Saturday, September 7, 2013

10 pages letter to God..! ૧૦ પાનાંનો પત્ર-મારા ભગવાનને..!


10 pages letter to God..! ૧૦ પાનાંનો પત્ર-મારા ભગવાનને..!

====
નોંધઃ હાલમાં કોઈએ કોઈને લખેલા ૧૦ પાનાંના પત્ર સાથે આ પત્રને સ્નાનસુતકનો સંબંધ નથી.આ પત્ર કાલ્પનિક છે,બંધબેસતી પાઘડી પહેરવી નહીં.
====

શ્રીમાન ભગવાન,
 
હું..નીચે સહી કરનાર તારો અનન્ય (?) ભક્ત `માનવ` (હાલ અંડર ફ્રસ્ટ્રેશન-Frustration) નિરાધાર કાર્ડ નંબર ; X..Y..Z  અને હિંદુસ્તાનના આ વિશાળ કેદખાનાના વિસ્તાર નં. 382443 માં રહેનારો, મારા માનવ-દેહથી  નિવૃત્ત થયા બાદ મને સ્વર્ગના(?) મળનારા તમામ લાભો સ્વૈચ્છિક રીતે છોડીને, તારા ભક્ત પદેથી નીચેનાં ધોરણે રાજીનામું આપવા માગું છું.

મારા સમગ્ર માનવ કાર્યકાલમાં મારી એક ફરજના ભાગ રુપે, કથિત અનેક સાધુ-સંત,ઑલિયા,ફકીરના મિલન (એન્કાઉન્ટર ?) કેસ સંદર્ભે, તારી સરકારના `યમરાજ` ક્રાઈમ બ્રાંચનાય પ.પૂ.પિતાશ્રી સમાન, આ `હિંદુસ્તાન-ભારત-INDIA`ના ચૌદશિયા અધિકારીશ્રીઓ દ્વારા મારા પ્રત્યેક કાર્ય કરતી વેળાએ વારંવાર મારી કાર્ય-પકડ કરવામાં આવી છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટ સમાન, મારા અત્યંત અનુભવી અનેક  કથિત હિતેશ્રીઓના(?) આદેશથી મારા પ્રત્યેક કાર્યને (કેસને)  `અહીંથી તહીં - તહીંથી અહીં`  અવારનવાર ટ્રાન્સફર કરવામાં આવી રફેદફે કરવામાં આવે છે..!  જો આમ ગણીએ તો આજે, આ ઘર -પેલા ઘરના મળીને, ભારતીયતાની સગાઈ ધરાવતા અનેક  મેમ્બર્સ આ `હિંદુસ્તાન-ભારત-INDIA` ની જેલમાં જન્મ્યા ત્યારથી સબડી રહ્યા છે..! આ ઉપરાંત, એવા ઘણા બધા કે,  જેમને હું મારા મિત્ર કે વેલ-વિશર્સ માનું છું, તેવા અનેક નિર્દોષ  લોકોનાં નામ પણ, આ `હિંદુસ્તાન-ભારત-INDIA` ની કૉર્ટની `જન્મ-મરણ`ની ચાર્જશીટમાં નોંધવામાં આવેલાં જણાય છે.

જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી, આ `હિંદુસ્તાન-ભારત-INDIA`  સિવાય સમગ્ર બ્રહ્માંડમાં આટલી મોટી સંખ્યામાં માનવ જાતની કમબખ્તી (કાર્ય-પકડ) થઈ નથી તથા તે  સર્વને આટલા લાંબા સમય સુધી તારી સમયસર જામીનમુક્ત (મોક્ષ?) થવાની કૃપાથી `હે ભગવાન` તેં  વંચિત રાખ્યા નથી..! આ પ્રકરણની મહત્વની બાબત એ છે કે, જેઓ તારા વફાદાર સૈનિકો હતા, જેઓ સંપૂર્ણ ઈમાનદારી, પ્રમાણિકતા અને ગંભીરતા સાથે કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા સિવાય, તારા સોંપેલા માનવતાના ધર્મકાર્યને ક્રૂરતાથી હણવા તત્પર  થયેલા આતંકવાદીઓ  વિરુદ્ધ  લડ્યા  હતા, તેઓને આજે  પરાણે  જાણે `હિંદુસ્તાન-ભારત-INDIA` ની આ  વિશાળ  જેલમાં સબડી રહેવા માટે મજબૂર કરાયા છે..!

