Friday, July 30, 2010

સ્વયંવર, રાહુલભૈયા

સ્વયંવર, રાહુલભૈયા

=========

પ્રિય  મિત્રો,

આપણા  લાડલા લોકપ્રિય, લગ્ને લગ્ને કુંવારા, આદરણીય શ્રીરાહુલભાઈ મહાજનભાઈના  `બ્રેકીંગ ન્યૂઝ`, આજે આખો દિવસ ન્યૂઝ ચેનલ્સ પર છવાયેલા રહ્યા.

સ્વયંવર-૨ ના કાર્યક્રમ દ્વારા, રાહુલ સાથે, વાજતે ગાજતે પરણેલી, શ્રીમતી ડીમ્પી મહાજન, રાહુલનું ઘર છોડીને, ચાલી ગઈ છે. તેનો આક્ષેપ  છેકે, ડીમ્પીએ,પોતાના મૉબાઈલનો,એક  S.M.S. રાહુલને ન બતાવવાના ગુન્હાસર, રાહુલે, તેને ઈજા પહોંચે તે  રીતે, માર મારી છે.

રાબેતા મુજબ, સ્વયંવર-૨ ના તાયફાને,  ત્યારે રસપૂર્વક માણનારી અને ડીમ્પીની ઈર્ષા કરનારી ઘણી નારીઓ  અને નારી સંગઠનના નારી કાર્યકર્તાઓ, ડીમ્પીને મદદ કરવાનાં, ઠાલાં વચનો સાથે, મેદાનમાં આવી ગયાં છે.

આજે  મારા તાં ૨૨ -૦૯ -૨૦૦૯માં,  આજ વિષય, `   સ્વયંવર સિઝન-૨,કટાક્ષકથા-લોકપ્રિય  રાહુલભૈયા`  પર, વિચારો  દર્શાવતા, કટાક્ષ લેખ સાથે, હું ય દુઃખ સાથે, મેદાનમાં આવી ગયો છું.  જેમાં, બીજી  વખત પણ છૂટ્ટાછેડાના ભયસ્થાન તરફ આંગળી ચીંધી હતી.
 
( પણ અરે આ શું ? આ ઍડવોકેટ ઘોડાબગ્ગી પર કેમ ચઢી ગયો?"
 
છ્ટ, મારું સ્વપ્ન અચાનક તૂટી ગયું,પણ મને ખાત્રી છેકે, 

એ ઍડવોકેટે રાહુલભૈયાને, થોડા મહિના પછી બીજીવાર જો છૂટ્ટાછેડા લેવા
હોય તો ,પોતાનું વિઝિટીંગ કાર્ડ આપી પ્રેમથી પોતાને જ  યાદ કરવા કહ્યું હશે...!!)


બાકી તો, આપનો પણ આ જ મત હતો. તે આપના પ્રતિભાવથી  જ્ઞાત થયું જ હતું.

હવે  ટૂંક સમયમાંજ, સ્વયંવર -૩ માં, રાહુલભાઈ  ફરી પૈણવા તૈયાર થાય તો ફરીથી નીચે જણાવેલ લેખ બંધબેસતો થઈ જશે..!! તેમ આપને લાગે છે?

માર્કંડ દવે. તાઃ ૩૦ જુલાઈ ૨૦૧૦.

==========

સ્વયંવર સિઝન-૨,કટાક્ષકથા-લોકપ્રિય  રાહુલભૈયા

આપ રાહુલભૈયાને ઓળખો છો ? અરે !પેલા બીગબૉસ-૨ વાળા !

નાનાં બાળકોના કૉમેડી શૉના જજ બની અત્યારે તો ઘેર ઘેર લોકપ્રિય બનીગયા છે.

હવે ઓળખ્યા? બસ એજ, ભાઇ વાત જાણે એમ છે કે એમને પૈણ ઉપડ્યું છે.

ના,ના કેમ ! એકવાર છૂટ્ટાછેડા થયા હોય તોય શું? એમને ફરી કન્યા ના મળે?

પાછા એતો હવે નેગેટીવ પબ્લિસિટીમાંથી બહાર આવી ગયા છે, કેવી ડાહી-ડાહી વાતો કરે છે!!

બીગબોસમાં તો પાયલ-મોનિકા, વગેરે વગેરે સાથે રાસ રચાવી એમને ત્યજી દઇ જે હાલી નીકળ્યા,તે આજની ઘડીને કાલનો દિ`, પાછું વળી જુવે તે બીજા,તું કોણ ને હું કોણ,તેરા તેલ ગયા મેરા ખેલ ગયા.વાત ખતમ.

