Friday, September 14, 2012

ચાલ ભૈ ગુટખા, કેન્સર-કૅન્સલ રમીએ?


ચાલ  ભૈ  ગુટખા, કેન્સર-કૅન્સલ  રમીએ?

"As I do every day to see you one of two things: build health or produce disease in yourself."

- Adelle Davis (An American author and nutritionist.1904-74)

====== 

પ્રિય મિત્રો,

માનવીનું મન અકળ છે.માતાના ગર્ભમાં નવ માસ સુધી ધીરજ ધર્યા બાદ,જે દુનિયામાં ઈશ્વર કૃપાથી શ્વાસ લેવાની તક પ્રાપ્ત થાય છે,તે શ્વાસને તકલીફમાં મૂકતા વ્યસન નામના દૈત્યને ગળે આલિંગન કરતાં, આ નાસમજ માનવીને, નવ સેકંડ પણ લાગતી નથી..! 

ગુટખાના પેકેટ પર લખેલી કાનૂની ચેતવણીને અવગણીને, નિર્વ્યસની મિત્રોને પોતાની વ્યસન-જમાતમાં ભેળવવા કાજે સદાય આતુર રહેતા, આવા જ અમારા એક અઠંગ ગુટખા પ્રેમી મિત્ર, સન-૧૯૭૭ માં રીલીઝ થયેલ ગુજરાતી સફળ ફિલ્મ"કુલવધૂ" ના, શ્રીબરકત વિરાણી`બેફામ` સાહેબે રચેલા તથા સ્વ.કિશોરકુમારે ગાયેલા પ્રસિદ્ધ ગીત," ચાલતો રહેજે, જીવનની   વાટે, મંઝીલને માટે, વિસામો ન લેજે, ચાલતો રહેજે." જેવા ઉમદા શબ્દોને,શ્રીબેફામસાહેબની ક્ષમાયાચનાનું સૌજન્ય દાખવ્યા વગર શબ્દ બદલીને, પાનના ગલ્લે, ગુટખા ચાવી-ચાવીને બેસુરા થઈ ગયેલા અવાજે, કાયમ લલકારે છે," ચાવતો રહેજે, ગુટખાને ઘાટે, અવલમંજલ (કબર) કાજે, વિસામો  ન લેજે, ચાવતો રહેજે..!" હવે આ મિત્રને શું કહેવું? મહાભારત મહાકાવ્યમાં દુર્યોધન નિખાલસ નફ્ફટાઈપૂર્વક કહે છે, जानामि धर्मम् न च मे प्रवृत्ति: जानाम्यधर्मम् न च मे निर्वृत्ति: । અર્થાત્ - હું ધર્મ શું છે તે જાણું છું, પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી,હું અધર્મ શું છે તે પણ જાણું છું, પરંતુ તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. કદાચ, આપણા સહુમાં આવોજ એક દુર્યોધન વસે છે. જે તક મળતાં જ, નબળા મનના માનવીની ઇચ્છા શક્તિને કુંઠિત કરી નાંખી, શરીરનો કર્તવ્ય ધર્મ ભુલાવીને, તેને ગુટખા જેવાં વિવિધ વ્યસન દ્વારા વિનાશના માર્ગે દોરી જાય છે..!

જોકે, ઉપર દર્શાવેલા મિત્રએ રચેલા (?) કઢંગા ગીત,`ચાવતો રહેજે..!` તથા જીવલેણ ગુટખા, બેયને વાગોળવાની પશુપ્રવૃત્તિ પર અંકુશ મૂકવા, તાજેતરમાં જૂનાગઢ ખાતે, આપણા ૬૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન, મુખ્યમંત્રીશ્રીનરેન્દ્ર મોદીજીએ, ગુટખાભક્ત અઠંગ વ્યસની મિત્રોને જાણે, મોંકાણના સમાચાર આપતા હોય તેમ, આગામી ૧૧મી સપ્ટેમ્બર ૨૦૧૨થી સમગ્ર રાજ્યમાં ગુટખા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સંભળાવી દીધો. શ્રીમોદીજી કહે છેકે, "આપણા રાજ્યનું યુવાધન ગુટખા ચાવી-ચાવીને કેન્સરગ્રસ્ત થઈ જિંદગી બરબાદ કરી રહ્યું છે.બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ કરતાં કિંમતમાં ગુટખા મોંઘાં છે. લોકો ગુટખા ખાવા પાછળ તનમનધન ત્રણેય બરબાદ કરે છે."