અહીં હું સંપૂર્ણ સન્માન સાથે એ જણાવવા માગું છું કે, હું મારા સહ  માનવબંધુ સાથે ભૂતકાળમાં એ તમામ સમયે  માનવતાના કાર્યમાં તારી સરકારની પડખે તમામ સંકટકાળમાં અનન્ય ભક્તિ દાખવીને એક દિવાલની જેમ અડીખમ ઊભો રહ્યો છું. હવે આજે જ્યારે હું અને મારા  હિંદુસ્તાનવાસીઓ એવા જ અસહ્ય સંકટમાં મુકાયા છે ત્યારે તારી સરકારની એ ફરજ બને છે કે તે અમારી પડખે એટલા જ ઉત્સાહ અને સમર્પણની સાથે આવીને ઊભી રહે. જોકે, મને એ વાતનો આઘાત પહોંચ્યો છે કે, આવું કશું જ બન્યું નથી. મારી પરમ આસ્થાના સ્થાન સમા બાવાઓ-બાપુઓ જેમની તાજેતરમાં `શ્લીલ-અશ્લીલ` કાર્ય-પકડ કરવામાં આવી છે તેમને પણ સમગ્ર  `હિંદુસ્તાન-ભારત-INDIA` દ્વારા અગાઉથી જ આરોપી માની લેવામાં આવ્યા છે. તે સિવાય, હું એક પુત્ર, પતિ, પિતા,સામાજિક કાર્યકર તથા એક સિનિયર ભક્ત હોવાને નાતે, માનવતા વિરોધી આતંકવાદીઓના ઍન્કાઉન્ટરના કાર્યમાં, લાગતાવળગતા અન્ય સર્વ કોઈને સમજાવી, મેં  સહુને સહભાગી બનાવ્યા છે. પરંતુ, આજે મને એ કહેતાં દુઃખ થાય છે કે, હે મારા ભગવાન, તેં  અથવા તારી સરકારે અમારા સહુ પ્રત્યે કોઈપણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી..! તારા કહેવાતા પ્રતિનિધિ એવા સાધુ-સંત-ઓલિયા-ફકીરો તથા પોતાને શહેનશાહોના પણ `અમિટ-શાહ` માનતા-મનાવતા પાસેથી પણ સમયાંતરે, જુઠ્ઠાં અને ગેરમાર્ગે દોરનારા શાબ્દિક આશ્વાસન સિવાય અમને કાંઈ મળ્યું નથી..!

સમય પસાર થવાની સાથે મને સમજાયું છે કે, તને કે તારી સરકારને અમને આ `હિંદુસ્તાન જેલ`ના નિર્દોષ કેદીઓને બચાવવામાં કોઈ જ રસ નથી, સાથેજ હું અને મારા ૧૩૦ કરોડ (- તમામ સત્તાધીશ)  હિંદુસ્તાનવાસી સહુ આ જેલમાં સબડ્યા જ કરીએ તેવા તારા દ્વારા ગુપ્ત રાહે સતત પ્રયાસ થઈ રહ્યા હોય તેમ લાગે છે, જેથી તું ખુદ બ્રહ્માંડનો સર્વોચ્ચ સત્તાધીશ હોવાની મહત્તાનાં મીઠાં ફળ આરોગતો રહે અને  બ્રહ્માંડના અધિપતિપદનો લાભ ખાટતો રહે..! એ તો સૌ કોઈ જાણે છે કે, તેં અને તારી સરકારે અનેક વિચિત્ર નીતિનિયમ-કાનૂન તથા અનેક નામ-વાડા નિર્ધારણ કરી, અમને સૌને આપસમાં લડાવી મારીને, છેલ્લા કેટલાય યુગોથી  સમગ્ર  `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની જેલને નરકાગાર બનાવી, તેં  અને તારા કહેવાતા પ્રતિનિધિ સમાન સાધુ-સંત-ઓલિયા-ફકીરો તથા પોતાને શહેનશાહોના પણ `અમિટ શાહ` માનતા-મનાવતા સહુ કોઈએ અનેક જાતના ફાયદા ઊઠાવ્યા છે અને સામે પક્ષે તેં કે તારી સરકારે  આ જેલમાં સબડતા તારા અનન્ય વફાદાર ભક્તોના ભવિષ્યની કોઈ જ ચિંતા દેખાડી નથી.

