Sunday, July 22, 2012

અત્ર-તત્ર-સમસ્ત/ત્રસ્ત વાલી-વિદ્યા-વિદ્યાર્થી.


અત્ર-તત્ર-સમસ્ત/ત્રસ્ત વાલી-વિદ્યા-વિદ્યાર્થી.

न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते। 
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ।।  
અધ્યાય-૪/૩૮ - શ્રીમદ્ ભગવદ્ગીતા

અર્થ-આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી.એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાન્તઃકરણ થયેલો માનવી આપમેળે જ આત્મામાં પામે છે.  
======

પ્રિય મિત્રો, આજકાલ મોસમનો મિજાજ બદલાયો લાગે છે..! ક્યાંક વરસાદી કાળાં ડીબાંગ વાદળ તો ક્યાંક વરસાદી અમીછાંટણાંની સાથે ભીની થયેલી માટીની મીઠી-મીઠી સુગંધની સાથેજ, શાળાએ જવા પોતાનાં આયુધ સજાવી રહેલા વિદ્યાર્થીઓને બોનસ સ્વરૂપે નવાંનકોર પુસ્તકોની છપાઈની (શાહીની) એજ ઓળખીતી સુગંધ, સાથેજ જુઓને..! બાળકોને વેકેશનની અત્યંત વહાલી નિરાંત પર પણ, ફરી પાછાં ભણતરના ભારની ચિંતાનાં કાળાં ડીબાંગ વાદળ ઘેરાવાની શરૂઆત થઈ ગઈ છે. પોતાના સંતાનના (વર્તમાન) શારીરિક-માનસિક અને (ભવિષ્યમાં) આર્થિક ઉત્કર્ષને ધ્યાનમાં લઈને, ઇચ્છા-અનિચ્છાએ પોતાના ખિસાનો ભાર હળવો કરવા વાલીમિત્રો પણ, માનસિક-આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત, નર્સરી - જુ.કે.જી. - સિ.કે.જી.માં પોતાના વહાલસોયા દીકરા-દીકરીને પ્રથમવાર પોતાના ખોળા, ઘોડિયા તથા ઘરથી કલાકો સુધી અળગાં કરવાના વિચારે, અનેક માતાઓની આંખના પડળ તળેથી આંસુ નીતરવાની તૈયારીમાં છે ત્યારે, પીઠ પર ભણતરના ભાર સહિત લાદેલાં દફતરથી બેવડ વળીને ત્રસ્ત જણાતાં, ટિંગાટોળી કરીને શાળાના માર્ગે રીતસર ઢસડાતાં ટાબરિયાંની  અથવા રિક્ષામાં ઠાંસી-ઠાંસીને ઠાલવેલાં બાળકો ઉપરાંત, નાનકડી સાઈકલ કે મોપેડને નિર્બંધપણે રોડ પર આડાઅવળા દોડાવતા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુમાર-કન્યા કેપછી, કૉલેજમાં રોલો પાડવા ફૂલફટાક તૈયાર થઈને નીકળતા તરવરિયાં યુવા છાત્ર-છાત્રાઓની અનંત કથા તથા અંતે તે સહુના વાલીશ્રીઓના હ્રદયના એક ખૂણે ઘરબાયેલી, લાચારીભરી અસીમ વ્યથાના સાક્ષી બનવા ચાલો આપણે પણ, આજે મનને મક્કમ કરી તૈયાર થઈ જઈએ..! જોકે,વાલીશ્રીની વ્યથામાંથી કંડારાયેલી આ અત્યંત રસપ્રદ સત્ય ઘટનાને મમળાવીને, આ વ્યર્થ વ્યથા-કથા-લેખનો પ્રારંભ આપણે કરી શકીએ?