શું આ વાત સાચી છે?

એકવાર એક લગ્નપ્રસંગે ગોરમહારાજ, ગુટખા ચાવતાં-ચાવતાં લગ્નવિધિ કરાવતા હતા ત્યારે, તેમને મારા એક મિત્રએ આ અનૈતિક બાબતે ટકોર કરતાં, જવાબમાં ગોરમહારાજે સંસ્કૃતનો સુપ્રસિદ્ધ શ્લોક લલકાર્યો અને સમજાવ્યું..! 

अतिथिर्यस्य भग्नाशो गृहात्प्रतिनिवर्तते ।
तस्मात्सुकृतं आदाय दुष्कृतं तु प्रयच्छति । । ६७.३३ । । 
(विष्णुस्मृतिः/सपषष्ठितमोऽध्यायः)

" પ્રિય યજમાનશ્રી,મને કન્યાપક્ષ તરફથી દાન સ્વરૂપે આજે ગુટખા નામનો મુખ-મહેમાન (અતિથિ) અનાયાસ પ્રાપ્ત થયેલ છે. શાસ્ત્ર અનુસાર, મારા મુખને આંગણેથી ગુટખા-અતિથિ નિરાશ થઈને પાછો ફરે તો,આ દાનવીર શ્રેષ્ઠનું પાપ મને મળે અને મારું સઘળું પૂન્ય તેમને મળે..!", ગોરમહારાજનું, ધડમાથાં વગરનું, આતે કેવું લોજિક..! મારા મિત્રએ મને ઇશારાથી પૂછ્યું.  છેવટે, મૂંઝાયેલા મિત્રના કાનમાં મેં સમજાવી દીધુંકે, "કન્યાના પિતાની ગુટખા ફૅક્ટરી છે,વાત ખ..ત..મ..!"    

દોસ્તો, ઉપર વર્ણવેલા ધડમાથાં વગરના લોજિકના હાસ્યાસ્પદ પ્રસંગની માફક, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે તેવા સમયે, રાજ્યની ગરીબ બહેનોને પોતાની માલિકીનાં (ચૂંટણીલક્ષી?) મકાન મફતમાં ઉપલબ્ધ કરાવી આપવાનાં (અત્યારે તો..!) કોરાં વચન સાથે, કોરાં ફોર્મ વહેંચનારા, વર્તમાન સરકારના કેટલાક વિરોધીઓના મતે, ગુટખા પરનો પ્રતિબંધ તે ચૂંટણીલક્ષી જાહેરાત છે? જોકે, મારા જેવા કેટલાય (અક્કલના ઇસ્કોતરા?) મિત્રોને એ વાત સમજાતી નથીકે, આ બહેનોને કદાચ મફતમાં ઘરનું ઘર તો મળે પરંતુ, તે  ઘરમાં, ઘરનો કોઈ સદસ્ય, ગુટખા જેવા કુવ્યસનને કારણે  કેન્સર જેવા ગંભીર રોગથી પીડાઈને, જિંદગીથી હાથ ધોઈ બેસે, ત્યારે આ માતાઓ-બહેનો, આવું માતમછાયું ઘર મફતમાં મેળવ્યાનો આનંદ કેટલા દિવસ માણી શકાશે અને કેન્સરની સારવાર ખર્ચમાં, તે ઘર પણ વેચાઈ નહીં જાય..! આ તે કેવો ધડમાથાં વગરનો અતાર્કિક વિરોધ..!