જ્યારે, કથિત સાધુસંત-ઓલિયા-ફકીર કે પોતાને શહેનશાહોના પણ `અમિટ` શાહ`માનતા-મનાવતા માનવંતા(?) લોકોના દુષ્કાર્યોથી ત્રસ્ત જનતા દ્વારા કાર્ય-પકડ કરવામાં આવી ત્યારે જ તારી જ સરકાર અચાનક સક્રિય થઈ ગઈ હતી. આવા `અમિટ મનાતા શાહો`ને ઊગારવા દેશના સૌથી જ્ઞાની અને અત્યંત મોંઘા એવા જેષ્ઠ મલાણિયા (=મોટા પહેલવાન)  પંડિતોને રોકી અત્યંત ખર્ચાળ યજ્ઞયાગાદિ કરવામાં આવ્યા..! આ જ્ઞાની પંડિતોએ દેશની નાનામાં નાની દેરીથી લઈ દેશનાં સર્વોચ્ચ ધાર્મિક સ્થળોએ ખુદ હાજર રહી વિધિવત્ પૂજાઅર્ચના કરી તેઓને ફરીથી તમામ વિધ્નોમાંથી માત્ર  ત્રણજ  મહિનામાં મુક્ત  કરાવ્યાનાં ઉદાહરણ મોજૂદ  છે. સામે પક્ષે  અમારા પ.પૂ.બાપુ (પિતાશ્રી.) અને અન્ય  કેદી પરિવાર જ્યારે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે કોઈપણ પ્રકારના જ્ઞાની પંડિતોની સેવા પુરી પાડવાનું તું સાવ ભૂલી ગયો? એટલું જ નહીં પણ,  `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની જેલમાં સબડતા સહુ કેદીઓ સદાને માટે જેલમાં જ રહે તેવા કારસા ઘડવામાં પણ તેં કાંઈ બાકી રાખ્યું નથી..! તેમાંય શરમજનક ઘટના તો એ બની કે, અમારામાંથી કેટલાક આરોપીઓ `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની જેલમાંથી જિંદગીથી છુટકારો મેળવી (મૃત્યુ પામી) આ જેલની ચુંગલમાંથી કાયમી આરોપ મુક્ત થયા ત્યારે તેં અને તારી સરકારે તેમની મુક્તિ રદ કરાવી ફરી-ફરીને મુશ્કેલીમાં મુકતા જન્મજન્માંતરના ફેરામાં ફસાવી એની એજ, `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની આ જેલના સળિયા પાછળ ફરી એકવાર ધકેલી દીધા?

