Showing posts with label GUJARATI GEET. Show all posts
Showing posts with label GUJARATI GEET. Show all posts

Saturday, March 16, 2013

હે ઈશ્વર, તું જ મળીશ. (ગીત.)



હે ઈશ્વર, તું જ મળીશ. (ગીત.)

ખોલીને   જો   એક-એક  પાનું,  તું  જ  તું  મળીશ..!

મારા દિલની કિતાબ  છે  આમાં, તું  જ તું  મળીશ..!

૧. 

વાત   હશેજ  શાયદ,  સાકીને   શરાબની,  કેમકે..!
ઘણી  છે   રંગ છાંટ,  પાને-પાને   જો..!  તું  કળીશ ? 
મારા દિલની કિતાબ  છે આમાં, તું  જ  તું  મળીશ..!

૨.

સકલ  ભાગ્ય  ભાખ્યું   હશે   ભીતર, પણ  તું   જોને..!
વિધાતાનો   પંજો   નડ્યો   પાને-પાને..!  તું  નડીશ ?
મારા દિલની કિતાબ છે  આમાં, તું  જ    તું  મળીશ..!

૩.

આજલગણ  ન  બન્યું  છે, ન   બનશે   કદીય તેમ..!
ચહ્યું    જે  દિલથી,  ફળ્યું  ન   તે  પણ..! તું  ફળીશ ?
મારા  દિલની કિતાબ  છે  આમાં, તું  જ  તું  મળીશ..!

૪.

આખરી   પાનુંને  વળી, છેલ્લા  છે  શબ્દ  આ, લે..!
દીધી  જુબાન કે, પાછો  ના વળું પણ..! તું  વળીશ?
મારા દિલની કિતાબ  છે આમાં, તું  જ  તું  મળીશ..! 

માર્કંડ દવે.તા.૧૬-૦૩-૨૦૧૩.




Tuesday, March 12, 2013

વિજોગણ રાગ ટિટોડી.(ગીત.)


વિજોગણ  રાગ  ટિટોડી.(ગીત.)



જીવ  જો  વિજોગણ,  રાગ  ટિટોડી.
જીવન તો   માંગણ,   રાખ  મટોડી.

માંગણ=ભિખારી.

ટિટોડી(માદા પક્ષી) = ઈશ્વરને પામવા, એક બાઈ ઉપવાસ કરી વ્રત કરતી હતી.
ઘણા ઉપવાસ કરવાથી તે મરી ગઈ અને ટિટોડી જન્મી.
તેથી તે બોલે ત્યારે,`વ્રત કરતી`તી`, એમ એ ગાતી લાગે છે.
(સૌ.ગુ.લે.) Female Lapwing.

૧.

ઉગમ -  આથમની, ચડતી-પડતી.
સમય  જો  ટાંકણ,    ટાંક  હથોડી.
જીવન  તો   માંગણ,  રાખ મટોડી.

૨.

ઉપણ  -   લિંપણ,   ઝાપટ ઝૂપટ.
સબંધ જો તાવણ, અગન પિછોડી.
જીવન  તો   માંગણ,  રાખ મટોડી.

ઉપણ=સાફ કરવું;તાવણ=કસોટી;
અગન પિછોડી.= અગ્નિમય ચાદર.

૩.

સુખકર   મંડિત, ખંડિત   દુઃખકર.
મરણ  જો   ઢાંકણ,    ઢાંકપિછોડી.
જીવન  તો   માંગણ,   રાખ મટોડી.

(મંડિત = શોભિત; ખંડિત= વિખૂટું.)


૪.

આગમ  -  નિર્ગમને, રાજ  ઘાટે,
યમે જ્યાં પાંપણ,  પાંખ  મરોડી.
જીવન  તો   માંગણ,   રાખ મટોડી.

(આગમ-નિર્ગમ= આરંભ અને અંત.)

માર્કંડ દવે. તાઃ૧૨-૦૩-૨૦૧૩.



Thursday, March 7, 2013

તે આંસુ ? (ગીત.)


તે  આંસુ ? (ગીત.)