ખેર..! ઘણા બધા ગુટખાપ્રેમી મિત્રો, `ગુટખા`ને પ્રેમથી `માવો` પણ કહે છે ત્યારે, એ પણ જાણવા જેવું છેકે, `માવા`ને અંગ્રેજીમાં `Pith` કહે છે. એ વાત અલગ છેકે ગુટખાનો `Pith` કાયમ, `Pithless` એટલેકે `સત્ત્વહીન` હોય છે. વળી `Pith` શબ્દમાંથી `h` અક્ષર કાઢી નાંખવામાં આવે તો `Pit = શરીરની ચામડી પર પડેલું ચાંદું.(કેન્સર?)`  એમ અર્થ થાય છે. એટલુંજ નહીં, જો `Pit` શબ્દની સાથે `y` જોડવામાં આવે તો, `Pity = દયાભાવ અથવા અફસોસનું કારણ.` એવો અર્થ થાય છે. હવે ગુટખાના પેકેટ ઉપરાંત, શબ્દકોશમાં પણ આટલી સખત ચેતવણી આપેલી હોવા છતાંય, કોઈને વ્યસન વહાલું લાગતું હોય તો, ઉપર આસમાનની તથા નીચે ગુજરાતની સરકાર આવા વ્યસનીઓને કેવીરીતે તથા કેટલી મદદરૂપ થઈ શકે તે એક પ્રાણપ્રશ્ન છે..!  

ગોવિંદ વ્યસન ડાહ્યે ન છાજે, નરક તો કર્યું વ્યસની કાજે. - ગોવિંદરામ.

જોકે, ગુજરાતના ઘણા બધા સમજદાર નાગરિકોના મત અનુસાર, ગુટખા તથા તમાકુના ઉત્પાદન પર આવી રહેલો પ્રતિબંધ, એક સરાહનીય કદમ  છે. એકવાર કોઈ વ્યસનના ગુલામ બન્યા બાદ,તેમાંથી સાંગોપાંગ બહાર આવવું કેટલું કઠિન છે તે બાબત તો, જીવલેણ વ્યસનનો  કોઈ અઠંગ વ્યસની જ વધુ  સારી રીતે સમજાવી શકે..!

તમાકુનું ઉત્પાદન અને ગુજરાત.

મહાભારતના શાંતિ પર્વમાં આપદ ધર્મ પ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણે, કૌરવ-પાંડવ ધર્મયુદ્ધ સમાપ્ત થયા બાદ, બાણશય્યા પર પોઢેલા તથા ઇચ્છામૃત્યુને વરેલા, ભીષ્મ પિતામહ પાસે રાજનીતિનું જ્ઞાન પ્રાપ્ત કરવા જ્યારે ધર્મરાજ પહોંચ્યા ત્યારે ભીષ્મ પિતામહે, યુધિષ્ઠિરજીને જ્ઞાન આપતાં કહ્યુંકે, "કલિયુગનો પ્રારંભ થઈ ગયો છે અને હવે આ કલિયુગમાં તારી સત્તાને  વેરવિખેર કરવા માટે અનેક વિઘ્ન સંતોષીઓ, ઈર્ષાળુ દુશ્મનો પેદા થશે. આથી સમય આવ્યે દુશ્મન ને મારી નાખવો પરંતુ, દુશ્મનને માર્યાની બડાઈ મારવી નહીં.આ વાત તદ્દન ખાનગી રાખવી તથા મૃત દુશ્મનનાં  કુટુંબીઓને આશ્વાસન આપવા જઈને, ત્યાં દારુણ આક્રંદ કરી તેની શ્મશાનયાત્રામાં પણ સામેલ થવું..!"

ખરેખર, કેટલો સચોટ ઉપદેશ..! પરંતુ, દુઃખની વાત એ છેકે, આ હળાહળ કલિયુગમાં ભીષ્મ પિતામહના ઉપદેશને, કેટલાક (અધર્મરાજ) દુશ્મન સમાન વ્યસનીઓએ સાચા દિલથી આત્મસાત કરી લીધો છે. આ ઉપદેશને સુપેરે પચાવી જાણેલા મિત્રો (?) નબળા મનના મિત્રને, શરૂઆતમાં પોતાના ખર્ચે ચાખવાના બહાને, ગુટખા જેવા વ્યસન પર ચઢાવી દઈ તેને તનમનધનથી બરબાદ કરી, કેન્સર જેવા જીવલેણ રોગનો શિકાર બનાવે છે, `ના કરે નારાયણ` અને વ્યસનના રવાડે ચઢેલા મિત્રનું કેન્સર જેવા રોગથી અકાલ મૃત્યુ થાય તો, તેના સ્વજનોને સાંત્વના આપવા પહોંચી જઈ, તેમની શ્મશાન યાત્રામાં પણ ઉમળકાભેર ભાગ લેવા દોડી જાય છે? 

