંને, જમીન પર ખેરવતો, બિલાડો ત્યાંથી ભાગી છૂટ્યો.પોતાના વહાલસોયા નાના બચ્ચાનાં પીછાં સામે જોઈ બિલાડાનો નિષ્ફળ પીછો કરવા મથતી આહત થયેલી લાચાર ચકલી માં પણ તેની પાછળ ઊડી ગઈ. બસ, રહી ગયા હવામાં ગુંજતા, એક દુઃખી માંના  આક્રંદના દર્દભર્યાં કરુણ સ્વર માત્ર....!! મારી ઊંઘ હવે સાવ ઊડી ગઈ. ચ્હા અકારણ કડવી લાગવા લાગી. અચાનક વિટળાયેલા આઘાતથી અત્યંત કરુણતા અનુભવી  આજનું અખબાર જ્યાં  મેં  હાથમાં લીધું તો તાજા સમાચારમાં પણ, આવા બે કરુણ સમાચાર પર મારી નજર પડી.* ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની એક વિદ્યાર્થીનીએ, નાપાસ થવાના ભયથી આપઘાત કર્યો,પરંતુ પરિણામ જાહેર થતાં તેના,૭૫% માર્ક આવ્યા હતા. * આવા એક  કિસ્સામાં એક ધોરણ દસના એક વિદ્યાર્થીએ નાપાસ થવાના ભયથી આપઘાત કર્યો પરંતુ, પાછળથી જાણ થઈ તેના પણ ૬૨% માર્ક આવ્યા હતા.પ્રશ્ન ઉદ્ભવે છેકે, શું આ બાળકોનાં માતાપિતા,ગુરુજન પેલી ચકલી માંની માફક  આ બાળકોને સરખું ઊડતાં શીખવવામાં નિષ્ફળ ગયાં હશે? ધોરણ બારના નજીકના લક્ષ્ય પર ધ્યાન આપવાને બદલે ભાવિમાં આવનાર પડકાર સમા ડૉક્ટર, એન્જિનિયર અથવા અન્ય કોઈ આસમાનને અડકવાનું મુશ્કેલ લક્ષ્ય, માતાપિતા, ગુરુજનોએ અતિશય દબાણપૂર્વક આ બાળકોને આપ્યું હશે? કદાચ એમજ હશે..!! તેથી કાળ નામના ઘોઘર બિલાડા સામે  જિંદગી  હારી ગઈ..!! હાસ્તો, બીજું શું વળી...!! જોકે, આપણેતો હાલ શબ્દની કરકસર કરી એટલું કહી શકીએ, " પીંખાતા પંખ બદલે છે, ક્યારેક જિંદગીનો મુકામ, નહીંતર, આમતો છે જિંદાદિલી, જિંદગીનું  જ નામ..!!" 

અમેરિકાના, વર્જિનીયાની નામાંકિત,`Patrick Henry College (PHC) `, કૉલેજના, ઍસોસિએટેડ પ્રોફેસર અને નેશનલ પોલિટિક્સ અને પોલિસી પ્રોગ્રામ્સના ડાયરેક્ટર,`Stephen K. Baskerville` જણાવે છેકે,"માતા પિતાના રૂક્ષ તથા અવ્યવહારુ  આકાંક્ષા-અપેક્ષાથી  પ્રેરિત માનસિક દબાણભર્યા  વ્યવહારને કારણે બાળકના કુમળા મન ઉપર ઘેરી નકારાત્મક અસર થાય છે. બાળકને યોગ્ય વયે, યોગ્ય માત્રામાં, યોગ્ય માર્ગદર્શન અવશ્ય મળવું જોઈએ."  જાણે આનું સમર્થન કરતા હોય તેમ, `સત્યના પ્રયોગો` આત્મકથામાં પૂજ્ય મહાત્મા ગાંધીબાપૂએ સુદ્ધાં કબૂલ કર્યું છેકે,"તેમના હઠાગ્રહી સ્વભાવને કારણે કેટલીયવાર,પૂજ્ય કસ્તૂરબા સાથે મતભેદ થતા હતા,જોકે સરળતાથી શમી પણ જતા." 

ચાલો, હતાશાને કરીએ હતાશ.