આમ તો એમને ઘન સંપત્તિની કાંઇ પડેલી નથી.જોયું નહી,બીગબૉસમાં છેલ્લે મહાન ત્યાગીના રુપમાં અધધધ પ્રાઇસની રકમ આશુતોષને હવાલે કરી પહેરેલાં લૂંગડાંભેર રાહુલભૈયા ઠાઠમાઠથી બહાર આવી ગયા હતા?

અમારા એક અવળચંડા કાકાના મતે બીગબોસમાં રાહુલભૈયા,છેલ્લે ગોપીઓની ગેરહાજરીમાં શિલ્પાશેટ્ટીને ઇંમ્પ્રેસ કરવા બહાર આવવા ઉતાવળા થયા હતા.

જોકે, કાકા તો શિલ્પા શેટ્ટીના ફેન છે એટલે ઇર્ષામાં એવું બબડે!! આપણે થોડુંજ માની લેવાય?

ચાલો,હવે વાતમાં વધારે મોણ નાંખ્યા વગર મૂળ વાત પર આવી જઇએ.

વાત જાણે એમ છે કે  NDTV Imagine  વાળા રાહુલ ભૈયા ને ફરી પૈણાવવા (૧૬) કુલ સોળ કન્યાની પસંદગીમાં લાગેલા છે,

અને તે કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે.એકવાર "રાખી કા સ્વયંવર"માં ગાંધીછાપ અસલી નોટો ઉતારી લીધા પછી,

આપણા ગુજરાતી બકરા "ઇલેશ"નું લોહી ચાખી ગયેલા ચેનલવાળા પોતે ઝંપી ને બેસે કે આપણને બેસવા દે ખરા?

(જોકે,મરી ગયેલી બિલાડી જેવા મોંઢાવાળી કન્યા સાથે પૈણવા લટુડાપટુડાં કરતા ઇલેશને જોઇને,આપની જેમ મનેય થતું હતું,કે આ મરવાનો થયો છે !!અસલી ગુજરાતી ભાયડો આમ કોઇનાય ઝાંસામાં જલ્દી તો ના જ આવે, આપ જ કહો આવે?)

(છેલ્લા સમાચાર મુજબ ઇલેશને જીવતદાન મળી શકે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે,પછી તો ભોગ એના !!)

હાં  તો, NDTV Imagine ,સ્વયંવર સિઝન-૨ શરુ કરી રહ્યા છે જેમાં કુલ સોળ સુંદર કન્યાઓ,રાહુલમહાજનને રીઝવવા,આકાશપાતાળ એક કરી નાંખશે,

આ માટે રાહુલ સાથે "રાખી કા સ્વયંવર"ની સફળતા પછી તરત જ વાટાઘાટો ચાલતી હતી,અને રાહુલભૈયા આટલી બધી સરળતાથી માની જશે એની તો ચેનલવાળાને પણ કલ્પના નહતી.

(જોકે સાચેસાચ ૧૬ લાડુ ખાવા,પચાવવા માટે તો આપણા હળવદ કે પાટણ પંથકનો ભાયડો જોઇએ.)

હવે રાખી સાવંતબહેનાની જેમજ  અંતમાં રાહુલ ખરેખર લગ્ન કરશે તે તો નક્કી નથીજ,

પણ આ..હા..હા..હા, ચેનલવાળા ફરી બબ્બે હાથે રુપિયા ભેગા કરશે !!

રાહુલભૈયા નો એમની સોળ બહેનો માટેનો આપણને ગળગળા કરી દે તેવો નિર્ભેળ,  નિર્મળ પ્રેમ જોઇ સહુનાં હૈયાં ગદગદ થશે !!

(લગ્ન નક્કી ના થાય ત્યાં સુધી તો હંધીય બહેનો જ કહેવાયને?  આપણી રાષ્ટ્રિય પ્રતિજ્ઞામાં એવું આવે છે ભાઇ)

એયને ફરીથી પાછા એજ સ્વીમીંગપુલોમાં બહેનો વચ્ચેની જામતી અફરાતફરી, કે અંગ્રેજી ભાષાના અલભ્ય, અદભૂત શ્લોકનું ભંડોળ સમ્રુધ્ધ કરતી મધુરવાણીનું રસપાન,  આપણે સહુ પામીને ધન્યતા અનુભવીશું.

રાહુલભૈયા અને એ સોળ બહેનો વચ્ચે,  કેટલીય જાતની ગેરસમજો આપણે દિવાનખંડમાં બેસી દુર કરી આપવાના ધંધે લાગવું પડશે !!

પાયલ રોહતગી અને મોનિકાને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળશે કે નહીં, એનો જોરદાર ૧ / ૧૦૦ ના ભાવથી સટ્ટો
રમાશે !!

