Saturday, May 11, 2013

ધરા-ધરી-નારી વિણ અધૂરી જિંદગાની.


ધરા-ધરી-નારી વિણ અધૂરી જિંદગાની.

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता  ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला क्रिया ।।

અર્થાત્- જ્યાં નારીને પૂજા સમાન સન્માનવામાં આવે છે ત્યાં હંમેશાં દેવો નિવાસ કરે છે. જ્યાં તેમનું સન્માન નથી કરવામાં આવતું ત્યાં અન્ય સઘળી ક્રિયા વિફલ થઈ જાય છે. - મનુસ્મૃતિ.

પ્રિય મિત્રો, સાચું કહેજો, સવારે આંખ ખોલતાની સાથે ઘણા બધા પાઠક મિત્રોને પહેલાં શેની યાદ આવે? ઇગ્ઝેક્ટલી..! ચ્હા-કૉફી વગેરે..વગેરે..સ્ફૂર્તિદાયક પેયની, ખરું..ને? હવે એ જણાવો કે, જેઓને જાતે ચ્હા,કૉફી બનાવતાં ન આવડતું હોય અથવા સવાર-સવારમાં, ઊઠતાં સાથે પલંગમાં `બેડ ટી-Bed Tea` (કેપછી, Bad Tea?) ગટગટાવવાની પ્રબળ ઇચ્છા જાગે ત્યારે, તેમનો પહેલો સાદ, અત્યંત સ્ફૂર્તિથી, વિવિધ સ્વરૂપે, ઘરમાં આમતેમ ભાગદોડ કરતા, `નારી` નામના માનવ પ્રાણીના નામનો જ હોય..! ગરમાગરમ ચ્હા, કૉફી પીને પોતાના આખા દિવસને સુધારવાની ખેવના રાખનાર વ્યક્તિ પાસેથી, અત્યંત વહાલથી તૈયાર રાખેલી ચ્હા, કૉફીને છેક પથારી સુધી પહોંચાડનાર આ મહાશક્તિ નારી, દિવસ દરમિયાન સહુની પાસેથી શેની આશા-અપેક્ષા રાખે..! બિલકુલ બરાબર જવાબ છે, પ્રશંસાના બે શબ્દની. (આપે,આજે કરી?) 

જોકે,મને તો ઘણી વાર અનહદ આશ્ચર્ય થાય છે..! આટલી ઘર-કુટુંબ-સમાજ સમર્પિત નારી અંગે ચાણક્યએ શીદને ઘસાતા શબ્દ કહ્યા હશે..! શીદને, આશરે ત્રણહજાર વર્ષ પહેલાં, શ્રીતુલસીદાસજીએ રામાયણમાં નારીને પશુ સાથે સરખાવી `સબ હૈ તાડન કે અધિકારી` ગણી હશે..! કદાચ, સંત વચનના ગૂઢાર્થ આપણે પામી શકતા નથી તેથી અનેક ભ્રમ-વિવાદ ઉત્પન્ન થાય છે તે નિશ્ચિત છે. જેતે સમયકાળમાં, પુરુષપ્રધાન સમાજના અખંડ-પ્રચંડ આધિપત્યના પ્રભાવની અસર અનેક ટીકાકારોના વિચારો પર પડી હોય તે સંભવ છે. આખરે તો, તેઓ વિદ્વાન હોવા સાથે, માનવ સહજ નિર્બળતાઓના શિકાર પણ થયા હશે અથવા એક પ્રબળ શક્યતા એવી પણ છેકે, કાલાંતરે મૂળ રચના સાથે નિર્મમ ચેડાં થયાં હશે? જોકે, સંત કબીરજીના બોધવચન પ્રમાણે તો, 

जीवत  मिरतक  हो  रही, तन  मन  सेती  नेह ।
कहें  कबीर  ता  नारि  की, हम  चरनन  की  खेह ।।

અર્થાત્-આપણા જીવનના અભિન્ન અંગ સમાન નારી, જે ચૈતન્ય સ્વરૂપે પોતાના તન-મનની હયાતીમાં, પ્રેમ-સેવા-સમર્પણ દ્વારા જીવનમુક્તિને પ્રાપ્ત કરી ચૂકી છે તે નારીના ચરણોની આપણે સહુ ધૂળ-રજ સમાન છીએ. 

મિત્રો, એક આંતરરાષ્ટ્રિય સર્વે પ્રમાણે, વિશ્વના વિકાસશીલ દેશોની મહિલાઓના મુકાબલે, ભારતની ૮૨% મહિલાઓ પાસે પૂરતો આરામ કરવાનો સમય નથી તથા ૮૭% જેટલી મહિલાઓ તો ૨૪ કલાક ભય અને માનસિક તાણમાં જીવે છે. સ્વાભાવીક છે, આ કારણસર ભારતની મહિલાઓનું સ્વાસ્થ્ય, પુરુષોના મુકાબલે, વધારે ચિંતાજનક હદે પહોંચી ગયું છે. આમ પણ પુરુષ વર્ગ કરતાં નારીની ધીરજની કસોટી પ્રત્યેક ક્ષણ થતી હોય છે. આજની નારી ઘર,ઑફિસ,ખરીદી તથા સમાજની જવાબદારી નિભાવીને સાંજ પડે થાકી જાય પણ, સવાર થતાંજ તે પોતાની નવી અસીમ ઊર્જા અર્ચિત કરીને કામે  લાગે છે. તેથીજ તેને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે. આજના યુગમાં હવે નારી જ્યારે, મહાશક્તિ સ્વરૂપે જીવનના દરેક પાસાંઓ તથા ક્ષેત્રમાં પુરુષ સમોવડી સ્થાપિત થઈ ચૂકી છે ત્યારે, દરેક બાબત,`બાલ કી ખાલ કાઢનારા`, વિવેચક-ટીકાકારોના વ્યર્થ નારી વિરોધી વિચાર-તર્ક સાથે અનેક વિદ્વાન પાઠક મિત્રો સહમત ન જ થઈ શકે, તે બાબત પણ સ્પષ્ટ છે. 