અકબર-બિરબલની એક કથા મુજબ, અકબર ચાર મૂર્ખ શોધી લાવવાનું કામ બિરબલને સોંપે છે ત્યારે,  બિરબલ માત્ર બે જ મૂર્ખ શોધી લાવે છે. બાકીના બે મૂર્ખ બાબતે પૂછતાં  બિરબલ જણાવે છેકે," જહાંપનાહ,બેઅદબી માફ કરજો,પરંતુ રાજકાજનાં બીજાં અગત્યનાં કામ પડતાં મૂકી મૂર્ખ શોધવા જનાર એક તો, હું, પોતે ત્રીજો મૂર્ખ છું અને ચોથા મૂર્ખ, આપ પોતે, જે બાદશાહ થઈને, આવા મૂરખ શોધવાનું કામ વિચારો છો, ફરમાન કરો છો." મને ઘણીવાર લાગે છેકે, આપણે પણ હતાશ થવા માટે આવા ફાલતુ મૂર્ખતાપૂર્ણ નિરર્થક કાર્ય પાછળ કાયમ મંડ્યા રહીએ છે? આવા ફાલતુ મૂર્ખતાપૂર્ણ નિરર્થક કાર્યમાં વળી પાછો માનવ જ્યારે પોતાની ક્ષમતા પર શંકા અનુભવી, કાર્ય સફળતા અંગે અવઢવ ભરેલી માનસિક સ્થિતિ અનુભવે ત્યારે તેને પોતે હારવા અંગેનો કાલ્પનિક ભય રોમરોમમાં ઘેરી વળે, તનમનની તમામ ઊર્જા જવાબ દઈ દે તથા હથિયાર ઉઠાવતા પહેલાં પોતાની હાર સ્વીકારી લેવાનું મનોવલણ જોર કરે છે. પરિણામે તેનું ધ્યાન  પોતાના લક્ષ પરથી ચલિત થઈ જાય છે, જે અંતે કાર્ય સફળતા માટેની નિર્ણયશક્તિ (Decision making) પર નકારાત્મક માઠી અસર ઊભી કરે છે. માનસશાસ્ત્ર( Psychology)ની ભાષામાં, મનની આ સ્થિતિને હતાશા (Frustration) કહે છે.

માનવમનની આ દારુણ  સ્થિતિની સાચી ઓળખ સર્વપ્રથમ પંદરમી સદીમાં થઈ હતી. જોકે, અંગ્રેજી સાહિત્યમાં સર્વપ્રથમવાર `Frustration` શબ્દની નોંધણી છેક અઢારમી સદીના મધ્ય ભાગમાં વિધિસર કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક માનસશાસ્ત્રી દ્વારા આ વિઘાતક મનઃસ્થિતિના ઉપાય માટે અનેક થિયરી વિકસાવવામાં આવી.જેમાં મુખ્યત્વે બે થિયરી સહુથી વધારે જાણીતી છે.

૧. આક્રમકતા.(Frustration aggression.)

વીસમી સદીની શરૂઆતમાં જ્હોન ડૉલાર્ડ ( Born on August 29, 1900) નામના માનસશાસ્ત્રીએ સાઠ વર્ષોના ગહન અભ્યાસ બાદ તારણ કાઢ્યુંકે, માનવી હતાશા ઉત્પન્ન કરનારા પરિબળોથી ઘેરાઈ જાય તેવા કાબૂ બહારના સંજોગોમાં માનવ સ્વભાવ પ્રમાણે, મનનું સંતુલન ગુમાવીને મોટાભાગે તે આક્રમકતા ધારણ કરે છે. જેના પરિણામે તે પોતાની જાતને, અન્યને અથવા પર્યાવરણને નુકશાન પહોંચાડે તેવું કાર્ય કરવા પ્રેરિત થાય છે. આ સ્થિતિને હતાશામાં થી જન્મેલી આક્રમકતા.(Frustration aggression.) કહે છે. જોકે, હતાશાજનક સ્થિતિમાંથી મુક્તિ મેળવવા વ્યક્તિગત, વ્યવહારગત અથવા સંજ્ઞાત્મક રૂપે પ્રગટ થતી આક્રમતાનો આ માર્ગ અપનાવવાનું તથા તેનું નિવારણ, બંને દેખાય છે તેટલા સરળ હરગિજ નથી.

૨. સહિષ્ણુતા. (Frustration tolerance.)

