Wednesday, January 4, 2012

રસ્તે રઝળતો, આંધળી માંનો કાગળ (ગીત)





રસ્તે રઝળતો, 
આંધળી  માંનો  કાગળ (ગીત)



પ્રસિદ્ધ આદરણીય કવિશ્રીઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર ૮-૧૯૧૧ : જાન્યુઆરી ૧૦-૧૯૮૬)ના સાહિત્યમય ખજાનાનું એક બહુમૂલ્ય રત્ન એટલે `આંધળી માંનો કાગળ`. જે ગીત દ્વારા, માર્ગ ભૂલેલા ઘણા દીકરાને, પોતાની વહાલી માતા પ્રત્યેના પ્રેમ તથા અહોભાવમાં અનેક ઘણો વધારો કરવા પ્રેરણા અર્પીને, માં-દીકરાના સંબંધને નવેસરથી દ્ગઢતા બક્ષવાનું પૂન્યકાર્ય કવિશ્રીએ કર્યું છે. આ રચનાથી પ્રેરાઈને દીકરાના જવાબરૂપે અનેક સુંદર રચના અગાઉ પ્રસ્તુત થઈ ચૂકી છે.જોકે, હવે જમાનો બદલાયો છે અને..!!

જમાનો બદલાયો છે સાથે, દેશ બદલાયા છે, વતન ભુલાયા છે અને ક્યાંક માતા સાથેના સંબંધ પણ..!! તેવામાં એક કલ્પના અનુસાર, કોઈએક દીકરો પેટિયું રળવા વિદેશની વાટ પકડીને, પોતાના વતનની માટી સાથેજ માંને પણ ભૂલી જાય છે અને વિદેશી ગોરી મેમના મોહમાં લપટાઈ,તેની સાથે લગ્ન કરી વિદેશને જ પોતાનો દેશ માને છે,એટલુંજ નહીં પરંતુ, દેશમાં દીકરાની યાદમાં, ફિકરમાં, દુઃખનાં આંસુ સારતી આંધળી માતાની પ્રાથમિક જીવન જરૂરિયાત કરતાં, મદમાં છકી ગયેલા દીકરાને ગોરી મેમની વૈભવી જીવન શૈલી વધારે વહાલી લાગે છે ત્યારે, પોતાની માતાએ પૂનમચંદના પાનિયા પાસે પાઠવેલા પત્રની કેવી અવદશા થાય છે,ઉપરાંત ઉદ્ધત દીકરો માતાના દર્દ ટપકતા કાગળનો કેવો ઉદ્ધતાઈભર્યો જવાબ પાઠવે છે, તે સર્વનું વર્ણન કરતી એક રચના અત્રે પ્રસ્તુત કરું છું.આશા છે આપને જરૂર ગમશે.


નોંધ.- પૂજ્ય શ્રીઇન્દુલાલ ગાંધીસાહેબની ક્ષમાયાચના સાથે ઉમેરવાનુંકે, આ ગીતકાર તેઓશ્રીની ચરણરજ સમાન પણ નથી તેથી,આ ગીતની ઊણપને અવગણી, ગીતના ભાવને હ્રદયાંકિત કરવા,પાઠક મિત્રોને નમ્ર વિનંતી છે.

માર્કંડ દવે.

======



માં- 
અમૃત   ભરેલું   અંતર  જેનું, સાગર  જેવડું સત્, 
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે; 
ગીગુભાઇ નાગજી નામે.

======

ગીતકાર-
વિદેશ જઈને વસીયો વળી, છકી ગયો માંગણ,
ઘેલો  થઈને, મેમની વાંહે, ભૂલી ગયો બચપણ,
ધાવણની    ધાર    લજાવે, 
ગીગુ  નવા `ગૅટ`ને  નામે..!!

======

માતા- 
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની  એક  ચબરખી  પણ, તને મળી નથી ભાઇ!
સમાચાર સાંભળી તારા, 
રોવું મારે કેટલા દ્હાડા ? 

અંતરા-૧. 

દીકરો-
જાણજે   માડી, વિક   એન્ડમાં,  ખરચાઈ  પાઈ -પાઈ,
સંઘરું  જો  હું  કાગળ તારા, ખિજાય  છે  મેડમબાઈ..!!
ધર્માદિયું    ખાઈ     લેજે, 
જેમતેમ  નભવી  લેજે..!!

======

માતા-
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન    આખો  જાય  દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે, 
પાણી  જેમ પઇસા વેરે.

અંતરા-૨. 

દીકરો-
ભાણિયો ભૂંડું લખે કેમકે, કરજ મેં દીધું નહીં,
ડોલરિયા પરદેશે અહીંતો, કોઈ કોઈનું નહીં.
કરતી   શીદ  ચિંતા ઘણી, 
ગણતી જ્યાં આખરી ઘડી,

======

માતા-
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના    દોકડા    આપણે   કાઢશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખજે રૂડી, 
ગરીબની એ જ છે મૂડી.

અંતરા-૩. 

દીકરો-
હોટલિયું  ખાણું   કોઠે પડીયું, અહીંયાં આપોઆપ,
અહીં  તો  મોંઘા  સર્વન્ટ  કરે  છે,ગજવું કાપાકાપ.
મેડમ    ને  એલર્જી   ભારે,  
કિચનને  ગાંઠતી ક્યારે..!!