ધરા-ધરી-ધુરા-નારી વિણ અધૂરી જિંદગાની.

જુઓને, આપણે પૃથ્વીને પણ અત્યંત લાડમાં ધરા અથવા ધરતીમાતા કહીએ છીએને..! સાથેજ, એ પણ માનીએ છે કે,પૃથ્વી પોતાની કલ્પિત ધરી પર,સહેજપણ થાક્યા વગર અવિરત ભ્રમણ કરી, આપણને મધુર રાત્રિની શાંત નીંદરની તક પૂરી પાડી, સહુનો દિવસભરનો થાક હણી લે છે. અત્રે, ધરી એટલેકે આધાર અને ધુરા એટલે એક જવાબદાર આગેવાનીના ગુણ જેનામાં સમાવિષ્ટ છે તેવી, નારી વિના પુરુષની જિંદગી સાવ અધૂરી હોય છે. આ ધરા પર નર પ્રાણીના કલ્યાણાર્થે, તેના જીવનરથની ધરી બની, જીવનના અંત સુધી, ધુરા (આગેવાની) સંભાળવા માટે જ ઈશ્વરે નારીનું સર્જન કર્યું હશે..! એવી કેટલીય પૌરાણિક કથાઓ છે જે પ્રમાણે,પ્રેમ તથા સેવાના પ્રતીક સમી નારીનો ખોળો ખૂંદવા સાક્ષાત્ ઈશ્વર પણ આતુર હોય તેમ વર્ણન કરવામાં આવ્યું છે. 

એક પ્રમાણ તો આ રહ્યું. પ્રાચીન  સપ્તર્ષિમાંના એક ઋષિ અત્રિનાં પત્ની મહાસતી અનસૂયાના સતીત્વની પરીક્ષા કરવા ઋષિના આશ્રમમાં, ત્રિદેવ-બ્રહ્મા,વિષ્ણુ,મહેશ, બ્રાહ્મણ યાચકનું રૂપ ધરી ભિક્ષાર્થે આવ્યા.જોકે, ભિક્ષા સ્વીકારતા અગાઉ ત્રણે દેવોએ શરત મૂકી કે, મહાસતી જો વસ્ત્રવિહીન અવસ્થામાં ભિક્ષા પ્રદાન કરે તોજ ભિક્ષા સ્વીકારશે અન્યથા ખાલી હાથે તેઓ પરત થશે. પોતાનો અતિથિ ધર્મ જાળવવા કાજે, મહાસતીએ પોતાના તપના બળે ત્રણે દેવોને સાવ નાના બાળ સ્વરૂપ બનાવી દીધા અને બાદમાં, એક માતા પોતાના સાવ નાના બાળક પાસે સંકોચ ન કરે તેમ, વસ્ત્રવિહીન અવસ્થામાં ત્રણે શિશુને ભિક્ષા પ્રદાન કરી. અનસૂયાનો એક અર્થ ઈર્ષા-દ્વેષવિહીન થાય છે આથી દેવી સરસ્વતીજી, લક્ષ્મીજી અને પાર્વતીજી દ્વારા, મહાસતી અનસૂયાજીની ક્ષમાયાચનાસહ પ્રાર્થના કરતાં ત્રિદેવોને ફરીથી મૂળ સ્વરૂપ આપ્યું. જોકે, સતીત્વની કસોટીમાંથી સફળતાપૂર્વક પસાર થવાને કારણે, સતી અનસૂયાજીને ત્રણે દેવોએ પ્રસન્ન થઈ ત્રણ પુત્રનું વરદાન આપ્યું.જે પુત્રો કાલાંતરે શ્રીદત્તાત્રેય(વિષ્ણુ), શ્રીચંન્દ્રાત્રિ (બ્રહ્મા) અને શ્રીકૃષ્ણાત્રિ (શિવ) તરીકે ઓળખાયા.આમ ઈશ્વરને પણ પૃથ્વી પર આવવાનું મન કરે, મહાસતીનો ખોળો ખૂંદવાનું મન કરે તે સામર્થ્ય જેનામાં છે તે મહાશક્તિ નારી છે. 