(શાળામાં આચાર્યશ્રીની કૅબિનનો દરવાજો `ધડીમ` અવાજ સાથે ખૂલ્યો અને ઉશ્કેરાયેલા વાલીશ્રીનો,પોતાના બાળક તથા એક વકીલ બહેન સાથે,આચાર્યશ્રીની કૅબિનમાં પ્રવેશ થયો.)
વાલીશ્રી-"ક્યાં ગયા મારા દીકરાના ક્લાસટીચર? મારા દીકરાને ટીચરે, એકસો `ઊઠબેસ` કરાવી. એને બિચારાને તાવ આવી ગયો. આજે તો એ ટીચર પર પોલીસ કેસ ઠોકી દઈશ..!"
આચાર્યશ્રી (વર્ગશિક્ષકશ્રીને)-"ગઈકાલે આ સાહેબના દીકરાને તમે સો ઊઠબેસ કરાવી હતી?"
વર્ગશિક્ષકશ્રી-"ના સાહેબ, ફક્ત દસ ઊઠબેસ કરાવી હતી.પૂછી જુઓ આખા વર્ગના વિદ્યાર્થીઓને..! અને સાહેબ, છેલ્લા એક પંદર દિવસથી તેણે ઘરકામ નથી કર્યું.આ બાબત વાલીશ્રીને જાણ કરતો પત્ર પણ બે દિવસ અગાઉ મેં પાઠવ્યો હતો. "
વાલીશ્રી-"મને કોઈ પત્ર નથી મળ્યો.આજે તો હું વકીલ લઈને આવ્યો છું તમારા પર કાયદેસર પગલાં લઈશ.તમે શું સમજો છો તમારા મનમાં..! મને ઓળખો છો? આ વોર્ડનો,`ફલાણા` પક્ષનો,  હું પ્રમુખ છું?"
વર્ગશિક્ષકશ્રીના ચહેરા પર ગભરાટ વ્યાપ્ત જોઈને હવે વકીલ બહેન ઉવાચ,"તમે જાણો છો,વિદ્યાર્થીને કોઈપણ શારીરિક શિક્ષા કરવી તે ફોજદારી ગુનો બને છે?"
આચાર્યશ્રી(વિદ્યાર્થીને)-"બેટા, સાહેબે તારા પપ્પાને આપવા, તને પત્ર આપ્યો હતો, તે ક્યાં છે?"
વિદ્યાર્થી (ગભરાઈને)-"સાહેબ,પપ્પાના મારની બીકથી, તે પત્ર મેં ફાડી નાંખ્યો હતો..!"
આચાર્યશ્રી-"કેમ સાહેબ,આપના દીકરાને આપ ઢોરમાર મારો છો?"
વાલીશ્રી-"અરે..! એનો બાપ છું, ગમે તે કરું, એમાં કોઈને શું?"
આચાર્યશ્રી-"બહેન, આપ તો કાયદો સુપેરે જાણો છો..! સંતાનને મારવા બદલ માતા-પિતાને  પણ સજા થાય? વિદ્યાર્થીના ઘડતરની જવાબદારી શું ગુરુની પણ નથી? મારા સાહેબ, આપને ગેરસમજ થઈ છે..! ખરો વાંક તો આ નાસમજ બાળકનો છે.આપે તેને શાંતિથી સમજાવવાની જરૂર છે અને વકીલ બહેનશ્રી, આપે પણ આવા કેસ હાથમાં લેતા પહેલાં સારી-નરસી બાબતો અંગે સમજદારી દાખવવાની જરૂર છે. આપની પાસે કેસ ઓછા હોય તો, મારા અત્યંત વ્યસ્ત વકીલ મિત્રોને ભલામણ કરી આપને આનાથી વધારે સારા કેસ અપાવતાં મને ખૂબ આનંદ થશે..! "
વકીલબહેન (વાલીશ્રીને)-" ભલા માણસ, ચાલો હવે, આચાર્યશ્રી સાચું કહે છે. તમારા બાળકના ભણતર-ઘડતરની ચિંતા કરવી ફોજદારી ગુનો હરગિજ નથી.તમે વાતનું વતેસર કરીને મને અહીં ક્યાં ફસાવી દીધી?  "
વાલીશ્રી (ભૂલ સમજાતાં)-"સાહેબ, આઈ એમ સોરી,મારી ભૂલ થઈ ગઈ..! અને હવે પછી મારો દીકરો સરખું ના ભણે તો, મારા આ ટેલિફોન નંબર પર મને જાણ કરશોતો આપની ઘણી મહેરબાની..!"
આચાર્યશ્રી-"ના ના, એમાં મહેરબાની શાની? પરંતુ, આપની ભૂલનું પ્રાયશ્ચિત કર્યા વગર આપને થોડા જ જવા દેવાય?"
વાલીશ્રી-"તો સાહેબ,એમ કરીએ..! અહીંની પ્રસિદ્ધ દુધની ડેરી જોવા માટે આપ કહેશો ત્યારે આપની શાળાના તમામ બાળકોને, મારા ખર્ચે, વ્યવસ્થા કરી આપીશ,બસ..!"
આચાર્યશ્રી-"આપ સાચી વાત સમજ્યા,તેનો મને આનંદ છે.આપનો ખૂબ-ખૂબ આભાર."

મિત્રો, આ સત્ય ઘટના બાબત આપનું શું માનવું છે? પોતાના સંતાન પર અપાર હેતને કારણે, તેની સાચી ખોટી ફરિયાદ પર, આંધળા વિશ્વાસ મૂકનારા દરેક વાલીશ્રીના જીવનકાળમાં ઉપર વર્ણવેલી ઘટના, થોડા ફેરફાર સાથે, એકાદવાર તો છેવટે ઘટી જ હશે?એક વાલી મિત્ર પોતાના સંતાનનું નાપાસનું રિઝલ્ટ જોઈને મણનો નિસાસો નાખતાં કહે છે, "હે ભગવાન, તેં આજના શિક્ષણની શી અધોગતિ કરી નાંખી છે..!" આ સાંભળીને, ઉપર વર્ણવેલ સત્યઘટનાવાળાં, અકારણ ફસાઈ ગયેલાં, પેલા વકીલબહેનની માફક ભગવાન, હવે વાલીભક્તને એમ કહેકે," એમાં મને શું કામ નાહક લપેટમાં લે છે ભાઈ, એ તો તમે ભેગા મળીને જેવું વાવ્યું તેવું તમે સૌ એ લણ્યું..!"  સ્વામીશ્રીવિવેકાનંદજીના મનનીય પુસ્તક,`જ્ઞાનયોગ`માં પૂ.સ્વામીશ્રી સ્પષ્ટતા કરે છે,"દુનિયામાંનું ઘણું દુઃખ માનવની ભૂતકાળની દુષ્ટતાનું જ ફળ છે.આ સિદ્ધાંત અનુસાર, માણસ જ બધાને માટે જવાબદાર છે.ઈશ્વરનો કશો દોષ નથી."