કહે,  પાનખર વરણા પ્રણયનો  ડૂમો  તે  આંસુ ?

કે, ગોરંભાયેલા  નયનનો  તરજુમો  તે  આંસુ ?

૧. 

અફાટ    સમંદર  જો   ખળભળે   છે  ભીતર  તો,

કહે, અભર દૂઝતો,દરદ-સભર હિંગળો તે આંસુ?

કે,   ગોરંભાયેલા    નયનનો  તરજુમો   તે  આંસુ ?

હિંગળો = ક્ષાર-ખારાશ.

અભર = છલોછલ. 

૨.

ખંડિત  સપન  થૈ  જાગે,અખંડિત સાદ સૂકાંભટ તો,

કહે,    કણસતી  રાતે  પડઘાતો  પડઘો  તે  આંસુ ?

કે,    ગોરંભાયેલા   નયનનો   તરજુમો   તે   આંસુ ? 

સૂકાંભટ= સાવ સૂકું.

કણસાટ=કણસવું.

૩.

નમે    ઘડીક  તરે, હરીફરીને તરે - નમે  તો,

કહે, પલક તરાપાનો અખંડ ઝૂલણો તે આંસુ?

કે, ગોરંભાયેલા નયનનો તરજુમો   તે   આંસુ ?

૪.

ઘાત-પ્રતિઘાત  ધખે ભીતર, જો લાવા સમ તો,

કહે, અકરાંતિયા  પ્રેમાંતનો  મજમો  તે  આંસુ ?

કે, ગોરંભાયેલા  નયનનો   તરજુમો  તે  આંસુ ?

મજમો=મેળાવડો.

માર્કંડ દવે.તાઃ૦૭-૦૪-૨૦૧૩.


Thursday, December 22, 2011

મૌન (ગીત) ( Speechless Silence )




મૌન (ગીત) 
( Speechless Silence )



વાટ  નિહાળી, નયન ઢળે, મૌન થાઉંને, કવન મળે..!!

પલક તળે, આંસુ શોધુંને, અખૂટ જળનાં ચયન મળે..!!

(ચયન = સંગ્રહ;ભંડાર.)


અંતરા-૧.


સુકાતી   અકળાતી  પ્રીતિ, કણસાતી કરમાતી  ઊર્મિ,

વિરહ કળે?ઇલાજ કર ને,અતૂટ સરતનાં શમન મળે..!!

પલક તળે, આંસુ  શોધુંને, અખૂટ જળનાં ચયન મળે..!!

(સરત = સ્મૃતિ; યાદદાશ્ત.)


અંતરા-૨.

વંકાતી  વકરતી    જાણી, ચિરાયુ  થથરતી  વાણી, 

દર-દર  શોધું  શબ્દ ને,અદીઠ ખતનાં વચન મળે..!!

પલક તળે,આંસુ શોધુંને,અખૂટ જળનાં ચયન મળે..!!


અંતરા-૩.


તરડાતી ઉદાસી ત્રાસી, ઝાંઝવું ઝંખે મીન પ્યાસી,

દરિયો  રડે, તરંગ પૂછે, અફાટ છળનાં દમન મળે ?

પલક તળે,આંસુ શોધુંને,અખૂટ જળનાં ચયન મળે..!! 


( અફાટ = પ્રચંડ,ભયંકર. )


અંતરા-૪.

રણકતી નગદી અસૂયા,ખમતીધર ખેરાતી  પિયા..!!

નગરી  મળે, ગુજરી મળે,જખમી દિલનાં કફન મળે ?

પલક તળે,આંસુ શોધુંને,અખૂટ  જળનાં ચયન મળે..!! 

(નગદી અસૂયા = કીમતી અદેખાઈ; ગુજરી = બજાર) 


વાટ  નિહાળી, નયન ઢળે, મૌન થાઉંને, કવન મળે..!!
પલક તળે, આંસુ શોધુંને, અખૂટ જળનાં ચયન મળે..!!


માર્કંડ દવે.તા.૨૨-૧૨-૨૦૧૧.