=======

માતા-
ખોરડું વેચ્યું ને  ખેતર વેચ્યું, કૂબામાં કર્યો  છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે  પકવાનનું ભાણું, 
મારે નિત જારનું ખાણું.

અંતરા-૪. 

દીકરો-
ખોરડું  ખરતું, ખેતર લૂટતું, કર્યો  તેં  ઠીક ઉપાય,
છાશથી કોઠો વીછળીશ તો,તન આ નહીં ગંધાય.
વાસમાં તું  ભલાશ લેજે, 
સૌની વ્હારે  ધાતી રે`જે.

======

માતા- 
દેખતી  તે  દી દળણાં - પાણી  કરતી  ઠામે ઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે  ગામ વીજળી દીવા, 
મારે આંહીં અંધારાં પીવાં.

અંતરા-૫. 

દીકરો-
માડી,તુંતો ફક્કડ ગિરધારી,તારે વળી  શાં કામ..!!
શાને    કૂટાતી   અંધારે    હવે, હરિનાં  લેવાં નામ.
દેશમાં   ક્યાં   છે  દીવા ?  
કાળાં   અંધારાં  પીવાં..!!

=====

માતા- 
લિખિતંગ  તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે  રહ્યું  નથી અંગનું ઢાંકણ, ખૂટી  છે  કોઠીએ જાર.
હવે   નથી   જીવવા  આરો, 
આવ્યો ભીખ માગવા વારો.

અંતરા-૬. 

ગીતકાર- 
રસ્તે  રઝળતો  દીઠો  મેં તો, કાગળ માં નો  બંધ..!!
વિદેશ વસતો માંગણ થઈ,  દેખતો  દીકરો  અંધ..!!
વિસરાઈ     હેત    સરવાણી, 
ભટકાઈ   કેવી  ભમરાળી..!! 

====

પ્રિય મિત્રો, નામાંકિત ગાયકશ્રી દ્વારા ગવાયેલ, આ ગીતનું સંગીતમય ઑડિયો-વિડીયો વર્ઝન ખૂબ ટૂંક સમયમાં રજૂ કરવા પ્રયત્નશીલ છું. 

આભારસહ, અસ્તુ.

માર્કંડ દવે.તા.૧૫-૧૨-૨૦૧૧.

6 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. વહાલા માર્કંડભાઈ,

    તમને વાંચવા.. મીત્ર હરનિશભાઈન હુકમ મુજબ..
    ‘આંધળી માના પત્ર’વાળું તમારું કાવ્ય વાંચ્યા પછી..

    મઝામાં ?

    ..ઉ.મ..


    From: harnish Jani

    Subject: Fw: Sandesh artical , read it.

    ઉત્તમભાઈ – પરદેશમાં રહેતા દીકરાઓ માટેના પત્રો લખતા શ્રી મારકંડભાઈને નીચેના સંદેશના સમાચાર મોકલી આપશો. મારા નામ સાથે– આભાર.

    Sandesh artical




    હરનિશ જાની

    ReplyDelete
  3. આદરણીય શ્રીઉત્તમભાઈ,આદરણીય શ્રીહરનીશભાઈ,

    મને લાગે છે, મારા ગીતે કોઈને દુભવ્યા છે..!! તો આગોતરી ક્ષમાયાચનાસહ,ઉમેરવાનુંકે, વિશ્વની કોઈ પણ ભાષામાં , કોઈપણ સ્વરૂપે અભિવ્યક્ત થતી રચનાઓ, સમાજમાં ઘટતા સારા-નરસા પ્રસંગને અનુસરીને, ત્યારબાદ તેમાં કેટલી કલ્પના-કેટલાક સત્યનો સહારો લઈને રચવામાં આવે છે. મારા અંગત મિત્રવર્તુળમાં, આ ગીતમાં દર્શાવેલ દુઃખદ બનાવ તાજેતરમાં ઘટ્યો છે અને કોઈ અખબારમાં આવેલ નથી. વધારે તો શું કહું..!!

    હું આદરણીય શ્રીહરનીશભાઈની કલમનો આપ સહુ જેટલો જ પરમ સમર્પિત આશિક છું, મને કોઈ સજા મળશે તો, અત્યંત નમ્રતાપૂર્વક આંખ-માથે ચઢાવીશ.

    આપ સર્વેને નવવર્ષની અનેકાનેક શુભકામનાસહ,ખૂબ-ખૂબ ધન્યવાદ.

    માર્કંડ દવે.

    ReplyDelete
  4. harnish Jani to me

    મિત્રો– લેખ મોકલવાનો ઉદ્દેશ કોઈ વીરોધ કરવાનો નથી.પરંતુ સ;દેશના લેખમાં મને માર્કંડભાઈની કવીતાનો વીરોધાભાશ દેખાયો.એટલે જ.

    હરનિશ જાની

    ReplyDelete
  5. પ્રિય મિત્રો,

    કદાચ, સમગ્ર બ્રહ્માંડમાં દૃષ્યમાન ગતિશીલતા, માનવમનની આવી વિરોધાભાસી,ખૂબી તથા ખામી ભરેલા વ્યવહારને કારણે જ હોઈ શકે..!!

    માર્કંડ દવે.

    ReplyDelete
  6. sanjay thorat

    It's really great my dear Markandbhai...

    Prabhu tamari kalam ne ane vichar ne vegvant rakhe...

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.