જો શિક્ષણ એ, સૃષ્ટિની ઉત્પત્તિથી આજદિન સુધી ચાલી આવતી, નિરંતર પ્રક્રિયા હોય તો, શું પુરાણકાળમાં કૃષ્ણ-સુદામા સમાન રાજા-રંકના સંતાનોના વાલીશ્રીઓ પણ, પોતાના સંતાનનું ઉપરાણું લઈને, આ પ્રકારે નાની-નાની બાબતોમાં, ગુરુકુળમાં તેમના ગુરુ પાસે દોડી જતા હતા? કદાપિ નહીં..! કારણકે, પુરાણકાળમાં ગુરુકુળના અધિષ્ઠાતા સમર્થ જ્ઞાની, તપસ્વી, ઋષિ-મુનિ-ગુરુજનો, શુદ્ધ-અશુદ્ધ જ્ઞાનના તફાવતથી યથાર્થ રૂપે જ્ઞાત હતા. જીવન માહાત્મ્ય,જ્ઞાન તથા ચર્યા,એમ ત્રણ વિભાગ ધરાવતા, ત્રિપુરારહસ્ય નામના તંત્રગ્રંથના જ્ઞાનખંડમાં શુદ્ધ જ્ઞાન તથા અશુદ્ધ જ્ઞાનની સમજ અત્યંત વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. આ તંત્રગ્રંથના જ્ઞાનખંડ અનુસાર, એકવાર શ્રીપરશુરામજીને જીવન પરત્વે વૈરાગ્ય ઉત્પન્ન થયો. કાંઈ ન સૂઝતાં, વિક્ષુબ્ધ મનઃસ્થિતિમાં, યોગ્ય માર્ગદર્શન મેળવવા કાજે, તેઓ પોતાના ગુરુ શ્રીદત્તાત્રય સંમુખ થયા. જ્યાં શ્રીપરશુરામજીના શુદ્ધ વેદ્ય(જ્ઞાન) પ્રાપ્તિના પ્રશ્નનો ઉત્તર આપતાં ગુરુ શ્રીદત્તાત્રયે બોધ આપ્યોકે,

"મનુષ્યના જીવનકાળમાં શુદ્ધ વેદ્ય(જ્ઞાન) પ્રાપ્તિના ઘણા પ્રસંગ અનાયાસ ઘટે છે. પરંતુ, મોહમાયાથી ગ્રસિત માનવને (ગુરુ-શિષ્યને) તેની સમજ ન હોવાથી તે જ્ઞાન સ્પષ્ટ થતું નથી. માત્ર સુક્ષ્મદૃષ્ટિવાળા ગુરુ-શિષ્ય જ તે શુદ્ધ જ્ઞાનનો સાર પામી શકે છે. આથીજ જગતમાં દૃશ્યમાન ભૌતિક હાનિકારક પદાર્થોની, શુદ્ધ જ્ઞાન સાથે કરવામાં આવેલી સંકરતા (ભેળસેળ) સદૈવ વિનાશકારી હોય છે."

કાષ્ટ-કાગળ-પથ્થર સ્વરૂપ સદ્ગુરુદેવ.

શ્રીભાગવતજી માહાત્મ્ય અનુસાર, "प्रयच्छति  गुरु  प्रीतो  वैकुण्ठं  योगिदुर्लभम् ।"  

અર્થાત્ - પ્રસન્ન થયેલા સદ્ગુરુદેવ જ યોગીઓને દુર્લભ એવા વૈકુંઠ ધામનું દાન કરી શકે. 

સદ્ગુરુદેવની સરળ વ્યાખ્યા તે, સારા ગુણવાળા શિક્ષક કે અધ્યાપક. જૈનધર્મના મતાનુસાર ગુરુ ત્રણ પ્રકારના છે. પ્રથમ ઉત્તમ કાષ્ઠ સ્વરૂપ ગુરુ એટલેકે, જેઓ જ્ઞાનાર્થીને  શુદ્ધ બોધ આપે. કંચન, કામિનીનો સર્વ ભાવથી ત્યાગ કરે. વિશુદ્ધ આહારપાણી લેતા હોય. અતિ ક્ષુધા, તૃષા, ગરમી, ઠંડી, લાભ, અલાભ, માન, અપમાન ઇત્યાદિ બાવીસ પરિષહને સમતાથી સહન કરતા હોય. શાંત, દાંત (દમનેંદ્રિય), નિરારંભી (પાપકારી વ્યાપાર નહિ કરનાર) અને જિતેંદ્રિય હોય. ગુરુધર્મ પાલન માટે જ માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય. કાયર ન હોય. સત્યોપદેશક હોય. બીજા મધ્યમ પ્રકારના ગુરુ તે કાગળ સ્વરૂપ છે. પોતે સંસાર સમુદ્ર તરી શકે નહિ તથા શિષ્યોને પણ તેઓ તારી શકે નહીં. ગુરુનો ત્રીજો અત્યંત હીન પ્રકાર તે પથ્થર સ્વરૂપ ગુરુ. આવા પથ્થર સ્વરૂપ ગુરુ પોતે પણ ડૂબે  અને પોતાના શિષ્યોને પણ ડુબાડે છે.પુરાણકાળના સતયુગી કાલ પ્રભાવના અંત સાથેજ, ઉત્તમ પ્રકારના કાષ્ઠ સ્વરૂપ ગુરુજન પણ અંતરધ્યાન થઈ ગયા. આજકાલ મધ્યમ પ્રકારના કાગળ સ્વરૂપ ગુરુ, કદાચ આંગળીના વેઢાની ગણતરીએ સ્થાપિત થઈ ગયા છે અને છેલ્લે, પથ્થર પ્રકારના હીન ગુરુની અમાપ સંખ્યા અંગે હાલમાં કોઈએ કાંઈ કહેવા જેવું રહ્યું નથી..!