જોકે,કેટલાક વિવેચક(?) નારીને `અબળા-સબળા-પુરુષ સમોવડી` જેવા વિશેષણથી જ્યારે નવાજતા હોય છે ત્યારે, ઘણા પ્રબુદ્ધ વિદ્વાન મિત્રોએ હસવું કે રડવું તે જ તેઓને સમજાતું નથી..! કારણકે, જેમ પુરુષમાં તેની ખામીઓ-ખૂબીઓ છે તેમ, નારીને પણ તેમની ખામી કે ખૂબી સાથે સ્વીકારીને, નારીના અસ્તિત્વને જેમ છે તેમ અવસ્થામાં સન્માનવું તેજ જીવનદર્શનનો સાચો માર્ગ છે. આપણા સુપ્રસિદ્ધ કવિવર શ્રીસુંદરમજીના મતાનુસાર," મનુષ્યમાં જો દિવ્યતા ન સુતેલી હોત તો એના જેવો પાજી જીવ આ પૃથ્વી ઉપર શોધવાનું મુશ્કેલ બની રહેત." આપણે એનાથી એક ડગલું આગળ વધીને, એમ ચોક્કસ કહી શકીએકે," નરના મુકાબલે, નારીમાં આ દિવ્યતા સદૈવ જાગૃત હોય છે..!"

એક યુવા મિત્રએ, મને કહ્યું,"મારા ઘરમાં, મારા મમ્મી-પપ્પાના લાં..બા, લાં..બા ઝઘડા જોઈને, હું તો પરણવાનું જ માંડી વાળવાનો છું." મેં તેને સલાહ આપી," મિત્ર, તારે લાં..બું જીવવું છે?" તે થોડો મૂંઝાયો," કેમ..!" મેં કહ્યું," જો ભાઈ, કુંવારા કરતાં, પરણેલા પુરુષ વધારે લાંબું આયુષ્ય ભોગવે છે." (જોકે, લગ્નના અનુભવ બાદ, ઘણા પરિણીત પુરુષ, લાંબુ જીવન જીવવા રાજી હોતા નથી, તે સાચી વાત છે?) સાચી વાત તો એ છેકે, સ્ત્રી-પુરુષ વચ્ચે ઝઘડા થાય જ નહીં જો, ૧.તમામ સ્થળે,સ્ત્રીઓને આદર આપવામાં આવે. ૨.નારીને એક ગુલામ કે,ઘરમાં વગર પગારની બાઈ સમજવાનું બંધ કરવામાં આવે. ૩.નારી પરત્વે શુદ્ધ પ્રેમ તથા સાચી પ્રશંસા વ્યક્ત કરવાની તક જતી ન કરાય.  ૪. મિલિટરીમેન જેવો કડક સ્વભાવ ત્યજી, નારી સાથે બૉસપણું  ન કરવામાં આવે.

જોકે, એમ માનવામાં આવે છેકે, ઓગણીસમી સદીમાં નારીને, કેવળ એક ઉપભોક્તા તરીકે નિહાળીને, લે-વેચની વસ્તુ માનવામાં આવતી હતી. તે બાબતે. વિશ્વભરની કેટલીક જાગૃત,સાહસિક નારીઓએ વિરોધ કર્યો અને નારી સન્માનને સુપેરે સ્થાપિત કરવા, `વિશ્વ મહિલા દિવસ` મનાવવાનો ખ્યાલ તે  કારણે જ ઉદ્ભવ્યો.

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ.

મિત્રો, વિશ્વના સૃજનકર્તાનું અણમોલ સર્જન એટલે નારી. માતા-બહેન-પુત્રી-મિત્ર-પ્રિયા ઉપરાંત, કેટલાક નામ વગરના સ્નેહ સંબંધને સાચવીને નિભાવી જાણે, તેનું નામ છે નારી. વસંતે વધામણી સ્વરૂપ અને પાનખરમાં સધિયારા સ્વરૂપ, તેનું નામ છે નારી. જગતભરના `નર`ને જગન્નિયંતા નારાયણનું અણમોલ નજરાણું, તેનું નામ છે નારી. કદાચ આથીજ, નારી શક્તિના વિવિધ સ્વરૂપે પ્રગટ થયેલ અણમોલ પ્રેમ, સરલતા, સેવા, સમર્પણ, સહનશીલતા, દયા, કારુણ્ય, ક્ષમા, સરલતા, મિત્રતા જેવા, અનેક સદ્ગુણોને તથા નારીના અસ્તિત્વને-મહત્વને સન્માનવા કાજે, સમગ્ર વિશ્વમાં દર વર્ષના, માર્ચ માસની આઠમી તારીખે `આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ-INTERNATIONAL WOMEN`S DAY`ની ધામધૂમથી ઉજવણી કરી, સ્ત્રી શક્તિને બિરદાવવામાં આવે છે. 

