Friday, January 15, 2010

જમણો પગ

જમણો પગ


નભમાં અતિશય ઉંચાઇ પર આવેલું વાદળ,ભેજથી ધનિક બનતાંજ,ધરતી પાસે ઝૂકી જઈ,ખરા દિલથી વરસી,સમગ્ર ધરતીને પણ ધનધાન્યથી ધનિક બનાવી,નાનામોટા સર્વે જીવોને શાતા અર્પે છે.જો આ વાદળ,ગર્વથી પ્રેરાઈ ઝૂકે જ નહીંતો,ધરતી પર સર્વત્ર અશાંતિ,અજંપો અને કાળાકેર સમું રણ પથરાઈ જાય.


બાપદાદાના વખતથી ધમધોકાર ચાલતા,કેમિકલ ટ્રેડીંગના બિઝનેસ સાથે જોડાએલ કે.ટી.આવાજ ગર્વિષ્ઠ ધનિક હતા.કે.ટી.એટલે કૃષ્ણકાંત તલવાર.(તલવાર એમની સરનેમ છે.)નાનપણથીજ તેમનો સ્વભાવ અભિમાની અને ક્રોધી.કોણ જાણે કેમ ! છેલ્લી ત્રણ પેઢીથી કે.ટી.ના કુટુંબમાં ફક્ત એક દીકરાનું ગણિત સેટ થઈ ગએલું.ઘરની સંસ્કારી સાસુ વહુઆરુની લાખ,બાધાઆખડી,ડૉક્ટરી ઉપાયો છતાં એક દીકરો જન્મે પછી બીજા સંતાન ઉપર પૂર્ણવિરામ લાગી જતું અને આ કારણે "સોનાના ચમચા સાથે" જન્મેલા દીકરાને કુશળ વેપારીના સંસ્કાર સાથે અભિમાન,તોછડાઈ અને ક્રોધના અવગુણ પણ આપોઆપ મળી જતા.કે.ટી.ના ક્રોધને કારણે,પત્ની શાંતિદેવી,પુત્ર મૈત્રેય અને કે.ટી.મહાલયના તમામ નોકરચાકર જાણે સદાય તલવારની ધાર પર ચાલતા. અરે! એકવાર તો નોકરે બેદરકારીથી "બેલ્ઝિયમ"થી મંગાવેલી ગ્લાસની ટિપૉયનો પાયો તોડી નાંખતાં,ક્રોધમાં,કે.ટી.એ સિક્યુરીટીમેન પાસે,નોકરને માર મારી,તેનો જમણો પગ તોડી નંખાવેલો.


હાલમાંજ,M.B.A.નો અભ્યાસ કરી પિતા સાથે ધંધામાં જોડાયેલો,મૈત્રેય કુશળ વેપારી જરૂર હતો,પણ અભિમાન,

તોછડાઇ,ક્રોધ જેવા દુર્ગુણોથી,તે જોજનો દૂર હતો.નમ્રતાને માણસાઈના સદ્ગુણ એને માતા શાંતિદેવી પાસેથી મળ્યા હતા.કે.ટી આવા સ્વભાવને વેવલાઈ ગણી,મૈત્રેયની સહુથી મોટી નબળાઇ માનતા,અને એટલેજ મૈત્રેયને કોઈ ફાલતુ,

ગરીબ ઘરની કન્યા ફસાવી ના દે,તેનું ધ્યાન રાખવા કાયમ શાંતિદેવીને ટકોર કરતા.


જોકે,"લગ્નની જોડી તો ઉપરવાળો જ નક્કી કરે છે" એ વાત સાચી પડતી હોય તેમ,મૈત્રેયના સુદામા જેવા સખા કથિતની બહેન અનુપા સાથે લગ્ન કરવાની વાત મૈત્રેયે જ્યારે પિતા સમક્ષ ઉચ્ચારી,ત્યારે કે.ટી.ના ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો.મૈત્રેય ઉપર ચોવીસ કલાકનો પહેરો મુકાઈ ગયો.કથિતને,મૈત્રેયથી દૂર રહેવા,કડક ચેતવણી અપાઈ ગઈ.


શાંતિદેવીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ.કે.ટી.મહાલયનું વાતાવરણ ખૂબ તંગ થઈ ગયું.છેવટે બધા યુવક-યુવતી કરે છે તેમ,મૈત્રેયે છેલ્લું બ્રમ્હાસ્ત્ર ઉગામ્યું. અનુપા સાથે લગ્ન ન થાય તો,આપઘાત કરવાની ધમકી મૈત્રેયે આપતાંજ,એકના એક પુત્રની હઠ અને શાંતિદેવીનાં આંસુએ,કમને પણ કે.ટી.એ આ સંબંધ મંજૂર રાખવો પડ્યો.વચન આપતી વખતે,મુફલિસ વેવાઇ,વેવાણ પાસે પણ તેઓ પોતાનો અણગમો છુપાવી ન શક્યા.એટલામાં અચાનક,એક ઘટના એવી બનીકે,મૈત્રેય-અનુપાનો સંબંધ તોડવાનું સજ્જડ બહાનું કે.ટી.ને મળી ગયું.


સમગ્ર ગુજરાત આતંકવાદના ભરડામાં આવી ગયું.ઠેરઠેર બૉમ્બ ધડાકાઓ એ પ્રજામાં આતંક ફેલાવી દીધો હતો.અનેક લોકો ઘાયલ થયા હતા.નજીકના માર્કેટમાં ખરીદી કરવા ગયેલી અનુપાનો જમણો પગ,બૉમ્બ ધડાકામાં ક્ષતવિક્ષત થઈ ગયો હતો.તાત્કાલિક સારવારને,કારણે જીવ તો બચી ગયો,પણ અનુપાનો જમણો પગ કાપવો પડ્યો.


મૈત્રેય અનુપાની સારવારમાં તનમનથી લાગી ગયો.સરકારી સહાય અને ઉત્તમ તબીબની મદદથી અનુપા થોડા માસમાંજ આર્ટીફીશીયલ ફૂટ થી ફરીથી થોડું ચાલવા લાગી.કે.ટી.તથા હવેતો શાંતિદેવી એ પણ અપંગ અનુપા સાથે લગ્ન ન કરવા મૈત્રેયને માનસિક દબાણ કરવા માંડ્યું.મૈત્રેય પોતાના નિર્ણયમાં ટસ નો મસ ના થતાં,આ વખતે શાંતિદેવીએ આપઘાતની ધમકી આપી તો,આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય કરી મૈત્રેય એ,અનુપાથી દૂર રહેવાનું માતાને વચન આપ્યું.


જોકે,ભાવિના ગર્ભમાં શુંછે તેની વિધાતા સિવાય કોને ખબર હોય છે? ઘરમાં ઉતાવળથી ચાલવા જતાં કે.ટી.ઠોકર લાગી,પડી જતાં,જમણાપગના અંગૂઠા પર સામાન્ય વાગ્યું.વાગ્યા પર પટ્ટી લગાડવા છતાં,બે દિવસમાં દુખાવો ઘણો વધી જતાં,નિષ્ણાત તબીબને બતાવ્યું.યુરિન અને બ્લડ ટેસ્ટમાં ડાયાબિટીસ ૪૫૦ થી વધુ આવ્યો.શહેરની શ્રેષ્ઠ અને ખર્ચાળ હૉસ્પિટલમાં કે.ટી.ને તાત્કાલિક એડમીટ કર્યા.નિષ્ણાત તબીબની પેનલે કે.ટી.નો ડાયાબિટીસ તરત કંન્ટ્રોલ કરી દીધો પરંતુ જમણા પગમાં ગૅગરીંગ થઈ જવાથી,જીવ બચાવવા તાત્કાલિક ઑપરેશન કરી પગ કાપવો પડ્યો.કે.ટી.ભાંગી પડ્યા,રહીરહીને એમને અનુપાનું અપંગ બનવાનું દર્દ અનુભવાયું.અનુપાને યાદ કરતાંજ તે આવીને,કે.ટી.ની સેવામાં લાગી ગઈ.


હૉસ્પિટલમાંથી રજા મળતાં,હજુ પથારીવશ કે.ટી.એ,મૈત્રેય અને અનુપાને લગ્નની મંજૂરી ખુશીખુશી આપી ત્યારે કે.ટી.મહાલયમાં,શાંતિદેવીને આટલાં વર્ષોમાં પ્રથમવાર ખરેખર શાંતિ નો અનુભવ થયો.


આજે કૃષ્ણકાંત તલવારે અભિમાન,તોછડાઈ અને ક્રોધની તલવારને સદાને માટે મ્યાન કરી દીધી હતી.


માર્કંડ દવે.અમદાવાદ.તાઃ૧૨-૦૭-૨૦૦૯.

1 comment:

  1. like the story. When are you adding new stories ?

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.