શું આપ માનો છો કે, પૂજ્ય ગુરુશ્રીદત્તાત્રયે,શિષ્ય શ્રીપરશુરામજીને આપેલા અમૂલ્ય બોધમાં જ, વર્તમાન અશુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ કરાવતી, આજની  સડેલી શિક્ષણપ્રથા અંગેનો સઘળો મર્મ સમાયેલો છે? વર્તમાન કાળમાં, વાલીશ્રીઓની વ્યથા તથા વિદ્યાર્થીઓની શુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ અંગે ઉદાસીનતાની દર્દભરી કથાનું મૂળ કારણ, શિક્ષણધામમાં મની-મસલ્સ-પાવર-પોલિટિક્સની લલચાવનારી હાનિકારક મોહમાયાની ભૌતિક મહાજાળના અતૂટ તાણાવાણામાં અટવાઈને શુદ્ધ જ્ઞાન અત્યંત ખરાબ પ્રકારે ગૂંગળાઈ રહ્યું છે, તેજ હોઈ શકે..!

સન-૧૭૮૬માં કલકત્તા હાવડામાં શિવપુરનો બોટાનિકલ ગાર્ડન(વનસ્પતિ ઉદ્યાન) બનાવવામાંઆવ્યો હતો.તેમાં પશ્ચિમ આફ્રિકાના `તેલતાડ`ની એક`કરિફા ઈલાટા` જાતિનું તાડ છે. તેના પર ચાલીસ વર્ષે માત્ર એકજવાર ફૂલ આવે છે અને તેપણ, ફક્ત એકજ ફૂલ..!! માતાપિતા,વાલીશ્રીને માટે તેમનાં વિદ્યાર્થી સંતાન પણ આ દુર્લભ જાતિના તાડના વૃક્ષના તે એકજ ફૂલ સમાન છે જેના પર વર્ષોની મહેનત,તપશ્ચર્યા બાદ ફાઇનલ ડિગ્રી સ્વરૂપે સફળતાનું એકજ ફૂલ આવે છે..! જેના આધારે તે પોતાના માતાપિતા-વાલીશ્રી તથા પોતાના સમગ્ર કુટુંબને જરૂરી જીવનનિર્વાહ સાધન સાથે, અન્ય ભૌતિક સુખસગવડ ઊભી કરી આપીને આખરે પોતે પણ નિરાંતનો શ્વાસ લઈ શકે છે. પરંતુ, હંમેશાં જો આમ ન થાય તો? 

વાવીએ તેવું લણીએ.(વાલીશ્રીની વ્યથા.)

सा विद्या या विमुक्तये । 

અર્થ-અજ્ઞાનથી મુક્તિ અપાવી,પરબ્રહ્મને પ્રાપ્ત કરાવી શકે તેજ સાચી વિદ્યા.

થોડા દિવસ અગાઉ જ, એક વાલીમિત્રનો ફોન આવ્યો,"મારા ઘરમાં એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ધોરણ દસમાં પાસ થયેલી મારી દીકરી, તેને તાત્કાલિક ટૂવ્હીલર તથા લેટેસ્ટ મોબાઈલ ન અપાવું તો,અત્યંત ઝનૂનપૂર્વક આપઘાત કરવાની ધમકી આપે છે..! જો એણે ખરેખર એવું કોઈ પગલું ભર્યું તો? તમે તેને જરા સમજાવવાનો પ્રયત્ન કરશો?" 