હજુ હું તારી સરકારના આવા વિશ્વાસઘાત અને દગાબાજીને સમજવાનો પ્રયાસ કરતો હતો ત્યાંજ, અહંકારથી ફાટીને ધુમાડે ગયેલી તારી સુપ્રીમ ઓથોરિટીના આદેશને પગલે, પૂર્વ જન્મના અત્યંત અમીર ઘરમાંથી વિદાય થયેલા હિંદુસ્તાની અભાગિયા મૃતજીવોને, હાલ સાવ ચીંથરેહાલ, મરવાને વાંકે જીવતા તથા ફૂડ ગેરંટી બીલની આશાએ અત્યારે તો બે ટંક માત્ર દૂષિત પાણી પીને પેટ ભરતા કોઈ ગરીબ ઘરમાં જન્મ-કેસની સુનાવણી ખસેડવામાં આવી? હું ગંભીરપણે માનું છું કે, આમ કરવા પાછળ તારા પ્રીતિપાત્ર પોતાને `અમિટ` માનતા અનેક બ્રહ્માજી જેવા શાણા `શાહો`નું જ આ કાવતરું છે, જ્યાં તેમનો એકમાત્ર હેતુ તારી સરકારમાં તેમનો એકહથ્થુ અધિકાર સ્થાપિત કરવાનો છે..! આમ કરીને આ સહુએ અમારા જેવા અનેક અબુધ કેદીઓ સાથે વિશ્વાસઘાત તો કર્યો જ, સાથે જ આ સહુ કથિત સ્વર્ગીય છતાં મરેલા એવા લાચાર મૃતાત્માઓને નિરક્ષરતા,બેકારી,કુપોષણ અને ભૂખમરાની પરિસ્થિતિમાં મૂકી દીધા. તારા `અમિટ`કહેવાતા આ જ `શાહો`, અમારા સહુની ઉપર લગાવવામાં આવેલા નિરક્ષરતા, બેકારી,કુપોષણ અને ભૂખમરાના ગંભીર કેસની સાથે-સાથે આતંકવાદ,ગુનાખોરી,અપહરણ,બળાત્કાર જેવા અનેક જીવલેણ રોગના કેસ પણ ભેળવી દેવામાં સફળ રહ્યા હતા જેથી આ મુશ્કેલીમાંથી ઉગરવાની કોઈપણ `હિંદુસ્તાની` કેદીમાં સહેજપણ ક્ષમતા બાકી ન બચે..!

આ કારણસર જ મારો તથા `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની આ જેલના મારા અન્ય સહુ કેદીઓનો તારી સરકારમાંથી સંપૂર્ણ વિશ્વાસ ઊઠી ગયો છે. આ કેદખાનામાં અવતર્યો ત્યારથી હું જોઈ રહ્યો છું કે, તારા ગૃહખાતાના પુનર્જન્મ નિર્ધારણ સમિતિમાં નીમેલા `અમિટ શાહો` તેમના ખાતાનો વહીવટ ખોટી રીતે ચલાવી રહ્યા છે. મને એ કહેતાં દુઃખ થાય છે કે, તારી સરકારના બ્રહ્મા અને યમરાજના મંત્રાલયને નિષ્પક્ષ તથા અસરકારક બનાવવાને બદલે તારા અનેક `અમિટ શાહ` મંત્રીઓએ અંગ્રેજોની `ભાગલા પાડોને રાજ કરો`ની નીતિ અપનાવી છે જેમાં, આ `હિંદુસ્તાન` નામની જેલમાંથી અગાઉ મરેલા તારા ચમચાઓ એવા તમામ દુષ્ટાત્માઓ દ્વારા તને ઇરાદાપૂર્વક કાયમ ખોટી માહિતી પુરી પાડવામાં આવી છે. હાલ તેમણે એવી સ્થિતિ પેદા કરી છે કે, અહીં `હિંદુસ્તાન` જેલમાં સબડતા કોઈપણ ધર્મના કેદીઓ એકબીજા પર વિશ્વાસ કરતા નથી. આ કારણે દરેક કેદી-કેદી વચ્ચે એક મોટી ખાઈ પેદા થઈ છે. આગળ જતાં આ અવિશ્વાસના વાતાવરણે તમામ કેદીઓ વચ્ચે યાદવાસ્થળી જામી છે સાથે જ ઘણા પુન્યાત્માઓને મરણમુક્તિ કૅન્સલ કરાવીને ફરીથી આ જેલના સળિયા જ ગણવાના દિવસો જોવા પડ્યા છે. તારા યમરાજના મંત્રાલયે પોતાની નોકરીના ભાગ સ્વરૂપે માનવતા વિરુદ્ધ ત્રાસવાદ સંબંધી ગુનાઓ વિશ્વભરમાંથી શોધી કાઢ્યા હતા. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય આતંકી નેટવર્કને ઊઘાડા પાડ્યા હતા જેમાં કેટલાક નકલી સાધુસંત-ઓલિયા-ફકીર તથા દંભી `અમિટ શાહો`ની સાથે અમારા મિલન(એન્કાઉન્ટર?)ના વર્તમાન કેસોનો પણ સમાવેશ થાય છે.