કદાચ, એટલે જ કેટલાક શાણા માનવીઓ કહે છેકે, "જે વ્યક્તિને તમે અન્ય તમામ પ્રકારે પરાસ્ત ન કરી શકો તેને સિફતપૂર્વક એકાદ વ્યસનના રવાડે ચઢાવી દો. તે આપોઆપ માર્ગમાંથી હટી જશે અથવા `વ્યસની-વ્યસની ભાઈ-ભાઈ` નાતે પરમ મિત્ર બની જશે..!"   આમ પણ,અર્થશાસ્ત્રના નિયમાનુસાર સિદ્ધ થયેલ નિતાંત સત્ય છેકે, જે વપરાશી વસ્તુઓ બજારમાં અત્યંત સરળતાથી ઉપલબ્ધ હોય તેના ઘણા બધા ગ્રાહક મળી આવે. વળી આ પણ, માનવ સ્વભાવ છેકે, બજાર હંમેશાં દેખાદેખી `ઘેટાચાલ`ને અનુસરે છે. કોઈપણ વ્યસન, શરૂઆતમાં ફક્ત ચાખવા-ચાટવા પૂરતું અને પછી નબળા મનની કોઈપણ વ્યક્તિને તેની કાયમી કુટેવનો ભોગ બનતાં વાર નથી લાગતી. એ પણ એક દુર્ભાગ્યપૂર્ણ સત્ય હકીકત છેકે, શાળાનાં નાસમજ, સગીર વયનાં, સાવ નાનાં બાળકો પણ, દેખાદેખી, અત્યંત ઝડપથી આવાં વ્યસનના ભોગ બનતાં જાય છે..!

મિત્રો, તમાકુનું ઉત્પાદન વિશ્વભરમાં અનેક સદીઓથી થઈ રહ્યું છે. ભારતમાં આશરે 3.5 કરોડ લોકો તમાકુના ખેતીકામમાં રોકાયેલા છે. વિશ્વભરમાં તમાકુ તથા તેની પ્રોડક્ટના ઉત્પાદન બાબતે, ચીનના પ્રથમ ક્રમ બાદ બીજા ક્રમે, આપણા દેશમાં હાલ આશરે ૫૭૨ મિલિયન (૧૦ મિલિયન=૧ કરોડ) કિલોગ્રામ તમાકુનું વાર્ષિક ઉત્પાદન થાય છે.આપણે સમગ્ર વિશ્વના લગભગ ૮૦ દેશોમાં આ તમાકુ તથા તેનાં ઉત્પાદનની નિકાસ કરીએ છે. નવાઈની વાત એ છેકે, આપણા દેશમાં કુલ ઉત્પાદનના આશરે ૪૮% તમાકુ હાનિકારક ગુટખા જેવી ચાવવાની પ્રોડક્ટ પાછળ વપરાય છે, બાકી બીડી, સિગરેટ બનાવવા વપરાય છે. 

જોકે, ગુજરાત પણ તમાકુ તથા તેની પ્રોડક્ટના ઉત્પાદન તથા વપરાશમાં પાછળ નથી. ગુજરાતમાં દર વર્ષે આશરે એક લાખ ટન તમાકુનું ઉત્પાદન થાય છે, જેનો ૮૦% જેટલો હિસ્સો ગુટખા જેવી પ્રોડક્ટ માટે વપરાશમાં લેવામાં આવે છે. આશા રાખી શકાય કે, ૧૧ સપ્ટેમ્બરથી અમલમાં આવનાર ગુટખા ઉત્પાદન-વેચાણ પ્રતિબંધથી, ગુજરાતના ખેડૂતભાઈઓ તમાકુનું વાવેતર કરતા પહેલાં સો વાર વિચાર કરશે? જરૂર કરશે..! આમ પણ, ગુજરાત ટૉબેકો મર્ચન્ટ એસોશિયેશનના એક અહેવાલ મુજબ, કપાસ,એરંડા,કેળાં તથા અન્ય શાકભાજી જેવા રોકડિયા પાકના ભાવમાં ભારે ઊછાળો આવવાથી તેનું વાવેતર  સન-૨૦૦૭-૦૮ થી વધ્યું છે તથા ગુજરાતમાં તમાકુના વાવેતરમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૫% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગુટખા પ્રતિબંધ કાયદાની અસરકારતા.