આજ પ્રકારે, માનવ હતાશાની સ્થિતિમાં ક્યારેક, હતાશા પેદા કરનારા તત્વ સાથે બાથ ભીડી જ ન શકાય તેવા લાચારીના સંજોગોમાં પોતે મૂર્ખામીભરી આક્રમકતા ધારણ કરીને `બલીના બકરા` બનવા કરતાં, આક્રમકતા ત્યજીને, થોડુંઘણું સમાધાનકારી વલણ અપનાવી,પોતાની સહનશક્તિનો મહત્તમ ઉપયોગ કરીને હતાશાભરી પરિસ્થિતિનો સામનો કરવાનો સહુથી સરળ તથા શ્રેષ્ઠ માર્ગ અપનાવે છે.

જોકે, ઉપરોક્ત વિશ્વ પ્રચલિત મનોવૈજ્ઞાનિક થિયરીના આધારે એમ અવશ્ય કહી શકાયકે, જીવન સંઘર્ષમય છે તે બાબતને નકારી ન શકાય પરંતુ આ પરિસ્થિતિનો  જવાંમર્દી અને જિંદાદિલીથી સામનો કરવો જ રહ્યો. તો શું  જિંદાદિલ માનવ બનવું એટલું સરળ હશે? જીહા, કેમ નહીં..!!  વોશિંગ્ટન ડી.સી. સ્થિત સંસ્થાના ચેરમેન Walter Isaacson (Born May 20, 1952), જેઓએ  હેન્રી કિસીંગર, બેન્જામિન ફ્રેન્કલિન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીવ જોબ્સનું જીવનચરિત્ર લખ્યું છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન પર લખેલા પુસ્તક,(શીર્ષક) 'Einstein: His Life and Universe' માં તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરે છેકે,"દુનિયા જેને વિશ્વના મહત્વના વૈજ્ઞાનિકોમાં એક ગણે છે,સન્માન કરે છે તેવા મહાન આઈનસ્ટાઈનનું અંગત જીવન ખૂબ સંઘર્ષપૂર્ણ વીત્યું હતું. જગત સમક્ષ સાચા પ્રેમની તેમની અપેક્ષા ક્યારેય પરિપૂર્ણ ન થઈ શકી નહતી. છતાંય તેઓએ લગીર હતાશ થયા વગર જવાંમર્દી-જિંદાદિલીના સહારે દુનિયાને માનવકલ્યાણને ઉપયોગી  અનેક અદ્ભુત શોધ ભેટ ધરી. જોકે, ખરી વાતતો એ છેકે, ઉમદા વિચારો તથા કાર્યો દ્વારા પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરી, સમાજમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરેલા આવા અનેક મહામાનવના અનુકરણીય ઉદાહરણને આપણે ઇરાદાપૂર્વક કદાચ વીસરી ગયા છે..!!

સત્ય એ છેકે, જિંદાદિલ બનવા માટે દરેક વ્યક્તિએ,આ દુનિયામાં ડગલેને પગલે અંગત સ્વાર્થ ત્યજીને સમાધાનકારી વલણ સાથે જીવવાની તૈયારી કરવી જોઈએ અને આ વલણ આત્મસાત્ કરવા કાજે દરેકે  માત્રને માત્ર હકારાત્મક, પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ.  આપણી આ જિંદગી ચાર દિવસનું ચાંદરડું છે. પાંપણને બંધ, ફરી ઉઘાડો અને જેટલી વાર લાગે,તેટલી જ વારમાં જાણેકે, જિંદગી શરુ થઈને પૂર્ણ થતી હોય તેમ ભાસે છે. આટલા અલ્પ સમયમાં વળી,ધન ઉપાર્જન, ભોજન, આનંદપ્રમોદ અને ઊંઘવાનાં સમયને બાદ કર્યા પછી  માનવીને આ સંસારમાં  સહુની સાથે  લડી-ઝગડી, પોતાના પગ પર જ કુહાડા માર્યા બાદ છેવટે, જાત સાથે સમાધાન કરવું પડે છે ત્યારે, તેવી સ્થિતિમાં અજાણ્યા મિત્રને શોધવા નીકળવું તેના કરતાં જાણીતા દુશ્મનનો (!!) સામનો કરવો જીવનમાં વધારે સરળ હોય છે તેમ માનવું..!!  

હતાશાને હતાશ કરનારા વિશ્વવ્યાપી જવાંમર્દ.