ઐતિહાસિક તથ્યો અનુસાર,પ્રાચીન ગ્રીસમાં, ફ્રેંચ ક્રાંતિ દરમિયાન યુદ્ધ સમાપ્તિની માગણી સાથે સામાન્ય ગૃહિણીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. બાદમાં, તારીખ-૨૮ માર્ચ સન-૧૯૦૯માં `સૉશિયલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકા` દ્વારા સમગ્ર અમેરિકામાં મહિલાઓના સન્માન દિનનો વિચાર વહેતો થયો. જ્યારે,વિશ્વમાં સર્વપ્રથમ રાષ્ટ્રિય મહિલા સંમેલનનું આયોજન, સન-૧૯૧૦માં ડેન્માર્કના કૉપનહેગનમાં કરવામાં આવ્યું. સન-૧૯૧૭માં રશિયાની જાલિમ રાજાશાહી સામે જબરદસ્ત લોકક્રાંતિનાં મંડાણ થયાં અને અનેક ચળવળકારી મહિલા ક્રાંતિની આગેવાની સંભાળી લીધી. વિશ્વમાં મહિલા જાગૃતિનું આ ક્રાંતિને પણ એક મહત્વનું કારણ માનવામાં આવે છે.(Wikki.) 

જોકે, ત્યારબાદ તો દેશ,જાતિ,ભાષા,રાજનીતિ કે સાંસ્કૃતિક ભેદભાવ વિના,એક સાથે હળીમળીને પ્રત્યેક વર્ષના માર્ચ માસની આઠમી તારીખે, સમગ્ર વિશ્વની મહિલાઓ `આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ`મનાવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ, મહિલાઓને સમાન અધિકાર તથા તેમના હક્ક તથા સલામતીને કાજે કેટલીક નીતિઓ તથા માપદંડ નક્કી કર્યા છે. જે મુજબ, વિશ્વમાં કોઈપણ સમાજમાં ઉદ્ભવેલી સામાજિક,આર્થિક અને રાજનૈતિક સમસ્યાઓના ઉકેલમાં મહિલાઓની ભાગીદારી અતિ આવશ્યક છે.

આપણું ભારતીય બંધારણ પણ સાર્વભૌમત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોથી બંધાયેલું છે. આપણા દેશમાં કાયદા દ્વારા, દીકરી-દીકરાનો ભેદ અમાન્ય ગણીને, ભૃણ હત્યા વિરુદ્ધ કડક કાયદા કરવા ઉપરાંત, સ્થાવર-જંગમ મિલકતમાં પણ, મહિલાઓને સમાન હક્ક સાથે રક્ષણ આપવામાં આવ્યું છે. સમાજમાં શારીરિક, માનસિક, મૌખિક, જાતીય, આર્થિક, સાંસ્કૃતિક અથવા કૌટુંબિક સતામણી સામે, મહિલાઓની સુરક્ષા માટે `પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ધ ડૉમેસ્ટિક વાયલંસ એક્ટ-૨૦૦૫` ઘડવામાં આવ્યો હતો. જેમાં, તાજેતરમાં દિલ્હીમાં બનેલા ઘૃણિત બનાવ,`દામિની બલાત્કાર કેસ` બાદ બળાત્કારીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં ભભૂકી ઊઠેલા રોષને કારણે, કેન્દ્ર સરકારે સંવેદનશીલતા દાખવીને, જુના એક્ટની ખામીઓ દૂર કરી, તે કાયદો વધારે કડક બનાવવા માટે મજબૂર થવું પડ્યું, તે બાબત સમગ્ર સમાજ માટે આવકારદાયક કદમ છે. આમ પણ આપણા દેશના બંધારણમાં અનુચ્છેદ ૧૪-૧૮ પ્રમાણે સ્ત્રી-પુરુષ સર્વને સમાન હક્ક-અધિકારની ભાવના પ્રગટ કરીને, જૂની અપભ્રંશિત પૌરાણિક સાહિત્યમાં વર્ણવેલી અનેક માન્યતાઓનો છેદ મૂળમાંથી જ ઉખાડી નાંખવામાં આવ્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૫(૧) તથા ૧૫(૨) પ્રમાણે ઘર્મ,મૂળ,વંશ,જાતિ,જન્મ, સ્થાન,લિંગ (સ્ત્રી-પુરુષ)ના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ અમાન્ય રાખવામાં આવ્યો છે.એટલુંજ નહીં, તેમાં અનુચ્છેદ ૧૫(૩) મુજબ જે રાજ્યોમાં પરંપરા,રિવાજના નામે સ્ત્રીઓની સતામણી, બાલવિવાહ, વિધવાવિવાહ, દહેજ વગેરે અત્યાચારનું પ્રમાણ વધારે હોય ત્યાં સ્ત્રીઓનું શોષણ થતું અટકાવવા માટે વિશેષ પ્રબંધ તથા અતિરિક્ત કડક કાયદા દ્વારા સ્ત્રીઓને વિશેષાધિકાર સ્થાપિત કરવા ભલામણ કરવામાં આવી હોવા છતાં, દુઃખની બાબત એ છેકે, જ્યારે સન-૧૯૯૬માં બંધારણની ૭૩-૭૪મી કલમમાં સુધારો કરીને, દેશની પંચાયત-નગરપાલિકામાં મહિલાઓને ૩૩% અને ત્યારબાદ ૫૦% અનામત નિશ્ચિત કરવામાં આવી હતી તે સમયે જ,ચૂંટાયેલી સંયુક્ત મોરચા સરકાર દ્વારા, વિધાનસભા-સંસદમાં મહિલા અનામત બીલનો મુસદ્દો પણ ઘડવામાં આવ્યો હતો.પરંતુ, હવે જાણે, `જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે` કહેવતને ખોટી સાબિત કરવાનું સહુને ઝનૂન ઊપડ્યું હોય તેમ, આજદિન સુધી, પુરુષ આધિપત્ય ધરાવતી સંસદના દરેક સત્રમાં, એક યા બીજા બહાને, આ મુસદ્દાને અધ્ધર લટકતો રાખવામાં કેટલાક નારી વિરોધી તત્વ વારંવાર સફળ થયા કરે છે, તે આપણી લોકશાહી માટે એક સહુથી મોટું કલંક છે. આ સહુ સત્તાના રખેવાળ ઇરાદાપૂર્વક તે બાબત વીસરી ગયા છેકે, જો પૂ.કસ્તુરબાની હુંફ, પ્રેમ,સમર્પણ અને કુનેહ,પૂજ્ય.ગાંધી બાપુ સાથે ન હોત તો, આજે મહિલાનું સ્વમાન-સન્માન ઘવાય તેમ, એલફેલ બકવાસ કરતા, આવા કેટલાક તુંડમિજાજી સાંસદો સંસદમાં બિરાજમાન ન થયા હોત..! 