(જોકે રાહુલને પૈણાવવા જતાં સટ્ટામાં હારનારા ઘણાબધાની તો ...બીપ..બીપ...પૈણઇ જશે.)

અન્ય ન્યૂઝ ચેનલોવાળાઓને,  નેતાઓનાં ઉતરીગયેલી કઢી જેવાં,  મોંઢાં બતાવવામાંથી થોડો સમય મૂક્તિ મળશે.

"આ..હા..હા..હા,મને તો હવે રાહુલભૈયાના વરઘોડાનાં મધુરાં સ્વપ્ન પણ આવવા લાગ્યાં છે.

ઓ..હો,જાણે ઘોડાબગ્ગીમાં માથે જોધપુરી બાંધણીનો લબકઝબુક બલ્બવાળો સાફો બાંધી,
મોંઢામાં બંને ગલોફામાં બબ્બે બનારસી મીઠાં પાન ઠઠાડી રંગીલો રાહુલ એયને મરક મરક મલકતો બેઠો છે.
બાજુમાં ખભાનો ટેકો લઇ બાકી બચેલા દાંતથી મ્હોં પહોળું કરી દાંત કાઢતી "ગંગુતાઇ" રાહુલભૈયાના માથા ઉપર લૂણ ઉતારે છે.

આ..હા..હા..હા..હારી ગયેલી પંદર બહેનો એમનાં મમ્મી-પપ્પા સાથે "નાક કટ્ટા લેકિન ઘી તો ચટ્ટા" ની જેમ નાક ઉચું રાખી કેમેરાનું ઘ્યાન ખેંચવાના નિષ્ફળ પ્રયન કરે છે.
 
પણ અરે આ શું ? આ ઍડવોકેટ ઘોડાબગ્ગી પર કેમ ચઢી ગયો?"
 
છ્ટ, મારું સ્વપ્ન અચાનક તૂટી ગયું,પણ મને ખાત્રી છેકે,

એ ઍડવોકેટે રાહુલભૈયાને,થોડા મહિના પછી બીજીવાર જો છૂટ્ટાછેડા લેવા હોય તો ,પોતાનું વિઝિટીંગ કાર્ડ આપી પ્રેમથી પોતાને જ  યાદ કરવા કહ્યું હશે.
 
મારા પ્યારા મિત્રો,બેવફૂફ બનવાની પણ એક મઝા હોય છે,કેમ ખરુંને!!
 
એમાંય આપણે તો ગુજરાતી !! (મારા સહિત) મફતમાં બેવકૂફ બનવા મળે તો એ લહાવો ય શું કામ જતો કરીએ?
 
બાય-ધ વૅ,આજે સ્વ.પ્રમોદમહાજન જ્યાં હશે ત્યાં એમના કૂળદિપક માટે શું વિચારતા હશે?

માર્કંડ દવે.DT:22-09-2009

2 comments:

 1. સરસ લેખ

  પણ પેલીએ એક એસએમએસ ના બતાવ્યો...

  કારણ કદાચ એ હોઇ શકે કે....

  એ એક પતિને બતાવવા લાયક મેસેજ ન હતો...

  મીન્સ કે મોબાઇલ પર આવતા બીઝનેસ કંપનીઓની જાહેરાતનો કે બહેનપણીએ મોકલેલ હેપ્‍પી ફ્રેન્ડશીપ-ડેનો તો મેસેજ ન હોઇ શકે...

  આ બાબત થોડીક હાઇલાઇટ કરવા વિનંતી...

  ReplyDelete
 2. આ તો ભાઈ રાજ્કારણીઓના કુલદીપક- એકેય દુધે ધોયેલા ના હોય. મેહનત વગર ની બાપાની કાળી કમાણી હોય આ બધાં તો લગ્ને લગ્ને કુંવારા જ હોઈ.
  બિગ બોસ -૨ શું ડીમ્પી કે તેના કેહવાતા માં-બાપે ન જોયું હોય? રાહુલની લીલા તો બધેજ જાણીતી છે, તો પછીએ આ મોહ દિકરીને ખાઈમાં નાખવાનો શેનો? ભાઈ આતો પૈસા ફેકો તમાસા દેખો...

  ઝડપથી અને વગર લાયકાતે મેળવવાની કોશિશ કરે પછી આજ હાલ હોય!?
  આજે આવા દાખલા માંથી દરેક દીકરીઓએ તેમજ તેમના કેહવાતા માં-બાપે ઘણુંજ શીખવાનું છે.

  દાદીમાની પોટલી -http://das.desais.net

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.