જોકે, આવા સંતાનને કોણ સમજાવી શકે? આવા સંતાનનાં વાતેવાતે આત્મઘાતી ત્રાગાં બાદ યોગ્ય-અયોગ્ય બધીજ માંગણી તરત પૂરી કરવાની બાળપણથી પાડવામાં આવેલી નઠારી ટેવની સફળતાથી અંજાઈ ગયેલી બાલહઠનો ઉપાય તો કદાચ ઈશ્વર પાસે પણ હશે કે કેમ તેતો ઈશ્વર જ જાણે..! આમતો આ ગંભીર સમસ્યા, ઉપર દર્શાવેલા, એક વાલી મિત્રની એકલાની નથી. આખા દેશમાં આર્થિક તંગી અનુભવતા મધ્યમ-નીચલા મધ્યમ-ગરીબ-અત્યંત ગરીબ એવા દરેક ઘરની આવીજ વ્યથા-કથા છે. આપણા દેશને આઝાદી પ્રાપ્ત થયા બાદ, દેશમાં પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર-સ્નાતક-અનુસ્નાતક-ડિપ્લોમા-ડિગ્રી કોર્સ અને તે માટે સાયન્સ,મેડિકલ,લૉ,બિઝનેસ, કૉમ્પ્યૂટર્સ, ઍન્જિનિયરીંગ, માસકમ્યૂનિકેશન જેવી અનેક વિદ્યાશાખા ઉપરાંત, ડિસ્ટન્સ લર્નિંગ-ઓનલાઈન લર્નિંગની માન્ય-અમાન્ય અગણિત શિક્ષણસંસ્થાઓ, યુનિવર્સિટીઓનો માનોકે રાફડો ફાટ્યો છે. આ હિસાબે તો દરેક ઉજ્જ્વળ કારકિર્દી સ્વપ્નસેવી લાયક વિદ્યાર્થીને તેની મનગમતી વિદ્યાશાખામાં પ્રવેશથી વંચિત રહેવું ન જ પડે તેમ સરળતાથી સમજી શકાય. પરંતુ, અહીં ખાટલે મોટી ખોડ એ જ છેકે, મધ્યમ-નીચલા મધ્યમ તથા ગરીબ એવાં અનેક કુટુંબોને સામૂહિક આત્મઘાત તરફ દોરી જતી અને બદમાશીભરી કૃત્રિમ રીતરસમોથી, દિનરાત વધતી જતી આ કારમી મોંઘવારીને કારણે નાણાંના અભાવે, અનેક તેજસ્વી વિદ્યાર્થી આગળનો અભ્યાસ ત્યજીને,  કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થવા, નાનામોટા અણગમતા કાર્યમાં જોતરાઈ જાય છે. જીહા,આ એક અત્યંત કડવી પણ સત્ય બાબત છે. આજ કારણસર, સરકાર દ્વારા મફત શિક્ષણ ઉપરાંત, મફત પુસ્તકો,મફત સાઈકલ,મફત યુનિફોર્મ, મધ્યાન્હ ભોજન જેવી અનેક સગવડ આપવા છતાં,પ્રાથમિક ધોરણ-૧થી ધોરણ-સાત કે આઠ સુધીમાં સમગ્ર દેશમાં આશરે ૫૦% બાળકો અભ્યાસ ત્યજીને આજીવિકા રળવાના ઉદ્યમમાં લાગી જાય છે, લગભગ દરેક વિદ્યાશાખામાં વાર્ષિક પરીક્ષામાં આશરે ૪૦% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તથા આજ કારણસર, આજે ભારતની ૧૦૦+ કરોડ વસ્તીનો માત્ર ૫૦% હિસ્સો વાંચન ક્ષમતાને પાત્ર છે.

વિદ્યાર્થી-વાલીશ્રીને લાચાર-હતોત્સાહ કરતા પરિબળ. 

આમતો, આપણા ભારતીય બંધારણના આર્ટિકલ ૪૫ મુજબ, ચૌદ વર્ષની ઉંમર સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર સ્વીકારવામાં આવ્યો હોવા છતાં, ઉપર ટાંકેલા શ્રીભાગવતજીના શ્લોકના શુભાર્થનો મનગમતો અનર્થ કરીને, વર્તમાન કેટલાક ભ્રષ્ટ શિક્ષણધામોમાં, લાચારી ગ્રસિત સંતાનોના, અત્યંત નિર્ધન,વ્યથિત વાલીશ્રીઓએ, ગમેતેમ દુઃખ વેઠીને પણ, આપણા પ્રાતઃસ્મરણીય, ઘોર કલિયુગી કેટલાક પથ્થર સ્વરૂપ સદ્ગુરુદેવો(?)ને તગડા ડોનેશન દ્વારા કેવી રીતે પ્રસન્ન કરી, પોતાના સંતાન કાજે એક રાજાના કુંવરને છાજે તેવા ભવ્ય શિક્ષણસંકુલમાં (વૈકુંઠમાં?) યેનકેન પ્રકારે પ્રવેશ પ્રાપ્ત કરવો પડે છે તેતો હવે જગજાહેર બાબત છે..! 

" એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય."  -            આત્મસિદ્ધિશાસ્ત્ર.