" Woman is the companion of man,gifted with equal mental capacity." Mahatma Gandhi.

જોકે,આ સાંસદોની આવી મહિલા વિરોધી માનસિકતા એ ખરેખર તો, કેવળ, પૂ.કસ્તુરબા જ નહીં પણ, દેશની આઝાદીમાં તનમનધન સમર્પિત કરીને,પોતાની જાન પણ ન્યોછાવર કરનાર પ્રત્યેક બહાદુર દેશભક્ત સન્નારીના અપમાન સમાન ગણી શકાય..! કદાચ, મહિલાઓ પરત્વે, આવા વિકૃત માનસ ધરાવનારાઓ  કહેવાતા રાજનેતાઓને નિહાળ્યા બાદ, આપણા એક પ્રાચીન કવિએ અકળાઈને કહ્યું હશેકે,

"જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં, શૂર,
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર."

ભારતમાં મહિલા દિવસની ઉજવણી.

આમતો, ભારતમાં પણ મહિલા દિવસની ઉજવણીની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે. સમાજમાં સેવા, શૂરવીરતા, રાજનીતિ, સંગીત, ફિલ્મ, સાહિત્ય, શિક્ષણ જેવા ક્ષેત્રમાં સમાજોત્થાનના અનેરા કાર્યો માટે મહિલાઓને સન્માનિત કરનારા અનેક કાર્યક્રમ, મહિલાઓ માટે જ્ઞાનવર્ધન શિબિર તથા જરૂરિયાતમંદ ગરીબ મહિલાઓને આર્થિક સહાય-મેળાનું આયોજન આ દિવસે કરવામાં આવે છે. આઝાદીના લગભગ ૬૦ દસક બાદ સરકારી-અર્ધસરકારી તથા અનેક સ્વૈચ્છિક એન.જી.ઓ. દ્વારા સતત સંનિષ્ઠ પ્રયત્નને કારણે, આધુનિક ભારતીય મહિલાઓએ લશ્કર, ઍરફોર્સ, પોલીસ, આઈ.ટી, ઍન્જિનિયરીંગ, તબીબી સેવા તથા શિક્ષણ જેવા મહત્વનાં ક્ષેત્રોમાં પણ નામના મેળવી હોવાના અનેક ઉદાહરણ સમાજમાં મોજૂદ છે. કદાચ, આજ કારણસર, હવે માતા-પિતા, દીકરા-દીકરીના લિંગ ભેદભાવમાંથી ધીરે-ધીરે મુક્ત થઈ રહ્યા છે. યુ.કે.ના સુપ્રસિદ્ધ વાર્તાકાર મિ.જૉસેફ કીપ્લીંગના (૧૮૬૫-૧૯૩૬) મતાનુસાર," નારીમાં નર કરતાં છઠ્ઠી ઈન્દ્રિય વધારે જાગ્રત હોવાને કારણે, નારીનાં અનુમાન, નર કરતાં વધારે સચોટ હોય છે." આપણા દેશની આવીજ કેટલીક સચોટ જાગ્રત છઠ્ઠી ઈન્દ્રિય ધરાવતી મહિલાઓએ સર કરેલાં શિખરોનાં આ રહ્યાં સચોટ ઉદાહરણ. * પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ- સુશ્રીકંચન ચૌધરી ભટ્ટાચાર્ય. * પ્રથમ મહિલા બૅરિસ્ટર- કોર્નલિઆ સોરાબજી * પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ ઑફ હાઈકોર્ટ- સુશ્રીલૈલા શેઠ * પ્રથમ મહિલા ઍર માર્શલ- સુશ્રી પી.બંદોપાધ્યાય * પ્રેસિડન્ટ ઑફ યુ.એન. જનરલ એસેમ્બલી- સુશ્રીવિજયાલક્ષ્મી પંડિત * પ્રથમ મહિલા તબીબ- સુશ્રીકાબંબીની ગાંગુલી * પ્રથમ મહિલા ઍરલાઈન પાયલટ-સુશ્રીદુર્ગા બેનરજી * પ્રથમ મહિલા મૂખ્યમંત્રી- સુશ્રીસુચેતા કૃપલાની (U.P.) * પ્રથમ મહિલા ગવર્નર- સુશ્રીસરોજીની નાયડુ (U.P.) * પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ-સુશ્રીપ્રતિભા પાટીલ * પ્રથમ મહિલા લોકસભા સ્પીકર- સુશ્રીમીરા કુમાર * માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા- સુશ્રીબચેન્દ્રી પાલ * પ્રથમ મહિલા પાયલટ- હરિતા કૌર દેઑલ * પ્રથમ મહિલા આઈ.એસ ઑફિસર-અન્ના રાજન જ્યોર્જ.   