ગુજરાતમાં તાજેતરમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ લઠ્ઠાકાંડ બાદ, નશાબંધી કાયદામાં રહેલી છટકબારીઓ તથા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને કારણે, નશાબંધી કાનૂનમાં દરેક વિસ્તારના, કાયદાના રખેવાળ અધિકારીઓની જવાબદારી કાયમ કરી, જે પ્રકારે તેઓના ઉપર પણ સખત કાયદાકીય પગલાં લેવા અંગે કાયદો પસાર કરવામાં આવ્યો છે. તેજ પ્રકારે, બલ્કે તેનાથી પણ વધારે કડક કાયદો તથા પગલાં,`ગુટખા પ્રતિબંધ કાનૂન` માટે અમલમાં નહીં મૂકાય તો, આ કાયદો માત્ર કાગળ પર રહેવાનો તથા પ્રતિબંધ હાંસીને પાત્ર થશે, તેવા સવાલ જનતામાં ઊઠે તે સાવ સ્વાભાવિક છે? આ જવાબદારી કેવળ જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર નાંખીને હાથ ખંખેરી નાંખવાને બદલે, સમાજસેવાની રાત-દિન દુહાઈ દેતા અનેક જવાબદાર મહાનુભવો જેવાકે, જેતે વિસ્તારના અનેક સરકારી કર્મચારીઓ (દા.ત.તલાટી), પંચાયતના સભ્યો, નગરપાલિકાના નગરસેવકો, ધારાસભ્યો, શાળા-કૉલેજના સત્તાધીશની જવાબદારી પણ નક્કી કરવી વધારે હિતાવહ છે, નહિ તો ગુટખા પ્રતિબંધ કાનૂનને `ઊંટ કરે ઢેકા તો, માણસ કરે કાઠા` ન્યાય અનુસાર, બિનઅસરદાર બનતાં વાર નહીં લાગે..!

ગુટખાના એક વેપારી-વિતરક, મને કહે છેકે," ગુટખા પર પ્રતિબંધનો અમને અંદેશો હતો તેથી અમે `2 in 1` પાઉચ ઉત્પાદનની તૈયારી કરી રાખી છે. જેમ લોકો, તમાકુ તથા ચૂનો અલગ-અલગ વેચાતા લઈ મસળીને ચાવે છે. તેજ રીતે, એક પાઉચમાં તમાકુની ભૂકી અને બીજા પાઉચમાં તેનો મસાલો વેચાશે, જેથી કાયદાનો બાધ ન નડે..!" બોલો..! છેને માણસના કાઠા? આ ઉપરાંત પણ, દારૂબંધી હોવાછતાં જેમ, દારૂ નામના દૈત્યનાં દર્શન માટે વધારાની ફી ચૂકવી બ્લેકમાં `VIP` દૈત્યદર્શન થઈ શકે છે. તેજ પ્રમાણે, ગુટખાના બંધાણીઓને, તેનાં પાઉચ પણ બ્લેકમાં મળતા રહેવાની શક્યતાને નકારી શકાય નહીં..! વ્યસનીઓને તો ગુટખાની તમાકુની કિક (માનસિક ઉત્તેજના) ઉપરાંત, હવે તેમાં છાનેછપને કાનૂનભંગ કર્યાની બહાદુરીની થ્રિલ પણ ઉમેરાઈને ડબલ કિક અનુભવાશે? આમેય, કેન્દ્ર સરકારે જાહેર સ્થળોએ ધૂમ્રપાન નિષેધનો કાયદો ઘડ્યો હોવા છતાં, (આઇપીએલ દરમિયાન,રાજસ્થાન સ્ટેડિયમ ખાતે) પ્રાતઃસ્મરણીય શ્રીશ્રીશાહરૂખખાન જેવા સંતો-મહંતો, સિગરેટના ધુમાડા જાહેર સ્થાનમાં ઓકીને વટભેર દંડ ભરવામાં અનેરી શાન અનુભવે છે, તે જગજાહેર બાબત છે. 

ગુટખા તમાકુ અને કેન્સર જેવા રોગો.