જોકે, રાંક અને નૃપના ભેદને દૂર કરવા તથા સમતાવાદી સમાજ વ્યવસ્થા સ્થાપિત કરવાના શુભ ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા, ૪ ઑગસ્ટ ૨૦૦૯ના રોજ,  સંસદમાં `Right to Education Act (RTE)` પસાર કરવામાં આવ્યો છે. જે મુજબ, દરેક ખાનગી શિક્ષણસંસ્થામાં પણ ગરીબ ગેરલાભાર્થી વિદ્યાર્થીઓ માટે ૨૫% પ્રવેશ ફરજિયાત અનામત રાખી, તેવા ગેરલાભાર્થી વિદ્યાર્થીઓને સારી સુખસુવિધાપૂર્ણ, ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણવ્યવસ્થાનો લાભ આપવા કાયદેસર નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે, આવનાર પાંચ વર્ષના સમયગાળા માટે, કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં અધધધ કહેવાય તેટલા રૂ.૧૭૧,૦૦૦ કરોડ ની ફાળવણી કરવા સંમતિ દર્શાવી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે અનુક્રમે,  ૬૫% - ૩૫% ના અનુપાતથી નાણાંની વ્યવસ્થા કરવા પણ સહમતી દર્શાવી છે. આ ખરડો પસાર કરતી વેળા આપણા વડાપ્રધાનશ્રી મનમોહનસિંહે આ બિલનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યુંકે,"આપણા દેશનાં તમામ બાળકો લિંગભેદ,વર્ગભેદ,સામાજિક ભેદ અનુભવ્યા વગરજ, ઉચ્ચ ગુણવત્તાસભર મૂલ્ય આધારિત આવડત, જ્ઞાન પ્રાપ્ત કરીને, ભારતના જવાબદાર તથા સક્રિય ભાવી નાગરિક બની શકે તેવી, એકસમાન તક દરેકને પૂરી પાડવાનો આ બિલનો શુભ ઉદ્દેશ્ય છે."

હા, દૈનિક ફક્ત રૂ.૨૫-૫૦-૧૦૦ની આવકમાં કુટુંબનું ગુજરાન ચલાવતા, અસહ્ય મોંઘવારીથી વ્યથિત વાલીશ્રીઓનો તથા ગરીબ-ગેરલાભાર્થી વિદ્યાર્થીઓનો આર્તનાદ સાંભળીને, આ `Right to Education Act (RTE)` યોજનાને સુદ્ધાં, રૂ.૩૫ લાખના ટોયલેટ્સમાં મહાલતા ભ્રષ્ટાચાર આકાંક્ષી મંત્રી-અમલદારશાહીની બૂરી નજરથી બચાવી, આપણા વડાપ્રધાનશ્રીનો આ સંકલ્પ ઈશ્વર નિર્વિઘ્ને સિદ્ધ કરે તેવી (વાંઝણી?) અપેક્ષા આપણાથી જરૂરથી કરી શકાય? ( કેન્દ્ર સરકારની સહાયથી શરૂ થયેલ વ્યવસાયલક્ષી પ્રવાહમાં ભૂતિયા વિદ્યાર્થી કૌભાંડ યાદ છેને?) 

કેન્દ્ર તથા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છાશવારે અમલમાં મૂકાતા તઘલખી નિર્ણય સમા અસ્પષ્ટ પરિપત્રો અને તેમાં વળી પાછા અગણિત સુધારા, ફ્લૉપ યોજનાઓ, અણઘડ આયોજનો, ક્યાંક તાલીમી શિક્ષકોનો અભાવ, તોવળી ક્યાંક તાલીમ પામેલા હજારો ફાજલ શિક્ષકોને અનેક વર્ષો સુધી ઘેર બેસાડીને અપાતાં તગડાં વેતન..! એકમેક ધોરણને તથા વિદ્યાશાખાને પૂર્વાપર સંબંધ ન હોય તેવા સંદિગ્ધ, જીવન-વ્યવહાર નિરુપયોગી,   માત્ર ગોખણપટ્ટીને ઉત્તેજન આપતા, પરીક્ષાલક્ષી, કંટાળાજનક તથા ભ્રષ્ટ વહાલાંદવલાં, લાગતાવળગતાને આર્થિક લાભ અપાવવા, યોગ્ય કારણ વગર અવારનવાર બદલાયા કરતા અભ્યાસક્રમ તથા મોંઘાં પાઠ્યપુસ્તકોને કારણે, આજે વાલીશ્રીઓ અત્યંત મૂંઝવણમાં છે અને સાચું શિક્ષણ તથા તેને ખરા દિલથી સેવનાર તેજસ્વી વિદ્યાર્થી ઉદાસીની ગર્તામાં ખૂબ ઊંડે સુધી ગરકાવ થઈ ગયો છે. જોકે ત્યારે પણ, આવી કપરી પરિસ્થિતિમાં, પેટે પાટા બાંધીને સંતાનને ઉચ્ચ અભ્યાસ કરાવતા અથવા જાતમહેનતથી ઉચ્ચ અભ્યાસ કરીને કુટુંબ,સમાજ,દેશનું નામ દેશ-વિદેશમાં રોશન કરનારા ડૉક્ટર્સ, ઍન્જિનિયર્સ, સાયન્ટિસ્ટ્સ એવા સર્વે જણને આપણે શત-શત સલામ અવશ્ય કરવા જોઈએ.

ઉન્નતિશીલ દૃષ્ટિકોણ+શિક્ષા ગુણવત્તા વ્યવસ્થાપન.