આ ઉપરાંત, પ્રથમ મહિલા આઈ.એસ ઑફિસર કિરણ બેદીજી, સુશ્રીલતામંગેશકર, સ્વ.ઇંદિરા ગાંધી, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, સ્પેસ ભ્રમણ કરનાર સુશ્રીકલ્પના ચાવલા તથા વિદેશથી ભારતમાં આવીને અહીંના સમાજમાં દુધમાં સાકરની જેમ ભળી જઈ, દીનદુઃખીનાં આંસુ લૂછનાર આદરણીય નૉબલ પ્રાઈસ વિનર સ્વ.મધર ટૅરેસા તથા પોંડિચેરીના `ડિવાઈન મધર`, (પૂ.માતાજી) ને કેમ ભૂલાય..!

ગુજરાતમાં મહિલા સશક્તિકરણ.

"The fastest way to change society is to mobilize the women of the world."
CHARLES HABIB MALIK. (Lebanese philosopher and diplomat.)

ગુજરાતના ઉચ્ચ સંસ્કાર પ્રમાણે આદિકાલથી, સમગ્ર ગુજરાતી સમાજ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ હોવાને કારણે, અલગ ગુજરાત રાજ્યની સ્થાપના બાદ, સત્તા સ્થાને આવેલી દરેક સરકાર દ્વારા, ગુજરાતની મહિલાઓના કલ્યાણ અર્થે, અમલમાં મૂકાયેલા અનેક સફળ કાર્યક્રમોને કારણે, આજે આખા દેશમાં ગુજરાતી નારીનો પણ દરેક ક્ષેત્રમાં દબદબો જોવા મળે છે. ઉપર દર્શાવેલા મિ.ચાર્લ્સના કથનને, ચોથીવાર ગુજરાતના મૂખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા આપણા દીર્ઘદૃષ્ટા, શ્રીનરેન્દ્ર મોદીજીએ પણ આત્મસાત્ કર્યું છે. જે તેઓશ્રીના જાહેર વક્તવ્યમાં આપણને અવારનવાર સાંભળવા મળે છે.

સમાજમાં આર્થિક અને સામાજિક રીતે નબળી મહિલાઓના સર્વાંગી વિકાસના શુભ આશયથી તથા રાજયની મહિલાઓ સ્વાવલંબી બનીને પોતાના કુટુંબના આર્થિક વિકાસમાં સહયોગી બની શકે તે હેતુથી, માર્ચ ૧૯૮૧માં ભારતીય કંપની ધારા ૧૯૫૬, હેઠળ ગુજરાત `મહિલા આર્થિક વિકાસ નિગમ`ની રચના કરવામાં આવી છે.આ નિગમ દ્વારા મહિલાઓને રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહઉદ્યોગલક્ષી તકનીકી તાલીમ પૂરી પાડવામાં આવે છે. તાલીમ બાદ આ મહિલાઓને, ઉદ્યોગ, ધંધો કે વ્યવસાય શરૂ કરવા, આર્થિક સહાય માટે નેશનલ બેંકો સાથે સંપર્ક કરાવી આપવામાં આવે છે.