હિંદુસ્તાનની સમગ્ર માનવજાત જ્યારે માનવસર્જિત ભ્રષ્ટાચાર,ધર્માંધતા તથા કુશાસન જેવી અનેક આફતોના જેહાદી આતંકથી ત્રસ્ત હતી ત્યારે તું અને તારી સરકારના ઉચ્ચસ્થાને બિરાજેલા અનેક પ્રતિનિધિઓ દરરોજ અમારા સહુ ભક્તોના સ્વપ્નમાં હાજર અચૂક થઈ, અમો ભક્તજન માનવજાતના તારણહાર છીએ તેમ અમને સમજાવતા હતા. પરંતુ, મારી અને મારા જેવા અનેક ભક્તોની ઉપયોગિતા પુરી થઈ ગઈ તથા અમો જ્યારે ઉપરોક્ત આતંક સામે એન્કાઉન્ટર કરતાં મુશ્કેલીમાં મુકાયા ત્યારે તેં કે તારી સરકારના એકપણ પ્રતિનિધિએ અમારા ખબર અંતર પૂછવાનો વિવેક પણ દાખવ્યો નથી..! તારી સરકાર તારા `વફાદાર ભક્ત સૈનિકો`ને બચાવવામાં નિષ્ફળ રહી છે, જેણે માનવજાતને ખતમ કરવા તત્પર થએલા દૂષિત આતંકવાદ સામે બાથ ભીડી હતી. આથીજ તું અને તારી સરકાર  બ્રહ્માંડ પર રાજ કરવાનો અધિકાર ગુમાવી ચૂકી છે. એવો એક દેશ જેનું નામ વિશ્વના જાણીતા સન્માનિત નેતા મહાત્મા ગાંધી સાથે સંકળાયેલું છે,તેની શાખ આજે વિશ્વમાં સાવ તળીએ જઈ બેઠી છે.

તું અને તારી સરકારના યમરાજ ક્રાઇમ બ્રાંચના સર્વ સંકલિત ડિપાર્ટમેન્ટ, માનવતાની રક્ષા કાજે અમોએ લડેલી લડાઈને `ફેક-નકલી એન્કાઉન્ટર` ગણાવી રહ્યા છે. જો તે સાચું હોય તો આવા તમામ એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા તારા અધિકારીઓએ તેના નીતિનિર્માતા (એટલેકે તારી પણ?) કાર્ય-પકડ કરવી જોઈએ. કારણકે અમે સહુ ભક્તજનોએ તો માત્ર તારી સરકારના આચારસંહિતા ગ્રંથ (ગીતા-કુરાન-બાઈબલ?)માંથી પ્રેરણા,દિશાનિર્દેશ, અને દોરવણી (ઉશ્કેરણી?) હેઠળ જ તે નીતિઓ પર અમલ કર્યો હતો. આ કારણસર મારો પોતાનો મત એવો છેકે, હે ભગવાન, તું અને તારી સરકાર પણ, બ્રહ્માંડમાં વસવાને-બેસવાને બદલે, આ `હિંદુસ્તાન-ભારત-INDIA`ની જેલમાં હોવી જોઈએ.