આપણી શિક્ષણસંસ્થાઓમાં,શિક્ષકો,અધ્યાપકો,વિદ્યાર્થીઓ દ્વારા, આજે જ્યારે નેટજગત દ્વારા વિશ્વભરમાં ફેલાયેલી માહિતીના અમૂલ્ય ખજાનાનો નહિવત્ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે, વિશ્વના સાવ એક ખૂણામાં આવેલા, માત્ર ૫૪,૬૬,૦૦૯ની વસ્તી ધરાવતા `સ્ટેટિસ્ટિકલ રિજિયન ઑફ સર્બિયા` ખાતે સન-૧૯૬૫માં સ્થાપિત ` The University of Nis`માં કુલ ૧૩ ફૅકલ્ટી,૧૫૦૦ અધ્યાપક અને લગભગ ૩૦,૦૦૦ વિદ્યાર્થી માટે આધુનિક, સાનુકૂળ શિક્ષણ ગુણવત્તા વ્યવસ્થાપન અમલમાં મૂકીને એક અનુકરણીય માળખું ગોઠવવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપ તેનો પ્રત્યેક વિદ્યાર્થી, સમસ્ત વિશ્વમાં અસરકારક,તુલનાત્મક, સ્પર્ધાત્મક સ્વતંત્ર સંસ્થારૂપે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યો છે. આ સંસ્થાએ અસરકારક શિક્ષણ ગુણવત્તા વ્યવસ્થાપન અમલમાં મૂકીને યુરોપિયન કમિશન દ્વારા નિર્ધારિત કરેલ `ECTS` આધારિત વર્ગીકરણ સિસ્ટિમ, અવિરત સંશોધન, શૈક્ષણિક નિષ્ણાત દ્વારા ઘડાયેલ અભ્યાસક્રમ,  વિદ્યાર્થીઓ દ્વારા ગુણવત્તા આકારણી તાલીમ, ગુણવત્તાસભર પાઠ્યપુસ્તક અને સંદર્ભ સાહિત્ય, અભ્યાસક્રમને સંલગ્ન પ્રકાશન પ્રવૃત્તિઓ, અદ્યતન ભૌતિક સાધનો, તાલીમી શિક્ષકો અને એસોસિયેટ્સ, કુશળ બિન શૈક્ષણિક સહાયકો, અનુભવી દ્વારા ઘડાયેલી શાસન પ્રક્રિયાઓ અને કાયમી શિક્ષણ સુધાર પ્રક્રિયા દ્વારા, સંસ્થાએ આ અદ્ભુત ચમત્કાર સર્જ્યો છે.

આ સંસ્થાના એક નિયમાનુસાર, ગુણવત્તા સુધારણા વ્યવસ્થાપનની ઉપર દર્શાવેલ તમામ પ્રક્રિયા માટે, શિક્ષણ ગુણવત્તા નિયંત્રણ ખાતરી માટે કમિશન, ECTS, ક્રેડિટ સંચય અને વિદ્યાર્થીને માફકસર વર્કલોડ માટે કમિશન, કાર્યક્ષમતા આકલન માટે અભ્યાસ એનાલિસિસ, સતત મોનીટરીંગ,તત્કાલ સુધારા અમલ અને સંશોધન નિયંત્રણ અંગે નિષ્ણાત વ્યક્તિઓનાં કમિશન નીમવામાં આવ્યાં છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને જરૂરી રોજિંદા શિક્ષણમાં વધારે સક્રિય કરવા માટે સર્જનાત્મકતા, રચનાત્મકતા અને હસ્તગત જ્ઞાન તથા કૌશલ્યસભર  સંયોજન બાબત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવે છે. અભ્યાસ કાર્યક્રમોની ગુણવત્તા,અધ્યાપન/શીખવાની પ્રક્રિયા ગુણવત્તા, સંશોધન અને વ્યાવસાયિક કામ ગુણવત્તા, શિક્ષકો અને સહયોગી ગુણવત્તા, વિદ્યાર્થી ગુણવત્તા, પાઠયપુસ્તકો, સાહિત્ય, પુસ્તકાલય, અને માહિતી સ્ત્રોત ગુણવત્તા, સુવિધાઓ અને સાધન ગુણવત્તા, વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે સરળ ધિરાણ ગુણવત્તા, સ્વયં મૂલ્યાંકન અને ગુણવત્તા-ચેકઅપ્સ માં વિદ્યાર્થીની સક્રિય સામેલગીરી,માનસશાસ્ત્રીય પદ્ધતિસર મોનીટરીંગ અને નિયમિત સમયાંતરે ગુણવત્તા ચકાસણી જેવી કાયમી વ્યવસ્થાએ સંસ્થાના વિદ્યાર્થીઓમાં અનેરી ચેતનાનો સંચાર કર્યો છે. ખૂબ લાંબા, હલકી ગુણવત્તા અને બિનકાર્યક્ષમ અભ્યાસક્રમ તથા અભ્યાસનાં કારણોનું સતત વિશ્લેષણ કરવામાં આવે છે. વાલીશ્રીઓ-વિદ્યાર્થીઓનાં સૂચનો અને ટીકાઓને આવકારી તેમની વ્યૂહરચનાઓ, ધારાધોરણ અને ગુણવત્તા ખાતરી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.આ સંસ્થા તથા વિશ્વભરમાં વખણાતી આવી અનેક નામાંકિત સંસ્થાઓમાં સહુથી આંખે ઊડીને વળગે તેવી એક બાબત હોય છે તે, શિક્ષણને જીવન ઘડતરનું મહત્વનું અંગ માનીને તે બાબતે ગુણવત્તાસભર શિક્ષણને સમર્પિત સાચા હ્રદયની સંપૂર્ણ નિયત-નિષ્ઠા.