Wednesday, December 21, 2011

આંજણી (ગીત) (Sty on the eyelid)




રાતી  રતુંબડી  તુજ, આંખ  શીદ  ભારે  થૈ..!!
 
સહિયર સહુ   પૂછેને, મને  લજવે  હોજી રે..!!
આંખ્યુંમાં    આંજ્યો   મેં, પિયુજીને  જ્યારથી,
રહી  રહી  થૈ  આંજણી, મને પજવે  હોજી રે..!!
૧.
વસમી    રે   પીડાને,  કારમી   બળતરા  થૈ,
ઉર તનમન આખુંય ,આજ કકળે  હોજી રે..!!
આંખ્યુંમાં   આંજ્યો   મેં,  પિયુજીને  જ્યારથી,
રહી  રહી  થૈ  આંજણી, મને પજવે  હોજી રે..!!
૨.
મનગમતું     ખૂંચતુંને,   છેક   જૈ   ને  દૂઝતું,
ના  ઓસડ, ના  વૈદ્ય, એને  પકડે  હોજી રે..!!
આંખ્યુંમાં   આંજ્યો   મેં,  પિયુજીને  જ્યારથી,
રહી  રહી  થૈ  આંજણી, મને પજવે  હોજી રે..!!
૩.
પિયુનો    આ-ભાર   લૈ,  સઈનો  ઉપહાસ લૈ,
જોબનિયું  જોમ  ખોઈ, કેમ  થથરે  હોજી રે..!!
આંખ્યુંમાં   આંજ્યો   મેં,   પિયુજીને  જ્યારથી,
રહી  રહી  થૈ  આંજણી, મને  પજવે  હોજી રે..!!
૪.
કોઈ   તો  બતાવો  સઈ, પિયુને  મનાવો  જૈ,  
હું  જ  તે  ને,તે  જ  હું, તે  પતીજે  હોજી રે..!!
આંખ્યુંમાં   આંજ્યો   મેં,  પિયુજીને  જ્યારથી, 
રહી  રહી  થૈ  આંજણી, મને પજવે  હોજી રે..!!

( પતીજ = ખાતરી,દ્રઢ વિશ્વાસ કરાવવો.)

માર્કંડ દવે.તા.૨૧-૧૨-૨૦૧૧.

Thursday, December 8, 2011

હળવે-હળવે ચાલો જરા. (ગીત.)




હળવે-હળવે ચાલો જરા. (ગીત.)




હળવે   હળવે  ચાલો   જરા, સંગાથ  કરી  લઈએ.

સાથ છે આ  જીવનભરનો, જિંદગી માણી  લઈએ.


અંતરા-૧.


મરક - મરક  મલકો  જરા, આંખો  ઠારી  લઈએ.

ગાલ  કેરા   ખંજનમાં,  અમે  તલ બની  જઈએ.


હળવે  હળવે ચાલો  જરા, સંગાથ  કરી  લઈએ.



અંતરા-૨.


ટપક-ટપક વરસો જરા, અમે વહાલ કરી લઈએ.

લાલ   ચટ્ટક   હોઠો  પરનું,   ગીત  બની  જઈએ.

હળવે હળવે ચાલો  જરા,  સંગાથ   કરી  લઈએ.


અંતરા-૩.


દિલ   કેરી  વાતો  છે  આ,  કાનમાં કહી દઈએ.

ધીરે  ઓરા  આવો  જરા, હવે એક બની જઈએ.

હળવે  હળવે  ચાલો  જરા,સંગાથ  કરી  લઈએ.


અંતરા-૪.


સોગન  તમને   દઈને   જરા, પ્રેમ  કરી લઈએ.

તમે અમને તરછોડો તો, આ જીવ આપી દઈએ.

હળવે  હળવે ચાલો  જરા, સંગાથ  કરી  લઈએ.


માર્કંડ દવે. તા.૦૮-૧૨-૨૦૧૧.