૧. ઘરદિવડા યોજના હેઠળ, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિયત કરેલ ૨૧૮ પ્રવૃતિઓની બેંકની લોન માટે, રાષ્ટ્રીયકૃત બેંકોને મહિલાઓને રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન સહાય કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ યોજના હેઠળ ધંધા માટે વિપુલ માત્રામાં સબસિડી પણ આપવામાં આવે છે. ૨. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી શોષિત મહિલાઓનું વ્યવસાયિ પુનર્વસન થાય તે કાજે, નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર, દેહ વિક્રય સાથે સંકળાયેલ મહિલાઓને `વ્યવસાયિ પુનર્વસન યોજના` અંતર્ગત, તે મહિલા સાથે કુટુંબના અન્ય સભ્યોને પણ આવરી લઈ, વિવિધ પ્રકારની વ્યવસાયિ અને કૌશલ્ય વિકાસલક્ષી તાલીમ અપાય છે. ૩. પ્રદર્શન સહ-વેચાણ- કુટીર, ગૃહઉદ્યોગ તેમજ અન્ય સ્વરોજગારલક્ષી પ્રવૃતિઓ કરતી ગ્રામ્ય અને શહેરી મહિલાઓની ઉત્પાદિત વસ્તુઓને યોગ્ય બજાર પુરુ પાડવા, રાજય તેમજ રાજય બહાર યોજાતા પ્રદર્શનમાં તેઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે વિના મૂલ્ય સ્ટૉલ ફાળવવામાં આવે છે.રાજય સરકાર દ્વારા દર વર્ષે રાજય સ્તરે એક તેમજ મોટા શહેરોમાં ચાર પ્રદર્શનસહ વેચાણ કાર્યકમો યોજાય છે. ૪. સામાન્ય તાલીમ અંતર્ગત ગરીબી રેખા હેઠળની ૧૮ થી ૩૫ વર્ષની વયની જરૂરીયાતમંદ મહિલાઓને પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃતિઓ માટે કૈાશલ્ય વિકાસની તાલીમ અપાય છે. ઉપરાંત,પ્રોત્સાહનરૂપે માસિક રૂા.૨૫૦ સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. ૫. મહિલા સશકિતકરણ કેન્દ્ર - રાજયની મહિલાઓના આર્થિક અને વ્યવસાયિ વિકાસલક્ષી પ્રવૃતિઓ એક સ્થળેથી થઈ શકે તેમાટે, મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા, અમદાવાદ,પાલડી ખાતે મહિલા સશકિતકરણ કેન્દ્ર ભવનનું નિર્માણ  કરી, આ કેન્દ્ર અંતર્ગત મહિલાઓના આર્થિક સશકિતકરણની સાથે-સાથે કાઉન્સલીંગ, તાલીમ, પ્લેસમેન્ટ, ડોકયુમેન્ટેશન જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. મહિલા સશકિતકરણ ભવનના બાંધકામ માટે બજેટમાં રૂા.૧૦૦.૦૦ લાખની જોગવાઈ કરાઈ છે.

આ ઉપરાંત, ગુજરાત સરકાર મહિલાઓ માટે મોબાઈલ હેલ્પલાઈન સહાયતા, આપાત મદદ બચાવ ટર્મિનલ, વધુ ૩૫૦૦ મહિલા પોલીસ કર્મીઓની ભરતી, દરેક જીલ્લામાં એક મહિલા પોલિસ સ્ટેશન સ્થાપીને મહિલાઓને ત્વરીત સુરક્ષા પ્રદાન કરવા કટિબદ્ધ છે. આથીજ, સમગ્ર દેશમાં મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત ક્યાંય હોય તો તે ગુજરાતમાં છે. મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરી ડામવા માટે, ગુજરાત સરકારે ત્રિપાંખિયો વ્યૂહ અપનાવ્યો હોવાથી તથા ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં એક પણ દિવસ કર્ફ્યૂ નાંખવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ ન હોવાને કારણે, ગુજરાતમાં સમગ્રતયા શાંતિપૂર્ણ વાતાવરણે ગુજરાતને માટે વિકાસનાં દ્વાર ખોલી, દેશ-વિદેશના અનેક મોટા ઔદ્યોગિક ગૃહોને નવા મૂડી રોકાણાર્થે આકર્ષ્યા છે.

મિત્રો, ગુજરાતની કેટલીક નોંધપાત્ર સફળ સન્માનનીય મહિલાઓના ઉલ્લેખ વિના આપણો આ લેખ અધૂરો ગણાશે. આ રહ્યાં કેટલાંક નામ- *પ્રથમ મહિલા ફોટોગ્રાફર- સ્વ. હોમાઈ વ્યારાવાલા * ન્યાયવિદ- સુશ્રીસુજ્ઞાબહેન ભટ્ટ * શાસ્ત્રીય નૃત્યાંગના- સુશ્રીમૃણાલિની સારાભાઈ * શિલ્પકાર - સુશ્રીજસુબહેન શિલ્પી * પ્રથમ નાટ્યવિદ કલાકાર- સુશ્રીઉર્મિલાબહેન ભટ્ટ * નેશનલ ફિલ્મ કલાકાર- સુશ્રીદીનાબહેન પાઠક-સુશ્રી સરિતા જોશી * માનવસેવા ભેખધારી- સ્વ.અનુબહેન ઠક્કર * સેવા સંસ્થાના સંસ્થાપક-સુશ્રીઈલાબહેન ભટ્ટ * પ્રસારણ જગતનો સિતારો- સુશ્રીવસુબહેન ભટ્ટ * સાહિત્ય સુશ્રી વિનોદિની નીલકંઠ * પ્રથમ લેફ્ટનન્ટ કર્નલ -સુશ્રીનિલાબહેન પંડિત * લોકગાયિકા - સુશ્રીદિવાળીબહેન ભીલ તથા અંતે સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષી- સુશ્રીઉષાબહેન મહેતા; સ્વ.મણિબહેન પટેલ (દીકરી-શ્રીસરદાર પટેલ) 