જોકે, પ્રજાએ પરસેવો પાડીને ભરેલા કરવેરાના નાણાંનો ખર્ચ કરીને, આપણા દેશની શિક્ષણ ખાતાઓની ખાઈ બદેલી અમલદારશાહીને,વિશ્વભરમાં સ્થિત આવી અણમોલ સંસ્થાઓના `સુવ્યવસ્થા-સંચાલન`ના માળખાના ગહન અભ્યાસ કાજે, જો વિદેશ પ્રવાસે મોકલવામાં આવે તો કદાચ, ત્યાંથી વિદ્યાર્થી-વાલીશ્રીનું મહત્તમ (અ)હિત કેમ કરીને થાય તથા શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી વધારેમાં વધારે (અ)મૂલ્ય સૂચન (બંધ) કવરમાં કેવી રીતે મેળવી શકાય, તે જરૂરથી શીખીને પરત આવે તે નિઃશંક બાબત છે?

મહાજ્ઞાની ચાણક્ય કહે છે,"અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી." પરંતુ, આપણે સહુ અનુભવ નામના શિક્ષક પાસેથી જીવન ઉપયોગી કોઈ સારી બાબત શીખતા હોય તેમ ક્યારેય લાગતું નથી. તેથીજ, નિત્ય સવાર પડે છે, સાંજ પડે છે અને વ્યથિત વાલીશ્રી ઉચાટમાં તથા ઉદાસ-હતાશ વિદ્યાર્થી સારા ટકા મેળવવા ચિંતાની સળગતી પથારીમાં,સવારે સોનાનો સૂરજ ઊગવાની અમર આશાએ, આખીરાત આમતેમ પડખાં ઘસે છે? પોતાના સંતાનની ઉજ્જ્વળ કારકિર્દીની લાયમાં ડરેલો, ભયભીત વાલીશ્રી, પોતાના સંતાનને સારી શિક્ષણસંસ્થામાં(વૈકુંઠમાં?) પ્રવેશસ્થાન અપાવવા, હાથમાં દાનપેટી લઈને અનેક સંસ્થાઓનાં પગથિયાં ઘસતો ફરે છે. વિદ્યાર્થી પણ વર્ષોની કાળી મહેનત બાદ પ્રાપ્ત થનાર અર્થહીન માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટના બિનઉપયોગીપણાને જાણે અત્યારથી જ ઓળખી ગયો હોય તેમ, કૉલેજમાં પ્રવેશ થતાં-થતાં તો, પોતાની જીવનનૌકાના સ્વાસ્થ્યને માટે હાનિકારક હોય તેવા જીવલેણ વ્યસનનાં હલેસાં બનાવી,પોર્નોગ્રાફી(MMS)ના શઢને ખુલ્લા ફરકાવી, બેફિકરાઈભરી બેફામ સ્પીડથી, નજર સામે દેખાતા નિષ્ફળતાના કાળમીંઢ ખડકોને અથડાઈને પોતાના સ્વપ્નને ચૂર-ચૂર કરવાની હારાકીરીના માર્ગે ધસતો હોય તેમ ભાસે છે?

મિત્રો, આ ગંભીર ચિંતાજનક પરિસ્થિતિનો કોઈ ઉપાય છે ખરો? હાસ્તો, છેજ વળી..! આવી પરિસ્થિતિમાંથી ઊગરવા કાજે, અત્યારે સહુથી વધારે જરૂર છે, સ્વયં આત્મ જાગૃતિની. ભગવાને ભલે આપણને`યદા-યદા હી ધર્મસ્ય..!`નું આશ્વાસન આપ્યું હોય પરંતુ, જ્યાં સુધી સારી શિક્ષણસંથાઓ-શિક્ષણજગતના સિદ્ધાંતવાદી-નિષ્ણાત પ્રહરીઓ, વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓની ભીતર, વર્તમાન સડેલી શિક્ષણવ્યવસ્થામાં ઉચ્ચ કક્ષાની ગુણવત્તાના પુનઃસ્થાપન માટે પ્રચંડ ઝનૂન જાગૃત નહીં થાય ત્યાં સુધી, આમજ ચાલતું રહેશે..!

જોકે, મને તો શ્રદ્ધા છે, આ માસની પાંચમી જૂને, સૂર્ય પર શુક્રએ ભલે ચઢાઈ (ગ્રહણ) કરી હોય અથવા હવે ભલે આ ઘટના ફરીથી ૨૧૧૭માં (૧૦૫ વર્ષ બાદ) ઘટવાની હોય પરંતુ શુક્ર, સૂર્યને ક્યારેય સમૂચો ઢાંકી શકવાનો નથી,તેજ પ્રકારે સત્ય તો એજ છેકે, સૂર્ય સમાન  દેદીપ્યમાન જ્ઞાનપ્રકાશના ઝળાંહળાં  તેજને, શિક્ષણ જગતમાં ઘૂસી ગયેલા કેટલાક દુષ્ટ માનવોની દુષ્ટતા ક્યારેય નષ્ટ કરી શકવાની નથી.

વહાલા, વાલીશ્રી-વિદ્યાર્થી મિત્રો, આપનું શું માનવું છે?

માર્કંડ દવે.તા.૧૧-જૂન-૨૦૧૨.





1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.