મિત્રો, ટાટા મેમોરિયલ હૉસ્પિટલ-મુંબઈના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ.શ્રીદેવેન્દ્ર ચૌકરના મતે,"ગુટખા અને અન્ય ચાવવાની તમાકુના સેવનથી શરૂઆતમાં ગળા, લાળસ્ત્રાવ ગ્રંથીને નુકશાન થયા બાદ કંઠનાળ (Laryngeal) નું કેન્સર થાય છે." એ પણ સત્ય છેકે, ગુટખાના પ્લાસ્ટિકના પાઉચના કરોડો ટન કચરાને કારણે, ઘરતી પર પર્યાવરણને પણ ભારે નુકશાન થાય છે. તાજેતરમાં જ આ નુકશાનને અટકાવવા કાજે, નામદાર સુપ્રીમ કૉર્ટે ગુટખાના પાઉચમાં વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગ સામે પ્રતિબંધ લાદ્યો છે. 

શું આપ જાણો છો? ગુટખામાં વપરાતી ઉતરતી કક્ષાની ચીજવસ્તુ જેમકે, ચાવવાની તમાકુ, સોપારી તથા અન્ય સુગંધિત અખાદ્ય મસાલામાં કેન્સરને આમંત્રણ આપતું, `carcinogens=કાર્સિનજિન્સ` નામનું ઝેરી તત્વ, બીડી-સિગરેટ કરતાં ૩૦% વધુ પ્રમાણમાં સમાવિષ્ટ હોય છે, જે વ્યસનીના મોઢા-ગળાના પોલાણના ભાગે જ્યાં કાકડાના કોષોને ગંભીર નુકશાન પહોંચાડી છેવટે, કેન્સર જેવા જીવલેણ રોગમાં પરિણમે છે. વિશ્વભરમાં, દર વર્ષે ગુટકા જેવી ચાવવાની તમાકુના સેવનથી આશરે ૧.૩ અબજ લોકો અલગ-અલગ ૧૩ પ્રકારનાં વિવિધ કેન્સરથી  ગ્રસિત થઈને પીડાય  છે તથા દર વર્ષે ૧.૪૦ કરોડ માનવીઓ અકાલ મૃત્યુને વરે છે. માનવીના ગળામાં કાકડામાં કેન્સર થયા બાદ શરીરનાં અન્ય અંગો જેવાંકે, લોહીની નસો(કોરોનરી ધમની), જઠર, કિડની, જાતીય ક્ષમતા, બરોળ(Spleen),ફેફસાં, હ્રદય તથા ગુદા જેવાં અંગો પણ કાલાંતરે ખરાબ થઈ જાય છે. ગુટખા-કેન્સરના દર્દીને શરૂઆતમાં,ગળામાં દુખાવો, અવિરત ઉધરસ,ગળફામાં લોહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ, અંતે ગરદનના ભાગે કેન્સરની ગાંઠ ઉપસી આવે છે. વર્લ્ડ બેંક તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સર્વે મુજબ વિકાસશીલ દેશોમાં સન-૨૦૩૦ સુધીમાં ગુટખા જેવા ઉત્પાદનના સેવનથી દર વર્ષે કેન્સર જેવા રોગથી પીડાઈને, ૩૫ થી ૬૯ ની વયના આશરે દસ લાખ લોકો મૃત્યુનો ભોગ બનશે. જોકે, વિશ્વભરમાં,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC - INTERNATIONAL AGENCY FOR RESEARCH ON CANCER) દ્વારા દર વર્ષે,  તારીખ ૪ ફેબ્રુઆરીના દિને, `વિશ્વ કેન્સર દિવસ` મનાવી, લોકોને જીવલેણ કેન્સરના રોગથી ઉગારવાના નિષ્ઠાવંત પ્રયાસ કરવામાં આવે છે છતાં પણ, આપણા દેશમાં તમાકુ સંબંધિત રોગ અંગેનો સારવાર ખર્ચ, દર વર્ષે લગભગ ૨૭૦ અબજ રૂપિયા જેટલો છે. ભારતની કુલ વસ્તીના આશરે ૧૭% લોકો ગુટખા પ્રોડક્ટનું સેવન કરે છે ત્યારે, આપ જો ગુટખાનું સેવન કરતા હોવ તો સન-૨૦૩૦માં આપનાં તનમનધનને ભગવાન પણ બચાવી શકશે કે કેમ? તે ગંભીર શંકાનો વિષય છે..!