જ્યારે, ઘણા મિત્રો નરનારીને મજાક-મજાકમાં જીવનરથનાં બે પૈડાં સાથે સરખાવે ત્યારે, અત્રે ચોક્કસ એમ કહેવાનું મન થાય કે,  જીવનરથનાં બે પૈડાં તો પુરુષ+સંતાન જ હોઈ શકે. હા, આર્થિક, સામાજિક, શૈક્ષણિક તથા પશ્ચિમી સંસ્કાર પ્રભાવની ઊબડખાબડ ભૂમિ ઉપર, વારંવાર આડાઅવળા પછડાતા, કુટુંબમાં પુરુષ+સંતાન નામના બે પૈડાંને એકદમ સરળતાપૂર્વક, સંતુલિતપણે સતત ગતિશીલ રાખવા માટે, નિઃસ્વાર્થ પ્રેમનું ઊંજણ પૂરીને, પોતાની જાત ઘસી નાંખીને, જીવન રથના સર્વ ભારનું મૂંગા મોઢે વહન કરતી ધરી તેનું નામ નારી છે. જ્યારે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં ગર્ભમાં થતી સ્ત્રીભૃણ હત્યાનું પ્રમાણ વધવાને કારણે, સ્ત્રી-પુરુષનું પ્રમાણ ભયજનક રીતે ડામાડોળ થઈ ગયું છે, વળી આખો દેશ જ્યારે મોંઘવારી-આતંકવાદની સહિત અનેક ભયાવહ સમસ્યાઓથી ભડભડ સળગી રહ્યો છે. તેવા સંજોગોમાં, નારી વિહીન વિશ્વની કલ્પના માત્રથી કાંપી જવાય છે..! આ જ કારણે, નારીમાં સમાવિષ્ટ દિવ્યતાને આપણે જો `ખુદાઈ`(ઈશ્વરી શક્તિ) માનીએ તો, યોગાનુયોગ, આઠમી માર્ચના રોજ જાણીતા હિન્દી કવિ-શાયર શ્રીસાહિર લુધિયાનવીજીની જન્મજયંતી (૮-માર્ચ-૧૯૨૧) પણ હોવાથી, ફિલ્મ-`તાજમહાલ`માં(૧૯૬૩)તેઓએ રચેલા સુપ્રસિદ્ધ ગીતના શબ્દો અત્રે યાદ આવે છે. "જો વાદા કિયા વો નિભાના પડેગા. રોકે જમાના ચાહે, રોકે ખુદાઈ, તુમ કો આના પડેગા." 

હવે તાઃ ૮ માર્ચ ૨૦૧૩ના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ભલે ઉજવણી થાય. પરંતુ, સાચા અર્થમાં મહિલા દિવસની સાર્થકતા ત્યારેજ ગણાશે જ્યારે, દરેક મહિલા કોઈપણ પ્રકારની માનસિક તાણ અનુભવ્યા વગર આર્થિક, માનસિક, શારીરિક રીતે આત્મનિર્ભર, સંપૂર્ણ સુરક્ષિત તથા સ્વયં નિર્ણય લેવાની આઝાદી અનુભવશે. કોઈ બાળકીને ગર્ભમાં મારવામાં નહીં આવે. સ્ત્રીઓને દહેજ અથવા અન્ય કંકાસને કારણે જીવતી સળગાવી નહીં દેવાય.ઉપરાંત,સમગ્ર દેશમાં મહિલાઓના ક્રૂર બળાત્કાર દ્વારા તેમનું શોષણ નહીં કરાય. ટૂંકમાં, મહિલાઓને પણ માણસ સમજવામાં આવે. આમ થશે ત્યારેજ, બહેન-દીકરી-માતા-પત્ની કે અન્ય નારીનું હ્રદય ક્યારેય કકળતાં એમ નહીં બોલે, "अगले जन्म  मोहे  बिटिया  ना  कीजो । "

અને છેલ્લે, આજકાલ તો બેટરીથી ચાલતાં સસ્તાં ચાઇનીઝ રમકડાંઓના પ્રભાવમાં, જૂનાં માટી-લાકડાંનાં રમકડાં નામશેષ થઈ ગયાં છે. પરંતુ, જે મિત્રો બાળપણમાં જાતે, ભમરડાની `આર` (અણીદાર ખીલીની ધરી) બેસાડીને, ભમરડા પર દોરી લપેટી, ભમરડાને ઝૂ...મ્મ કરતાંને ફેરવવાની કળામાં પારંગત હશે, તેઓને એ પણ ખ્યાલ હશે કે, જો ભમરડાની આર એટલેકે ધરી વાંકી હોયતો ભમરડો રગડી જઈ, ફરે જ નહીં. ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાની, `બિગબોસ`માં જોવા મળેલી માથાભારે, `ગુલાબી ગેંગ`ની સ્થાપક સંપતદેવી સાથે જોડાઈને, આજની નારી પોતાના હાથમાં લાઠી ઉઠાવી, નારીઓનું સન્માન ન કરતા પુરુષ નામના `ભમરડા` ના `ભ` ઉપર જાલિમ, `હલ્લા બોલ` કરે તે પહેલાં તથા આટલું લાં..બુ પઠન કર્યા પછી, જો કોઈને એમ લાગેકે, આ લેખનું એકાદ વાક્ય પણ સત્ય છેતો ચાલો, કુટુંબરથની મહત્વની ધરી-નારી પરત્વે સન્માન દાખવવાની આપણા ઘરથીજ શરૂઆત કરીને, મહિલા દિનની ઊજવણીને સાચો અર્ઘ્ય આપવાનો આજે, અત્રે, આપણે સહુ દૃઢ સંકલ્પ કરીએ.

`તથાસ્તુ.`

માર્કંડ દવે.તા.૨૨-૦૨-૨૦૧૩.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.