સીધો સાદો તર્ક છે. તું અને અમો સહુ ભક્ત કેદીઓ એક જ નૌકામાં વિહાર કરનાર છે અને તારે અને અમારે હિંદુસ્તાની જેલના કેદીઓએ સાથે જ તરવાનું કે ડૂબવાનું છે. કોઈએ એકબીજાને પછાડવાનો કે એકબીજાના ભોગે તરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા ચાહું છું કે, તારી સરકાર, તારા સાધુસંત-ઓલિયા-ફકીર કે પોતાને શહેનશાહોના પણ `અમિટ શાહ` માનતા-મનાવતા માનવંતા દુષ્ટાત્મા અધિકારીઓની ગંદી રમત દ્વારા માત્ર પોતાના જ અંગત સ્વાર્થ સાધી રહી છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ આવી ગંદી રમત તારા વફાદાર ભક્તજનોને ડુબાડી રહી છે અને `હિંદુસ્તાન`ના વિશાળ કેદખાનામાં ડુબાડીને તેઓને મોતના મુખમાં ધકેલી રહી છે. મને ખાત્રી છે મારા ભગવાન કે, આવો આત્મઘાતી માર્ગ અપનાવીને  તું અને તારી સરકાર તેનો પોતાનો મૃત્યુઘંટ જ વગાડવા માટે ઉતાવળી થઈ છે..!

એક અનન્ય ભક્તજન તરીકેના અનુભવ મુજબ,આ દેશની જનતા, વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ, કાર્યદક્ષ અને સંસ્કારી મનાતી હતી. આજે એ ગૌરવાન્વિત છબી છેલ્લા ઘણા વર્ષોથી, સમગ્ર દેશભક્તો સાથે સતત થઈ રહેલા વિશ્વાસઘાતને પરિણામે તથા દેશ ``હિંદુસ્તાન`નામના વિશાળ કેદખાનાની યાતના ભોગવી રહ્યો હોવાને પરિણામે તારી તથા તારી સરકારની છબી વિશ્વમાં જ નહીં, સમગ્ર બ્રહ્માંડમાં ખરડાઈ છે અને તેનું નૈતિક અધઃપતન થયું છે.

સાતમા આસમાનમાં વિહાર કરતા તારા સંત્રી-મંત્રીઓ ભારત માતા અને માનવજાતનું ઋણ ચૂકવવાની વાત યોગ્ય રીતે જ કરી રહ્યા છે. માનવતાપ્રેમી દરેક ભક્તની એ જ પવિત્ર ફરજ છે. પરંતુ, તેમને એ વાત યાદ અપાવવી છે કે, દુષ્ટાત્માઓમાંથી દેવભૂમી તરફ આગેકૂચ કરવાની ઉતાવળમાં તેઓ એ વાત ભૂલી ન જાય કે `હિંદુસ્તાન`ના કેદખાનામાં કેદ અનેક વફાદાર ભક્તો પરત્વે પણ તેમણે ઋણ ચૂકવવાનું બાકી છે. અમારા જેવા અનન્ય હરિભક્તોને કારણે જ અન્ય દેશો કરતાં આ દેશમાં તારી તથા તારી સરકારની સમજદારી-બહાદુરીના ગુણગાન ગવાય છે. બીજા દેશોમાં કોઈ  ભગવાનને આવું માન મળ્યું નથી. મારા મતે અમને કેદખાનામાંથી મુક્ત કરાવવા તે પણ માનવતાનું ઋણ ચુકાવવાનો જ એક ભાગ છે.