માનવીને જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ એટલે જીવન સંગ્રામ અથવા  'સ્ટ્રગલ ફૉર એક્ઝિસ્ટન્સ' તેમાંથી નીપજતાં અનેક સારા-નરસાં પરિણામ, તેમાંનું  એક  તે  હતાશા. જગપ્રસિદ્ધ આયરિશ નાટ્યકાર,કવિ, લેખક-ઑસ્કર વિલ્સ વાઇલ્ડ ના તારણ અનુસાર, " હતાશા એ મનુષ્ય ના લમણે લખાયેલું, અનિવાર્યપણે ભોગવવું પડતું એવું પાપ છે, જેમાંથી કોઈને પણ, ક્યારેય પણ, માફી કે મુક્તિ મળતી નથી..!!"  જો આ કથનમાં રતીભાર પણ સત્ય છે તો, તેના ઉપાય સ્વરૂપે આપણે આ અનિવાર્ય પાપમાંથી મુક્તિ મેળવનારા કેટલાક જિંદાદિલ જવાંમર્દ મહાનુભાવના કિસ્સાને જરૂર વારંવાર મમળાવી તેમાંથી પ્રેરણા મેળવવી જોઈએ.

પ્રખ્યાત માઉન્ટેઈન ક્લાઈમ્બર `Aron Ralston` ઍરોન રાલ્સનના જીવનમાં બનેલી દર્દમય કરુણ સત્ય ઘટના પર લખાયેલા પુસ્તક, "Between a Rock and a Hard Place" પર આધારિત, ઑસ્કારવિનર અને `સ્લમ ડૉગ મિલિયોનર્સ` ફેઈમ, જગવિખ્યાત ફિલ્મ ડાયરેક્ટર, `Danny Boyle' દ્વારા નિર્માણ પામેલી ફિલ્મ  '127 Hours' માં જ્યારે, `રોક ક્લાઈંબિંગ` માટે નીકળેલો  હીરો  જેમ્સ ફ્રેન્કોનો જમણો હાથ જ્યારે એક મોટા પથ્થર નીચે બૂરી રીતે ફસાઈ જાય છે ત્યારે, તે નિર્જન સ્થળે સતત પાંચ દિવસ સુધી હાથને બહાર ખેંચી  કાઢવાના અનેક નિષ્ફળ પ્રયત્ન બાદ, પોતાનો જીવ બચાવવા તે સાવ નાનકડી છરી(પેપર કટર)થી, પોતાનો ફસાયેલો હાથ કાપવાનો નિર્ણય અમલ મૂકે છે. તે ઘડીએ હીરોનું મનોમંથન ભલભલાના શ્વાસ થંભાવી દે તેવું છે.  આ પાંચ દિવસમાં, પોતાની પાસેનું પાણીનું છેલ્લું બૂંદ પણ ખલાસ થઈ જતાં, તેને પોતાનું  શિવાંબુ પણ પીવાની ફરજ પડે છે. જોકે, આ સત્ય ઘટનામાં પોતાનું દર્દ જગતને જણાવવા છેવટે તે પોતાનું જીવન બચાવવામાં સફળ થાય છે.

આપણે આ લેખની શરૂઆતમાં ક્રિકેટર યુવરાજસિંઘનું ઉદાહરણ ટાંક્યું છે પરંતુ, યુવરાજને હોસ્પિટલમાં સાજા થવાની શુભેચ્છા પાઠવી અનેરું પ્રેરક બળ પ્રદાન કરનારા, અમેરિકાના સાયકલવીર લાન્સ આર્મસ્ટ્રોંગને પણ સન ૧૯૯૬માં વૃષણની કોથળીનું કેન્સર નિદાન થયું ત્યારબાદ આત્મબલને મજબૂત કરી,જિજીવિષાને પ્રબળ કરી સન-૧૯૯૯ માં સારવારથી રોગમુક્ત થઈ, આ જિંદાદિલ જવાંમર્દ લાન્સભાઈએ સાયકલીંગમાં સહુથી મુશ્કેલ મનાતી `ટૂર ડી ફ્રાન્સ`ની ચેમ્પિયનશીપ એકવાર નહીં, પરંતુ સતત સાત વર્ષ સુધી મેળવી? બોલો, હતાશાને હરાવ્યાનું છેને આ સચોટ ઉદાહરણ..!!

