રસ્તે રઝળતો,
આંધળી માંનો કાગળ (ગીત)
પ્રસિદ્ધ આદરણીય કવિશ્રીઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર ૮-૧૯૧૧ : જાન્યુઆરી ૧૦-૧૯૮૬)ના સાહિત્યમય ખજાનાનું એક બહુમૂલ્ય રત્ન એટલે `આંધળી માંનો કાગળ`. જે ગીત દ્વારા, માર્ગ ભૂલેલા ઘણા દીકરાને, પોતાની વહાલી માતા પ્રત્યેના પ્રેમ તથા અહોભાવમાં અનેક ઘણો વધારો કરવા પ્રેરણા અર્પીને, માં-દીકરાના સંબંધને નવેસરથી દ્ગઢતા બક્ષવાનું પૂન્યકાર્ય કવિશ્રીએ કર્યું છે. આ રચનાથી પ્રેરાઈને દીકરાના જવાબરૂપે અનેક સુંદર રચના અગાઉ પ્રસ્તુત થઈ ચૂકી છે.જોકે, હવે જમાનો બદલાયો છે અને..!!
જમાનો બદલાયો છે સાથે, દેશ બદલાયા છે, વતન ભુલાયા છે અને ક્યાંક માતા સાથેના સંબંધ પણ..!! તેવામાં એક કલ્પના અનુસાર, કોઈએક દીકરો પેટિયું રળવા વિદેશની વાટ પકડીને, પોતાના વતનની માટી સાથેજ માંને પણ ભૂલી જાય છે અને વિદેશી ગોરી મેમના મોહમાં લપટાઈ,તેની સાથે લગ્ન કરી વિદેશને જ પોતાનો દેશ માને છે,એટલુંજ નહીં પરંતુ, દેશમાં દીકરાની યાદમાં, ફિકરમાં, દુઃખનાં આંસુ સારતી આંધળી માતાની પ્રાથમિક જીવન જરૂરિયાત કરતાં, મદમાં છકી ગયેલા દીકરાને ગોરી મેમની વૈભવી જીવન શૈલી વધારે વહાલી લાગે છે ત્યારે, પોતાની માતાએ પૂનમચંદના પાનિયા પાસે પાઠવેલા પત્રની કેવી અવદશા થાય છે,ઉપરાંત ઉદ્ધત દીકરો માતાના દર્દ ટપકતા કાગળનો કેવો ઉદ્ધતાઈભર્યો જવાબ પાઠવે છે, તે સર્વનું વર્ણન કરતી એક રચના અત્રે પ્રસ્તુત કરું છું.આશા છે આપને જરૂર ગમશે.
નોંધ.- પૂજ્ય શ્રીઇન્દુલાલ ગાંધીસાહેબની ક્ષમાયાચના સાથે ઉમેરવાનુંકે, આ ગીતકાર તેઓશ્રીની ચરણરજ સમાન પણ નથી તેથી,આ ગીતની ઊણપને અવગણી, ગીતના ભાવને હ્રદયાંકિત કરવા,પાઠક મિત્રોને નમ્ર વિનંતી છે.
માર્કંડ દવે.
======
માં-
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
======
ગીતકાર-
વિદેશ જઈને વસીયો વળી, છકી ગયો માંગણ,
ઘેલો થઈને, મેમની વાંહે, ભૂલી ગયો બચપણ,
ધાવણની ધાર લજાવે,
ગીગુ નવા `ગૅટ`ને નામે..!!
======
માતા-
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ!
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?
અંતરા-૧.
દીકરો-
જાણજે માડી, વિક એન્ડમાં, ખરચાઈ પાઈ -પાઈ,
સંઘરું જો હું કાગળ તારા, ખિજાય છે મેડમબાઈ..!!
ધર્માદિયું ખાઈ લેજે,
જેમતેમ નભવી લેજે..!!
======
માતા-
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે,
પાણી જેમ પઇસા વેરે.
અંતરા-૨.
દીકરો-
ભાણિયો ભૂંડું લખે કેમકે, કરજ મેં દીધું નહીં,
ડોલરિયા પરદેશે અહીંતો, કોઈ કોઈનું નહીં.
કરતી શીદ ચિંતા ઘણી,
ગણતી જ્યાં આખરી ઘડી,
======
માતા-
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની એ જ છે મૂડી.
અંતરા-૩.
દીકરો-
હોટલિયું ખાણું કોઠે પડીયું, અહીંયાં આપોઆપ,
અહીં તો મોંઘા સર્વન્ટ કરે છે,ગજવું કાપાકાપ.
મેડમ ને એલર્જી ભારે,
કિચનને ગાંઠતી ક્યારે..!!
=======
માતા-
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
અંતરા-૪.
દીકરો-
ખોરડું ખરતું, ખેતર લૂટતું, કર્યો તેં ઠીક ઉપાય,
છાશથી કોઠો વીછળીશ તો,તન આ નહીં ગંધાય.
વાસમાં તું ભલાશ લેજે,
સૌની વ્હારે ધાતી રે`જે.
======
માતા-
દેખતી તે દી દળણાં - પાણી કરતી ઠામે ઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળી દીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
અંતરા-૫.
દીકરો-
માડી,તુંતો ફક્કડ ગિરધારી,તારે વળી શાં કામ..!!
શાને કૂટાતી અંધારે હવે, હરિનાં લેવાં નામ.
દેશમાં ક્યાં છે દીવા ?
કાળાં અંધારાં પીવાં..!!
=====
માતા-
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
અંતરા-૬.
ગીતકાર-
રસ્તે રઝળતો દીઠો મેં તો, કાગળ માં નો બંધ..!!
વિદેશ વસતો માંગણ થઈ, દેખતો દીકરો અંધ..!!
વિસરાઈ હેત સરવાણી,
ભટકાઈ કેવી ભમરાળી..!!
====
પ્રિય મિત્રો, નામાંકિત ગાયકશ્રી દ્વારા ગવાયેલ, આ ગીતનું સંગીતમય ઑડિયો-વિડીયો વર્ઝન ખૂબ ટૂંક સમયમાં રજૂ કરવા પ્રયત્નશીલ છું.
આભારસહ, અસ્તુ.