હું ફરી એકવાર મારું વલણ સ્પષ્ટ કરવા ચાહું છું કે, હું અત્યાર સુધી બ્રહ્માંડના માનનીય મુખ્યાધિપતિ શ્રીભગવાન પ્રત્યે અત્યંત શ્રદ્ધા,સર્વોચ્ચ આદરને કારણે જ, હિંદુસ્તાનને આઝાદી મળી ત્યારથી આટલા લાં..બા સમય સુધી ચુપ રહ્યો છું. હે ભગવાન, તને હું ભગવાનની જેમ માનતો હતો પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, તારા યમરાજ ડિપાર્ટમેન્ટના સર્વેસર્વા `અમિટ` માનતા-મનાવતા અનેક દુષ્ટાત્મા `શહેન-શાહો`ના દુષ્પ્રભાવમાં આવી જઈને મારા ભગવાન તેમનું એ સ્તર જાળવી શક્યા નથી..! આ દુષ્ટાત્મા `અમિટ-શાહો` મારા ભગવાનનાં આંખ અને કાન બની ગયા છે અને અમારા જેવા ગમે તે વફાદાર ભક્તને બલીનો બકરો બનાવીને છેલ્લા અનેક યુગોથી ભગવાનને સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ દુષ્ટાત્માઓનો કાળો પડછાયો મારા ભગવાનના વહીવટીતંત્ર પર એટલો મજબૂત છે કે, `હિંદુસ્તાન`નામના કેદખાનામાં તેમનો જ પડ્યો બોલ ઝીલાય  છે. આ `અમિટ-શાહો` દ્વારા `હિંદુસ્તાન`ના કેદખાનામાં સબડતા ભક્ત કેદીઓમાંથી કોને બચાવવા (સ્વર્ગવાસી કરવા?) અને કોને સપડાવવા (નર્કવાસી કરવા?) તેની યુક્તિ પ્રયુક્તિને કારણે તારી સરકાર આજે નહીં તો પણ કાલે, હે ભગવાન તારી જ કબર ખોદી રહી છે.

મને લાગે છે ઉપર દર્શાવેલા સંજોગો જોતાં, મારી ઇચ્છા ન હોવા છતાં, મારે મારા હિતોનું રક્ષણ તથા મારી મુક્તિનો માર્ગ મારે જાતે જ કંડારવો કરવો પડશે. એટલું જરૂર કહીશ કે,હે ભગવાન, તારી સરકાર  ફક્ત બોલવામાં જ શૂરવીર, કર્તવ્યમાં કાયર તથા કૃપા વરસાવવામાં સાવ નપુંસક(નપાણિયાં), કરોડરજ્જુ વગરની હોવાથી, મારી નિષ્ઠા,વિશ્વાસ અને વફાદારી સાવ ગુમાવી ચૂકી છે અને એટલે જ તારા ભક્તપદે સેવારત રહેવાનું કોઈ કારણ રહેતું નથી..!

હું તો મારા દેશ,`હિંદુસ્તાન` પ્રત્યેના પ્રેમને ખાતર આટલા વર્ષોથી આ વિશાળ કેદખાનામાં મારા જીવનના તમામ શ્વાસોશ્વાસનું નિરંતર બલિદાન આપી રહ્યો છું અને આ દેશપ્રેમને કારણે જ, મારા માનવ-દેહથી  નિવૃત્ત થયા બાદ મને સ્વર્ગના(?) મળનારા તમામ લાભો સ્વૈચ્છિક રીતે છોડીને, મોટું બલિદાન આપવા તૈયાર થઈ ગયો છું.

આ છેલ્લી નોંધ સાથે, હું તારા સમગ્ર તને તારી સરકારને તથા બ્રહ્માંડને `ગૂડબાય`કરી રહ્યો છું. જોકે, હું મારી માતૃભૂમિ, `હિંદુસ્તાન`ના આ કેદખાનાના એક સભ્ય-કેદી  હોવાનો મને અત્યંત ગર્વ અને આનંદ છે..!
 
તમારો આભાર..!
 
વણઝારની જેમ આમતેમ રઝળતો,
એક હતાશ નિરાધાર કેદી નંબર-XYZ...!
 
તા.ક. હે ભગવાન? આ લાં..બા પત્રને તારે બ્લૅકમેઈલ તરીકે માનવો હોય તો તું તેમ જ માનજે..!
===

આળવીતરું-
" દેશની દારુણ દુર્દશા જોઈને સાલું,`GOD` ને `GOD` માનવા મન નથી માનતું ત્યાં, કેટલાક અલ્પમતિ લોકો, કાળા માથાના માણસને  `GOD(`S)  FATHER` શું કામ માની લેતા હશે..!

માર્કંડ દવે.તાઃ૦૬-૦૯-૨૦૧૩.
No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.