ગુટખાના વ્યસનથી છુટકારો શક્ય?

જીહા, ગુટખાના સેવનથી છુટકારો મેળવી શકાય છે. ગુટખાની બૂરી આદતથી છુટકારો મેળવવા માટે, દિવસના ૧૫-૨૦ ગુટખા ચાવી જતા તથા હવે છેલ્લા એક વર્ષથી ગુટખા સામે નજર પણ ન કરતા એક મજબૂત મનના મહાનુભવે જાત અનુભવથી સ્થાપિત કરેલા ઉપાયને, આપણે આજે ચાવી જઈ ગળે ઉતારવા પ્રયત્ન કરીશું? 

૧. શરૂમાં લત જલદી છૂટે તેમ ન લાગતું હોય તો, જેમાં નિકોટીનનું પ્રમાણ સાવ સામાન્ય હોય તે પસંદ કરો. 

૨. લત ટાળવા માટે, અન્ય કામમાં લાગી જઈને, તલપનો સમય સાચવી લો.

૩. ગમે તે થાય, મિત્રો કે મનના કહ્યાગરા બન્યા વગર ઇચ્છાશક્તિ મક્કમ રાખો.

૪. ગુટખાનો જથ્થો સાથે ન રાખો બલ્કે, તે સિવાય ગુટખાના પર્યાય તરીકે ઇલાયચી, સૂકા  આંબળા, તજ-લવિંગ જેવા પદાર્થને મોંઢામાં મમળાવો.

૫. ગુટખા સેવનની માત્રા દરરોજ, બાદમાં દર કલાકે, ધીમે-ધીમે ઓછી કરતા જાવ.

૬. પાઈનેપલ,ઓરેન્જ જેવાં ફળોનો જ્યૂસ તથા શક્ય તેટલાં અન્ય ફાયબરયુક્ત લીલાં શાકભાજી વધારે ખાવ જેથી પાચન સુધરતાં ગુટખાથી થયેલ નુકશાન સરભર થઈ શકે.

૭. ગુટખા ચાવીને જ્યાં ને ત્યાં થૂંકતી વખતે તમારી બગડતી છાપ તથા તે કારણે અવારનવાર થયેલા તમારા અપમાનની ઘટનાઓને હંમેશાં નજર સમક્ષ તાજી રાખો. 

૮. આટલા સચોટ પ્રયત્ન કરવા છતાં,ગુટખાનું સેવન ન છૂટતું લાગે તો વિના સંકોચે, ફેમિલી ડૉક્ટર કે મનોચિકિત્સકની સલાહ લેવામાં નાનમ ન અનુભવો.

૯. હિંમત ન હારો, ધીરજ રાખો. વર્ષોની વળગેલી આદતથી છુટકારો મેળવતાં કેટલાક દિવસ કે માસનો સમય લાગતો જ હોય છે.

૧૦. તમારી આસ્થાના ધર્મસ્થાન કે આદરપાત્ર સંત પાસે પ્રતિજ્ઞા કરી અથવા તમને અત્યંત વહાલી વ્યક્તિના (દાત.દીકરો-દીકરી-પત્ની-પ્રેમિકાના..!) સોગંદ લઈને આપ અવશ્ય વ્યસનમૂક્ત થઈ શકો છો. આ ઉપરાંત,તમારા વિસ્તારના ગુટખા વ્યસનમૂક્તિ અભિયાનમાં સક્રિય હિસ્સો લેવાનું શરૂ કરો.