Wednesday, December 7, 2011

આંખ ભીની તમે કરી લેજો.(ગીત)




॥ શ્રીદ્વારાકાધીશજી નમો નમઃ ॥
॥ શ્રીરણછોડરાયજી નમો નમઃ ॥


પ્રિય મિત્રો,

અત્યંત આનંદસહ જણાવવાનું કે,આપણા વડોદરા જિલ્લા-ગુજરાતના પવિત્ર યાત્રાધામ મુકામ ચાણોદ ખાતે, આપણા પ્રવાસી ભાવક મિત્રોને રહેવા-જમવા માટે, સુખસુવિધાયુક્ત આધુનિક ભવન ઉપરાંત, ભગવાન શ્રીરણછોડરાયજીના મંદિર નિર્માણ તથા ભગવાનની સ્થાપનાનો એક શુભ સંકલ્પ, તા.૬૧૨-૨૦૧૧. શ્રીગીતા જયંતિને અગિયારસના શુભદિને, ઇશ્વરકૃપાથી સંપન્ન થયો.

સાથેજ ઇશ્વર સમક્ષ, સાવ અભાન અવસ્થામાં, મારા અંતિમ પ્રયાણના ભાવથી એક ગીત રચાયું,એટલુંજ નહીં અનાયાસે તેનું સ્વરાંકન, બંધ નેત્ર દ્વારા,પ્રભુ સન્મુખ, દર્દ ભરેલા કંઠમાંથી સરવા લાગ્યું, કોઈ જ સાઉન્ડ પ્રૂફ રૂમ વગર તે ગીત, કોઈએ રેકર્ડ કર્યું. અનાયાસ ઉગેલા સરળ શબ્દો-સ્વરોની સચ્ચાઈ તથા દિલના સમર્પણભાવ સાથે, આ હ્રદયસ્પર્શી રચના, અત્યંત નમ્રતાપૂર્વક, એ આશા એ, અત્રે પ્રસ્તુત કરું છુંકે, તે સાંભળીને  કદાચ, આપની પણ આંખ ભીની થઈ જાય..!!




આંખ ભીની તમે  કરી લેજો.(ગીત)



http://youtu.be/O6DO16Wy9Cg





આંખ ભીની તમે  કરી લેજો.(ગીત)


ઢળી  પડું  હું  તો  થોડી, આંખ ભીની તમે  કરી  લેજો.

જુદાઈના    રાગોને    તાર  સ્વરે    તમે   છેડી  દેજો.


અંતરા-૧.


ભલે ચિતા બળતા સુધી,  માતમ  મારો મનાવી લેજો.

અંતિમ સલામ રૂપે, બે મિનિટનું મૌન તમે પાળી લેજો.

જુદાઈના    રાગોને    તાર  સ્વરે    તમે   છેડી  દેજો.


અંતરા-૨.


દિલની   નફરત    સઘળી,   બેસણામાં  દફનાવી  દેજો.

સુની  તસ્વીર પર બેચાર, ફૂલ-પંખ  તમે  ચઢાવી  દેજો.

જુદાઈના    રાગોને    તાર  સ્વરે    તમે   છેડી  દેજો.


અંતરા-૩.


સહુ   રડતાં   કકળતાંને,  દિલાસો  જરા બંધાવી  દેજો,

મૃત્યુથી  અજાણ   મારાં,  ભૂલકાંને   તમે  રમાડી  લેજો.

જુદાઈના    રાગોને    તાર  સ્વરે    તમે   છેડી  દેજો.


અંતરા-૪.


બોલ્યું   -  ચાલ્યું    મારું    તમે,  અંતરથી  વિસારી  દેજો,

વેરઝેર    જો    કનડે   તો,  દિલને  જરા  મનાવી  લેજો.

જુદાઈના    રાગોને    તાર  સ્વરે    તમે   છેડી  દેજો.


અંતરા-૫.


હલકી   નિંદા ભરી  સૌ,  વાતને   બખૂબી  તમે  વાળી  લેજો,

મારા    તમને   માનું    છું,   પાછળ   બધું   સંભાળી  લેજો.

જુદાઈના    રાગોને    તાર  સ્વરે    તમે   છેડી  દેજો.


માર્કંડ દવે. તા.૦૩-૧૨-૨૦૧૧.

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.