` મારી પીડા કાયમી નથી,તે એક મિનિટ, એક દિવસ, એક વર્ષ ચાલે, પણ એક દિવસ તે જરૂર શમી જશે, તેનું સ્થાન બીજું કાંઈક લેશે,તેવામાં જો હું મેદાન છોડી દઉં, પલાયન થઈ જાઉં તો તે બાબત મને જિંદગીભર સાલશે, પીડશે.સંજોગને શરણે થવું, બહુ જ નાની વાત હોય તો પણ કર્મથી હાથ ખંખેરી નાખવા એ બાબત જિંદગીભર પીડતી રહે છે. એટલે મને મેદાન છોડી ભાગવાનો વિચાર આવે ત્યારે હું, મારી જાતને પૂછીશ કે, હું કઈ બાજુએ રહીશ?
- સાયકલવીર લાન્સ આર્મસ્ટ્રોંગનું આત્મચરિત્ર 'ઇટ્સ નોટ અબાઉટ ધ બાઇક: માય જર્ની બેક ટુ લાઇફ'

આવોજ દાખલો નાસાના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક,બ્રિટિશ નાગરિક સ્ટિફન વિલિયમ હૉકિંગનો છે. જેઓ સંપૂર્ણ લકવાગ્રસ્ત શરીરને કારણે ફક્ત,`સ્પીચ જનરેટીંગ ડિવાઈસથી` વાતચીત કરી શકતા હોય તેવા ખરાબ સંજોગોમાં પણ, માનવ જીવનને માટે અત્યંત ઉપયોગી એવા `બ્લેક હોલ્સ-Black holes,Theoretical cosmology,Quantum gravity, Hawking radiation` ના સંશોધન માટે જીવન ન્યોછાવર કર્યું તે માનવ ઇતિહાસમાં જવાંમર્દી તથા જિંદાદિલીનું અનન્ય ઉદાહરણ છે. * આ ઉપરાંત, સમુદ્રમાં ઊંડે,`ચેલેન્જર ડિપ` તરીકે ઓળખાતા સ્થળની ઊંડાઈ (આપણા માઉન્ટ ઍવરેસ્ટને ઊંધો કરીએ એટલી ઊંડાઈ) સુધી મજબૂત મનોબળ દ્વારા વિશ્વના પ્રથમ માનવ તરીકે ડૂબકી લગાવનારા જેમ્સ કેમેરોન. * સન-૧૯૩૬માં બર્લિન ઑલેમ્પિક્સ-જર્મનીમાં યજમાન જર્મની અને ભારત વચ્ચે હોકીની રસાકસી ભરી રમતમાં જર્મનીની ભારતના ધ્યાનચંદ સહિતના રમતવીરોએ એવી માઠી દશા કરી નાંખી કે સ્ટૅડિયમમાં બેઠેલો અજેય ગણાતો હિટલર અડધી મેચ પડતી મૂકીને, હારવાની બીકે ઘર ભેગો થઈ ગયો હતો. *સન-૧૯૧૩માં પારસી પરિવારમાં જન્મીને અનેક અગવડ વેઠી ભારતની સ્વતંત્રતાના `રેર` પ્રસંગોને કચકડે મઢનારા પદ્મવિભૂષિત સ્વ.શ્રીમતી હોમાઈ વ્યારાવાલા.* અનેક વિપરીત ટીકાઓ વચ્ચે અડગ મનોબળ દ્વારા જવાંમર્દી દાખવીને સદીઓની સદી લગાવનારા શ્રીસચિન તેંડુલકર.* સન-૧૯૯૩થી ૨૦૧૧ સુધી બંગાળ તથા સિક્કિમનું પ્રતિનિધિત્વ કરી કેન્દ્ર સરકાર દ્વારા અર્જુન તથા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત  ફૂટબોલનો જાદૂગર બાઈચૂંગ ભૂટિયા.* ૫ સપ્ટેમ્બર ૧૯૮૬ મુંબઈથી વાયા કરાચી ન્યૂયોર્ક રવાના થયેલી ફ્લાઈટનું અપહરણ થતાંજ ઇમર્જન્સી ગેટ ખોલીને વિમાનના યાત્રિકોને બહાર કાઢતા સમયે આતંકવાદીઓના પોઈંટ બ્લેંક ગોળીઓના વરસાદથી વિરતાપૂર્વ મોતને ભેટેલી એર હોસ્ટેસ સ્વ.નીરજા ભાણોટ.*સિનેજગતનો ઉલ્લેખ કરીએતો હાલ જેમનું દુઃખદ નિધન થયું છે તે પદ્મભૂષણ સદાબહાર નિર્માતા-નિર્દેશક-લેખક-અભિનેતા શ્રીદેવાનંદજી.*આપણા ગુજરાતમાં અનેક દુઃખ વેઠીને સન્માનના શિખરે બિરાજ્યાં હોય તેવાં કોકિલકંઠી ગાયિકા શ્રીદિવાળીબહેન ભીલ.* વડોદરા નજીક ગોરજ મુકામે, સાવ જંગલમાં આશરે ૬૫ એકરમાં, દાનવીરોની સહાયતાથી તથા સ્વૈચ્છિક શ્રમયજ્ઞ દ્વારા, કેન્સર હૉસ્પિટલ સહિત અનેક સેવાકેન્દ્રનું સ્થાન તે છે ગોરજ મુનિ આશ્રમ તથા તેનાં સ્વપ્નદ્રષ્ટા સુશ્રી અનુબહેન ઠક્કર.