મને ખાત્રી છે, આપ ગુટખાના વ્યસનમાંથી સાંગોપાંગ મુક્ત થયા બાદ, આપે આચરેલી ભયંકર મૂર્ખામી પર આપને જરૂર હસવું આવશે..! મિત્રો,  દરેક બાબતમાં સરકાર, નસીબ અથવા ભગવાનનો વાંક કાઢીને આપણે, આપણા મનને જુઠ્ઠો દિલાસો બંધાવીએ તે કેટલું યોગ્ય છે? સરકારે જનકલ્યાણ કાજે ઘડેલા સખત કાયદાઓ, દ્ગશ્ય-શ્રાવ્ય મીડિયા કે એકલદોકલ પત્રકાર મિત્રો દ્વારા, ચેતવણી સ્વરૂપે, સમયાંતરે સત્યનું દર્પણ ધરતા લેખ, તમાકુના ગુટખા જેવા દૈત્યને નાથવા માટે, પૂરતા ન જ હોઈ શકે. આથી, સમાજસેવાને વરેલી સંનિષ્ઠ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, માતા-પિતા,વાલીશ્રીઓ અને સહુથી વધારે તો દેખાદેખી ગુટખા જેવા વ્યસનની ચંગૂલમાં સપડાઈ જતા યુવાધન દ્વારા જ મક્કમતા દાખવવાની તાતી જરૂર છે. ભગવાને આપણને અમૂલ્ય માનવ દેહ, મનસ્વીપણું અપનાવી વેડફી નાંખીને, જાત તથા આપણા કુટુંબને પાયમાલ કરવા નથી આપ્યો તે સહુએ યાદ રાખવું ઘટે.

જોકે, મને ચંપકકાકા એક અળવીતરો સવાલ પૂછી રહ્યા છે,"દવેભાઈ, કાયદાના ઘડવૈયા તથા રખેવાળ તેવા અનેક અમલદારો,ધારાસભ્યો,મંત્રીશ્રીઓ તથા સંસદસભ્યો વગેરે તમામ લોકો ઘણીવાર પોતાની કારમાં ગુટખા પાઉચનાં બૉક્સ (carton) સાથે લઈને ફરતા જોવા મળે છે, તેમનું શું થશે..!"

મેં આવડ્યો તેવો જવાબ આપ્યો."ચંપકકાકા, આપણે સામાન્ય જનતાને, અસામાન્ય મૅસેજ આપી દઈએકે, જે લોકો વ્યસન છોડવાના વાંઝિયા પ્રયત્ન કરતા હોય તે દરમિયાન, ભારે હતાશાને કારણે, તેઓ જો આપણા પર ચિડાઈ જાય તો, આપણે સહેજ પણ માઠું નહીં લગાડવાનું..!" 

ચંપકકાકા ફરી ઉવાચ," જોજોને, આવા લોકો જ  જાહેરમાં ગુટખા ચાવશે અને ટીવીવાળા એમને કૅમેરામાં પકડી પાડશે. કમસે કમ આ નિડર-લીડર વ્યસનીઓનું  વ્યસન જલદી છૂટે તે વાતમાં માલ નથી..!"

હું તો ચૂપ થઈ ગયો પરંતુ,મારા અંતરમનમાં પરમપૂજ્ય આદ્યશ્રીશંકરાચાર્ય ભગવાનશ્રીએ પાઠવેલા મૂળ ઉપદેશ ને બદલે તેનું અપભ્રંશ વર્શન ગુંજતું રહ્યું..! 

મૂળ ઉપદેશઃ-

अंग   गलितं    पलितं  मुंडं, दशन   विहीनं  जातं  तुंडम् ।
वृध्धो  याति  गृहित्वा  दंडं, तदपि  न  मुंचत्याशा  पिंडम् ॥
भज   गोविंदम्, भज   गोविंदम्, भज  गोविंदम्,  मूढ़मते ॥

અપભ્રંશ વર્શન:- 

" અંગ ગલિતં પલિતં મુડં,દશન વિહીનં જાતં તુંડમ્ ।
વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડં,તદપિ ન મુંચતિ ગુટખા પિંડમ્ ॥
ત્યજ વ્યસનમ્, ત્યજ વ્યસનમ્, ત્યજ વ્યસનમ્, મૂઢમતે ॥"

આટલા પિષ્ટપેષણ પછી હવે, ચાલ ભૈ ગુટખા,કેન્સર-કૅન્સલ રમીએ? કારણકે, નિર્દોષ તથા નાનું જણાતું વ્યસન જ, તમામ પાપનું મૂળ છે..! `સબ કો સન્મતિ દે, હે ભગવાન.` અસ્તુ..!

માર્કંડ દવે. તા.૨૦-૦૮-૨૦૧૨.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.