મિત્રો,ઉપર દર્શાવેલા મહાન માણસોના લિસ્ટનો જ્યારે કોઈ અંત નથી ત્યારે અત્યારે એ નોંધવું જ અગત્યનું છેકે, સમય પહેલાં હાર માની લેવાની વૃત્તિ એ માનસિક વિકૃતિ, દુઃખ અને હતાશામાંથી જન્મ લેતી એક ગંભીર બિમારી છે, આવી વ્યક્તિએ ખરેખર તો  અજ્ઞાનતા,  નકારાત્મકતા, એકલતાની પીડા જેવી અનેક બાબતોને ફગાવીને,ખોટી જીદ ત્યજી, જીવનમાં ધીરજ-સમજદારી દાખવી પોતાની સમક્ષ આવેલા કોઈપણ પડકારનો સામનો કરવા સદા તૈયાર સહેવું જોઈએ.વ્યક્તિ,સમાજ,દેશ અને દુનિયામાં,આ પ્રકારના દૂષિત મનોરોગની ઊધઈને જો ઊગતી જ ડામી દેવામાં ન આવે તો તેનાં ગંભીર પરિણામ નીપજી શકે છે.

સાચી વાત તો એ છેકે, આપણે જો ઈશ્વરના  જ, અંશ હોઈએ અને તેથી ઈશ્વર આપણામાં જીવતત્વ, પ્રાણ કે ચેતના સ્વરૂપે જો, આપણી  ભીતર જ રહેતા હોય તો..!! જેમ આપણે, આપણા અંતરમન સાથે  વાત કરવા ઢોલ-ઝાલર, લાઉડસ્પીકર કે વરઘોડા કાઢતા નથી, તેજ પ્રમાણે જીવતત્ત્વના હકારાત્મક સાક્ષાત્કાર માટે ઘોંઘાટમય પ્રાર્થનાને બદલે સાચા હ્રદયથી મૌનભાવ  ધારણ કરીને,  પ્રાર્થના દ્વારા સત્ય રૂપી અણમોલ મોતી પ્રાપ્ત કરી હતાશા મુક્તિની સચોટ અકસીર દવા હસ્તગત  કરીએ તેમાં જ સાચું શાણપણ  છે.

ગ્રંથે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,સત્ય છે એ જ મન એમ સૂઝે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ - નરસિંહ મહેતા

અત્રે સન-૧૯૫૭માં નિર્માતા-નિર્દેશક,લેખક શ્રીમહેબૂબખાન દ્વારા પ્રદર્શિત થયેલી અત્યંત સફળ ફિલ્મ-મધર ઇંડીયામાં સુશ્રીલતાદીદીએ ગાયેલા એક સુંદર ગીતની પંક્તિ પણ મમળાવવા જેવી છે."દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા." જોકે જીવનને ઝેર જેવું બનાવવું કે, અમૃત જેવું તે આપણા જ હાથમાં છે તેમ આપને નથી લાગતું?

તોપછી ચાલો,આજથી જ હતાશાને કરીએ હતાશ કારણકે,
जीना इसी का नाम है ।
માર્કંડ દવે.તા.૨૮-૦૪-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.